પ્રીતિ શાહ-સેનગુપ્તા
અકબરભાઈ અને ફાતિમાબેન મને આસપાસનો પાડોશ બતાવવા લઈ ગયાં, ત્યારે મને પનામા શહેરના મંદિરમાં પણ લઈ ગયાં હતાં. મને યાદ હતું કે આગલી વાર મને એ મંદિર પર લઈ ગયા હતા. એમને પણ એ યાદ હતું.
રસ્તા પરથી એક ફાંટો ખાસ્સો ઉપર ગયો. ત્યાં, એક નાની ટેકરી પર આ મંદિર હતું. શહેર નીચે પથરાયેલું દેખાય. મને જરા જુદું લાગ્યું, ને ત્યારે વાત થઈ, કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એમાં સાચે જ ફેરફાર કરવામાં આવ્યો હતો. મુખ્ય દ્વાર આમ હતું તેને બદલે તેમ થયું, ને એ પ્રમાણે અંદર મૂર્તિઓની ગોઠવણી પણ બદલાઈ હતી.
અકબરભાઈએ કહ્યું, કે ભજન ને પૂજાપાઠ તો બરાબર છે, પણ રાસ-ગરબા વખતે એટલે તો મોટેથી મ્યુઝીક ચલાવે કે દૂર સુધી સંભળાય. વળી, ઘણી મોડી રાત સુધી પણ ચાલુ રહે. અમારાં બધાંનાં ઘર સુધી નવ નવ રાત —- એ તો સજ્જન છે, એમણે વાક્ય પૂરું ના કર્યું. ને ખરેખર જ, બહારના કમ્પાઉન્ડમાં મોટાં મોટાં સ્પીકર ગોઠવેલાં હતાં. નીચે રહેલા રહેવાસી વિભાગોને ગાજતા હું કલ્પી શકી.
પણ આ વર્તન ક્યારેય, ને ક્યાંય પણ સારું નથી લાગતું. અન્ય દેશમાં, અન્ય પ્રજાને અગવડ આપવાનું વલણ કેવું કહેવાય? જેમ પેલા પાર્કમાં રાતે આઠ વાગ્યે મ્યુઝીક બંધ કરી દેવામાં આવ્યું હતું, તેમ અહીં અગિયાર વાગ્યે પણ બંધ ના કરી દઈ શકાય? હવે તો ભારતનાં શહેરોમાં પણ આ નિયંત્રણ મૂકવામાં આવ્યાં છે.
ખેર, આમ કરતાં કરતાં, આખરે, ગયાના અને પનામાની સંયુક્ત સફરનો છેલ્લો દિવસ આવી લાગ્યો હતો. પનામા સિટીથી ન્યૂયૉર્કની ફ્લાઇટ છેક સાંજે હતી, અને મોટા ભાગનો દિવસ હજી બચેલો હતો, તેથી મનમાં પ્રશ્નોની ખેંચતાણ થવા માંડેલી – જાઉં? ના જાઉં? જવું જોઇએ? કે ચાલશે? રાત દરમ્યાન આ પ્રશ્નો મનમાં ઘુમરાતા રહેલા. ને અલબત્ત, જવાનું જ નક્કી કર્યું. છેવટે, એકસો વર્ષ થતાં હતાં એટલે તવારિખ અગત્યની કહેવાય, મેં વિચાર્યું. અલબત્ત, જરાક લાગણીમાં ખંેચાઇને.
મનની અંદરની અવઢવનો આ સંદર્ભ હતો જગ-વિખ્યાત પનામા કૅનાલનો. ૧૯૧૪માં, વિશ્વ યુદ્ધના કારમા પડછાયામાં રહ્યે રહ્યે, પૅસિફિક અને ઍટલાન્ટીક મહાસાગરોને જોડતો આ જળ-માર્ગ ખુલ્યો હતો. આટલાં વર્ષોમાં એ પણ નાની પડવા માંડી, ને તેથી સમાંતરે બીજી કૅનાલ બનાવવાનું શરૂ થયું. કહે છે, કે ૨૦૧૫ના ડિસેમ્બર સુધીમાં એ પણ ખુલી જશે. પછી વધારે મોટાં અને વધારે સંખ્યામાં કાર્ગો-સામાન ભરેલાં વહાણો અવરજવર કરી શકશે.
મેં કૅનાલની સફર બોટમાં તો પહેલી વારની ટ્રીપ દરમ્યાન કરેલી. આ વખતે મેં એક ટ્રેન-સફર વિષે વાંચેલું. એ પણ ઐતિહાસિક ટ્રેન છે, ને તેથી એ આજે લઈ લઉં, કે ના લઉં?, એવા સવાલ મુંઝવતા રહેલા. પણ નવું જોવાનો મોહ-લોભ ક્યારે ખાળી શકાયો છે મારાથી?
હોટેલમાંથી રસ્તા પર આવીને, સવારે સવા છ વાગ્યે ટૅક્સી લીધી. કૉરૉઝાલ નામના નાના સ્ટેશનેથી આ ટ્રેન લેવાની હતી. એની ટિકિટનો ભાવ પણ વધી ગયો છે, તો સામે લોકો સાવ ઓછા હતા. પચીસ પણ નહીં હોય. આખી સફર પૂરી થઈ ત્યારે નિરાશ જ થવાયું. એનું જે પ્રમાણેનું વર્ણન આપવામાં આવે છે તેવું કશું ના લાગ્યું. જેમકે, મૂળ કૅનાલ ખૂબ ઓછી વાર દેખાઈ, વન્ય પ્રાણીઓ નજરે ના પડ્યાં, વગેરે.
આ રેલ-વે સૌ પ્રથમ ૧૮૫૫માં બંધાઈ હતી. હજાર ચીની લોકોને આ કામ માટે લાવવામાં આવેલા. કૅનાલ ચાલુ થઈ ગઈ પછી આ ટ્રેનનો વપરાશ બંધ થઈ ગયો. વીસમી સદીનાં છેલ્લાં વર્ષોમાં ફરી આ ટ્રેન, એના પાટા વગેરેનું સમારકામ શરૂ થયું. છેલ્લાં પંદરેક વર્ષથી, લગભગ એંસી કિ.મિ.ની આ ટ્રેન-સફર પ્રવાસીઓને માટેની પ્રવૃત્તિ તરીકે ચલાવવામાં આવી રહી છે.

ટ્રેનને બહારથી પીળા અને લાલ રંગે, અને પનામા કૅનાલ રેલ-રોડ જેવા શબ્દોથી ચિતરી છે. અંદર દરેક બોગીમાં સરસ પૉલિશ કરેલાં લાકડાં જડેલાં છે, સુંદર લૅમ્પની શોભા છે, અને બેસવાની સીટો આરામપ્રદ છે. આખો રસ્તો પનામાનાં જંગલમાં થઈને જાય છે. ક્યાંક કાદવિયાં ખાબોચિયાં દેખાય, તો ક્યાંક હાડપીંજર જેવાં સૂકાં ઝાડ દેખાય. આમ કરતાં, એકાદ કલાકે એ કોલોન નામના ગામની બહારના, સાવ સૂની જગ્યાએ બનેલા સ્ટેશન પર પહોંચે છે.
પનામા સિટી પાછાં આ ટ્રેનમાં જવું હોય તો એ સાંજે છેક પાંચ વાગ્યે એ અહીંથી નીકળે. એ દરમ્યાન, ફરી મોંઘી ટૅક્સી કરી આસપાસ જવાય. હું બસો દ્વારા આ બધી જગ્યાઓએ જઈ આવી હતી, આગલી વખતે; તેથી હવે મેં પનામા સિટી પાછાં જવા માટે કોલોન ગામના બસ-સ્ટેશન પરથી એક બસ લઈ લીધી.
ત્યાંથી ફરી મૅટ્રો લઈને હોટેલ પર પહોંચી. ઍરપૉર્ટ જવા માટેની ટૅક્સી મેં હોટેલમાંથી જ બૂક કરાવી દીધી. લંચ લઈ લીધા પછી, સમય થતાં હું ઍરપૉર્ટ જવા નીકળી ગઈ. મુખ્ય એક જ રસ્તો છે. એના પરથી જ જવાનું, તેથી ટ્રાફીકનો ખ્યાલ રાખવો પડતો હોય છે. ઉપરાંત, મથક ખૂબ મોટું હોય, એટલે પૂરતો સમય પણ રાખવો પડે.
બસ, વિમાન સમયસર સાંજના સાડા છ વાગ્યે ઊપડ્યું. રાતના સાડા બાર વાગ્યે એ ન્યૂયૉર્ક પહોંચ્યું. એ પછી વળી ટૅક્સી લીધી, અને વહેલી સવારે પોણા બે વાગ્યે ઘેર પહોંચી ગઈ. એ તો પરિચિત સ્થાન. ત્યાં તો સુખરૂપ જ પહોંચવાનું હોય ને.
( સમાપ્ત)
હવે પછી ઃ મોંગોલિયા
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
