ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

પરંપરાગત તાલવાદ્યો કરતાં ખાસ્સી અલગ રચના ધરાવતું આ વાદ્ય ખાસ કરીને દક્ષિણ ભારત અને તેમાં પણ કર્ણાટક વિસ્તારમાં ખુબ જ પ્રચલિત છે. આ બાજુના સંગીતકારો તેનો ઉપયોગ શાસ્ત્રીય ગાયન-વાદન સાથે સંગત કરવામાં તો કરે જ છે, તે ઉપરાંત ઘટમનું એકલ તાલવાદન પણ ખુબ જ લોકપ્રિય છે. દેશના અન્ય વિસ્તારોમાં પણ ઘટમનો ઓછોવત્તો ઉપયોગ થતો રહે છે પણ, તે એક લોકતાલવાદ્ય તરીકે જાણીતું છે. ઉપર તસવીરમાં જોઈ શકાય છે તેમ પીવા માટેનું પાણી ભરવા માટે વપરાતા માટીના ગોળા/ઘડા/મટકાનો જ ઉપયોગ એક તાલવાદ્ય તરીકે કરવામાં આવે છે. આથી તેને ઘટમ અથવા મટકા તરીકે ઓળખવામાં આવે છે. એક સમયે ગુજરાત અને રાજસ્થાનના કિર્તનકારો માટીની જગ્યાએ તાંબા (ક્યારેક પીત્તળ) જેવી ધાતુના ઉપયોગથી બનેલી આવા જ પ્રકારની માણ તરીકે જાણીતી રચનાનો સાથ લેતા હતા. હવે આવા કલાકારો જૂજ પ્રમાણમાં જોવા મળે છે.
ઘટમની રચના અન્ય તાલવાદ્યો કરતાં એ રીતે અલગ પડે છે કે માટી વડે બનતી આ રચનાના ખુલ્લા ભાગ પર કોઈ આવરણ હોતું નથી. જરૂર પ્રમાણે તેને ખુલ્લો રાખીને અથવા થોડોઘણો ઢાંકી દઈને અપેક્ષિત નાદ નિષ્પન્ન કરી શકાય છે. એક આ વાદ્યનો અપવાદ બાદ કરતાં અન્ય બધાંજ તાલવાદ્યોમાં એક અથવા બે છેડા ચામડાથી અથવા પ્લાસ્ટીક જેવી રચનાથી બંધ કરાયેલા હોય છે. આમ, મટકાનો અવાજ એકદમ અનોખો હોય છે. તેને વગાડવાની પદ્ધતિ અને તેના નાદના અવાજ બાબતે કંજુમ નામના એક દક્ષિણ ભારતીય કલાકારના ઘટમવાદનની ક્લિપ થકી ખ્યાલ આવશે. મટકા કે ઘટમથી નિષ્પન્ન થતો નાદ સહેલાઈથી પારખી શકાય છે, કેમ કે એમાં અનુનાદિય સ્વર (Resonance) સાવ ઓછો હોય છે. મોટા ભાગે તેમાં ઊંડાણ (કે આવર્તન) હોતું નથી. ઊંડાણ માતે તેના મોંના ખુલ્લા ભાગ પરથી અસર પેદા કરવામાં આવે છે.
હવે આગળ વધીએ ઘટમના તાલ ધરાવતાં કેટલાંક હિન્દી ફિલ્મોનાં ગીતો તરફ. હિન્દી ફિલ્મી ગીતોમાં આ તાલવાદ્યનો ઉપયોગ અનેક સંગીતકારોએ કરેલો છે. તે એટલો સાહજિક બની રહ્યો છે કે મોટા ભાગના કિસ્સામાં એ તરફ ધ્યાન પણ ન જાય. ખાસ કરીને સંગીતકાર બેલડી હૂશ્નલાલ-ભગતરામનાં ઘણાં ગીતોમાં તેનો ઉપયોગ સાંભળી શકાય છે.
૧૯૪૯ના વર્ષમાં રજૂ થયેલી ફિલ્મ લાહોરના ગીત ‘બહારેં ફીર ભી આયેગી’ના વાદ્યવૃંદમાં તાલવાદ્ય તરીકે ઘટમનો ઉપયોગ થાયો છે. આ ફિલ્મ માટે શ્યામસુંદર નામના સંગીતકારે ગીતો તૈયાર કર્યાં હતાં.
ફિલ્મ બડી બહન (૧૯૪૯)માં હૂશ્નલાલ-ભગતરામનું સંગીત હતું. તેના ગીત ‘વો પાસ રહે યા દૂર રહે’ સાથે ગીતની શરૂઆતથી જ ઘટમના નાદ કાને પડતા રહે છે.
૧૯૪૯ની સાલમાં જ પરદા પર આવેલી ફિલ્મ ‘અંદાઝ’નાં સંગીતકાર નૌશાદના નિર્દેશનમાં બનેલાં ગીતો આજે સાડાસાત દાયકા પછી પણ ખુબ જ લોકપ્રિય બની રહ્યાં છે. તે પૈકીના ગીત ‘તૂ કહે અગર જીવનભર’માં ઘટમના તાલ સ્પષ્ટપણે સાંભળી શકાય છે. નોંધનીય છે કે પિયાનો જેવા પાશ્ચાત્ય વાદ્ય સાથે ઘટમનો સમાવેશ થયો છે.
હવે માણીએ એક વધુ ઘટમપ્રધાન ગીત. ફિલ્મ આશીયાના (૧૯૫૨)ના મદનમોહનના સ્વરનિર્દેશનમાં બનેલા ગીત ‘મૈં પાગલ મેરા મનવા પાગલ’ સાથે ઘટમના તાલની સંગત છે.
https://youtu.be/wZBoaazU7w4?si=evtxOxI6iXmEeim7
૧૯૫૨ના વર્ષમાં જ રજૂ થયેલી ફિલ્મ બૈજુ બાવરા માટે નૌશાદે સ્વરબદ્ધ કરેલાં ગીતોએ ફિલ્મની સફળતામાં સિંહફાળો આપ્યો હતો. તેમાંનું એક ગીત ’દૂર કોઈ ગાયે ધૂન યે સૂનાયે’ સાંભળીએ, સંગત કરતાં તાલવાદ્યોમાં ઘટમનો પણ સમાવેશ થયો છે. ગીતની શરૂઆતમાં જ યુવતીઓ ઘડો લઈને નૃત્ય કરી રહેલી જોઈ શકાય છે અને સાથેસાથે ઘટમ પર વાગી રહેલા તાલનાદ પણ સંભળાય છે.
ફિલ્મ આહ (૧૯૫૩)નું ગીત ‘યે શામ કી તનહાઈયાં’ માણતાં જ ખ્યાલ આવે છે કે તેની સાથે તાલવાદ્ય તરીકે ઘટમનો ઉપયોગ થયો છે. સંગીત શંકર-જયકિશનનું છે.
૧૯૫૩ના વર્ષની ફિલ્મ નગ્મા માટે નાશાદ નામના પ્રમાણમાં અલ્પજ્ઞાત સંગીતકારે ગીતો બનાવ્યાં હતાં. નોંધનીય છે કે કેટલાક સિનેરસિકો તેમને સુખ્યાત સંગીતકાર નૌશાદ માની બેસે છે. હકીકતે આ સ્વરકારનું મૂળ નામ શૌકત અલી હતું, પણ ફિલ્મી આલમમાં તેમણે નાશાદ નામથી કેટલીક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. ઉક્ત ફિલ્મના ગીત ‘ઓ તીર ચલાનેવાલે જરા’ સાથે ઘટમના નાદ પ્રયોજાયા છે.
ફિલ્મ બાગી (૧૯૫૩)ના ગીત ‘હમારે બાદ અબ મહેફીલ મેં અફસાને બયાં હોંગે’ સાથે ઘટમના તાલનો પ્રભાવક પ્રયોગ થયો છે. આ ફિલ્મના સંગીતકાર હતા મદનમોહન.
ફિલ્મ શર્ત (૧૯૫૪) માટે હેમંતકુમારના નિર્દેશનમાં તૈયાર થયેલું ગીત ‘મેરી તકદીર કે માલિક’ ઘટમના તાલ વડે સજાવાયું છે.
સંગીતકાર નાશાદ(નૌશાદ નહીં!)નું સ્વરબદ્ધ કરેલું વધુ એક ગીત સાંભળીએ. ફિલ્મ બારાદરી(૧૯૫૫)નું ગીત ‘તસવીર બનાતા હૂં’ ઘટમાના નાદ વડે સભર તાલ ધરાવે છે.
૧૯૫૭માં રજૂ થયેલી ફિલ્મ અબ દિલ્લી દૂર નહીંનું ગીત ‘ભેજ છનાછન ખુબ રુપૈયા’ કાને પડતાં જ તેના સંગાથમાં ઘટમના નાદ પારખી શકાય છે. પરદા પર ગાયક સાથે સાથે ઘટમ વગાડતા જોઈ શકાય છે. ઉપાર જણાવ્યું છે તેમ અહીં ઘટમનો ખુલ્લો ભાગ તેને ઉંધું પાડીને શક્ય એટલો ઢાંકી દેવાયો છે, પરિણામે વિશિષ્ટ નાદ ઉત્પન્ન થયેલો સાંભળી શકાય છે.
ફિલ્મ માલિક (૧૯૫૮)ના ગીત ‘મન ધીરે ધીરે ગાય રે’ માં ઘટમના તાલનું પ્રાધાન્ય માણી શકાય છે. આ ફિલ્મમાં ગુલામ મહમ્મદનું સંગીત હતું.
૧૯૫૮ના વર્ષમાં જ રજૂ થયેલી ફિલ્મ મધુમતીની સાફળતામાં સલિલ ચૌધરીએ સર્જેલાં તેનાં એક કરતાં એક ચડીયાતાં ગીતોએ મોટો ભાગ ભજવ્યો હતો. એ પૈકીના ગીત ‘તૂટે હૂએ ખ્વાબોં ને’ ના વાદ્યવૃંદમાં ઘટમના તાલ સંભળાય છે.
https://youtu.be/TEQitO44FJU?si=WDaQP1bFFMaDVKfR
હવે એક વિશિષ્ટ ક્લિપ માણીએ, લાક્ષણિક રાજસ્થાની ગ્રામ્ય વિસ્તારની પનિહારીઓ અલગઅલગ પ્રકારના ઘડા સાથે પાણી ભરવા નીકળી હોય એવા દૃશ્યમાં ફિલ્મ દો બૂંદ પાની(૧૯૭૧)નું ગીત ‘પીત્તલ કી મોરી ગાગરી’ ચિત્રાંકિત થયું છે. ગીતની દૃશ્યાવલીને અનુરૂપ ઘટમાના તાલ પ્રયોજાયા છે. આ ફિલ્મમાં જયદેવનું સંગીત હતું.
ફિલ્મ જવાની દિવાની(૧૯૭૨) માટે રાહુલદેવ બર્મને પ્રયોગશીલ સંગીત તૈયાર કર્યું હતું. તેના ગીત ‘સામને યે કૌન આયા’ના વાદ્યવૃંદમાં મોટા ભાગે બોંગો અને કોંગો જેવાં પાશ્ચાત્ય તાલવાદ્યોનો ઉપયોગ થયો છે, પણ સમયસમયે ઘટમના નાદ પણ કાને પડતા રહે છે. આ ગીતમાં બહુ વિશિષ્ટ રીતે મટકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે મટકાની દિવાલ પર આંગળીઓ વડે વાદન કરી, તાલ નિપજાવવામાં આવે છે. તેને બદલે અહીં તેના ખુલ્લા ભાગનો ઉપયોગ કરી, ઊંડાણવાળો અને ઘેરો તાલ પ્રયોજાયો છે. પહેલાં મૂળ ગીતમાં એ સાંભળીએ.
હવે એક લાઈવ શોની ક્લિપ માણવાથી મૂળ મટકામાં શા ફેરફાર કરાયા અને તેનું પરિણામ કેવું આવ્યું તે સમજી શકાશે.
આ કડીની આખરમાં ૧૯૮૩ની ફિલ્મ હીંમતવાલાનું એક નૃત્યગીત માણીએ. બપ્પી લાહીરીના સંગીતનિર્દેશનમાં બનેલા આ ગીત સાથે તાલવાદ્ય તરીકે ઘટમનો ધ્યાનાકર્ષક ઉપયોગ થયો છે. નૃત્યના ફિલ્માંકન પર નજર નાખતાં ખ્યાલ આવે છે કે મંચસજાવટમાં ઉતરડ (ઘડાઓની લંબ દિશાએ ગોઠવણી) કરવામાં આવી છે અને તેને ધ્યાને લઈને સંગીતકારે તાલવાદ્ય તરીકે ઘટમનો ઉપયોગ કર્યો છે.
https://www.youtube.com/watch?v=-ix62x0XfHk&list=RD-ix62x0XfHk&start_radio=1
આજે અહીં અટકીએ, આવતી કડીમાં અન્ય તાલવાદ્ય સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com
