હળવા નિબંધો

માવજી મહેશ્વરી

શિયાળાના દિવસો આવી ગયા છે, પણ શિયાળો આવ્યો નથી. સાંજ હજી તપતી રાતમાં ઓલવાય છે. રાત શિયાળાની નહીં પણ ઉનાળાની હોય એવું લાગી રહ્યું છે. આમ તો અત્યારે વહેલી સવારે ઓઢવાનું મન થાય એવી હલ્કી હલ્કી ઠંડી પડવી જોઇએ. જેને સાહિત્યકારો ગુલાબી ઠંડી કહે છે. છતમાં ટીંગાતા પંખા આખી રાત ફરતાં રહે છે. કોઈ કહે છે ‘હવે ઋતુઓના ઠેકાણા જ ક્યાં રહ્યા છે.?’ તો કોઈ વળી જાણકારની ભાષામાં બોલે છે ‘ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે થઈ રહ્યું છે’ કેટલાક વળી એનાથી આગળ જઈને કહે છે. ‘હવે ઋતુઓ પાછળ જઈ રહી છે’ ચાલો મોં એટલી વાતો થવાની, થવી જોઇએ. કારણ કે ઋતુ જોવાની નહીં અનુભવવાની ચીજ છે. પણ માણસ પોતાની ઈચ્છા પ્રમાણે તો અનુભવ ન જ કરી શકે ને? છતાં પ્રકૃતિનું પંચાંગ હંમેશા એની રીતે સાચું હોય છે. પ્રકૃતિ પ્રોબ્લેમ સહન કરતી નથી કે ચલાવી લેતી નથી. એ તરત રીએક્શન આપે છે જેના વિશે આપણે જુદી જુદી ચર્ચાઓ કરીએ છીએ અથવા તો આપણને એવી ચર્ચા કરવાનો અવસર મળે છે.

તમને નથી લાગતું  જેમ જેમ મશીનરી વધતી જાય છે, સગવડ વધતી જાય છે, જાણકારી વધતી જાય છે,  તેમ તેમ જીવન જટીલ થતું જાય છે? ખરેખર તો મશીન માણસનું જીવન સરળ કરવા માટે બન્યા હોય છે  એ સમય અને શક્તિ બચાવવા માટે બન્યા હોય છે. પણ ઉલટું થઈ રહ્યું હોય એવું જણાય છે. ટેક્નોલોજી દિવસે દિવસે માણસને પરતંત્ર તો બનાવી જ રહી છે, સાથે શંકાશીલ બનાવતી જાય છે. માણસને પોતાના અમૂલ્ય આયુધ એવા શરીર અને તેમાં મુકાયેલી હાઈ-ફાઈ સિસ્ટમ પર જરાય ભરોસો રહ્યો નથી. અરે! ભરોસો તો ઠીક પોતાના શરીર વિશે માણસ ભયંકર આજ્ઞાની થઈ ગયો છે. આ બધાની પાછળ ક્યાંકને ક્યાં ટેક્નોલોજીનો હાથ છે. અહીં એક અન્ય વાત વિસરાઈ જાય છે તે પહેલા લખી જ નાખું કે ટેક્નોલોજીનો ઉપયોગ માણસે કરવાનો હોય છે, માણસ પાસે એ માટે બુદ્ધિ છે. પણ ટેક્નોલોજી માણસનો ઉપયોગ કરી રહી છે. ખરેખર માણસ ચલાવે તેમ મશીને ચાલવું પડે. પણ તાલ એવો છે કે જેમ મશીન ચાલે છે તેમ માણસ ચાલી રહ્યો છે. લાગે છે કે નવેસરથી વિચારવાનો સમય આવી ગયો છે. દિવાળી પછી ત્રીજા કે ચોથા દિવસે મારો સેલફોન ખોવાઈ ગયો. સેલફોન ખોવાય એટલે આર્થિક ફટકો તો લાગે જ. સાથે બીજી એક આપદા ઊભી થાય. એમાં જેટલાં સંપર્ક નંબર હોય એ પણ જાય! લગભગ સાડા ત્રણસો જેટલા નંબર ગયા. અડધો દિવસ અજંપા અને બળતરામાં વિત્યો. બળતરા? હા યાર. એક માણસ તરીકે કોઈ વસ્તુ ખોવાય એનો રંજ તો થાય જ ને! સાંજ સુધી કોઈ સાથે કશી વાત નહીં. મગજમાં એકજાતની શૂન્યતા ફરી વળી. પાછો હું ગામડે જવા નીકળ્યો હતો. નોંધાવું તો ક્યાં નોંધાવું? રાતે આકાશ જોયું. તારા ખચિત આકાશ. કોઈ ચિત્રકારે દોર્યો હોય એવો અણીદાર પાંચમનો ચમકતો ચંદ્ર જોયો. ખબર નહીં અચાનક એમ થયું કે કેટલા સંપર્કો હું ગુમાવી ચૂક્યો છું. અડધી રાત સુધી આકાશમાં તારાઓ જોતો રહ્યો. શરીરમાં મુકેલી સિસ્ટમ એકટીવેટ થવા લાગી. કેટકેટલી રાત્રીઓ યાદ આવવા લાગી. અનુભવો તાજા થવા લાગ્યા. હવામાં વહેતા સ્વરો સાંભળાવા લાગ્યા. મૂળે વાર્તાનો જીવ બેઠો થયો. પાત્રો ચિત્તમાં ધમાચકડી મચાવવા લાગ્યા. બપોરથી મોબાઈલ નથી એ અજંપો ભુલાઈ ગયો. વિચાર્યું, નથી કરવી ચિંતા, નથી કરવી તપાસ, નંબર પણ નથી મેળવવા. જેને સંપર્ક કરવો જ હશે એ કોઈ પણ રીતે કરી જ લેશે.  અને તે પછી મોબાઈલ ફોન વગર ત્રણ દિવસ સડસડાટ પસાર થઈ ગયા. ચિત્તમાં એક જાતની હળવાશ અને પ્રસન્નતા અનુભવાઈ!

મને વિચાર આવે છે કે હું સેલફોન વાપરતો હતો કે પેલો સેલફોન મને વાપરતો હતો? બિનજરૂરી વાતો, બિનજરૂરી કલેશો, બિનજરૂરી ખર્ચથી બચી જવાનો વિચાર આ પહેલા કેમ ન આવ્યો? ખેર,  જાગ્યા ત્યાંથી સવાર.  આ તો એક ઉદાહરણ છે. આવું તો કંઈ કેટલુંય રોજ આપણી જિંદગીની અમૂલ્ય ક્ષણોને ખાઈ જઈ રહ્યું છે. અને આપણે ટેક્નોલોજી પર આંધળો ભરોસો કરીને પ્રકૃતિના અવાજને સાંભળવાના રસ્તા બંધ કરી બેઠા છીએ, કરી રહ્યા છીએ. જરા નોંધ કરીએ  એક દિવસ ટૂથબ્રશને બદલે દાતણનો ઉપયોગ કરીએ. વાહનને બદલે પગે ચાલીએ, દુનિયામાં શું થઈ રહ્યું છે તે જાણવાનો પ્રયાસ જતો કરીએ. સોનું, શેર બજાર, મોંઘવારીનો આંકડો કેટલો ઊંચો નીચે ગયો તે જતું કરીએ. કોણ મનમોહનસિંહ, કોણ મોદી? કોણ સચીન તેંડુલકર કે કોણ કેટરીના કેફ? એ બધું નહીં જાણીએ તો આપણને શું ફેર પડે છે? એમના વિશે વિચારવાનાં બદલે આપણા મા-બાપ, ભાઇ-બહેન, સગા -સંબંધીઓને મળીએ, એક દિવસ કોઈને ફોન ન કરીએ. જેની યાદ આવે એને એક પોસ્ટકાર્ડ લખીએ. એક દિવસ આપણાં ઉપકરણોને બંધ રાખીએ. જોઇએ તો ખરા કે શરીર શું પ્રતિક્રિયા આપે છે? આવું કૈં કેટલુંય કરીને આપણે કેટલા બધાં સમૃદ્ધ છીએ, આપણામાં કેટલી તાકાત ભરી પડી છે એનો અંદાજ કાઢીએ. કદાચ એવું કરીશું તો ખોટમાં નહીં જઈએ. નહીં જ જઈએ.

ઋતુઓ એની રીતે ચાલ્યા કરે જ છે. આપણે ટેમ્પરેચર અને ભેજ માપવાના મશીનો શોધ્યા છે. એટલે આપણા મનમાં શંકાઓ જાય છે. બાકી કરોડો સાલથી વરસાદ, ઠંડી, ગરમી, ભૂકંપ, વાવાઝોડાં, દુષ્કાળ આવતા રહ્યા છે અને આવતા રહેશે. પ્રકૃતિ એનું કામ સમયસર કરવાનું ક્યારેય ચુકતી નથી. આપણે પ્રકૃતિનો એક અંશ છીએ. બ્રહ્માંડ સાથે આપણા તાર જોડાયેલા છે. આપણી અંદર કેટલીય જાતના રીસીવીંગ સેન્ટર લાગેલા છે. જે નાનામાં નાના મોજાંને પકડી લે છે. આપણે મશીનરીના વ્યસની થઈ ગયા છીએ એટલે એ સેન્ટર કામ કરતા બંધ થઈ ગયા છે. ચાલુ કરવા કે નહીં એ સૌનો પોતાનો પ્રશ્ન અને ઉકેલ પણ પોતાનો છે.

તો લ્યો ત્યારે આવજો. રામ રામ.


શ્રી માવજીભાઈ મહેશ્વરીનો સંપર્ક mavji018@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.