કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
મનાએલી આધુનિકતાના ચક્કરમાં ફસાએલા મારા એક મિત્ર મને કહે; “શું તમે ગામડાંના માણસો ક્યારેય સુધરશો કે સુધરશો જ નહીં ? ” મેં કહ્યું; “કેમ ભાઇ ! અમે ગામડાંના માણસો ક્યાં તમને નડી ગયા કે અમારાથી આટલા બધા નારાજ થઈ ગયા છો ?”
તો મને કહે ; “ ભલા માણહ ! આ ૨૧ મી સદી ચાલી રહી છે. હરકોઇ ક્ષેત્રમાં વિજ્ઞાને બધું નવું નવું શોધી કાઢી, જૂની વાતોને ફગાવી દીધી છે. જ્યારે તમે હજુ ગામડાંવાળા બાવા આદમ વખતના ઘર કરી ગયેલા વહેમો અને રીત રિવાજોમાં જ રાચ્યા કરો છો. અલ્યા ! જમાનાની સાથે તાલ નહીં મેળવો તો ક્યાંય ફેંકાઇ જશો, એમ મારું કહેવાનું છે.”
“ પણ મિત્ર ! કંઇ મગ કે મરીનું નામ પાડશો કે બસ ‘નવું’ – ‘નવું’ ના માત્ર ઢૂંહા જ ધોકાવ્યા કરશો ? ફોડ પાડીને કહોને કે તમને કઈ જૂની વાતનું પેટમાં દુ:ખે છે ? કંઇક ચોખવટ કરો તો મગજમાં ઉતરેને ?” તો કહે, “ સાંભળો ! હું થોડા દિવસો પહેલાં વેવાઇના ગામડે ગયો હતો. તે ‘મહેમાન આવ્યા છે- મહેમાન આવ્યા છે’ કરી સાત-આઠ પાડોશી ખેડુતો સાંજે વાળુ-પાણી કરી બેસવા આવેલા. ને માળા વરસાદના વરતારાની વાતુએ ચડી ગયેલા હું તો એના ગપગોળા સાંભળી સાંભળી દંગ રહી ગયો !”
મેં કહ્યું; “ કંઇક એના અનુભવની વાતો હશે !” તો બોલ્યા, “અરે, રાખ ટાઢા ચૂલાની ! આ સેટેલાઇટ અને ઇંટરનેટના જમાનામાં એમની બાવા આદમના જમાનાની વાતો સાંભળીને હું તો આખ્ખો ખળભળી જ ગયો !”
મેં કહ્યું – “હં ! તે હજુ ખળભળેલા જ લાગો છો !” તેઓ કહે; “ખળભળેલા કેમ ન લાગીએ ? એ તો જાણે મોટા ખગોળશાસ્ત્રી –વિજ્ઞાની થઈ ગયા હોય તેમ –એક કહે; ઓણ હુતાસણીની ઝાળ ઇશાન દિશા તરફ ફરકી છે, તે વરહ સારું થશે. ત્યાં બીજો કહે; પણ જેઠી બીજ ઝબકી છે ઇ તો નબળી નિશાની ગણાય,.એ તું કેમ ભૂલી ગયો ? ત્યાં વળી ત્રીજો કહે; જેઠી બીજ ભલે ઝબકી, પણ પાછી અષાઢી પાંચમે વીજળી થઈ, એટલે આગલા બધા ઊંધા એંધાણ સવળા થઈ જાય ને ? એટલે વરસ તો સારું જ થવાનું !”
“તે એમાં તમને ક્યાં વાંધો પડ્યો ?” મેં મહેમાનને ભડકાવ્યા. “વાંધો જ પડે ને ?” મહેમાન તાડુક્યા “અત્યારે વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે કે હવા કઈ બાજુથી અને કેટલી ઝડપથી વહે છે ? આકાશમાં ભેજના ટકા કેટલા છે ? વાદળો પાણી ભરેલાં છે કે ખાલી છે ? અરે ! કેટલી ઝડપથી આગળ વધી રહ્યાં છે ? તે બધાના ઇંટરનેટની મદદથી ફોટા પાડી શકાય છે, એવા વૈજ્ઞાનિક આધાર પડતા મૂકી “ટીટોડીએ ઉંચી જમીન શોધી માળો બનાવ્યો છે અને માળો બાંધવા કાગડાએ ઉગમણી ડાળી જ પસંદ કરી, એટલે પહેલો વરસાદ આથમણેથી જ આવવો જોઇએ. એવીવાતો કરીને પછાત ભોપાળું પ્રગટ કરેલું. ને વરસાદ આવવાનો સમય નજીક આવી ગયો છે એવી ડંફાસો ય હાંકતા હતા !” મેં પૂછ્યું,“એવી બીજી કઈ ડંફાસો ?” તો કહે, “એક કહે; માલઢોર અને બકરાં બેઠાં બેઠાં ઉંઘતાં હોય ત્યારે સમજવું કે વરસાદ ઢુંકડો આવી ગયો છે.ત્યાં બીજો કહે; અરે ! ચકલાં ધૂળમાં આળોટવા માંડે અને કકણહાર [એક જાતનું પક્ષી] બોલીમાં કકળાટ કરી મૂકે ત્યારે પણ હો ! ત્યાં ત્રીજો વળી કહે; અરે ભાઇ ! એના દરમાંથી કીડીઓને ખોરાકની કણિકાઓ અને ઇંડાં મોંમાં લેતીકને જગા ફેરવતી ભળાય એય વરસાદ થઈ જવાની એંધાણી ગણાય. અલ્યા ! વાતુના પબેડાનો કંઇ મેળ ખરો કે – મેળ જ નહીં ? તમારા આ બધા ખેડુતો વરસાદની આગાહીઓ કરતા થઈ જશે, તો વેધશાળાવાળાને ઘેર બેસી જવાનો વારો આવશે એમ મારું કહેવાનું છે ભાઇબંધ !”
મારા મિત્રે ગામડાંના ખેડુતો વિષે અને એના કોઠાસૂઝના વ્યવહારુ વિજ્ઞાન વિષે ખૂબ બળાપા કાઢ્યા. પણ એનો આપણે હરખ-શોક ન કરાય. કારણ કે એ જ્યાં રહે છે, તે સ્થળ, એમનો વ્યવસાય અને ત્યાંનું વાતવરણ જ બસ- “ જૂનું બધું નકામું” વાળી માન્યતા વચ્ચે તેઓ ઉછરેલા છે. એના મગજને ગામડું, ગામડાંના ખેડુતો અને એમાં પ્રવર્તતા ખ્યાલો રૂઢી-વહેમોથી ભરેલા લાગ્યા છે. એમાંથી કોઇ તથ્ય શોધવાની માનસિકતા જ તેમનામાં નહોતી. ખરું કહીએ તો ખેડુતોના લાંબા અનુભવોમાંથી તરી નીકળેલા આ બધા તારણો છે. અને તેથી એ બધા હકિકતે વૈજ્ઞાનિક તથ્યોની નજીકના ગણાય. આવા નીરિક્ષણોમાંથી મેળવાયેલ પૂરાવા સાથેના વિજ્ઞાનની લાંબા અનુભવની વાતો જેઓ સાંભળવા જ તૈયાર ન હોય તેની સામે કહોને ભેંશ આગળ ભાગવત વાંચવા મંડ્યા જેવું ગણાય ને ભાઇ !
આપણે તો સારું જ થયું કે મારા મહેમાન મિત્રે આજ આવી ચર્ચાસ્પદ વાત છેડીને આપણને કેટલીક આવી જ વાતો કરવાનું નીમિત્ત પૂરું પાડ્યું. આપણી ખેડુત આલમમાં કેટલીક એવી પરિપાટી કે માન્યતાઓ છે કે જેને વખોડી કાઢતા પહેલાં એને તપાસી જોવી પડે. કારણ કે આ પડાએલા ચીલા બહુ ગણતરી પૂર્વકના અને વિચાર પૂર્વકના છે. વહેમ કે અંધશ્રધ્ધા નથી. સમય બદલાતાં એમાંના કેટલાકની જરૂરિયાત વધુ-ઓછી થઈ હોય, પણ એથી એનું મહત્વ જરાય ઘટતું નથી. દા. ત. ………..
@ સાતમના દિવસે ચૂલો ન સળગાવાય = ગેસના અને ઇલેક્ટ્રીકના ચૂલા તો હમણાં છેલ્લા કેટલાક વરસોથી અમલમાં આવ્યા. શહેરોમાં કોલસાની સગડીઓ અને ગામડાંઓમાં માટીના ચૂલા વપરાતા.જેમાં ખેતીની આડ પેદાશ સમા-સાંઠી, તલહરાં, તૂવેર-દિવેલાના ઠરડાં, આવળ, બાવળ, બોરડી,થોરિયાંના ઝરડાં અને ગાય-ભેંશ-બળદના ગોબર સાથે કુંવળ, ઢૂંહા અને શીંગની ફોફી ભેળવી થાપેલાં છાણાં બળતણ તરીકે વપરાતાં. રસોઇ તો આખા દિવસ દરમ્યાન ત્રણે ટાણાં કરવાની હોય. ઉપરાંત ચા નું વંઘેડું તો હોય ચાલુને ચાલુ જ ! એટલે ચૂલાઓ હોય એકધારા ઉના ને ઉના ! બહેનોએ એવા ક્યા કર્યા હશે ગુના કે મોટા ભાગે બનતું હોય છે એવું, કે બસ ચૂલે ને ચૂલે જ ખોડાઇ રહેવાનું હોય ! એકાદ દિ’ ચૂલાને પોરો મળે તો એને રિપેર કરાય અને તે દિ’ બહેનોને યે થોડો હાશકારો મળે ! એટલે ઘૈડાઓએ ગોઠવી કાઢ્યું હશે કે “ ભૈ ! રાંધણ છઠના દહાડે સાતમની પણ રસોઇ બનાવી લેવી અને સાતમના દિ ચૂલા ને પોરો દેવો. જેથી તેને છાંદી-છુંદીને રિપેર કરી લેવાય. અને બહેનોને એક દિવસ પૂરતી રસોઇ બાબતે રાહત રહે ! એટલે સૌ ભેગામળી સાતમનો પ્રસંગ રાહડા લઈને ઉજવી શકે.” આજે જમાનો ભલે કોલસા-સગડી કે ગેસ-ઇલેક્ટ્રીક ચૂલાનો આવ્યો- પણ ‘સાતમને દિવસે ચૂલાને પોરો’ એ પરિપાટી જળવાઇ રહી છે. એમાં વહેમ-અંધશ્રધ્ધા જેવું કાંઇ નથી. એ જેમને ન માન્ય હોય તેમને ચૂલો સળગાવી સાતમના દિવસે રાંધવાની છૂટ છે, એને ક્યાં કોઇ ફાંસીએ ચડાવી દે છે ? પણ પરિપાટી જળવાય તો પણ કાંઇ ખોટું નથી. એટલે તો ૯૯ ટકા લોકો સાચવી રહ્યા છે.
@ અમાસ-અગિયારશે ફરજિયાત અગતો રાખવો = મહિનામાં બે દિવસ- ‘સુદ અગિયારશ’ અને ‘અમાસ’ ના દિવસે ખેડુતોએ બળદોને સંપૂર્ણ પોરો દેવાનો, અને તે દિવસે ખેતી સંલગ્ન ઇતર ધંધાર્થીઓ પણ કામમાં રજા રાખતા. વિતેલા દિવસોમાં યાંત્રિક વાહનો અને ખેતીના યાંત્રિક ઓજારો નહોતાં, ત્યારે સાંતીકામ ઉપરાંત કોસ-રેંટ ચલાવવા અને કૌટુંબિક ગામ-ગામતરાના કામો પણ બળદ દ્વારા જ લેવાતાં. એટલે માટીના ચૂલાની જેમ ખેડુતના બળદોને પણ કામ, કામ ને બસ એકધારું કામ જ રહેતું ! એટલે અમાસ-અગિયારશે ફરજિયાત અગતો રાખી બળદોના આરામની તકેદારીઓ લેવાનો હેતુ આ રજા રાખવાનો હતો મિત્રો !
અગતાના દિવસે બળદોને ચોખ્ખા પાણીથી ધમારી, આઉ-પેટેથી ઇતરડી,લાણ,બગાઇ જેવી લોહી ચૂસનારી જીવાતો વીણી લઈ, મોઢે મીઠું ઘસી, શિંગડે તેલ ચોપડી, બે બે નાળ્ય તેલ-ઘીની પિવડાવી બસ, બળદોને આરામ જ કરાવાતો ! જેથી પાછા પંદર દહાડા તરવરાટ ભર્યું કામ આપે. કોઇ દયાળુએ બળદિયાની ભેર લઈ આવા અગતાનું ચલણ કરાવ્યું હશે, તેવું લાગે છે. આજ હવે ટ્રેક્ટરોનો વપરાશ વધ્યો છે.એટલે અગતા બાબતે બાંધછોડ કરવામાં બહુ વાંધો લેવાતો નથી. છતાં કહેવું જોઇએ કે માત્ર બળદથી ખેતી કરનારા ખેડુતો આજે યે આ અગતા પાળે છે. અને બળદોની કાળજી લે છે તો એમાં શું ખોટું છે, કહો !
@ બકાલાના પ્લોટમાં વચ્ચે ‘દોણકું’, ‘ખોપરી’ કે ‘કૂતરાની ઝાડી’ ટીંગાડી રાખવી =
અમારી વાડીએ બકાલું ઉગાડતો ભાગિયો પરશોતમ કહેતો કે “ આવું કર્યું હોય તો સૌની નજર પહેલાં બકાલાં પર જવાને બદલે વચ્ચે ટીંગાતાં દોણકાં, ખોપરી કે કુતરાંની ઝાડી પર જાય. એટલે એની બૂરી-ભારે નજરથી બકાલું બચી જાય છે.” ભલે એણે એની બુધ્ધિ પ્રમાણે અર્થ કર્યો. બાકી મૂળ વાત તો એ છે કે પ્લોટમાં જો એવું ઉંચેરું સ્થાન બનાવેલ હોય તો રાત્રિ દરમ્યાન ઘૂવડ-ચિબરી જેવા નિશાચર અને શિકારી પંખીઓ તેનાં પર બેસવાનાં અને નીચે બકાલામાં ઉંદરડાં જેવા નુકશાન કરનારાં જીવડાંઓની હરફરને આસાનીથી નિહાળી શકવાનાં. અને ભાળ્યા ભેળા જ ટપ દઈને પકડી લઈ આરોગી જવાનાં. મારું તો કહેવું છે કે આવા એક નહીં, પણ પ્લોટમાં બે-ચાર જગ્યાએ આવાં પંખી બેસી શકે તેવાં ઓડાં ઊભાં કરવાં જોઇએ. આવી પ્રથાનો આરંભ કોઇ અંધશ્રધ્ધા કે વહેમ નહીં,-પણ પાકસંરક્ષણનો એક કારગર નુસ્ખો છે.
. ખેડુત સમાજમાં આવી તો ઘણીબધી માન્યતાઓ પથરાએલી છે. એને વગર વિચાર્યે વખોડી કાઢવાને બદલે એના વિષે ઉંડાણથી થોડુંકે ય વિચારતા થઈ જઇશું, એટલે પૂરેપૂરી સમજમાં આવી રહેશે, કે આવી બધી માન્યતાઓ એ અંધશ્રધ્ધા નથી. પણ વરસોના અનુભવમાંથી નીકળેલાં તારણ છે. જે છોડી દેવાં જેવાં નથી. યાદ રાખી અમલમાં મૂકવાં જેવાં, સમજીએ તો હેતુ પૂર્વકની શીખ આપતા સંકેતો છે મિત્રો !
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
