ભરત સાંગાણી

વિશાળ અને અનંત જણાતા રણપ્રદેશની મધ્યમાં, જ્યાં ક્ષિતિજ રેખા રેતીના ઢૂવાઓ સાથે ભળી જતી હતી, ત્યાં એક વિચિત્ર શાંતિ પ્રસરેલી હતી. આ રણ કોઈ ભૌગોલિક સ્થળ નહોતું, પણ કદાચ મનુષ્યના અંતરની શૂન્યતાનું પ્રતીક હતું. અહીં અજીત નામનો એક મુસાફર પોતાના જીવનના માર્ગો શોધતો ભટકી રહ્યો હતો. અજીત તર્કનો માણસ હતો, વિજ્ઞાનનો ઉપાસક હતો. તેના માટે દુનિયા એટલે માત્ર જે આંખે દેખાય અને જેને માપી શકાય તે જ સત્ય હતું. પણ આ રણની તરસ તેને કશુંક એવું શોધવા મજબૂર કરી રહી હતી જે તેના ગણિતમાં ક્યાંય બેસતું નહોતું.

ત્યાં જ, તેની મુલાકાત અભિજિત સાથે થઈ. અભિજિત નાનકડા બાળક જેવો હતો, પણ તેની વાણીમાં યુગોનું જ્ઞાન અને આંખોમાં બ્રહ્માંડની ગહનતા હતાં. અભિજિત પાસે એક નાનકડું ઓટલા જેવું સ્થાન હતું, જ્યાં તેણે એક અત્યંત સુંદર અને નાજુક શ્વેત પુષ્પ રોપ્યું હતું. આ પુષ્પનું નામ તેણે રૂક્ષ્મણી રાખ્યું હતું. અજીતને આશ્ચર્ય થયું કે આટલા નિર્જન રણમાં એક છોડ પાછળ આટલી મહેનત કેમ?

અભિજિતે હળવા સ્મિત સાથે કહ્યું, “અજીતભાઈ, દુનિયામાં હજારો ગુલાબ હશે, પણ આ રૂક્ષ્મણી મારા માટે અદ્વિતીય છે. મેં તેને મારા શ્વાસથી સીંચ્યું છે, મેં તેને મારા મૌનથી સાંભળ્યું છે. જ્યારે તમે કોઈને તમારો સમય આપો છો, ત્યારે તે વસ્તુ માત્ર પદાર્થ મટીને સંબંધ બની જાય છે. તપની શરૂઆત પણ અહીંથી જ થાય છ, જ્યારે સાધક અને સાધ્ય વચ્ચેનો ભેદ ભૂંસાઈ જાય.” અજીતને આ વાત ગળે ન ઉતરી. તેણે પૂછ્યું, “પણ આ તો માત્ર એક છોડ છે, તેનું આટલું જતન કેમ?”

ત્યારે અભિજિતે તેને પ્રેમ અને સમર્પણની ગૂઢ વાતો સમજાવવા માટે ભૂતકાળનાં પૃષ્ઠો ખોલ્યાં. તેણે વાત માંડી મહાન ભક્ત નામદેવની. નામદેવ એટલે એવું વ્યક્તિત્વ જેમણે પથ્થરની મૂર્તિમાં પ્રાણ જોયા હતા. નામદેવ કલાકો સુધી વિઠ્ઠલ સામે બેસી રહેતા. એ સમયે વિદ્વાન અને શાસ્ત્રજ્ઞાની પુરંદર ત્યાંથી પસાર થયા. પુરંદર પાસે વેદ-પુરાણોનું અગાધ ભાથું હતું, પણ હૃદયમાં પ્રેમની સૂકી નદી હતી.

પુરંદરે અટ્ટહાસ્ય કરતા કહ્યું, “અરે નામદેવ! તું આ જડ પથ્થર સામે કેમ રોદણાં રડે છે? જ્ઞાન મેળવ, આત્મા અને પરમાત્માના અદ્વૈતને સમજ. આ મૂર્તિ તને શું આપવાની?”

નામદેવે શાંતિથી જવાબ આપ્યો, “પુરંદરભાઈ, જ્ઞાન એ દીવો છે જે રસ્તો બતાવે છે, પણ તપ એ ચરણ છે જે મંજિલ સુધી પહોંચાડે છે. તમે જેને પથ્થર કહો છો, એમાં મને મારા પ્રભુનું હૃદય ધબકતું સંભળાય છે. જ્યારે હું આ રૂક્ષ્મણી જેવી નાજુક ભક્તિને હૃદયમાં સ્થાપું છું, ત્યારે આખી સૃષ્ટિ વિઠ્ઠલમય બની જાય છે.”

અભિજિતે આગળ બીજી વાત કરતાં કહ્યું, એકવાર નામદેવ વનમાં સાધના કરતા હતા. ત્યાં એક શ્વાન (કૂતરો) આવ્યો અને નામદેવના ભાણામાંથી રોટલો લઈને ભાગ્યો. જ્ઞાની પુરંદર પણ ત્યાં હાજર હતા. નામદેવ તો રોટલો છીનવવાને બદલે ઘીની વાટકી લઈને તે કૂતરા પાછળ દોડ્યા અને કાકલૂદી કરવા લાગ્યા, “હે પાંડુરંગ! ઊભા રહો, કોરો રોટલો ગળે વળગશે, જરા ઘી તો લગાવવા દો!”

આ દૃશ્ય જોઈ પુરંદર સ્તબ્ધ થઈ ગયા. તેમને સમજાયું કે જે સત્ય તેઓ પોથીઓમાં શોધતા હતા, તે નામદેવે સમર્પણની એક પળમાં મેળવી લીધું હતું. અભિજિતે અજીત સામે જોઈને કહ્યું, “અજીત, પ્રેમ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે તે ભક્તિ બને છે. ત્યાં ‘હું’ અને ‘તું’ મટી જાય છે.”

તપ-ભક્તિ માત્ર બહિર્મુખ નથી હોતી. તે અંતર્મુખ પણ હોય છે. આ સમજાવવા માટે અભિજિતે નિરુપમાની વાત છેડી. નિરુપમા એક એવી તપસ્વીની હતી જે મૌન રહીને મંદિરના ખૂણામાં દીવા સાફ કરતી. તેની સેવાની કોઈને ખબર નહોતી. એક રાત્રે ભયંકર તોફાન આવ્યું. વાવાઝોડાએ મોટા વડલાઓને પણ ઊખેડી નાખ્યા. ગામના લોકો જીવ બચાવવા ભાગ્યા, પણ નિરુપમા મંદિરના ગર્ભગૃહના દ્વાર પકડીને બેસી રહી. તેની ચિંતા પોતાનો જીવ બચાવવાની નહોતી, પણ પેલા અખંડ દીવાને બુઝાવા ન દેવાની હતી.

તેણે કહ્યું હતું, “જો આ દીવો બુઝાઈ જશે, તો સૃષ્ટિના અંધકારને દૂર કરવા કયો સૂર્ય આવશે? મારા માટે આ જ્યોત એ જ મારો પરમાત્મા છે.” નિરુપમાની આ મૌન આરાધના એ સાબિતી હતી કે ભક્તિ માટે શબ્દોની જરૂર નથી, માત્ર અડગ નિશ્ચય જોઈએ.

અભિજિત અને અજીત રણમાં આગળ વધ્યા. રસ્તો લાંબો હતો, પણ વાતો એવી હતી જે સમયને થંભાવી દેતી હતી. રસ્તામાં તેમને અનિલ અને અભિષેક નામના બે મુસાફરો મળ્યા. તેઓ બંને દુન્યવી સફળતાની પાછળ દોડતા હતા. તેઓએ અભિજિતને પૂછ્યું, “અમે સુખ ક્યાંથી ખરીદી શકીએ?”

અભિજિતે પોતાના વહાલા સફેદ પુષ્પ રૂક્ષ્મણીને મનોમન યાદ કરી, હસતાં હસતાં કહ્યું: “સુખ બજારમાં નથી મળતું, તે સંબંધોની માવજતમાં મળે છે. તમે જેની પાછળ તમારો અંશ ખર્ચો છો, તે જ તમને પૂર્ણતા આપે છે. ભક્તિમાં પણ એવું જ છે. તમે ભગવાનને શું અર્પણ કરો છો એ મહત્વનું નથી, પણ કયા ભાવથી અર્પણ કરો છો એ મુખ્ય છે.”

વાતોનો આ મર્મ હવે વધુ ગહન બનતો ગયો. અભિજિતે સમજાવ્યું કે નાના રાજકુમારની જેમ તે પણ એક ગ્રહથી બીજા ગ્રહ એટલે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં મુસાફરી કરી રહ્યો છે. તેણે અજીતને કહ્યું, “જુઓ, આ રણ સુંદર છે કારણ કે તે ક્યાંક ને ક્યાંક મીઠા પાણીનો કૂવો છુપાવીને બેઠું છે. મનુષ્યનું શરીર પણ એક રણ છે, અને હૃદયમાં રહેલો પ્રેમ એ મીઠા પાણીનો કૂવો છે. પણ લોકો બહારના ઝાંઝવાના જળ પાછળ દોડે છે.”

અજીતની આંખો હવે ભીની થવા લાગી હતી. તેને સમજાયું કે તે જે જ્ઞાન અને તર્કના અહંકારમાં રાચતો હતો, તે કેટલું ખોખલું હતું. તેણે પૂછ્યું, “તો શું મારે પણ આ રૂક્ષ્મણી જેવા પુષ્પની શોધ કરવી જોઈએ?”

અભિજિતે કહ્યું, “પુષ્પ શોધવાનું નથી હોતું, તેને ખીલવવાનું હોય છે. તમારા ભીતર જે કરુણા છે, જે નિઃસ્વાર્થ સેવા છે, તે જ તમારું પુષ્પ છે. જ્યારે તમે કોઈ અજાણ્યા માટે આંસુ પાડો છો, જ્યારે તમે કોઈ ભૂખ્યાને પોતાનો રોટલો આપો છો, ત્યારે તમે નામદેવ બનો છો. જ્યારે તમે જગતના ઘોંઘાટમાં પણ ઈશ્વરનો સાદ સાંભળો છો, ત્યારે તમે નિરુપમા બનો છો.”

સમય સરકતો રહ્યો. આકાશમાં તારા ખીલી ઊઠ્યા હતા. અભિજિતે પોતાની વિદાયનો સંકેત આપ્યો. તે પોતાની દુનિયામાં પાછો ફરવાનો હતો, જ્યાં તેનું રૂક્ષ્મણી પુષ્પ તેની રાહ જોઈ રહ્યું હતું. અજીત ગભરાઈ ગયો. તેને લાગ્યું કે તે ફરી એકલો પડી જશે.

અભિજિતે તેને ગળે લગાવતા છેલ્લો મંત્ર આપ્યો, “યાદ રાખજે અજીત, સૌથી કિંમતી વસ્તુઓ આંખોથી દેખાતી નથી. તે હૃદયના સ્પર્શથી અનુભવાય છે. જ્યારે તું રાત્રે એકચિત્તે તપની મુદ્રામાં ધ્યાન ધરી આકાશ સામે જોઈશ, ત્યારે તને બધા તારામાં મારું સ્મિત દેખાશે. અને જ્યારે તું તારા હૃદયના ઊંડાણમાં ઊતરીશ, ત્યારે તને ત્યાં તારો પોતાનો ‘વિઠ્ઠલ’ મળશે. ભક્તિ એટલે વિયોગમાં પણ મિલનનો અનુભવ.”

અભિજિત ધીમે ધીમે તેજપુંજમાં વિલીન થઈ ગયો. રણમાં હવે અજીત એકલો હતો, પણ તેનું એકલવાયાપણું હવે શૂન્યતા નહીં, પણ એક દિવ્ય ભક્તિથી ભરેલું હતું. તેણે જોયું કે રણની રેતીમાં પણ હવે નાના નાના અંકુર ફૂટી રહ્યાં હતાં. તેને સમજાઈ ગયું હતું કે સમર્પણ એ દુનિયાનો સૌથી મોટો ચમત્કાર છે.

દરેક મનુષ્ય એક રાજકુમાર છે, જે પોતાની રૂક્ષ્મણી એટલે કે પોતાનાં આંતરિક શાંતિ અને પ્રેમની શોધમાં ભટકે છે અને જે દિવસે તે અહંકાર છોડીને ભક્તિના માર્ગે ડગ માંડે છે, તે દિવસે આખું બ્રહ્માંડ તેની સાથે સંવાદ કરવા લાગે છે. નામદેવ, નિરુપમા અને પુરંદરના પાત્રો દ્વારા અજીતને જે સત્ય સમજાયું તે એ હતું કે, જીવન એ માત્ર જીવવાની પ્રક્રિયા નથી, પણ પરમાત્માના ચરણોમાં એક સુગંધિત પુષ્પ બનીને અર્પણ થઈ જવાની કળા છે.

રણની એ રાત શાંત હતી, પણ અજીતના હૃદયમાં ભક્તિના અનેક સૂર ગુંજી રહ્યા હતા. તેણે રણની રેતીમાં નતમસ્તક થઈને પ્રણામ કર્યા, કારણ કે હવે તેને રેતીના દરેક કણમાં તેના આરાધ્ય દેખાઈ રહ્યા હતા.