એક્સિડન્ટમાં નાકની સર્જરીઃ
૧૯૭૨ના મે મહિનામાં ‘મેમોરિયલ ડે’ ની રજાઓમાં મારી ગાડીમાં હું, મારો રૂમમેટ ચંદુ રાઠોડ, તેમના પત્ની, અને તેમના પુત્ર સાથે બફેલોથી ટોરંટો ગયો. ટોરંટોમાં એક મિત્રને ત્યાં રાત પસાર કરી બીજે દિવસે શનિવારે અમે મોંટ્રીયલ જવા નીકળ્યા. અડધે રસ્તે એક ભયંકર હ્રદયને ધ્રૂજાવી નાંખે તેવો અકસ્માત થયો.
અમે અડધે રસ્તે ‘થાઊઝંડ આયર્લેંડ’ નામના ગામ પાસે લગભગ આવી ગયાં હતાં. હાઈવે ઉપર ગાડીઓ ખૂબ ઝડપથી જતી હતી. સ્પીડ લિમિટ કલાકના ૭૫ માઈલની હતી. મારી જમણી બાજુ એક મોટી ટ્રક અઢાર પૈડાં વાળી લગભગ ૭૫-૮૦ ની ઝડપે જતી હતી. તેને પસાર કરવા મેં મારી સ્પીડ ૮૫ માઈલની કરી નાખી. અને હું તેને લગભગ પસાર કરી ગયો પણ ત્યાં જ પવનનો મોટો સપાટો આવ્યો. અને મારે હલકી ગાડીને લીધે મને એમ કે ક્યાંક મારી ગાડી ટ્રકની અંદર તો નહીં ચાલી જાયને! એટલે મેં સ્ટિયરિંગ વ્હીલને ઝડપથી મારી ડાબી બાજુએ ફેરવ્યું. ને તુરત જ ગાડી લસરી પડી અને હાઈવે ઉપરથી ઉતરીને નીચાણ વાળા ભાગમાં ૮૫ માઇલની ઝડપે જતી રહી. મેં બ્રેક મારવાની ખૂબ કોશિષ કરી પણ બ્રેક લાગતી નહોતી. અને મારી ગાડી એક મોટા પાઇપ લાઈન સાથે અથડાઈને ઊભી રહી. મારો ચહેરો આગળના કાચ સાથે જોરથી અથડાયો અને કાચમાં તડ પડી ગઈ અને મારા નાક ઉપર પણ ખૂબ ઇજા થઈ. પેલી ટ્રક પણ તરત ઊભી રહી અને બીજા માણસો પણ તરત દોડતા આવ્યા અને મને ગાડીમાંથી બહાર કાઢ્યો અને એક ઝાડ નીચે સુવડાવ્યો. હું તો બેભાન જેવો જ થઇ ગયો હતો. મારા નાકમાંથી લોહી વહેતું હતું. ટ્રક ડ્રાઈવરે વોકિટોકી પર એંબ્યુલન્સ બોલાવી. મને યાદ છે કે સૂર્યનારાયણ દાદા મારા લોહી વહેતા નાક પર સૂર્ય પ્રકાશ પાડતાં મને તકલીફ થતી હતી અને એ ટ્રક ડ્રાઈવરે જોયું એટલે એણે એની પડછંદ કાયા સૂર્ય પ્રકાશ વચ્ચે એવી રીતે ગોઠવી કે મને છાંયડો મળે.
થોડી વારમાં એંબ્યુલન્સ આવી ગઈ અને મને નજીકની હોસ્પિટલમાં લઈ ગયાં. ત્યાં એક ખ્યાતનામ પ્લાસ્ટિક સર્જને મારુ ઓપરેશન કરી અને મારુ નાક સીવી દીધું. મારે ૩૨ ટાંકા લેવા પડ્યા હતાં. ૪ દિવસ પછી હું સાજો થયો અને ડોક્ટરે મને કહ્યું કે કેનેડા ખૂબ સુંદર દેશ છે અને તમને આવો અનુભવ થયો એ નસીબ પર છોડી દેજો અને કેનેડામાં પ્રવાસ કરવાનું ટાળશો નહીં. મેં ડોક્ટરને કહ્યું કે જ્યાં સુધી કેનેડામાં તમારા જેવા અને પેલા ટ્રક ડ્રાઈવર જેવા માણસો છે ત્યાં સુધી મને કેનેડા ફરી ફરી આવવાનું મન થશે.
ચંદુ રાઠોડ, તેમના પત્ની, અને તેમના પુત્ર બસમા પાછા બફેલો ગયાં. તેણે મારા પર ૧ લાખ ડોલરનો કેસ કર્યો. અમારા સંબંધો તૂટી ગયાં.
આ અનુભવ પછી મને થયું કે મારે હવે લગ્ન કરી લેવા જોઈયે. એકલતામાં જિંદગી પસાર કરવાનો કોઈ મતલબ નથી. પરંતુ જે-જે છોકરી સાથે હું ડેટિંગ કરતો એ બહુ બોલકણી અને દેખાવ કરતી હતી. વાત વાત માં ટોકતી,, મનસુખ સીધો બેસ, હાથ ટેબલ પર ના મુકાય, છરી કાંટો આમ જ પકડાય, છીક ખાઈએ તો તકલીફ, પાન ખાઈએ તો તકલીફ વગેરે-વગેરે, આ બધાથી હું તંગ આવી ગયો હતો.
લગ્ન માટેના પ્રયત્નોઃ
જુલાઇ મહિનામાં મને મેન્ચેસ્ટરથી એક પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું કે અમારી જ્ઞાતીના એક સજ્જન છે તેમને પાંચ બહેનો છે. એમાંની એકનું તે લગ્ન કરવા માંગે છે. તેઓ મુંબઈમાં મારા કાકા-કાકીને પણ મળેલા. તેમણે મને મેન્ચેસ્ટર આવવા આગ્રહ કર્યો. મેં કાકાને ફોન કરીને વાત જણાવી અને હું મેન્ચેસ્ટર પહોંચી ગયો.
હરિશભાઈ સોલંકી મેન્ચેસ્ટર પાસે બોલ્ટન ગામમાં રહેતા હતાં. તેમની પાંચ બહેનોમાં લિલાવતી બીજા નંબરે હતી. સ્વભાવે ખૂબ શાંત અને ખૂબ જ માયાળુ. તેની સાથે હું એક અઠવાડિયું ફર્યો. હું જેટલું પૂછું એનો એ માત્ર એક એકાક્ષરી જ જવાબ આપે. કોઈ રોકટોક નહીં, કે મને કોઈ જ સુધારવાની કે મારી ભૂલો શોધવાની કોશિષ નહિ. અમે સાથે બગીચામાં ફર્યા, સાથે ‘ફિડલર ઓન ધ રૂફ’ નામનું પીકચર જોયું. મને એની સાથે ખૂબ જ મજા આવી. એટલે મેં મનોમન નક્કી કર્યું કે જો પરણવું હોય તો આનાથી સારું પાત્ર નહીં મળે.
હું જ્યારે ૧૯૬૯ માં અમેરિકા આવ્યો તે જ અરસામાં મારી સાથે મારી જ્ઞાતિના બીજા બે યુવકો પણ અમેરિકા આવેલા અને અમારા ત્રણેના ફોટા અમારી જ્ઞાતિની માસિક પત્રિકામાં છપાયા હતાં. લિલાવતીએ એ ફોટાની કોપી ફાડીને પોતાની પાસે રાખી હતી. અમે આવેલા એ ત્રણે જણમાંથી બીજા બે યુવકોના લગ્ન થઈ ગયાં હતાં અને હવે હું એકલો જ બાકી હતો. હવે અમે બંને લગ્ન માટે સંમત હતાં.
ઓક્ટોબરમાં હું બોલ્ટન ગયો અને ઘરમાં જ લગ્નવેદી અને સગાવહાલાઓની સાક્ષીમાં મારા લિલાવતી સાથે લગ્ન થયાં. લગ્નમાં બધા તેમના પક્ષનાજ હતાં કારણ કે કાકા-કાકી કે બાને બોલાવી શકાય એમ નહોતું. ત્યાર પછી અમે લગ્ન રજીસ્ટર કરાવ્યા અને મેરેજ સર્ટિફિકેટ મેળવી લિવરપુલ જઈને લિલાવતીના વિઝા ઇમિગ્રેશન માટે ફાઇલ કર્યું. ત્યાર બાદ અમે લંડન અને પેરિસ હનીમુન માટે ગયાં. એક અઠવાડિયું હનીમુન કરી હું પાછો બફેલો આવી ગયો અને લિલાવતીની આવવાની રાહ જોવા લાગ્યો.
આ અરસામાં લિલાવતીની મોટી બહેન દમયંતિ અને તેના પતિ ધીરજલાલને કેનેડાનું ઈમિગ્રેશન મળી ગયું હતું એટલે બફેલો આવતા પહેલા હું એમની સાથે મેન્ચેસ્ટરથી ટોરોંટો ગયો. ત્યાં મેં ગાડી ભાડે કરી, તેમના માટે ફરીને અપાર્ટમેંટ શોધી આપ્યું અને ઘર વખરીનો સામાન વસાવી આપ્યો અને પછી હું બફેલો પહોંચેલો.
લિલાવતીને વિઝા ફેબ્રુઆરીમાં મળ્યો અને તે દમયંતીના બાળકો સાથે ટોરોંટો પહોંચી ગઈ અને હું એને ટોરોંટોથી બફેલો લઈ આવ્યો. બફેલો આવીને લિલાવતીએ ઘર સંસાર સંભાળી લીધો. નોકરી શોધવાની પણ શરૂઆત કરી. ગાડીના લાઈસન્સ માટે પણ ભણવાનું ચાલુ કર્યું. પહેલા છ મહિના આછી પાતળી નોકરી કરી અને પછી તેને બફેલો જનરલ હોસ્પિટલમાં એકાઉન્ટિંગના પેરોલ (પગાર) વિભાગમાં નોકરી મળી ગઈ.
લિલાવતી જ્યારે અમેરિકા આવી ત્યારે તેના ભાઈએ તેને ૬૦૦ પાઉન્ડ ભેટ તરીકે આપેલા. જેને વટાવતાં ૧૫૦૦ અમેરિકી ડોલર જેટલા મળેલા. તે દરમ્યાન કાકાનો મુંબઈથી કાગળ આવ્યો કે તેમને ફ્લેટ લેવાનો હતો. એટ્લે મેં લિલાવતીને સમજાવીને એ ૧૫૦૦ ડોલર કાકાને મુંબઈ મોકલાવી આપ્યા. કાકાએ એ પૈસા ગોરેગામમાં કોઈ બિલ્ડરને આપીને એક ફ્લેટ બુક કરાવ્યો. બે ત્રણ મહિના પછી ખબર પડી કે એ બિલ્ડર બધા પાસે બુકિંગના પૈસા લઈ લે છે પણ એની દાનત સારી નથી અને મને કાકાએ એમ કહ્યું કે મેં આપેલા પૈસા પણ ગયાં. ત્યારે મને ખૂબ દુઃખ થયું કે મારી વહાલી પત્નીના પોતાના પૈસે મારા કુટુંબને કરેલી મદદ આમ સાવ નકામી ગઈ. પણ પછી થોડા સમય બાદ મારા કાકાએ અંધેરી વેસ્ટમાં એક જગ્યામાં પાઘડી પેટે ૧૦૦૦૦ રૂપિયા આપ્યાં. મારુ એમ માનવું છે કે એ જગ્યા મારા મોકલેલા પૈસાથી લીધેલી, પણ મારા કાકાનું કહેવું એમ હતું કે એ એમણે પોતાના પૈસાથી લીધેલી હતી. આ વાતનો ખુલાસો કોઇ દિવસ થયો જ નહીં અને હવે તો કાકા પણ આ દુનિયામાં નથી રહ્યાં.
બફેલોમાં અમારું એક નાનું મંડળ જેવુ હતું. તેમાં ૧૫ થી ૨૦ જેટલા નવપરિણિત દંપતિઓ હતાં. મહિનામાં એક દિવસ અમે કોઈના ઘરે બધા ડિનરની પાર્ટી કરતાં. પુરુષો બધા દારૂ પિતા, પત્તા રમતા, જોક્સ કરતાં, વાતો કરતાં અને સ્ત્રીઓ બધી પોત-પોતાના સુખ દુઃખની વાતો કરતી અને પતિઓના નામની પંચાત બેઠક કરતી. બધા હસતાં, રમતાં અને આનંદ કરતાં અને ખૂબ મજા કરતાં. અમે બધા એક બીજાની ખૂબ નિકટ આવી ગયાં હતાં.
આવી જ એક પાર્ટીમાં એક એવી ઘટના બની જે કાયમ માટે જીવનમાં છાપ મૂકી ગઈ. પાર્ટીમાં જે યજમાન હોય તે બધા માટે પીણાંની વ્યવસ્થા કરતાં. એમાં બીયર, વાઇન, વ્હીસ્કી, વગેરે-વગેરે પીણાં આવતા. એવામાં કોઈ એવરક્લિયર નામનો રમ લઈ આવ્યું હતું જેમાં આલ્કોહોલનું પ્રમાણ ૭૫ ટકા જેટલું હોય અને એણે કોઇને કીધા વગર એને શરબતમાં મેળવી દીધું.
અમારામાં એક યુવાનને એ શરબત ખૂબજ ભાવ્યું એટલે એણે તે ત્રણ ચાર ગ્લાસ શરબતના પી લીધા હતાં. અને પાર્ટી પતી ત્યારે ઘરે જતી વખતે પણ પાછો એક ગ્લાસ શરબત પાછું પીધું. પછી એ એની પત્ની સાથે ગાડીમાં ઘરે જવા રવાના થયો ત્યાં સુધીમાં શરબતની અસર થવા માંડી હતી અને એવી પીધેલી હાલતમાં એને હાઇવે પર પોલીસે પકડી લીધો. દારૂની અસર હેઠળ ગાડી ચલાવવાના અપરાધમાં એનું લાઈસન્સ રદ્દ થઈ ગયું. એની પત્ની પણ નવી નવી જ અમેરિકા આવી હતી. માટે ગાડી વગર એમણે ખૂબજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો. પણ આ ઘટના પછી મહિલા મંડળે ફતવો બહાર પાડ્યો કે હવે પછી પાર્ટીઓ માં આલ્કોહોલ વગરના શરબત પીરસવામાં આવશે અને કોઈ દારૂ નહીં આવે. અમને ખૂબજ દુઃખ થયું કે અમારી નાદાનિયતને લીધે અમારા મિત્રને ખૂબ તકલીફનો સામનો કરવો પડ્યો, નસીબ જોગે કોઈ એક્સિડંટ ના થયો. અમે બધાએ એની માફી માંગી અને ત્યાર પછી અમે કાયમ માટે દારૂથી દૂર રહ્યાં.
મકાન
તે દરમ્યાન યુનિવર્સિટીએ નક્કી કર્યું કે ઉત્તર વિભાગમાં તે નવું મોટું વિશાળ બાંધકામ કરશે અને તે પૂરું થતાં બધા ત્યાં રહેવા જશે. રાતો રાત બિલ્ડરોએ તે વિભાગમાં રહેવાના ઘરો બાંધ્યા, પરંતુ યુનિવર્સિટીએ એક વર્ષ મુલતવી રાખ્યું એટલે એ બંધાયેલા ઘરો બધા ખાલી જ પડ્યા હતાં.
અમારા એક મદ્રાસી મિત્ર શ્રીરામ રામાસ્વામીએ આવુ એક ડુપ્લેક્સ મકાન માત્ર ૪૫૦૦૦ ડોલર માં ખરીદ્યું હતું. ડુપ્લેક્સ મકાન હોવાને લીધે એને બે ઘર બાજુ બાજુમાં હતાં અને વચ્ચે એક દીવાલ જ હતી. એટલે એક મકાનમાં એ પરિવાર સાથે રહેતો હતો અને બીજું મકાન એણે ભાડે આપી દીધું હતું. એણે મને પણ એમ કરવા સમજાવ્યો. એટલે મેં પણ એની જેમ એક ડુપ્લેક્સ મકાન ૪૨૩૦૦ ડોલરમાં ખરીદ્યું. ૫૦૦૦ ડાઉન પેમેંટ હતું, ૫૦૦૦ અમે બિલ્ડરને સેકન્ડ મોર્ટગેજના આપ્યા અને ૩૨૪૦૦ ડોલરની લોન હતી જેના માસિક હપ્તા ૩૬૯ ડોલર ભરવાના આવતા. બાજુનું મકાન અમે માસિક ૨૨૫ ડોલરના ભાડે આપી દીધું એટલે મને મહિને ૧૪૪ ડોલરમાં મારુ આખું ઘર વાપરવા મળ્યું. અમે નવું ફર્નિચર, ડાઈનિંગ ટેબલ, વગેરે વસાવ્યું. આમ અમેરિકામાં છ વર્ષમાં અમે અમારા પોતાના ઘરના માલિક બની શક્યા કારણ કે શ્રીરામ જેવા મિત્રો નો સાથ હતો.
ટેક્ષાસનો પુકાર
એ જ અરસામાં મારા એક ચેકોસ્લોવેકિયન મિત્ર સ્ટીવ ટેલરને હું ગણિતના ટ્યુશન આપતો હતો. તેમના પત્નીને નર્સિંગમાં ગાલ્વેસ્ટન ટેક્સાસમાં નોકરી મળી એટલે તેઓએ બફેલોથી ટેક્સાસ સ્થળાંતર કર્યું. તેના મને કાયમ પત્રો આવતા કે તું એક વાર ટેક્સાસ આવીજા, તું બફેલો ની ઠંડી, બરફ બધુ ભૂલી જઈશ. હું એના અતિ આગ્રહને માન આપીને લિલાવતીની સાથે સ્પ્રિંગની રજાઓમાં ગાલ્વેસ્ટન ટેક્સાસ ફરવા ગયો. ગાલ્વેસ્ટન એ હ્યુસ્ટનથી ૪૫ માઈલ દૂર આવેલો એક ટાપુ છે. દરિયા કિનારે હોવાથી ચોખ્ખા હવા પાણી અને મેડિકલ યુનિવર્સિટી જ્યાં નોકરી મળવાની શક્યતા વધારે દેખાઈ. સ્ટીવ ટેલરે મારી ઓળખાણ એક મદ્રાસી ડોક્ટર રામાનુજમ સાથે કરાવી આપી. રામાનુજમ અને એમના પત્ની સાવિત્રી અમારા મિત્ર બની ગયાં અને રામાનુજમની મદદથી મને ગાલ્વેસ્ટનમાં નોકરી મળી ગઈ. અમારા બફેલોના મકાનમાં ગૃહ પ્રવેશને ફક્ત ૮ મહિના જ થયાં હતાં અને હવે મકાન, ઘરવખરી બધુ વેચીને ગાલ્વેસ્ટન જવાનું હતું. ૧૨૦૦ ડોલરમાં જે ડાઈનિંગ ટેબલ અને કેબિનેટ સેટ વસાવ્યો હતો તે માત્ર ૪૦૦ ડોલરમાં વેચવો પડ્યો. ફર્નિચરને પણ પાણીના ભાવે વેચવું પડ્યું. ઘર પણ મારા એક મિત્રને ૪૩૦૦૦ માં વેચ્યું. આ બધુ વેચતા તો વેચી દીધુ પરંતુ અમારા અને તેમાંય ખાસ કરીને મારી પત્નીના દિલમાં ઊંડો ઘા મૂકીને ગયું. ગાલ્વેસ્ટન, ટેક્ષાસ સ્થળાંતર થવાનું જ હતુ કારણકે બફેલોની કાતિલ ઠંડીથી હું અને તેમાંય ખાસ કરીને મારી વ્હાલ્સોયી પત્ની ત્રાસી ગયાં હતાં.
૨૪ જાન્યુઆરી ૧૯૭૭ના અમે બફેલો છોડીને ગાલ્વેસ્ટન આવ્યા અને ૨૫ જાન્યુઆરીના બફેલોમાં બરફનું તોફાન આવ્યું. એટલો બરફ પડ્યો કે બફેલોનો વાહન વ્યવહાર અને જીવન વ્યવહાર ખોરવાઈ ગયાં. લોકો ઘરની બહાર નીકળી ન શકતા હોવાથી તેમને હેલિકોપ્ટર દ્વારા ખોરાકના પડિકા પહોંચાડવામાં આવતા, આવો કપરો સમય આવ્યો હતો. અમારા સદનસીબે અમે એક દિવસ અગાઉ જ બફેલો છોડી ગાલ્વેસ્ટન આવવા માટે નીકળી ગયાં હતાં. ગાલ્વેસ્ટનમાં અમે એક અઠવાડિયું હોટલમાં રહ્યા અને પછી અમને એક અપાર્ટમેંટ મળ્યું જેમાં સારી એવી ગંદકી અને વાંદા વગેરે હતું. લિલાવતીને જરાય ગમ્યું નહીં પણ તેણે ચૂપચાપ ચલાવી લીધું અને દવા છાંટી વાંદાઓનો ત્રાસ દૂર કર્યો. તેને કાયમ બફેલો અને એનું મિત્રવૃંદ યાદ આવતું. માણસ પ્રગતિના નામે કેટકેટલાના દિલ દુભાવતો હોય છે.
ક્રમશઃ
