માહિતી જંક્શન
વિશાખા મોઠીયા
ઓગસ્ટ મહિનો એટલે આઝાદીનો મહિનો; શિવભક્તિ અને દેશભક્તિનો મહિનો. જેમ કોઈ આરતી કે ભજન એ જે તે દેવ પ્રત્યેનો ભક્તિભાવ છે એવી જ રીતે રાષ્ટ્રગાન પણ જે તે દેશ પ્રત્યેનો ભક્તિભાવ (દેશ ભક્તિ) દર્શાવે છે. ઘણાંય દેશોમાં રાષ્ટ્રગાન તરીકે માત્ર સંગીતની ધૂન જ છે, જ્યારે આપણા ભારત દેશનું રાષ્ટ્રગાન શબ્દ તેમજ સંગીત એમ બંને સ્વરૂપે છે. આ રાષ્ટ્રગાન જેટલું વૈવિધ્ય સભર છે એની રચના પણ એટલી જ રોચક છે. તો ચાલો જાણીએ – કઈ રીતે આપણા ભારત દેશને સમર્પિત એવા રાષ્ટ્રગાનની રચના થઈ ? તેમજ તેની અન્ય વિશેષ બાબતો વિશે.

જન ગણ મન… એ આપણા ભારત દેશનું રાષ્ટ્રગાન ~ રાષ્ટ્રગીત છે. જેની રચના ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા વર્ષ : ૧૯૧૧માં કરવામાં આવી હતી. રાષ્ટ્રગાન આપણા દેશના બે રાષ્ટ્રીય તહેવાર : પ્રજાસત્તાક દિન અને સ્વાતંત્ર્ય દિનના રોજ તિરંગાનું ધ્વજારોહણ કર્યા બાદ સલામી આપી, સાવધાન મુદ્રામાં ગાવામાં આવે છે. રાષ્ટ્રગાન એ આપણા ભારત દેશની વિવિધતામાં એકતા, ભૌગોલિક વિસ્તાર, સમગ્ર ભારતીયવાસીઓનો દેશપ્રેમ ~ ભાઈચારો વગેરેનો મહિમા સમજાવે છે. રાષ્ટ્રગાન ૫૨ ~ બાવન સેકન્ડની અવધિમાં ગાવાનું હોય છે, સ્પષ્ટ ઉચ્ચારણ સાથે. પરંતુ અમુક જગ્યાએ રાષ્ટ્રગાનની માત્ર પહેલી અને છેલ્લી પંક્તિ ગાવામાં આવે છે, જે વીસ સેકન્ડમાં ગાવાની હોય છે.
રાષ્ટ્રગાનની રચના
રાષ્ટ્રગાનની રચનામાં ટાગોરસાહેબ તો મુખ્યરૂપે છે જ, પરંતુ એની સિવાય નેતાજી સુભાષચંદ્ર બોઝે ટાગોર સાહેબની આ રચનાને ભારતના રાષ્ટ્રગાન તરીકેનો દરજ્જો અપાવવા સુધી લઈ જવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
આપણા રાષ્ટ્રગાન ‘જન ગણ મન…’ ની સૌપ્રથમ રચના ૧૧ ડિસેમ્બર, ૧૯૧૧માં કવિવર રવીન્દ્રનાથ ટાગોર દ્વારા બંગાળી ભાષામાં કરવામાં આવી હતી. બંગાળી ભાષામાં તેનું નામ ‘ભારત ભાગ્યો બિધાતા…’ હતું.
૨૭ ડિસેમ્બર, ૧૯૧૧ના રોજ, કલકત્તા ખાતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું બીજું અધિવેશન યોજાયું હતું. અધિવેશનના બીજા દિવસે આ બંગાળી વર્ઝનનું ગીત ખુદ ટાગોર સાહેબ દ્વારા સૌપ્રથમવાર રજૂ કરવામાં આવ્યું હતું. ભારત ભાગ્યો બિધાતા – ગીતમાં જે રીતે ભારત દેશના અલગ અલગ પ્રાંતોનું વર્ણન કરવામાં આવ્યું હતું, તેમજ જે રીતે ભારતની પ્રજાને દેશના અધિનાયક તરીકે બિરદાવવામાં આવી હતી; એના એક એક શબ્દો – પંક્તિઓ સમગ્ર ભારતવાસીઓ, સ્વાતંત્ર્યસેનાનીઓ, નેતાઓના હ્રદયમાં વસી ગયું હતું. આ ઉપરાંત આ જ વર્ષમાં તે તત્ત્વબોધીની નામક પત્રિકામાં પણ પ્રકાશિત થયું હતું.
ટાગોર સાહેબે આ ગીત ૨૭ ડિસેમ્બર , ૧૯૧૯ના રોજ આંધ્રપ્રદેશના મદનપલ્લી શહેર ખાતે આવેલ બેસન્ટ થીઓસોફિકલ કોલેજમાં રજૂ કર્યું હતું. ત્યાંના પ્રોફેસર ડૉ. કસિન્સની રિકવેસ્ટથી ૨૮ ફેબ્રુઆરી, ૧૯૧૯ના રોજ ટાગોર સાહેબે આ ગીતનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું હતું, જેનું શીર્ષક The Morning Song of India હતું.

હવે વાત આવે છે વર્ષ : ૧૯૪૨ની.
આ સમયમાં ભારત દેશની આઝાદી માટેની ચારેકોર તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝ જર્મનીમાં તેના આઝાદ હિંદ ફોજના જવાનોને અંગ્રેજ વિરુદ્ધ લડવાની ઉગ્ર તાલીમ આપી રહ્યા હતા. તેઓને થયું કે – ફોજના જવાનોમાં જોશ વધારવા માટે તેમજ એક્તા લાવવા માટે એક દેશભક્તિ ગીતની ખાસ જરૂર છે, જે આ જવાનોમાં ભારત દેશની આઝાદી માટેની લડાઈમાં જોશ વધારી શકે તેમજ ભારતની એક્તા અને અખંડિતતા સમજાવી શકે.
૧૧ સપ્ટેમ્બર, ૧૯૪૨માં જર્મનીનાં હેમ્બર્ગ ખાતે જર્મન – ઇન્ડિયન સોસાયટીના ઉદઘાટન વખતે ટાગોર સાહેબની આ રચના હેમ્બર્ગ રેડિયો સિમ્ફોની ઓર્કેસ્ટ્રા દ્વારા ઇન્સ્ટ્રમેન્ટલ સ્વરૂપમાં રજૂ કરવામાં આવી હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝ આ ગીતથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે – તેમણે તો એ જ દિવસે આ સંસ્થામાં યોજાયેલ એક મીટીંગમાં આ ગીતને આઝાદ ભારતના રાષ્ટ્રગાન તરીકે જાહેર કરી દીધું હતું.
આ ઉપરાંત તેમણે ટાગોર સાહેબના આ ગીત (જન ગણ મન…) ને લઈને તેની આઝાદ હિંદ ફોજ (ઇન્ડિયન નેશનલ આર્મી – INA) માટેનું એક દેશભક્તિ ગીત હિન્દી અને ઉર્દૂ એમ બંને ભાષામાં રચવાનું નક્કી કર્યું. રાષ્ટ્રગાનના રૂપાંતરનું કામ તેમણે આઝાદ હિંદ ફોજના ઓફિસર : મુમતાઝ હુસૈન અને કર્નલ આબિદ હસન સફરાનીને સોંપ્યું હતું. વર્ષ : ૧૯૪૩માં રાષ્ટ્રગાનનું હિન્દીમાં રૂપાંતર થયું, જેનું શીર્ષક ‘શુભ સુખ ચૈન…’ હતું. INA ના કેપ્ટન રામસિંહ ઠાકુરે આ હિન્દી અનુવાદિત ગીતને મિલેટ્રી ધૂનમાં કમ્પોઝ કર્યું.
વર્ષ : ૧૯૪૪ માં ફિલ્મ નિર્માતા બિમલ રોય એ તેની ફિલ્મ ‘ઉદયેર પથ્થે’ માં ટાગોર સાહેબનું ગીત ‘ભારતો ભાગ્યો બિધાતા’ ફીચર કર્યું હતું, ત્યારબાદ તેમણે વર્ષ : ૧૯૪૫ તેની આ જ ફિલ્મના હિન્દી વર્ઝન ‘હમરાહી’માં પણ ફરી એકવાર ટાગોર સાહેબનું આ ગીત મોટા પડદે રજૂ કર્યું હતું.
હવે દેશ જ્યારે આઝાદ થયો ત્યારે વિદેશી સરકારો ત્યાંની ઇન્ડિયન એમ્બેસી સાથે ચર્ચાઓ કરી રહી હતી કે – આંતરરાષ્ટ્રીય સંમેલનો, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભારતીય તહેવારો, વાણિજ્યિક સંમેલનો – સમિટ વગેરેમાં ભારત દેશ તરફથી આ આઝાદ નવા ભારતને રજૂ કરતા એક રાષ્ટ્રગીતની જરૂર પડશે. એટલા માટે એ અંગે તેમણે આપણી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીને પૂછ્યું કે કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો, સંમેલનો, મીટિંગોમાં ભારત તરફથી કયું ગીત રજૂ કરવામાં આવશે ?
૨૫ ઓગસ્ટ, ૧૯૪૮ની કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીમાં ભારતના રાષ્ટ્રગાન અંગે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. અને એસેમ્બલીમાં પંડિત જવાહરલાલ નહેરુએ જણાવ્યું કે – ‘જન ગણ મન… ‘ ગીત પહેલેથી જ નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ દ્વારા એની અલગ ધૂનમાં દક્ષિણ પૂર્વ એશિયામાં (હેમ્બર્ગ – જર્મની) રજૂ થઈ ચૂક્યું છે અને ભારતમાં પણ આ ગીત અમુક હદ લોકપ્રિય બની ગયું છે.
અને આખરે ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ યોજાયેલ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીના છેલ્લા સેશનમાં એસેમ્બલીના પ્રેસિડેન્ટ અને આપણા નવા આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ દ્વારા કવિવર રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લિખિત ‘જન ગણ મન…. ‘ ગીતને ભારતનું ઔપચારિક રાષ્ટ્રગાન ~ રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું.
વિશેષ બાબતો :-
– રાષ્ટ્રગાન અલ્હૈયા બિલાવલ રાગમાં સંગીતબદ્ધ કરવામાં આવેલ, જેમાં રવીન્દ્રનાથ ટાગોરની સાથે તેના પૌત્ર ભત્રીજા (grand nephew) દિરેન્દ્રનાથ ટાગોરે પણ પોતાનું યોગદાન આપ્યું હતું. દિરેન્દ્રનાથ ટાગોર એ સમયના એક મહાન સંગીતકાર હતા.
– કોઈ રાજ્યમાં રાષ્ટ્રીય સ્તરનો પ્રોગ્રામ હોય અને એમાં જો રાષ્ટ્રપતિ આમંત્રિત હોય ત્યારે તેના આગમન અને વિદાય વખતે ધૂન વગાડવામાં આવે છે. – રાષ્ટ્રગાન તરત નથી શરૂ કરી દેવામાં આવતું. રાષ્ટ્રગાન શરૂ થાય એ પહેલાં અમુક વિશેષ સંકેતો દ્વારા ઉદ્ઘોષ કરવામાં આવે છે, મ્યુઝિક બેન્ડ વગાડવામાં આવે છે. જેમ કે – રાષ્ટ્રગાન શરૂ થાય એ પહેલાં ધ્વજારોહણ કરનાર વ્યક્તિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે, ૭ કદમનું માર્ચિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત બિંગુલ કે મૃદંગ ઢોલ વગાડવામાં આવે છે.
– આ ઉપરાંત રાષ્ટ્રગાન નીચે મુજબના રાષ્ટ્રીય સ્તરના પ્રોગ્રામ – સમારોહમાં વગાડવામાં આવે છે :
-
- સેનાની ત્રણેય પાંખોના જવાનોને વીરતા પુરસ્કાર કે ચક્ર એનાયત કરવાનું હોય ત્યારે.
- રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ સમારોહમાં જેવા કે : પદ્મ પુરસ્કાર, ખેલરત્ન એવોર્ડ, નેશનલ ફિલ્મ એવોર્ડ વગેરે.
- કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના સમારોહમાં રાજ્યપાલના આગમન સમયે તેમજ તેને સલામી આપતી વખતે.
- પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસની પરેડ વખતે.
- કેન્દ્ર સરકાર દ્વારા માન્ય અન્ય રાજકીય કાર્યક્રમો ~ સમારોહમાં જેની માટે ભારત સરકારે વિશેષ આદેશ જાહેર કર્યો હોય.
- આકાશવાણી પર જ્યારે રાષ્ટ્રપતિનો દેશજોગ સંદેશો પ્રસારિત કરવાનો હોય ત્યારે, એનો સંદેશ રજૂ કરતાં એકદમ પહેલા અને સંદેશ પૂર્ણ થયા પછી.
- રાષ્ટ્રધ્વજને પરેડમાં લાવતી વખતે.
- ભારતીય સેનાના રેજીમેન્ટને કોઈ નવું પ્રતીક એનાયત કરતી વખતે.
- ભારતીય નૌ સેનામાં ધ્વજારોહણ વખતે.
– વિદેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રોગ્રામ, સંમેલન, સમારોહ, રમત વગેરે હોય ત્યારે, ભારતને પ્રસ્તુત કરવા માટે રાષ્ટ્રગાનની ધૂન વગાડવામાં આવે છે.
– શાળા કોલેજોમાં પણ સવારની પ્રાર્થના ~ એસેમ્બલીમાં ગાવામાં આવે છે.
– ભારતના રાષ્ટ્રીય પ્રતીકો એવા – રાષ્ટ્રગાન, રાષ્ટ્રધ્વજ, બંધારણના સન્માન – અપમાન અંગે અમુક કાનૂની કાયદાઓ ઘડવામાં આવેલ છે. જેમાં રાષ્ટ્રીય ગૌરવ – અપમાન નિવારણ અધિનિયમ, ૧૯૭૧ની કલમ (કાનૂની જોગવાઇ) – ૩ મુજબ : ‘રાષ્ટ્રગાનના નિયમોનું પાલન ન કરવા પર તેમજ તેનું અપમાન કરવા પર સખત સજાની જોગવાઈ કરવામાં આવેલ છે.’ અનુચ્છેદ 51 A (a) મુજબ દેશના મૂળભૂત કર્તવ્યો અંતર્ગત બંધારણનું પાલન કરવું, તેના આદર્શ – સંસ્થાઓ તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનનો આદર કરવો એ ભારતના તમામ નાગરિકોની ફરજ છે.
તો આ વાત હતી, આપણા ભારત દેશની મહિમા ગાતા એવા રાષ્ટ્રગાન અને તેની રોચક વાતો વિશે. ભારત દેશ કે જેને આપણે ભારતમાતા કહીએ છીએ, તો આપણું રાષ્ટ્રગાન એ ભારતમાતાની સ્તુતિ છે. રાષ્ટ્રગાન એ દેશનું સ્વાભિમાન, ઓળખ, હાર્દ સમાન હોય છે.
જય હિંદ…. જય ભારત…..
સુશ્રી વિશાખા મોઠિયાનો સંપર્ક vishakhawriter@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
