પ્રકૃતિની પાંખો

હીત વોરા

ઘાસનાં મેદાનો, કાંટાળા જંગલ, ખેતરો કે ગામડાની સીમમાં ફરતા હોઈએ ત્યારે ઘણીવાર વીજતાર કે બાવળ પર એક નાનકડું પક્ષી શાંતિથી બેઠેલું જોવા મળે છે. તેની નજર સતત આજુબાજુ ફરતી હોય છે, જાણે કોઈ તકની રાહ જોઈ રહ્યું હોય. દેખાવમાં ભોળું લાગતું આ પક્ષી વાસ્તવમાં કુદરતના સૌથી કુશળ શિકારીઓમાંનું એક છે. ગુજરાતમાં તેને લટોરો તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે અંગ્રેજીમાં તેને શ્રાઇક (Shrike) અથવા બુચરબર્ડ (Butcherbird) કહેવામાં આવે છે.

[લાલપીઠ લટોરો (red backed shrike)]
લટોરાની ઓળખ કરવી ખૂબ જ સહેલી છે, જો કે ઘણી બધી અલગ અલગ પ્રજાતીના લટોરા પક્ષીઓ મળે જેને અલગ પાડવા થોડાક અઘરા પણ ભલે પ્રજાતિ કઈ છે તેનો કદાચ અંદાજો ન આવે પણ એ પક્ષી એક શ્રાઈક છે એ તેના આંખ ઉપર ઘાટા કાળા પટ્ટાની હાજરી થી કહી શકો. એ કાળો પટ્ટો નરમાં ઘાટો અને માદામાં આછો હોય છે.

“બુચરબર્ડ” એટલે કે “કસાઈ પક્ષી” નામ, તેને એમ જ મળ્યું નથી. કદમાં તે સામાન્ય મૈના કરતાં પણ નાનું હોય છે, છતાં તેની શિકાર કરવાની રીત કોઈ બાજ કે સમડીથી જરાય ઓછી નથી. તે જીવાત, ગરોળીઓ, દેડકાં, નાના ઉંદરો અને ક્યારેક અન્ય નાનાં પક્ષીઓનો પણ શિકાર કરે છે.

પરંતુ તેની પાસે બાજ કે ગરુડ જેવા મજબૂત પંજા નથી, જેના વડે શિકારને પકડી રાખી શકાય. કુદરતે આ ખામીનો પણ અનોખો ઉપાય શોધી આપ્યો છે. લટોરો પોતાના મજબૂત અને આગળથી અણીદાર ચાંચ વડે શિકાર પકડે છે અને પછી તેને બાવળના કાંટા, તારની વાડ અથવા તીક્ષ્ણ ડાળીઓમાં પોરવી દે છે. ત્યારબાદ તે આરામથી શિકારના ટુકડા કરીને ખાય છે. ઘણી વખત તે આવો શિકાર ભવિષ્ય માટે સાચવી પણ રાખે છે. આ કુદરતી “ભંડાર” તેના જીવનની એક અનોખી વિશેષતા છે અને તેથી જ તેને “કસાઈ પક્ષી” તરીકે ઓળખવામાં આવે છે.

[ગ્રેટ ગ્રે શ્રાઈક એક ઉંદરના શિકાર સાથે]
(આ વિડીયોમાં શ્રાઈકને શિકાર કરતો જોઈ શકાય છે

https://youtu.be/OHjr6rTuqFg?si=IPHufZCGfSnaWZ00)

લટોરો, ધીરજવાન શિકારી છે. કોઈ ઊંચા થાંભલા, વીજતાર કે ઝાડીની ટોચ પર બેસીને આસપાસની જમીન પર બારીક નજર રાખે છે. જેમ જ કોઈ જીવાત કે નાનું પ્રાણી દેખાય કે તરત જ વીજળી જેવી ઝડપે તેના પર તૂટી પડે છે અને ફરી પાછો પોતાના મનપસંદ બેઠકસ્થાન પર આવી જાય છે. આ પદ્ધતિ ઓછી શક્તિ વાપરીને વધુ સફળ શિકાર કરવામાં તેને મદદ કરે છે.

તેના ખોરાકમાં તીડ, ભમરા, પ્રેઇંગ મેન્ટિસ, ઇયળો, કરોળિયા અને વીંછી જેવી જીવાતોનો મોટો ભાગ હોય છે. ઉપરાંત તે ગરોળી, દેડકો, નાના ઉંદર તેમજ ક્યારેક અન્ય પક્ષીઓના બચ્ચાંનો પણ શિકાર કરે છે. ખેતીને નુકસાન કરતી અનેક જીવાતોનો ભક્ષણ કરીને તે ખેડૂતોનો નિઃશબ્દ મિત્ર પણ બની રહે છે.

નાનું કદ હોવા છતાં લટોરાના શરીરમાં શિકારીને અનુકૂળ અનેક વિશેષતાઓ જોવા મળે છે. તેની મજબૂત અને આગળથી અણીદાર ચાંચ શિકારને મજબૂત રીતે પકડવા અને માંસ ફાડવા માટે અનુકૂળ છે. તેની તીક્ષ્ણ દૃષ્ટિ દૂર બેઠા બેઠા પણ જમીન પર થતી નાનામાં નાની હિલચાલને ઓળખી શકે છે. ખુલ્લી જગ્યાએ ઊંચા સ્થાને બેસવાની તેની ટેવ તેને ચારે તરફનું સ્પષ્ટ નિરીક્ષણ કરવાની તક આપે છે. આ બધાં ગુણોને કારણે, ભલે તે પેસેરાઇન પક્ષી હોય, પરંતુ તેનું વર્તન ઘણી રીતે શિકારી પક્ષીઓ જેવું જ લાગે છે.

ગુજરાતમાં વસવાટ કરતી લટોરાની પ્રજાતિઓનો પ્રજનનકાળ સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતથી ચોમાસા સુધીનો હોય છે. આ સમય દરમિયાન જીવાતોની સંખ્યા વધી જતી હોવાથી બચ્ચાં માટે પૂરતો ખોરાક ઉપલબ્ધ રહે છે.

નર અને માદા મળીને કાંટાળી ઝાડીઓ અથવા નાનાં વૃક્ષોમાં સૂકા તણખલાં, ઘાસ, મૂળિયાં અને છોડના રેસામાંથી સુંદર કપ આકારનો માળો બનાવે છે. અંદરનો ભાગ નરમ સામગ્રીથી ગાદીવાળો બનાવવામાં આવે છે જેથી ઈંડાં અને બચ્ચાં સુરક્ષિત રહે. માદા મુખ્યત્વે ઈંડાં સેવે છે, જ્યારે નર તેના માટે ખોરાક લાવે છે. બચ્ચાં બહાર આવ્યા પછી બંને માતા-પિતા સતત તેમને ખવડાવે છે. માળો છોડ્યા પછી પણ થોડા સમય સુધી બચ્ચાં માતા-પિતા સાથે રહીને શિકાર કરવાની કળા શીખે છે.

લટોરાનું જીવન ખુલ્લા ઘાસિયા મેદાનો, ઝાડીવાળા અને કાંટાળા જંગલો અને ખેતીની જમીન સાથે ગાઢ રીતે જોડાયેલું છે. આવા વિસ્તારો તેને શિકાર માટે ખુલ્લી જગ્યા, બેસવા માટે ઊંચા સ્થાનો અને માળા બનાવવા માટે કાંટાળી ઝાડીઓ પૂરી પાડે છે.

દુર્ભાગ્યે આજે આવા કુદરતી નિવાસસ્થાનો ઝડપથી ઘટી રહ્યા છે. ઘાસિયાળા પ્રદેશોનું ખેતી કે બાંધકામમાં રૂપાંતર, કાંટાળી ઝાડીઓની સફાઈ, વધતું શહેરીકરણ અને જંતુનાશકોના વધતા ઉપયોગને કારણે જીવાતોની સંખ્યા ઘટી રહી છે. પરિણામે લટોરા માટે ખોરાક અને પ્રજનન માટેની યોગ્ય જગ્યાઓ બંને ઓછી થતી જાય છે.

ઘાસિયા મેદાનો, કાંટાળી ઝાડીઓ અને ખુલ્લા કુદરતી આવાસોનું સંરક્ષણ માત્ર લટોરા માટે જ નહીં, પરંતુ અસંખ્ય પક્ષીઓ, સરીસૃપો, જીવાતો અને અન્ય નાના પ્રાણીઓ માટે પણ અત્યંત જરૂરી છે.

ગુજરાતમાં લટોરાની ત્રણ પ્રજાતિઓ આખું વર્ષ જોવા મળે છે—લોંગ-ટેઇલ્ડ શ્રાઇક, બે-બેક્ડ શ્રાઇક અને ગ્રેટ ગ્રે શ્રાઇક. શિયાળામાં ઇસાબેલાઇન શ્રાઇક અને બ્રાઉન શ્રાઇક મહેમાન તરીકે આવે છે, જ્યારે રેડ-બેક્ડ શ્રાઇક અને રેડ-ટેઇલ્ડ શ્રાઇક સ્થળાંતર દરમિયાન થોડા સમય માટે ગુજરાતમાંથી પસાર થાય છે. આ રીતે ગુજરાત લટોરાની વિવિધ પ્રજાતિઓનું નિરીક્ષણ કરવા માટે દેશના શ્રેષ્ઠ પ્રદેશોમાંનું એક ગણાય છે. ખાસ કરીને લાલપૂંછ લટોરો (red tailed shrike) અને લાલપીઠ લટોરો (red backed shrike) જે ખાલી કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સ્થળાંતર સમયે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન પસાર થતા હોય છે ત્યારે તેને નિહાળવા પક્ષીપ્રેમીઓ ભારતના વિવિધ ખૂણાઓથી ભેગા થાય છે.

લટોરો આપણને શીખવે છે કે કુશળ શિકારી બનવા માટે માત્ર મોટું શરીર હોવું જરૂરી નથી. ધીરજ, બુદ્ધિમત્તા અને કુદરતે આપેલી અનોખી અનુકૂલનતા સામાન્ય જીવને અસાધારણ બનાવી શકે છે. આગામી વખતે જ્યારે કોઈ બાવળની ટોચ પર કે વીજતાર પર એક નાનું પક્ષી સ્થિર બેઠેલું દેખાય, ત્યારે તેને માત્ર એક સામાન્ય પક્ષી સમજીને આગળ વધી જશો નહીં. કદાચ તમે કુદરતના સૌથી ચતુર અને અદ્ભુત નાનકડા શિકારીને નિહાળી રહ્યા હશો.


શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે