જીવનની ખાટી મીઠી
નીલમ હરીશ દોશી
રાતના બાર વાગ્યા હતા. માધવી જાગતી જ સૂતી હતી. આજે આંખોમાં ઉંઘ નહોતી. સાવ બાજુમાં મિહિર ઘસઘસાટ ઉંઘતો હતો. થોડી ક્ષણો સૂતેલા મિહિર તરફ જોઇ રહી. કદાચ ઉંઘવાનો ડોળ કરતો હશે. હમણાં ઉઠીને પોતાને નજીક ખેંચી.. હેપી બર્થ ડે…વીશ કરી પોતાને વહાલથી ભીંજાવી દેશે.
મીઠી કલ્પનામાં થોડીવાર ખોવાયેલી રહી. પણ ઘડિયાળનો કાંટો તો ખસતો ગયો..ખસતો ગયો..મિહિર તો ભરઉંઘમાં…. માધવીની મોટી મોટી આંખો છલકાઇ ઉઠી. પિયરમાં હોય તો બર્થ ડે ને આગલે દિવસે રાતે બરાબર બાર વાગે અને મમ્મી, પપ્પા તેના રૂમમાં આવ્યા જ હોય. વહાલી દીકરીને રાતે જ સૌથી પહેલાં વીશ કરે. ને પછી કેવી ધમાલ..ધમાલ… આજે અહીં સાસરામાં તો આ તેનો પહેલો જન્મદિવસ..અને મિહિરને યાદ પણ નથી ? જોકે ઘરમાં તો એ અને મિહિર બે જ છે. મિહિર આમ પોતાનો જન્મદિવસ ભૂલી જાય એ તેને ગમ્યું નહીં. ખેર ! સવારે વીશ કરે કે રાતે શું ફરક પડે છે ? મન મનાવી તે સૂવાનો પ્રયત્ન કરી રહી. મમ્મીએ તો કહી દીધું હતું કે હવે સૌથી પહેલાં વીશ કરવાનો અધિકાર મિહિરનો છે. પોતે હવે રાતે ફોન કરીને પતિ, પત્નીને ડીસ્ટર્બ નહીં કરે. તેથી હવે કોઇના ફોનની રાહ અત્યારે જોવાની નહોતી.
માંડ માંડ સવાર પડી. વહેલી ઉઠી નાહીને તે તૈયાર થઇ ગઇ. અને આતુરતાથી મિહિરના ઉઠવાની પ્રતીક્ષા કરી રહી. આ મિહિર પણ ખરો છે. આજે પણ ઉઠવાનું નામ નથી લેતો. પત્નીનો બર્થ ડે ભૂલી ગયો હશે ? હજુ તો લગ્નને એક વરસ જ થયું છે.અને અત્યારથી ભૂલી જવાનું ? વીસ વરસ પછી તો ન જાણે શું યે કરશે ? મનમાં ને મનમાં તેને એવો તો ગુસ્સો આવતો હતો.
અંતે મિહિર ઉઠ્યો ખરો. તે આશાભરી નજરે તેની સામે જોઇ રહી. પણ..મિહિર તો હમેશની જેમ તેના રુટિન કામોમાં વ્યસ્ત બની ગયો. બસ..એકવાર પત્ની તરફ જરાક સ્મિત ફરકાવી લીધું. નાસ્તો કરતી વખતે માધવીની ધીરજ ખૂટી ગઇ. મિહિર, આજે કઇ તારીખ છે ?
દસ જુલાઇ…કેમ તારે વળી તારીખની શી જરૂર પડી ? તારે કયાં નોકરી કરવા જવું છે ? અરે, માધવી, સારું થયું…તેં તારીખ પૂછી..આજે અમારા એમ.ડી.આવવાના છે. અને મારે પ્રેઝ્ન્ટેશન આપવાનું છે..ઓહ માય ગોડ..ચાલ, હું ભાગું જલદી..બાય.. કહેતા ચાનો કપ મૂકી મિહિર ભાગ્યો. માધવીની આંખો હવે તો રીતસર વરસી જ પડી.
ઓફિસમાં તો આમ પણ મિહિરને કામ સિવાય બીજું કશું સૂઝતું જ નહીં.તેથી હવે કોઇ આશા રાખવી નકામી હતી. આખો દિવસ તે એકલી એકલી ઘરમાં ફરતી રહી. હા, મમ્મીના અને મિત્રોના ફોન આવ્યા કર્યા. બધાએ આજના પ્રોગ્રામનું પૂછયું. પેલી વૈશાલીએ તો કહે,’ અરે,આજે યે મિહિર ઓફિસે ગયો છે ? મારા બર્થ ડે ને દિવસે અંશુલે તો ઓફિસમાં રજા જ રાખી દીધી હતી. આવું ચલાવી કેમ લે છે ? અત્યારથી આવી આદત પડી જશે તો પછી તો શું કરશે ? અને જાતજાતની સલાહો વૈશાલી આપતી રહી. આમ પણ એ થોડી બટકબોલી તો છે જ. માધવી આખો દિવસ ગુસ્સાથી ઉકળતી રહી. સાંજે મિહિર આવ્યો. રોજ કરતાં થોડો વહેલો આવ્યો. આવતાની સાથે જ.. ’ માધવી, ચાલ જલદી તૈયાર થઇ જા…’ માધવીની આંખમાં આશાનું કિરણ તરી આવ્યું. આખરે મોડું મોડું પણ યાદ આવ્યું લાગે છે. ત્યાં મિહિર નો અવાજ આવ્યો.’ મારો મિત્ર અનિકેત બીમાર છે..એને હોસ્પીટલમાં દાખલ કર્યો છે..તેથી આપણે બંને તેને જોવા જવાનું છે. ‘ માધવીનો ચહેરો પડી ગયો. તે તો શું માની બેઠી હતી.. એકાદ મિનિટ તો થયું પોતે મિહિરને હચમચાવીને પૂછે..યાદ કરાવે..પણ અભિમાન આડે આવ્યું..પોતે યાદ કરાવવું પડે ?
એક પણ શબ્દ બોલ્યા સિવાય ગુસ્સામાં જ તે તૈયાર થઇ. મિહિરની પાછળ બાઇક ઉપર બેઠી.
મિહેરે બાઇક ભગાવી.
‘ માધવી, મને ભૂખ લાગી છે. હોસ્પીટલમાં કદાચ થોડું મોડું પણ થાય…આપણે પહેલા થોડો નાસ્તો કરતા જઇશું ? ‘ માધવી જવાબ શાની આપે ? મિહિરે પણ જવાબની રાહ જોયા સિવાય બાઇક એક મોટી રેસ્ટોરંટ પાસે ઉભી રાખી. માધવી કમને ઉતરી. મિહિરે માધવીનો હાથ પકડયો. બંને અંદર દાખલ થયા.ત્યાં જ.. હોટેલનો સ્ટાફ હાથમાં સુંદર બુકે સાથે હેપી બર્થ ડેના ગીત સાથે માધવીને વેલકમ કરી રહ્યો. બેંડના સૂર ગૂંજી ઉઠયા. મિહિરના મિત્રો કેક સાથે હેપી બર્થ ડે ગાઇ ઉઠયા. તાળીઓના ગડગડાટમાં માધવીનો ગુસ્સો કયાંય ઓગળી ગયો. તેણે કૃત્રિમ ગુસ્સાથી મિહિર સામે જોયું… મિહિર લુચ્ચું હસી રહ્યો હતો. પછી ધીમેથી કહે,
‘ પત્નીનો પહેલો બર્થ ડે ભૂલી જવા જેટલી હિંમત મારામાં હોય ખરી ?’
માધવી ખડખડાટ હસી પડી.
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
