જીવનની ખાટી મીઠી

નીલમ  હરીશ દોશી

દાદા..દિનકરભાઇ અને ચાર વરસનો પૌત્ર પર્વ બંને રોજ સવારે મંદિરે જાય , દાદાજી સવારે પર્વને મૂકવા સ્કૂલે જાય ત્યારે વચ્ચે મંદિર આવતું હોવાથી રોજ બિ મિનિટ દર્શન કરીને જવાનો નિયમ. અને દર રવિવારે તો પર્વ નિરાંતે મંદિરના પ્રાંગણમાં તેના જેવડા છોકરાઓ સાથે રમે અને દાદાજી બેંચ પર બેસી તેમનો નિર્ભેળ આનંદ માણે. કે કયારેક બધા દાદાજીને ઘેરી વળે અને ‘  દાદાજી વાર્તા. દાદાજી વાર્તા ‘ નો શોર મચાવી ઉઠે. અને દાદાજીની વાર્તાનો ખજાનો ખૂલે. અને છોકરાઓ ખુશખુશાલ. બાળકોની સંગાથે  દાદાજી પણ તેમનું શૈશવ ફરી એકવાર માણે. તેમના ખજાનામાં કયારેક વિજ્ઞાનની વાર્તાઓ હોય તો કયારેક ભગવાનની યે હોય તો કયારેક પરીઓની કે કયારેક જંગલની કે ચકા ચકીની યે હોય. દાદા પાસે વૈવિધ્યનો પાર નહીં. અને તેથી જ પર્વના દાદા બધા છોકરાઓના દાદા બની ગયા હતા. પર્વની જિજ્ઞાસાનો પાર નહીં. અને તેના પ્રશ્નોનો કદી અંત જ ન આવે. તેનું  ચંચળ મન જાતજાતના સવાલોથી ઉભરાતું હોય. અને દાદા કયારેય જવાબ દેતા ન થાકે. દરેક વસ્તુ માટે પર્વના મનમાં વિસ્મય છલકતું જ હોય. અને સદનશીબે તેની પાસે તેના બધા પ્રશ્નોના ઉકેલ માટે તેના દાદા હતા. જે કયારેય તેના મમ્મી, પપ્પાની જેમ કંટાળતા નહીં. કે ટાઇમ નથી. પછી વાત એમ કહેતા નહીં.

આજે સવારે મંદિરમાં દર્શન કરતી વખતે પર્વને ભગવાન વિષે જિજ્ઞાસા જાગી. તેણે દાદાને પૂછ્યું,  ‘ હેં દાદાજી, આ આટલા બધા ભગવાન કાયમ એક જ ઘરમાં રહે છે ? ‘ મંદિરમાં ઘણાં ભગવાનની મૂર્તિઓ જોઇ તેને પ્રશ્ન થયો.

‘   હા, બેટા, બધા ભગવાન એક જ કહેવાય. તેથી સાથે જ રહે.’ ચાર વરસનો પૌત્ર સમજી શકે તે જ ભાષામાં દાદાએ જવાબ આપવાના હોય ને ‘

‘ હેં દાદાજી, ભગવાન કેમ બનાય ? હું બહુ હોંશિયાર થાઉં. અને રોજ વધુ લેશન કરું તો ભગવાન બનાય ? હું  મોટો થઇ ને ડોકટરને બદલે ભગવાન બનું તો ? ’

’ ના, બેટા, ભગવાન ન બનાય. ભગવાન જેવા સારા બનાય ‘

‘ ભગવાન જેવા સારા કેમ બનાય ? ‘

‘ ભગવાન જેમ આપણને મદદ કરે છે તેમ આપણે પણ કોઇને મદદ કરવી જોઇએ    તો સારા બની શકાય. ‘

’ હેં દાદા, આ ભગવાનને ભૂખ લાગે ત્યારે  આવું બધું ખાય ? ફૂલ, ચોખા અને આવા કાચા શાક,  અને દૂધ ? ભગવાનને મંદિરમાં ધરાતી વસ્તુઓ નિહાળી પર્વના મનમાં પ્રશ્ન જાગ્યો. ‘

‘  ના, બેટા, ભગવાનને તો જે ખાવું હોય તે ખાઇ શકે. તેની પાસે તો બધું હોય જ. ‘

’ ભગવાન પાસે બધું હોય તો આપણે તેને કેમ પૈસા આપીએ છીએ ? ‘

’ બેટા, એ પૈસા ભગવાનની પૂજા કરે ને એ આ પૂજારી લે. એને યે પૈસા જોઇએ ને ? એટલે..”

’  હેં દાદાજી,  આ કનૈયાને અહીં કોઇ માખણ કેમ નથી આપતા ? તમે તો કેતા’તા ને કે કનૈયાને માખણ બહુ ભાવે. દાદાજી, કાલે આપણે કનૈયાને માખણ ખવડાવીશું ? ‘

’ હા, બેટા…’

‘  અને દાદાજી, રોજ આપણે જ કનૈયાને મળવા આવવાનું એવું કેમ ? એ કોઇ દિવસ આપણે ઘેર મળવા ન આવે ? ‘

‘ બેટા, એવા આપણા નસીબ કયાંથી ? ‘

દાદાજી સ્વગત બોલ્યા. પછી પૌત્રને કહ્યું,

‘ ભગવાનને તો કેટલા બધા કામ હોય. ગરીબોને મદદ કરવાની હોય.  માંદા પડે એને મદદ કરવાની હોય. આખી દુનિયાના કામ એને હોય. ‘  ’ હા, દાદાજી,  તો તો કનૈયો થાકી જતો હશે નહીં ? બધા પ્રાર્થના કરે એ બધાને એને મદદ કરવી પડે ને ? આપણે કાલથી પ્રાર્થના જ ન કરીએ તો  કનૈયાને એટલું કામ ઓછું થાય ને ? પૌત્રએ તર્ક કર્યો.

‘ અને દાદાજી, એની પાસે આપણી જેમ નોકર તો હશે ને ? ‘

’ આપણે બધા એના કામ કરવાવાળા. એ આપણી મારફત જ કામ કરાવે. ‘

દાદાએ જવાબ આપ્યો. પણ પૌત્રને કંઇ સમજાયુ નહીં. તેથી એનો પ્રશ્ન આગળ વધ્યો. ’ દાદાજી, આપણે ઘેર રામુ આવે છે કામ કરવા. તે બહુ સારો છે. નહીં ? આપણે તેને ભગવાનને ઘેર મોકલી દઇએ તો કનૈયાને કેવી નિરાંત ? કંઇ કામ તેને ન કરવું પડે. બધું રામુ કરી નાખે.’

’ એમ આપણાથી કોઇને ભગવાન પાસે ન મોકલાય. ભગવાનને જરૂર પડે ત્યારે એની જાતે બોલાવી લે ’

‘ હા, વાત પણ સાચી.’ કંઇક વિચારતા પર્વ બોલ્યો. ભગવાન તો બધું કરી શકે નહીં ? એ મને એની પાસે કેમ બોલાવતા નથી ? મને તો કનૈયા સાથે રમવું બહું ગમે. ‘

’ ચાલ, હવે મોડુ થાય છે. ‘

પૌત્રની વિચારમાળા અટકાવતા દાદા બોલ્યા.

‘ પણ હેં દાદા, આ કનૈયો આખો દિવસ બિચારો ઉભો ઉભો થાકી નહીં જતો હોય ? ‘

દાદાજી  વિચારી રહ્યા. ‘  મને તો લાગે છે  તે માનવીને બનાવીને જ થાકી  ગયો છે. એના બનાવેલ આજે એને જ બનાવે છે ને ? ‘


નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે