:કવિતાઃ ગઝલઃ

હરદ્વાર ગોસ્વામી

આ તે કેવા સંબંધોમાં અટવાયો છું.
ઊભો છું તું શિખર થઈને, હું પાયો છું.

સૌની ઝાળાં બાઝેલી જીભેથી છટકી,
સાવજના કંઠે આવીને રૂંધાયો છું.

ડાળી પરથી તોડી ફેંક્યો એને કહી દ્યો,
મૂળ હવામાં નાખીને હું ફેલાયો છું.

સારું થાજો સૂરજનું કે પાટો બાંધ્યો,
પરપોટાના સ્પર્શે નખશિખ છોલાયો છું.

અંધારું છે એથી ના દેખાઉં પરંતુ,
દૂર કરે તું ક્યાંથી? તારો પડછાયો છું.


:આસ્વાદઃ

રક્ષા શુક્લ

              ગૌરવ પુરસ્કૃત કવિશ્રી હરદ્વાર ગોસ્વામીની આ ગઝલ કવિની અનુભૂતિ અને મિશ્ર સંવેદનાઓનું બયાન કરે છે. મૂંઝવણ, પીડા, ખુમારી, સ્તબ્ધતા, આશા-નિરાશા, હાશકારો ઈત્યાદિ આપણને પણ સ્પર્શે છે. હરદ્વાર ગોસ્વામીના ગજવે અનેક પારિતોષિકો અને સન્માનો છે. એમના અનેક પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેઓ ઉત્તમ કોલમિસ્ટ, લેખક અને સંચાલક છે.

એમની કવિતામાં પહેલી નજરે જે અર્થ અભિપ્રેત થાય એજ અંતિમ હોય એવું જરૂરી નથી. તેમાં વ્યંજના હોય શકે. મત્લાના શેરમાં સંબંધોમાં અટવાયેલા કવિ પહેલા પ્રિય પાત્ર સાથે દૂર હોવાનું અનુભવે છે કે એ તો શિખર છે અને પોતે પાયો. જાણે ધરતીનું આકાશથી છેટું હોવું. આ વાસ્તવિકતાનો નિર્વિવાદ સ્વીકાર અહીં અત્યંત પીડાદાયક છે. મજબુરીએ જાણે હથિયાર હેઠા મૂકાવ્યાં છે. પણ પ્રેમીઓને પછીથી એ અંતર પણ ક્યાં નડે છે ! અચાનક એક શક્યતાનો ઉઘાડ જોતા તેઓ ગર્વ અનુભવે છે કે પ્રિયપાત્ર ભલે શિખર છે જે દુનિયાને દ્રશ્યમાન છે પરંતુ પોતે તો એ શિખરની હયાતીનું મૂળ છે, પાયો છે. એના અસ્તિત્વનો આધાર જ પોતે છે એમ વિચારી કવિ અંદર ધરપતના છાને ખૂણે હરખે છે.
               
આથી આગળ ચૂપચાપ ઊભા રહી કોઈની પીડાનો તમાશો જોતા લોકોની જીભ કવિને ઝાળાં બાઝી ગયેલી લાગે છે. ઝાળાં બાઝી ગયેલી જીભને સત્ય બોલવાની ટેવ વરસોથી છૂટી ગયેલી હોય છે. આ જીભથી પોતાની ઓળખ માગતો કવિનો અવાજ ત્યાંથી છારકીને એક આશા સાથે સાવજ પાસે જાય છે.. સાવજની એક જ ડણકની ઓળખ પણ આગવી હોય છે. અનિષ્ટ માટે ખોંખારા જેવી હોય છે. પણ કરુણતા તો જુઓ, કમનસીબીની ! સાવજના કંઠે આવીનેય સત્યનો અવાજ રૂંધાયો છે. આજે આ સમાજના લાગણીવિહીન અને આતંકના જયજયકાર વચ્ચે સજ્જનોનું મૌન અકળાવે છે. એવું સૌજન્ય શું કામનુંજે નિર્ભય ન હોય !? મૂક હોય. કવિ આ ક્ષણને સમજી કે સ્વીકારી શકતા નથી. તેમના જ અન્ય એક શેરમાં કવિ હરદ્વાર ગોસ્વામી કહે છે કે

‘મૌનના કંઠમાં તેર મણનો ડૂમો,
શબ્દશ્રી આ ક્ષણોનો કરો તરજુમો.’            

મજબુરીના મેવાડમાં મૂંગા પડેલા મોરના ટહુકા જેવો કવિનો અવાજ શોધતાય ક્યાં મળે છે ! લજામણી લાજે તો ક્યાં જઈને લાજે ? પણ આવા જ અનુભવો જીવનને ઘડતાં હશે. એટલે જ અંગ્રેજીમાં કહેલું છે કે ‘Cheer up, the worse is yet to come!’ સજળ સૂર્ય તડકાઓ આપે ખરો ? અહીં તો આખો અનુભવ જ અંગાર જેવો છે. ત્રીજા શેરમાં કવિની ખુમારી દાદ માગી લે તેવી છે. કોઈ ફૂલ ડાળી પરથી ભલે તોડી નખાયું હોય, ફેંકી દેવાયું હોય પરંતુ એનું અસ્તિત્વ તો અમિટ છે. હવામાં સુગંધ રૂપે તેણે મૂળ નાખેલા છે. તે સૂક્ષ્મ સ્વરૂપે ધબકે છે. કવિ અદમ ટંકારવીને જેમ સ્મરણો હવામાં લોબાનની જેમ પ્રસરેલા લાગે છે તેમ આ જે સૂક્ષ્મ રીતે તદ્રુપ છે તેને કેમ નકારશો એમ જાણે કવિ ધીરેથી યાદ આપે છે. આટલું સુંદર કલ્પન આપણને જાણે વાહ કહેવા પ્રેરે છે. ખુલ્લી છાતીના ખોખાંરે ડરવાનીય મજા માણતા આ અલગારી કવિની દાદાગીરી ગમતીલી તો છે જ છે.
               
પછીના શેરમાં જેની પાસે અપેક્ષાય ન હોય તેવા સૂરજથી આશ્વસ્ત થયેલ કવિ પરપોટાથી નખશીખ છોલાયાની વાત કરે છે. જળ હોઈએ અને દરિયાને ના ગમીએ ?! કવિ માટે પરપોટાના અનુભવનું સરવૈયું દાહક છે. કવિ હરદ્વાર ગોસ્વામીએ પોતે જ અપેક્ષા વિરુધ્ધનું દરિયાનું વર્તન જોઇને ક્યાંક લખ્યું છે કે,

‘મોજ કરાવે મધદરિયે,

ટીપાંમાં પણ તાણી દે’     

પ્રફુલ્લા વોરા માટે પણ પરપોટો આરોપીના પિંજરામાં જ ઊભો છે. તેઓ કહે છે કે 

‘જરાક જળમાં જોયું ત્યાં તો જળનો વાગ્યો ઝોકો રે,
પથ્થર હો તો ઠીક, કરું ક્યાં પરપોતાનો ધોખો રે.’ 

જો કે જીવનમાં આવા આકરાં, અણધાર્યા અને અનપેક્ષિત અનુભવો ખૂબ જરૂરી છે જે માણસને ઘડે છે. તેનામાં પડેલા સત્વને બ્હાર લાવે છે.               

અંતિમ શેરમાં જાણે શુભેચ્છકો પોતે પડછાયો હોવાનો દાવો કરીને કહે છે કે તેઓ કદી દૂર હોતા જ નથી. હા, એવું બને કે અંધકાર હોવાને કારણે, નિરાશાથી ઘેરાયેલા હોવાને લીધે હિતેચ્છુઓનું સાથે હોવું મહેસુસ ન થાય, પરંતુ એનું અસ્તિત્વ તો સૂર્ય જેવું સત્ય છે. એ અજ્ઞાત બળ પણ છે. પડછાયાને વાચા ન હોય તો શું ! કવિને વીંટળાતાં આ પડછાયા અતીતની કોઈ વીતેલી ક્ષણોના પણ હોઈ શકે. ન નકારી શકાય એવું અતીત ક્યારેક જીવવાનું કારણ પણ હોય છે.