દરિયા-પારની વાર્તા

પ્રીતિ શાહ-સેનગુપ્તા

એમનું નામ બહુ સરસ હતું. અરુણોદય. જાણે બંગાળી-બંગાળી લાગે. અરુણોદય. એ કહેતા કે એમના ફાધરનું પોસ્ટિન્ગ બહુ શરૂઆતમાં ઉત્તર બંગાળમાં થયેલું. ત્યાં આ નામ એમણે સાંભળેલું, ગમી ગયેલું, ને યાદ રહેલું. પછી ફાધર જ્યારે પરણ્યા, અને દીકરો જન્મ્યો ત્યારે ફાધરે આ નામ પાડવાનો આગ્રહ રાખ્યો.

પછીથી સ્કૂલમાં એમણે નામ નવેસરથી ફક્ત અરુણ લખાવ્યું. બીજા કેટલાયે અરુણોમાંના એ એક બની ગયા. પણ એ કૉલૅજમાં આવ્યા, અને કળાકાર તરીકે ઓળખાવા લાગ્યા ત્યારે ફરીથી અરુણોદય નામ એમણે અપનાવ્યું. બીજાં બધાં માટે એ એમનું તખલ્લુસ હતું. કેવળ મારે માટે જ એ એમનું રીતસરનું નામ હતું.

હું એમને અરુણોદય કહીને બોલાવતી ત્યારે બધાંને થતું કે હું એમની મજાક કરું છું. એ જાણતા કે એવું નહતું. એમણે મને કહ્યું હતું કે મારે મોઢેથી એ નામ સાંભળવું એમને બહુ જ ગમતું. હું ચિડાવતી, “શું પોતાના જ નામના પ્રેમમાં પડી ગયા છો?” એ કહેતા, “ના, તારા પ્રેમમાં”. ને હું હસતી -મોટી જોક હોય એમ. એ સિવાય કશી ગમ હતી નહીં મને.

દરરોજ અરુણોદય સાથે વાતો પૂરી થતી નહીં. જોકે અમે બે એકલાં હોઇએ ત્યારે સંકોચ થવા માંડતો, કે ચૂપ થઈ જવાતું. શાથી તેની ખબર વળી શાની પડે? બીજાં સાથે ટોળામાં હોઇએ ત્યારે અમારું વાક્ચાતુર્ય બહુ ખીલતું -અરુણોદયનું, ને એટલું જ મારું પણ.

બસ, પછી બપોર પછી ઘેર, ને કૉલૅજનો દિવસ પૂરો.

              .                 .                  .                    .                   .

આ પ્રેમનું પણ કૈં ગજબ હોય છે. એ અદૃશ્ય હોય, ભૂગર્ભમાં જતો રહે, સમાંતર ધારા થઈને ચાલે. જોકે આ બધું કુશલા સમજી, અને કેટલુંક અનુભવી પણ ચૂકી, ત્યારે વચમાં ઘણાં વર્ષો વીતી ગયેલાં. એ પછી, છેલ્લે, કશો અણજાણ્યો પસ્તાવાનો ભાવ એને કોરી રહેતો હતો. તે પણ પ્રેમનું જ એક સ્વરૂપ. જાતે જ એક જણને ખોઈ બેઠાં હોવાનું ભાન થવું -મોડું મોડું, તે આ સ્થિતિ છે.

કુશલા બી.એ. પાસ કરે કે તરત એનાં લગ્ન નક્કી થઈ ગયેલાં. એને તો વધારે ભણવાની ઇચ્છા હતી, પણ પાત્ર બહુ સારું હતું, એમ એણે સાંભળ્યા કર્યું હતું. સુનય સાથે મળવાનું થયું તે પછી એ પણ મનોમન એવું જ કહેવા માંડી ગઈ હતી. સુનય ઊંચો ને દેખાવડો હતો, હસમુખો ને હોશિયાર હતો, અને શીપિન્ગ કંપનીમાં મોટો ઑફીસર હતો. એના સફેદ યુનિફૉર્મમાં તો એ એવો સરસ લાગે. કુશલાની બહેનપણીઓ કહે, બરાબર રનબીર કપૂર જેવો લાગે છે. એ ઉંમરે આટલું પૂરતું જ નહીં, એથી ઘણુંયે વધારે લાગ્યું હતું.

પણ સુનય વર્ષના કેટલા મહિના બહાર રહેતો હતો, એના પર જાણે કોઈએ ધ્યાન જ ના આપ્યું. અને બહાર જ નહીં, એને તો સામટા ઘણા મહિના દરિયા પર રહેવાનું હતું. એ બાબત વિચારવા જેવી ના લાગી કોઈને? કુશલાને પણ નહીં? આ પ્રશ્ન કુશલાએ પોતાને પૂછ્યો હતો. પણ તે તો લાંબા સમય પછી. એ દરમ્યાન એ કહેવા માંડેલી, “હું હવે બરાબર ખલાસી બની ગઈ છું.” એ તો સારું હતું કે એને ક્યારેય દરિયો નડ્યો નહીં.  સુનય બધાં આગળ ગર્વ કરીને કહેતો, “કુશલામાં ને મત્સ્યકન્યામાં કોઈ ફેર ખરો?”

સંસાર આવો હોઇ શકે તેવી કલ્પના પણ કુશલાએ કરી નહતી.  કુશલાને માટે તો આ જ એના જીવનની શરૂઆત હતી. આગલાં વર્ષોનું જીવ્યું જાણે ફક્ત અત્યાર માટેની તૈયારી રૂપે જ હતું. જે છૂટી ગયું હતું તે સાનંદ છોડ્યું હતું. કશું કે કોઈ એને યાદ આવતું નહતું. મમ્મી-પપ્પાની સાથે તો ફોનથી વાતો થતી જ રહેતી, અને હવે તો ‘સ્કાઇપ’નાં સિગ્નલનો સંસ્પર્શ સાગર પર પણ થઈ શકતો હતો. અરે, કુશલાએ પૅરિસમાં વાળ કપાવેલા, તેનો ખ્યાલ જોતાંની સાથે મમ્મીને આવી ગયો હતોને.

ત્રણેક વર્ષ પછી પહેલી વાર નાના ભાઈ કેયૂરનાં લગ્ન પર કુશલા અને સુનય બંને ઇન્ડિયા ગયેલાં. પણ આ નાની ભાભી જુહી બૅન્ગૅલોરની હતી, તેથી બધાં જાન લઈને ત્યાં ગયાં હતાં. લગ્નના અસંખ્ય સમારંભો પછી છેક અમદાવાદ જવા જેટલો ટાઇમ સુનય પાસે હતો નહીં. ઘરનાં બધાં ત્યાં મળી જ ગયેલાં એટલે કુશલા પણ એની સાથે જ સ્ટીમર પર પાછી જતી રહી હતી.

                    .                 .                  .                    .                   .

કુશલાને કાંઠા-કિનારાની ઝંખના ક્યારેય થઈ નહતી. એને મઝધાર જ બહુ ગમતો. સાગર અને ગગનની ભૂરી ભૂરી છીપની વચમાં કીમતી મોતી જેવું વહાણ, એ પવનના સંગમાં દૂર દૂર સરકતું જતું હોય, ને ક્શિતિજ હસતી હસતી નજરની  સાથે રમતી હોય. બસ, આ જ. ને રોજે રોજ કુશલા વિસ્મય અનુભવતી -કેટલા બધા દરિયા. એક પછી એક, એકમેકની સાથે ગુંથાયેલા, લાગે એકસરખા, ને તોયે જુદા.

કુશલા વિચારતી, ઝરણું હોય તો નાચતું-કૂદતું જાય, નદી હોય તો વળાંક લેતી હોય, દરિયો હોય તો ઊછળીને પણ બતાવે; તો પોતાના જીવનનો આ કેવો પ્રવાહ છે, જે સીધો સરળ જઈ રહ્યો છે? ઊંડો હશે તેથી ચંચળ નથી?, એકવિધ હશે તેથી વળતો નથી?, ને સંયત હશે તેથી તોફાની બનતો નથી? કેવો જુદી જ જાતનો જળસમૂહ હશે આ જીવન.

કે પછી શું આ એવી કોઈ વાર્તા હશે જેને કોઈ મધ્ય ના હોય? કોઈને રસ ના પડે તેવી વાર્તા.

પહેલાં એક વાર તો કુશલાને આ વિચારથી હસવું આવી ગયું. પણ પછી, પવનની સાથે હાથમાંનો લાંબો સ્કાર્ફ ફરકાવવાની રમત રહેવા દઈને, એ ગંભીર બની ગઈ. સુનય સાથેના આ જીવનથી જુદું એને કશું જોઈતું જ નહતું. બધી બાબતે બંનેના વિચાર સરખા હતા. ખેર, લગભગ બધી બાબતે, એણે જાતને ક્હયું. એ એક બાબત બાળકના સંદર્ભે હતી. સુનયને ક્યારેય બાળક જોઇતું નહતું. કુશલા એ સાથે સંમત જ હતી -લગભગ હંમેશાં. સુનયની સાથેની ચર્ચામાં કુશલાએ ઘણી વાર કહ્યું હતું કે “હા, પૃથ્વી પર છોકરાંની ખોટ નથી. ને આપણાં એક કે બેને જ પ્રેમ કરીએ, એને બદલે હજારોને પ્રેમ કરી શકાય તે વધારે સારું છે.” અત્યંત ગરીબ બાળકોના હિત માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા નિયમિત રીતે બંને દાન કરતાં.

પણ ક્યારેક -કેવળ ક્યારેક જ -કુશલાને થતું કે આવા સરસ સુનયનો વંશજ હોવો ના જોઇએ? આવી દલીલ સુનય આરામથી હસી કાઢતો. એ પછી કુશલા પોતાની અંદર જ ગુંચવાતી. એનું પોતાનું પણ કોઈ કારણ છેને? પ્રશ્નનો જવાબ પોતાની અંદરથી એને મળતો નહતો. બાકી તો મનોમન કદાચ બંને વિચારતાં, આપણી જેમ આમ અચાનક ભેગાં થઈ ગયેલાં બે જણ વચ્ચે કેવો સાગર જેવો અપાર પ્રેમ છે.

આવી એક વાતચીતના છએક મહિના પછી મમ્મીની પંચોતેરમીનો પ્રસંગ આવ્યો. નક્કી એવું થયું કે કુશલા આગળ જાય, ને સુનય પછી આવી જશે. જવાના બેએક મહિના પહેલાંથી કુશલા જરાક ચમકી ગઈ હતી. એને કંઇક જુદું થતું લાગી રહ્યું હતું -એના દેહમાં, ને તેથી એના મનમાં. ત્રીજા મહિને જ્યારે એ રજસ્વલા ના થઈ ત્યારે તો કોઈ શંકા જ ના રહી. સુનયને બધી વાતો એ તરત કહેતી જ હોય, છતાં આ બાબત જરાક જુદી હતી. એ માટે કુશલા થોડું વિચારવા માગતી હતી.

જરા ધીરજથી વાત કરવાનો સમય નીકળ્યો નહીં. એ પહેલાં કુશલાને ઇન્ડિયા જવા નીકળી જવું પડ્યું. કાંઇ નહીં, સુનય ઇન્ડિયામાં મળશે ત્યારે વાત થશે, એણે વિચાર્યું. મમ્મીની વર્ષગાંઠનો પ્રસંગ આવ્યો ત્યારે એવું બન્યું કે સ્ટીમર પરની જવાબદારીને કારણે સુનયથી ઇન્ડિયા આવી શકાય તેમ નહતું.

કુશલા અમદાવાદ પહોંચી ત્યારથી જ એને થાક જેવું લાગ્યા કરતું હતું. પણ પછી કુશલાના પેટમાં દુખાવો વધી ગયો, ને ભાઇ-ભાભી એને ડૉક્ટર પાસે લઈ ગયાં ત્યારે ચુકાદો એ હતો કે બાળક બચ્યું નહતું. “પહેલી વારની પ્રૅગ્નન્સીમાં આવું થાય છે, બેટા, આમાં ચિંતાનું બહુ કારણ નથી”, ડૉક્ટરે કહ્યું હતું.

એ આવ્યું ક્યારે, ગયું ક્યારે, કશી ખબર જ નહીં?, આવું છું-જાઉં છું, એવું કાંઇ કહેવાનું નહીં? કુશલા મનમાં સ્તબ્ધ થઈ હતી. જાણે આ પહેલી જ વાર એને પવનની દિશા અને મોજાંનું જોર અનપેક્શિત લાગ્યાં. પણ આમેય એની સાગર-સફરમાં આવો મુકામ કોઈ નકશામાં હતો જ ક્યાં? જ્યારે બાળક કોઈ જોઈતી ચીજમાં હતું જ નહીં ત્યારે એ નહીં હોવાનું દુઃખ પણ ના જ હોવું જોઇએને? આવી સમજણ હોવા છતાં કિનારો રેતાળ થવા માંડ્યો હતો.

થોડા દિવસ પછી કૉલૅજનાં કેટલાંક મિત્રો સાથે ભેગાં થવાનું હતું. હીના નામની બહેનપણી સાથે કુશલાને સંપર્ક રહેલો. એણે જ આ ગોઠવેલું. “તું જો તો ખરી કોઈ ઓળખાય છે કે નહીં”, એણે કટાક્શમાં કહેલું. કુશલાને તરત કોઈ ઓળખાયું નહતું. વચમાં દરિયા જેટલાં વિશાળ સાત વર્ષ વીતેલાં. ધીરે ધીરે એ જૂની બહેનપણીઓ સાથે વાતો કરવા લાગી- પોતાની વાતો ટાળતી રહી, બીજાં વિષે રસ બતાવતી રહી.

ત્યાં જ એની પાછળથી કોઈએ પૂછ્યું, “શું, મારી સાથે વાત કરવાનો વારો આજે આવવાનો કે?” આટલાં વર્ષે પણ કુશલાએ એ અવાજ ઓળખ્યો. મોં ફેરવીને એ સામે જુએ તેની વચમાંની વીસ સૅકન્ડમાં પોતાને વિષે એને એક નવી જ જાણ થઈ. એ કે એનું હૃદય છેલ્લાં સાત વર્ષથી આ અવાજ સાંભળવા માગતું રહેલું. મનમાં તીવ્ર ઇચ્છા હોય ને મનને જ ખબર ના હોય એવું બને?, જાતને પૂછતાં પૂછતાં એ પાછું ફરેલી. અરુણોદય. અરુણોદય.

આ પછી એ કૉલૅજના સ્વરૂપમાં હતી -ચપળ, ચતુર, હસતી, હસાવતી. અરુણોદય પરણી ગયેલા. “હા, બધાંની જેમ હું પણ સંસારનું સુખ પામી રહ્યો છું”, એ બોલેલા. નજીક ઊભેલું બીજું કોઈ બોલેલું, “અમે બધાં મધર ને ફાધર થઈ ગયાં છીએ, પણ તું એવી ને એવી જ લાગે છે.”

“અરે, થોડી ગઈ, હજી બહુ બાકી છે”, આગલી જિંદગીનું યાદ આવી ગયેલું પાત્ર ભજવતાં કુશલાએ કહેલું. પછી એ જમાનાની એમની ટેવ પ્રમાણે ત્વરિત ચાતુર્યોક્તિઓમાં કુશલા અને અરુણોદયે થોડો સમય ગાળ્યો હતો. બીજાં સાથે વાત કરતાં, કે પીઠ ફેરવેલી હોય ત્યારે પણ કુશલાને થતું કે અરુણોદય એને જ જોઈ રહ્યા છે, જેમ એ એમને જ જોઈ રહી હતી.

ખરેખર તો એને થયું કે અરુણોદય એને પ્રમાણી રહ્યા હતા. કૉલૅજના એ કાળે જેમ એ કુશલાના પ્રત્યેક હાવભાવ, અરે, એની આંખના પલકારાને પણ ઓળખતા, તે જ રીતે હજી પણ શું એને જાણતા હતા? કુશલા જે ગુમાવી બેઠેલી તે એણે બધાંથી છુપાવી રાખેલું. ભાઇ-ભાભી પાસેથી વચન લીધેલું કે કોઈને જણાવવાનું નથી, મમ્મીને પણ નહીં. એના મનમાં, જીવનમાં અકસ્માત્ ખાલી પડી ગયેલી એ જગ્યા આજે અરુણોદયની નજરમાં પકડાઇ જતી હોય એમ કુશલાને લાગતું રહ્યું. જાણે હવે અરુણોદયથી જાતને છુપાવવાની હતી.

કુશલા ચૂપચાપ ત્યાંથી નીકળી જવા ગઈ. અરુણોદય બહાર ઊભા ઊભા એની રાહ જ જોતા હતા? એમણે ઑચિંતો કુશલાનો હાથ પકડીને એને રોકી. સહેજ જેવો સ્પર્શ, ને એ સાથે જ બધા દરિયાનાં બધાં મોજાં ત્યાં ને ત્યાં થંભી ગયાં. બધી ગતિ અટકી ગઈ. કુશલા સચેતન હતી, ને એ બધીર પણ બની હતી.

મધદરિયે આવેલા ઝંઝાવાતમાં ફફડતા ને ફાટતા જતા શઢની જેમ વીતેલાં વર્ષોના લીરા ઊડવા માંડ્યા. દરિયા પર પસાર થયેલાં છેલ્લાં સાત વર્ષો જ નહીં, પરંતુ એ પહેલાંની, હવે અજાણી ને અભાન લાગતી અવસ્થાનાં વીતી ગયેલાં વર્ષો. એમાં આકારિત થતું ગયેલું રહસ્ય હવે આજે અકાળે ખુલી ગયું હતું. કુશલાની આંખો પહોળી થઈ ગઈ હતી, પણ એને કશું દેખાતું નહતું. અરુણોદય કશું કહી રહ્યા હતા, પણ એ કશું સાંભળી શકતી નહતી.

“તું થાકેલી લાગે છે”, અરુણોદય કદાચ ફરીથી બોલ્યા. કુશલાએ આગળ સાંભળ્યું, “ફરી મળજે.” કદાચ અરુણોદય બોલ્યા હતા, “કોઈ પણ વાત કરવી હોય તો ફરી મળજે.” ખારી હવામાં સૂકાતો હોય તેવા અવાજે કુશલાએ કહ્યું, “ચોક્કસ.” એ ગતિ મેળવે તે પહેલાં જ, પકડાયો હતો તેવો જ ઑચિંતો હાથ છૂટી ગયો. બધા દરિયા એકસામટા મઝધારેથી વરાળ થઈ જવા માંડ્યા. એના મનમાં, જીવનમાં બનેલી દરિયા વગરની જગ્યા એને ક્ષિતિજ સુધી ફેલાઇ જતી લાગી.

               .               .                 .                 .               .

સુનય અને હું હજી દરિયા પર જ છીએ. દરિયા પર ખરાં, પણ વહાણ પર નહીં. એને હાર્ટ ઍટૅક આવ્યો પછી એણે વહેલી નિવૃત્તિ લઈ લીધેલી. એના જેવાને કોઈ પણ માંદગી નડે તે જ નવાઇ. તે પછી અમે મુંબઇથી થોડે દક્ષિણે એક ઘર રાખી લીધું છે. દરિયા પર, દરિયાની પાસે તો રહેવું જ હતું. સુનયથી પણ વધારે મારે. છીપની વચમાં, કે મઝધાર પર હવે ના રહી શકું, પણ એવા કિનારે તો રહી શકું કે જ્યાં જોરદાર મોજાંની સાથે મઝધાર મારી પાસે આવી પણ જઈ શકે.

સુનયે એક કિતાબ લખવી શરૂ કરી છે. એ કહે છે કે દરિયા સાથે વિતાવેલા સમય ઉપર લખી રહ્યા છે. હું માનું છું ધીરે ધીરે લખાણ દરિયા વગરના દિવસો ઉપરનું થતું જશે. મને ઘણી વાર એવું લાગે છે કે સુનયને મારી અંદરની ખાલી જગ્યા દેખાઇ ગઈ છે. પણ કઈ રીતે? મારી આંખોની અંદર જોયું હશે સુનયે, કે મારાં અસંખ્ય સ્મિતોની પાછળ? એ કશું બોલ્યા નથી. એ જ રીતે, મને પણ સુનયની અંદર બની ગયેલી ખાલી જગ્યાનો અંદેશો આવી ગયો છે. શું કારણ હશે એનું?, શું થયું હશે સુનયને? હું પણ કશું બોલતી નથી.

સાંજે ભીની થયેલી રેત પર ચાલવા નીકળીએ છીએ ત્યારે અમારી બાજુમાં કેટલાયે જુદા જુદા દરિયા ઘુઘવતા હોય છે. અમે વાતો કરતાં રહીએ છીએ, ને પોતપોતાની અંદરની ખાલી જગ્યાને એકબીજાંથી સંભાળતાં-સંતાડતાં રહીએ છીએ. પોતપોતાનું ખાનગીપણું અલગ રહે તે જ સારું છે.

મારે તો જે અકસ્માત્ ગુમાવી દીધેલું તેની યાદ ઉપરાંત સમજ્યા વગર જેને જતો કરેલો તે પ્રેમ માટેનો અપરાધભાવ પણ સાચવતાં રહેવાનું છે. જો આટલું મારી પાસે ના બચી રહે તો ફક્ત પેલી ખાલી જગ્યા જ બાકી રહી જશે એવો મને ભય છે.

અરુણોદય. કેટલું સરસ હતું એમનું નામ. અરુણોદય. હું એ પછી ક્યારેય એમને મારા અવાજમાં એ નામ સંભળાવી જ ના શકી. એ નામ કેવળ દરિયો સાંભળે એવી રીતે પણ ઉચ્ચારવાનું બન્યું નહીં. જેવું એ નામ બોલવા જાઉં છું કે એમણે મને વર્ષો પહેલાં કહેલા બે શબ્દો પડઘાય છે -”તારા પ્રેમમાં”- દરિયામાંથી કિનારા સુધી, પાણીમાંથી રેત સુધી, મઝધારમાંથી મારા સુધી.


સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.