વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

જીવનસંધ્યાએ ઊભેલી કલ્પના આજે પાર્કના એ બાંકડા પર બેઠી હતી જ્યાં પાંત્રીસ વર્ષ પહેલાં  એણે અને સુરેશે ભાવિ જીવનનાં સપનાં જોયાં હતાં.

એકદમ સ્વસ્થ એવો સુરેશ માત્ર બે દિવસની બીમારીમાં ચાલ્યો ગયો.

સુરેશ અને કલ્પનાનું દાંપત્યજીવન પ્રસન્ન હતું. સુરેશની સ્ટેટ બેંકની અને કલ્પના સરકારી ઑફિસની જોબ સાથે અશ્વિન અને અદિતિને મોટાં કરવાં, લગ્ન સુધીની જવાબદારી નિભાવવી કશું જ સહેલું નહોતું છતાં સ્નેહપૂર્વક પાર પાડ્યું હતું.

પહેલાં અશ્વિનને પરણીને શ્વેતા આવી ત્યારથી અદિતિ અને શ્વેતાને લાંબો સમય સાથે રહેવાની તક મળી. બંનેને એકબીજા સાથે ખૂબ ફાવતું. દિવસભરની નોકરી પરથી પાછાં આવીને બંને સાંજનું રસોડું સંભાળે ત્યારે ઘરનાં વાસણોનાં ખખડાટ સાથે બંનેનાં મુક્ત હાસ્યનો રણકાર ઘરને જીવંત બનાવતો. કલ્પના ખુશ હતી. સુરેશના ગયા પછી હવે આ ઘર હસતું થયું.

એ પછી અદિતિના લગ્ન થયા. શ્વેતા જેવી પુત્રવધૂ અને સતીશ જેવા જમાઈથી કલ્પનાનો પરિવાર પૂર્ણ હતો.

સૌનો સમય સુખેસુખે જતો હોય એવું ક્યાં હંમેશાં બને છે?

એક સાંજે અદિતિ પાછી આવી. સતીશને શરાબની લત લાગી હતી. સતત અદિતિ પાસે પૈસાની માગણી કરતો અને ન મળે તો મારપીટ.

વાત સાંભળીને સૌ સ્તબ્ધ. અશ્વિન-શ્વેતાએ સતીશને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ વ્યર્થ. સતીશ અદિતિના નામે ફ્લેટ કરીને ચાલ્યો ગયો.

અદિતિ હંમેશ માટે પાછી આવી ગઈ. કલ્પના એને હૂંફ અને અશ્વિન હિંમત આપતો. આશ્ચર્ય એ વાતનું થયું કે આજ સુધી અદિતિ સાથે હસતીરમતી શ્વેતા સાવ શાંત થઈ ગઈ.

એક સાંજે શ્વેતા ઘેર પાછી ન ફરી. શ્વેતાની ઑફિસ એની મમ્મીના ઘરની સાવ નજીક હતી. ક્યારેક એ મમ્મી પાસે જતી, પણ આમ કહ્યા વગર તો ક્યારેય નહીં. રાહ જોઈને અશ્વિને ફોન કર્યો.

“મમ્મીના પાસે છું?”

“હા.”

“રાત્રે પાછી આવીશ કે કાલે? તારા વગર કોઈને ગમતું નથી, હોં.”

“ભૂલી જજે એ બધી વાતો.”

“અરે, અહીં અદિતિને લીધે સૌ ચિંતિત છે અને તું આમ…..”

“હવે મારાથી એ બધું નહીં સચવાય. એ ઘરમાં મને ગોઠતું નથી.”

“ત્રણ બેડરૂમ, મા જેવી સાસુ, બહેન જેવી નણંદ અને ઘરમાં ગોઠતું નથી?”  અશ્વિન વાત પૂરી કરે એ પહેલાં ફોન મુકાઈ ગયો હતો.

આઠ દિવસે પોતાનો સામાન લેવા પાછી આવી. અશ્વિન ગુસ્સામાં હતો.

કલ્પનાએ શ્વેતાને બોલાવી. શું થયું હશે? શ્વેતા કંઈ બોલે તો ખબર પડે ને?

પોતે તો શ્વેતા ને અદિતિમાં કોઈ ભેદ નહોતો રાખ્યો. અદિતિ અને શ્વેતાનો વ્યવહાર સખી જેવો હતો.

તો પછી અશ્વિન સાથે? આશંકા અને ઉચાટથી મન ફફડી ગયું.

“શ્વેતા…?

“એમ.બી.એ. કરવું છે. મમ્મીના ઘરથી યુનિવર્સિટી સાવ પાસે છે. ત્યાં મને વધુ અનુકૂળતા રહેશે.”

“બેટા, આપણા ઘરથી માત્ર વીસ મિનિટ વધુ થશે. ત્યાં મમ્મીની સર્જરીને માંડ બે મહિના થયા છે. એમનો ભાર વધારવાની શી જરૂર? જાણે છે ને પપ્પા હોત તો તું ભણવાનું વિચારે છે એ જાણીને કેટલા ખુશ થાત?

કલ્પના બોલતી રહી ને શ્વેતા સામાન લઈને ચાલી ગઈ.

કલ્પનાના કાલાવાલા, અશ્વિનનો આગ્રહ, અદિતિની આજીજી સઘળું વ્યર્થ ગયું.

શ્વેતા શું ગઈ, ઘરની રોનક ચાલી ગઈ. અદિતિના લગ્નવિચ્છેદને લઈને કલ્પનાના મનમાં ખેદ હતો. હવે અશ્વિનને ઘરમાં એકલો જોઈને એનો જીવ બળતો. અશ્વિન અને અદિતિની એકલતા એને કોરી ખાતી.

 *******

શ્વેતા ભણવામાં હોંશિયાર તો હતી જ, પણ એમ.એ. કર્યા પછી નોકરીની આવશ્યકતા, લગ્ન, સમજી વિચારીને આગળ ભણવાનો વિચાર માંડી વાળ્યો હતો.

આગળ ભણવાની ઇચ્છા ત્રણ વર્ષે પૂરી થતી હતી. વધુ સારી નોકરી મેળવવાની શક્યતાઓથી એનું જોશ બેવડાયું. ભારે ઉત્સાહથી ભણવા માંડી

બે મહિના ક્યાંય પસાર થઈ ગયા.

શ્વેતાની બહેન વૃષાલી એના ત્રણ વર્ષના દીકરા કુણાલ સાથે અઠવાડિયા માટે મમ્મી સાથે રહેવા આવી. મમ્મીની સર્જરી પછી સાંસારિક જવાદારીઓના લીધે નીકળી શકી નહોતી. શ્વેતાનેય કેટલા વખતે મળાયું હતું !

વૃષાલી પતિની, દીકરાની, ઘરની, સાસુમાની વાતો કરતા થાકતી નહોતી. શ્વેતા શાંત હતી.

વૃષાલીના મનનો આનંદ ચહેરા પર છલકતો. વૈવાહિક જીવનનાં, માતૃત્વનાં પરમ સુખ અને સંતોષથી એ છલછલ હતી.

અઠવાડિયું તો ક્યાંય પસાર થઈ ગયું. વૃષાલીના જવાનો દિવસ આવ્યો. શ્વેતાએ એને વધુ રોકાવાનો આગ્રહ કર્યો.

“ના બાબા ના…જોતી નથી, પ્રશાંતના રોજે કેટલા ફોન આવે છે !? સાચું કહું શ્વેતા, મારા વગર પ્રશાંતનું અને પ્રશાંત વગર મારું જીવન જ અધૂરું. મમ્મીજી તો વળી હું નહીં હોઉં તો પોતાના ખાવાપીવાનુંય પૂરું ધ્યાન નહીં રાખતાં હોય એ વાત ચોક્કસ.”

એ દિવસે કૉલેજમાં શ્વેતાનું ચિત્ત ભણવામાં ન લાગ્યું. પુસ્તકનાં પાનાંઓમાં એને વૃષાલી, પ્રશાંત, એનાં સાસુમાના ચહેરા દેખાતા. થોડી થોડી વારે આવીને વૃષાલીને વળગી પડતો કુણાલ દેખાતો હતો.

કૉલેજ પૂરી થાય એ પહેલાં જ એ નીકળી ગઈ.

ઘેર આવીને અશ્વિનને ફોન કર્યો.

“અશ્વિન, હું ઘેર આવું છું.”

મમ્મીને પગે લાગીને નીકળી ત્યારે શાલિની ઓવારણાં લેતાં બોલી. “દીકરી, તને કેટલી વાર સમજાવી, પણ ….જવા દે એ વાત.  જાગ્યાં ત્યારથી સવાર. જા, સૌને સુખ આપીને સુખી થજે.”

ઘરમાં એકલા અશ્વિનને જોઈને શ્વેતાને આશ્ચર્ય થયું.

અદિતિ એનાં ફ્લેટમાં રહેવા ચાલી ગઈ છે ને મા એની સાથે રહે છે, એ જાણીને આઘાત લાગ્યો.

“અશ્વિન, હમણાં જ જઈને બંનેને લઈ આવીએ.”

*****

કલ્પના  એ જ બાંકડા પર બેઠી હતી. એકલી, થાકેલી, હારેલી..

“મા….”

“શ્વેતા..તું ? ક્યારે આવી?

“મા, ચાલો આપણાં ઘેર. અદિતિને પણ લઈ આવું છું. સૌ પહેલાંની જેમ સાથે રહીશું.” શ્વેતા કલ્પનાને વળગી પડી.

“જઈશું તો ખરાં, પણ તારું ભણવાનું ચાલુ રાખવાની શરતે; નહીંતર નહીં.”

“હા મા, પણ ઊભાં તો થાવ. પહેલાં અદિતિને તો લઈ આવીએ.”

કલ્પનાના મનમાં આનંદની લહેર ઊઠી. શ્વેતા અને અશ્વિનના હાથ થામીને ઘર તરફ ચાલી.


રત્નપ્રભા શહાણે લિખિત, લતા સુમંત અનુવાદિત વાર્તા -સૂઝ પર આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.