આદિમુદ્રિત ગ્રંથવૈભવ

નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્‍દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્‍ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ  વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.

‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્‍ક પર વાંચી શકાશે.

https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/


બીરેન કોઠારી

પુસ્તક ક્રમાંક: ત ૫૫૪/ ૧૦૨૫૦

પુસ્તકનું નામ: કાવ્યનિમજ્જન અથવા ગુજરાતી કવિતામાં ઉંડા ઉતરવું

રચી છપાવનાર: હરિકૃષ્ણ બળદેવ ભટ્ટ

છાપનાર: સુરત ઐરિશ મિશન પ્રેસ

પ્રકાશન વર્ષ: ઈ.સ.૧૮૯૩

કિંમત: દોઢ રૂપિયો

પૃષ્ઠસંખ્યા: ૨૭૬+ ૧૩

વિગત:  ‘સુરત મિશન સ્કૂલમાં સંસ્કૃત શિક્ષક, હાલ અંકલેશ્વર ઈંગ્લિશ સ્કૂલના હેડમાસ્તર’ હરિકૃષ્ણ ભટ્ટે આ પુસ્તક ‘લોકોપયોગી ને શાલોપયોગી થાય એ ઉદ્દેશે’ રચીને છપાવ્યું હતું, જેને ‘ડિરેક્ટરસાહેબે મંજૂર કર્યું હતું.’ પ્રસ્તાવનામાં લેખકે જણાવ્યા અનુસાર કવિતા શીખવામાં શબ્દાર્થની સાથે વ્યુત્પત્તિ ને સમાસ, સ્પષ્ટાર્થ ને ગૂઢાર્થ, અર્થની ચમત્કૃતિ ને રચનામાં ચાતુરી, રસ ને અલંકાર- વગેરે ઘણું શિખવા શિખવવાનું છે. આ તમામ બાબતોને પુસ્તકમાં સમાવી લેવામાં આવી છે.

પ્રસ્તાવના પૂરી થયા પછી વિવિધ લોકોના પુસ્તક વિશેના અભિપ્રાયોને સમાવવામાં આવ્યા છે. આ અભિપ્રાય ગુજરાતી તેમજ અંગ્રેજી એમ બન્ને ભાષામાં છે, એટલે કે મૂળ ગુજરાતીમાં લખાયેલા અભિપ્રાયનો અંગ્રેજી અનુવાદ પણ આપવામાં આવ્યો છે.

શામળ ભટ્ટ, દલપતરામ, દયારામ, નર્મદ, નરસિંહ મહેતા, પ્રેમાનંદ, ગિરધર, ધીરો, અખો- એમ નવ કવિઓનાં વિવિધ કાવ્યો શરૂઆતનાં ૮૬ પાનામાં છે. શામળ ભટ્ટ અને અખાનો ટૂંકમાં પરિચય પણ લખાયેલો છે. એ પછી ‘ટીકારંભ’ વિભાગમાં વિવિધ શબ્દોના અર્થ અપાયા છે. છેલ્લે ‘અલંકારપ્રકરણ’ વિભાગમાં અર્થાલંકાર અને શબ્દાલંકાર અંતર્ગત વિવિધ અલંકારોની સમજણ ઉદાહરણસહિત આપવામાં આવી છે.

આ પુસ્તક નીચેની લીન્‍ક પર વાંચી શકાશે.

https://rekhtagujarati.org/ebooks/harikrishna-baldev-bhatt-ebooks


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી