નિસબત

ચંદુ મહેરિયા

ઓગસ્ટ ૨૦૨૬ના અંતિમ સપ્તાહમાં નેપાળમાં જે તારાજી થઈ છે તેના માટે પૂર કે જળપ્રલય બહુ હળવો શબ્દ છે. પાટનગર કાઠમાંડુના ઉત્તરે આવેલા લાંગટાંગ લિરુંગ પર્વતના શિખર પરનાં ગ્લેશિયર ફાટતાં પાણી, પહાડની મોટી શિલાઓ ૫૧૫૦ મીટર ઉંચેથી તૂટીને ૧૪૦૦ મીટર નીચે પડ્યા હતા. મોટા મોટા પથ્થરો નીચે પડતાં ઘર્ષણથી બરફ પિગળ્યો, તે તેના માર્ગમાં આવતાં બધાંને ખેંચતો ગયો. તેનાથી પાણી, માટી, પથ્થરો અને કાદવ નીચે આવ્યાં હતાં. આ સમગ્ર ઘટનાક્રમ ૭ થી ૮ મિનિટમાં ઘટ્યો હતો. પાણી અને કાળમાળ આગળ વધીને રસ્તામાં આવેલી નદીઓના વહેણ સાથે આગળ વધતો રહ્યો હતો.

અચાનક આવેલા વિનાશક ફ્લૈશ ફ્લડથી નેપાળમાં ૧૪૦૦ લોકોના મોત થયાં છે, આશરે ૭,૦૦૦ લોકો લાપતા છે. અગણિત ઘરો અને ગામો નાશ પામ્યા છે. રસ્તા, પુલ, ખેતરો, જળ વિધ્યુત મથકો, વીજળી અને સંચાર નેટવર્ક, શાળાઓ અને બીજા બાંધકામો તહસનહસ થઈ ગયાં છે. જે નુકસાન થયું છે તેમાંથી બહાર આવતા નેપાળને  વરસો લાગશે અને અબજો રૂપિયાનો ખર્ચ થશે

આફતમાંથી ઉગરવા દુનિયાભરમાંથી નેપાળને આર્થિક સહયોગ મળી રહ્યો છે. પરંતું નેપાળ સરકારે અમેરિકા, ચીન અને ભારત પાસેથી આર્થિક સહયોગ નહીં વળતર માંગ્યું છે. નેપાળના સત્તાધીશોનું કહેવું છે કે આ દેશો ગ્રીન હાઉસ ગેસોનું સૌથી વધુ ઉત્સર્જન કરે છે અને તેને કારણે આ પ્રકારની આફત સર્જાઈ છે .એટલે તેમણે બદલામાં નેપાળને વળતર આપવું જોઈએ. યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં નેપાળના વડાપ્રધાન યુનોના લોસ એન્ડ ડેમેજ ફંડમાંથી મદદ માંગવાના છે. આ માટે વર્તમાન આપદાનું કારણ ક્લાઈમેટ ચેન્જ છે તે સાબિત કરવા નેપાળના અસરગ્રસ્ત વિસ્તારોની ડ્રોન અને સેટેલાઈટ  ઈમેજ પણ દસ્તાવેજી પુરાવા તરીકે રજૂ કરશે. નેપાળે પોતાનો કેસ જળવાયુ ન્યાયની દ્રષ્ટિએ રજૂ કરવાનો નિર્ધાર કર્યો છે.

આરંભમાં નેપાળની પૂર કરુણાંતિકા  માટે જળવાયુ પરિવર્તનની સટીક ભૂમિકા વિશે અવઢવ હતી. પરંતુ World Weather Attribution(WWA)નું તાજું અધ્યયન ક્લાઈમેટ ચેન્જની મુખ્ય ભૂમિકા જણાવે છે. વિશ્વમાં ગરમી જે પ્રકારે વધી રહી છે અને તાપમાન ગરમ થઈ રહ્યું છે તેનાથી આ પ્રકારની આફતોનું જોખમ સર્જાય છે. હિમાલય ક્ષેત્રની હિમનદીઓ આ કારણે સંકોચાઈ રહી છે, બરફ પીગળી રહ્યો છે.  પર્વતોના ઢોળાવ અસ્થિર થઈ રહ્યા છે. આ ફેરફારોથી ખતરનાક તાપમાન બની રહ્યું છે. તેનાથી વિનાશકારી પૂર, ભૂસ્ખલન અને હિમસ્ખલન થઈ શકે છે. તાપમાનમાં એકાદ ડિગ્રીનો મામૂલી વધારો પણ બરફાચ્છાદિત હિમાલય ક્ષેત્ર માટે જોખમી છે. એક અનુમાન તો એમ કહે છે કે આપણે જળવાયુ પરિવર્તન રોકવા આજથી જ મંડી પડીએ અને વૈશ્વિક સરેરાશ તાપમાન વૃધ્ધિને ૧.૫ ડિગ્રી સેલ્સિયસે મર્યાદિત રાખી શકીએ તો પણ હાલની સદીમાં હિમાલયના ગ્લેશિયરોના ૧/૩ થી વધુ ભાગના બરફને પીગળતો રોકી શકીએ તેમ નંથી.

2026 Nepal floods
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

નેપાળની વર્તમાન કરુણાંતિકા અનેક માનવીય ભૂલોનું પરિણામ છે. માણસે સર્જેલા જળવાયુ પરિવર્તન ઉપરાંત ઝડપથી બદલાતું પર્યાવરણ, નદીઓના કુદરતી પ્રવાહોને રોકવો,, આડેધડ બાંધકામો, પાણીના નિકાલની વ્યવસ્થામાં અવરોધો ઉભા કરવા જેવા કારણો પણ જવાબદાર છે. નેપાળમાં ૧૯૯૩માં વાદળો ફાટવાથી સર્જાયેલી કારુણી (૧૩૩૬ મોત), ૨૦૧૫ના ભૂકંપ( ૫૧૭૪ મોત) અને ૨૦૧૭ તથા ૨૦૨૫ના પૂરથી કોઈ સબક શિખ્યા નથી. અગાઉની ભૂલોનું પુનરાવર્તન થયા કરે છે. કદાચ નેપાળની નબળી ભૂસંરચના પણ એક કારણ છે.

ભૂગર્ભયીય રીતે નાજુક અને યુવા એવા હિમાલયી ક્ષેત્રમાં મૂસળધાર વરસાદથી માટીનું ધોવાણ થાય છે. તેથી નદીઓમાં કાંપ ભરાઈ જાય છે. ફળસ્વરૂપ નદીઓનું જળસ્તર ઝડપથી વધતાં પૂર આવે છે. અનિયંત્રિત શહેરીકરણ અને બાંધકામો, જંગલોનો સતત નાશ , પહાડી ક્ષેત્રમાં રસ્તાઓનું નિર્માણ પણ  મહત્વનું કારણ છે.  તીસરા  ધ્રુવ કહેવાતો હિમાલય પ્રુથ્વી પર ધ્રુવીય ક્ષેત્રો પછીનો બરફનો ત્રીજો સઘન ભંડાર છે. જળવાયુ પરિવર્તનને કારણે ગરમી વધતાં બરફ વધુ પ્રમાણમાં પીગળે છે અને ઓછા પ્રમાણમાં જામ થાય છે.  હિમાલય ક્ષેત્રમાં હિમભૂમિ (પર્માફ્રોસ્ટ) આશરે ૧૦ લાખ વર્ગ કિલોમીટરમાં અને ગ્લેશિયરો એક લાખ વર્ગ કિલોમીટરથી ઓછા ક્ષેત્રમાં વિસ્તરેલા છે.વળી તેમાં હજારો હિમ ખંડો છે. તેના પર માનવસર્જિત કારણો અસર કરે જ છે.

નેપાળ સરકારે વર્તમાન. જળપ્રલયના કારણો શોધવા  અને તેના ઉપાયો સૂચવવા નિષ્ણાતોની સમિતિ બનાવી છે. દરમિયાન તેણે જે દેશોને કારણે તેની હાલમાં હાલત થઈ છે તેમની પાસે વળતર માંગ્યું છે. એ સાચું છે કે ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનમાં નેપાળનો ફાળો નગણ્ય છે પરંતુ તેનો ભોગ બનવામાં તે અગ્રીમ છે. એટલે જવાબદાર દેશોએ નેપાળને મદદ નહીં પણ વળતર આપવું જોઈએ તે માંગ પહેલી દ્રષ્ટિએ વાજબી લાગે છે. આપણે વ્યક્તિગત રીતે ભૂખ્યાને કંઈક ખાવાનું આપીએ છીએ કે ગરીબને બેપાંચ રૂપિયા આપીએ છીએ. તેમ કરીને દયા દાખવીએ છીએ કે પુણ્ય કમાઈએ છીએ. પણ જો કોઈ ભૂખ્યો કે ગરીબ એમ કહે તેની ગરીબી અને ભૂખ તમારા કારણે છે, તમે શોષક છો. તમે મારા પર કરુણા ના વરસાવશો, દયા ના દાખવશો, મારા શોષણનો જવાબ આપો. તો આપણો પ્રતિભાવ શું હોય? કદાચ નેપાળને પણ મોટા દેશો આવો જ જવાબ આપવાના છે અને નાના દેશોનો મરો થયા કરવાનો છે.

યુનોના જે ફંડમાંથી નેપાળે વળતર કે રાહત માંગ્યા છે તે ફંડની રચના હજુ ૨૦૨૨ના વરસે જ થઈ છે.( અમેરિકી પ્રેસિડન્ટ ટ્રમ્પનો ગાઝા પ્લાન યાદ આવે છે?) જળવાયુ પરિવર્તનના દુષ્પ્રભાવોનો ભોગ બનેલા લોકો કે દેશો પ્રત્યે સંવેદના વ્યક્ત  કરવા અને આર્થિક મદદ આપવા આ કોષની રચના થઈ છે. હાલમાં આ ફંડમાં ૪૦ કરોડ ડોલર જમા થયા છે અને સામે લગભગ ૧૦૦ દેશોએ ૩ અબજ ડોલરની માંગણી કરી છે. એટલે નેપાળની દાળ ત્યાં કેટલી ગળશે તે મોટો સવાલ છે.

નેપાળે વર્તમાન તબાહીમાંથી બહાર આવવા રાજકીય ઈચ્છા શક્તિ દર્શાવવાની જરૂર છે. સાથે સાથે આ પ્રકારની આફતોના પૂર્વાનુમાનનું તંત્ર વિકસાવવું જોઈશે. સામુહિક જવાબદારીની ભાવનાથી જ અસરગ્રસ્તોનો પુર્નવાસ શક્ય છે. જ્યારે નદીઓના વહેણ બદલાઈ ગયા હોય અને લોકોના ઘરો મૂળ જગ્યાએથી વહીને બીજે જતાં રહ્યા હોય ત્યારે લોકોને મૂળ જગ્યાએ ફરી વસાવવા કપરાં છે. અસરગ્રસ્તો રાહત કેમ્પોમાં કે પોતાના ઘરોના કાટમાળમાં આવી રહે છે. આ લોકોએ પાણીના ધસમસતા પ્રવાહમાં પોતાના સ્વજનોને વહી જતાં સગી આંખે જોયાં છે. જે પાણી, માટી અને કાટમાળ વહેતો હતો તેમાં પુસ્તકો, કોઈ અસહાય બાળક કે વૃધ્ધનાં ચશ્મા,  જૂતાં, કપડાં, ગાદલા, તકિયા, ચાદર  વગેરે તણાતાં જોયાં છે તેમના માટે આ બધું ભૂલવું અશક્ય છે. ભલે દુ:ખનું ઓસડ દાડા કહેવાય પણ નેપાળનું દુ:ખ અખબારી પાને ઓઝલ રહીને ય ઝટ વિસરાય એવું નથી.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.