હરેશ ધોળકિયા

મોટા ભાગે જેને “મોટા” દિવસો મનાય છે, તે બધા કોઈ એક વ્યક્તિ કે પ્રસંગને જ અનુલક્ષીને હોય છે. દાખલા તરીકે “ રામ નવમી.” તો રામનો જન્મ દિવસ. “બુદ્ધ પૂર્ણિમા” તો બુદ્ધનો દિવસ વગેરે. તે દિવસે કેવળ એક જ બાબતનો ઉત્સવ મનાય છે.

પણ પંદરમી ઓગસ્ટ એક એવો દિવસ છે જે અનેક બાબતો સાથે સંકળાયેલ છે. મોટા ભાગના લોકો કદાચ તેને કેવળ “ભારતના સ્વાતંત્ર્ય દિવસ” તરીકે જ ઓળખે છે, પણ કેવળ એ જ નથી. તે જ દિવસે સમાનન્‍્તરે બીજી ઘટનાઓ પણ બની છે, પણ તે આ સ્વાતંત્ર્યની ઘટનામાં દબાઈ ગઈ છે. પણ જયારે આપણે આ દિવસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ, ત્યારે બાકીની ઘટનાઓને પણ યાદ કરીએ.

હા, આપણો સ્વાતંત્ર્ય દિવસ અત્યંત મહત્વનો છે. બસો વર્ષની ગુલામી પછી મુક્તિ મળ્યાનો દિવસ છે તે. ૧૮૫૭થી ૧૯૪૭ – નેવું વર્ષ હજારો-લાખો લોકોએ અંગ્રેજ સરકાર સામે લડાઈ કરી, ક્યારેક કોઈએ શહીદી વહોરી, પછી આ સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે. આ નેવું વર્ષમાં પુષ્કળ મહાન લોકો આ દેશની ધરતી પર અવતર્યા. ૧૮૫૭ના નાના સાહેબ કે તાત્ય્યાતોપે કે લક્ષ્મીબાઈથી લઇ ૧૮૮૫મા શરુ થયેલ પુન: લડતના સુરેનદ્રનાથ બેનરજી કે રાજા રામમોહન રાયથી લઇ છેક ગાંધીજી, સુભાષ, સરદાર, નેહરુ, ભગતસિંહ જેવા એક એકથી ચડિયાતા લોકો આ દેશે આપ્યા જેનું પરિણામ આજના દિવસે આપણને સ્વતંત્રતા મળી. અને આ સમય દરમ્યાન માત્ર રાજકીય ક્ષેત્રે જ શ્રેષ્ઠ લોકો નથી આપ્યા, બધા જ ક્ષેત્રોમાં એક એકથી શ્રેષ્ઠ લોકો આવતા રહ્યા અને દેશનું ગૌરવ વધારતા રહ્યા.

સ્વતંત્રતા માત્ર રાજકીય જ નથી મળી, હજારો વર્ષની માનસિક ગુલામીમાં પણ આ દિવસે ગાબડા પડ્યા હતાં. ખૂણામાં બેઠેલ તદન ગરીબ મનુષ્યે પણ આ દિવસે હાશકારાનો શ્વાસ લીધો હતો અને પ્રથમ વાર ઉજ્જવળ ભાવિનું સ્વપ્ન જોવાનું શરુ કર્યું હતું. ૧૯૪૭ના આ દિવસે ભારતના તેત્રીસ કરોડ લોકોએ શું અનુભૂતિ કરી હશે તેની કલ્પના પણ જો કરીએ, તો આભા જ થઇ જવાય. અને તે કલ્પના કરવાની આજે આપણામાં તાકાત પણ નથી, ( ગુગલ તે અનુભૂતિ ન કરાવી શકે !) કારણ કે આજે તો આપણને આ સ્વતંત્રતા “એ તો એમ જ હોય” ( ટેકન ફોર ગ્રાન્ટેડ) લાગે છે. તેની પાછળ રહેલ બલિદાન, ત્યાગ,  સમર્પણ વગેરેની કલ્પના પણ ન કરી શકીએ. આમ પણ જે સરળતાથી મળી જાય તેની ખાસ કિમત ન સમજાય.

આજે આ દિવસ આપણા માટે “ આવો” જ છે. ઉજવણી છે, પણ કદર નથી !

પણ, આગળ કહ્યું તેમ, આ દિવસ માત્ર સ્વતંત્રતા દિવસ જ નથી. આજે બીજા બે-ત્રણ બનાવો પણ બન્યા હતા, જે પણ આ સ્વતંત્રતા સાથે સંકળાયેલા હતા.

૧૯૪૨માં “હિન્દ છોડો” ચળવળ નિમિતે બધા નેતાઓને જેલ મળી હતી. તેમાં ગાંધીજીને પણ પુનાના આગાખાન મહેલમાં કેદ મળી હતી. તેમના સાથે જે સાથીઓ હતા, તેમાં તેમના મંત્રી મહાદેવભાઈ દેસાઈ પણ હતા. જેલમાં આવ્યા પછી એક જ અઠવાડીયા પછી આ મહેલમાં મહાદેવભાઈ દેસાઈનું મ્રત્યુ થયું હતું. ( ૧૫ ઓગસ્ટ, ૧૯૪૨) મહાદેવભાઈ દેસાઈ વિષે લખવું હોય તો હજારો પાનાં ઓછા પડે. ગાંધીજીના હનુમાન જ હતા. ગાંધીજીના શબ્દોમાં “તેમના ગળે લટકીને નિરાંતે સુઈ શકાય” એવા. ગાંધીજી જેવા કઠોર તપસ્વી જેના પર આંધળો વિશ્વાસ મૂકી શકે તે કેવા હશે ! તેમની ડાયરીઓ વાંચીએ તો તેમની મહાનતાનો ખ્યાલ આવે.

તો આજના જ દિવસે, ૧૮૭૫માં, ભારતના મહાન ક્રાંતિકારી અને તેનાથી પણ મહાન યોગી એવા મહર્ષિ શ્રી અરવિંદ જન્મ્યા હતા. અત્યંત તેજસ્વી પ્રજ્ઞા, અદભુત કવિ અને વિચારક, ગાંધી પહેલાના સમયના તિલક જેવા જ ક્રાંતિકારી, અને સમય જતા પ્રાચીન ઋષિ પતંજલિથી પણ મહાન યોગી શ્રી અરવિંદ હતા. રામાયણ અને મહાભારત પછી કોઈ ત્રીજું મહાકાવ્ય લખાયું હોય તો તે શ્રી અરવિંદનું મહાકાવ્ય “ સાવિત્રી” છે. અંગ્રેજીમાં લગભગ ૨૩,૦૦૦ પંક્તિનું આ મહાકાવ્ય વાંચીને જગતના વિચારકો ચકિત થયા છે અને આજે પણ થાય છે. તેમના પોન્ડીચેરીમાં આવેલ સાધના સ્થળ “ શ્રી અરવિંદ આશ્રમ”માં આજે પણ જઈએ તો એક કલ્પનાતીત ગાઢ શાંતિનો અનુભવ થાય છે.

તેમણે રચેલું “ ઓરોવીલા” નગર જગતનું એક માત્ર વૈશ્વિક નગર છે. સદ્‍ભાગી હોઈએ તો તેમના પુસ્તક “ લાઈફ ડીવાઇન “ કે “ એસેઝ ઓન ગીતા” વાંચવાનો પરમ આનંદ મળે. તેમણે ભલે થોડા જ વર્ષ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો, પણ તે સમય અત્યંત રોમાંચક હતો. ત્યારના હજારો યુવાનો તેમના પાછળ પાગલ હતા. તેમનાથી અંગ્રેજ સરકાર ભયંકર ડરતી હતી. પળે પળ જેલમાં પુરવા થનગનતી હતી. અને છતાં અનેક અંગ્રેજો તેમનું અંગ્રેજી સાંભળી લઘુતાગ્રંથી અનુભવતા હતા કે આવું અંગ્રેજી તો તેમને પણ નહોતું આવડતું. અલીપોરની જેલમાં તેમને ભગવાન કૃષ્ણના દર્શન થયા તે બાબતે તેમણે ઉતરપાડામાં જે પ્રવચન આપ્યું હતું, તે આજે પણ વાંચીએ તો ગળગળા થઇ જવાય. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અને ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિના ઉતુંગ શિખર જેવા વ્યક્તિ એટલે આ શ્રી અરવિંદ. ૧૫મી ઓગસ્ટ તેમને મેળવીને ધન્‍ય થઇ છે એમ કહી શકાય.

અને ૧૮૮૬ની પંદરમી ઓગસ્ટ જયારે પૂરી થતી હતી, ત્યારે, લગભગ રાત્રે એક વાગ્યા આસપાસ ભારતના જ નહિ, પણ જગતના એક કલ્પનાતીત અદભુત મહાપુરુષે છેલ્લા શ્વાસ છોડયા અને અનંતમાં ભળી ગયા. એ હતા રામકૃષ્ણ પરમહંસ. એક ધર્મની અનુભૂતિ કરનારા મહાન લોકો હજારો થયા છે, પણ મહત્વના બધા જ ધર્મોનો સાક્ષાત્કાર કરનાર કોઈ હોય તો તે કેવળ આ રામકૃષ્ણ પરમહંસ જ છે. હિંદુ, ઇસ્લામ, ખ્રિસ્તી, કૃષ્ણ, રામ, અદ્વૈત – બધા જ ધર્મો, પંથોના સત્યની તેમણે અનુભૂતિ કરી હતી. જગતના ઈતિહાસમાં આવા અનુભૂતિ કરનાર કેવળ તેઓ એક જ છે. “બધા ધર્મોનું સત્ય એક જ છે” એ તેઓ સ્વ-અનુભૂતિથી કહી શકતા હતા. અને એટલે તેમણે આ સંદેશ પ્રસરાવવા પોતા જેવા જ અદભુત અને પ્રખર શિષ્ય સ્વામી વિવેકાનંદ જગતને આપ્યા. સ્વામીજીએ અમેરિકા સહીત સમગ્ર પશ્ચિમને અદ્દેતના સંદેશથી જાગૃત કર્યું.

ભૌતિકવાદથી ખળભળતાં અને તરફડતાં અમેરિકાને સ્વામીજીના સંદેશાથી અચાનક ઝાટકો લાગ્યો અને જાગી ઉઠ્યું કે ઓહો ! સ્થૂળ જગતથી પણ એક ઉચ્ચ જગત છે. અમેરિકામાં સ્વતંત્રતાની અને ઔદ્યોગિક ક્રાંતિ પછી “ચેતનાની ક્રાંતિ” વિવેકાનંદે કરી. પણ તેમને આ શક્તિ તેમના ગુરુએ આપી હતી જેમણે ૧૫મી ઓગસ્ટની પૂર્ણાહુતિની થોડી જ ક્ષણો પછી વિદાય લીધી હતી. એટલે આ દિવસ આ કારણે પણ પવિત્ર છે.

આપણે તો કેવળ રાજકીય સ્વતંત્રતા ઉજવીએ છીએ, પણ બાકીના લોકોના કારણે આપણી ચૈતસિક સ્વતંત્રતા સ્વચ્છ રહે છે. તેમના કારણે આપણને “ સાચું સ્વરાજ્ય” મળે છે. આ દિવસે આપણને રાજકીય સ્વતંત્રતા આપી અને આ દિવસના આ મહાપુરુષોએ આપણને “મુક્તિ”ની સમજ આપી છે. બંને જરૂરી છે. મુક્તિ જીવશે તો જ રાજકીય સ્વતંત્રતા સમજાશે.

આ બધાને આ પરમ પવિત્ર દિવસે વંદન કરીએ.


( કચ્છમિત્ર : તા: ૧૫-૮-૨૬ : શનિવાર)


હરેશ ધોળકિયા : ન્યુ મિન્ટ  રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ ( ૩૭૦૦૦૧) | ઈ-મેલ : dholakiahc@gmail.com