પ્રકાશકઃ જોય એન્ટરપ્રાઇઝ, જી૫,શક્તિ સ્ક્વેર, મૅનેજમૅન્ટ એન્ક્લેવ સામે,  નેહરૂ પાર્ક  રોડ, અમદાવાદ  ૩૮૦૦૧૫ ISBN: 978-93-48694-79-9    કિંમતઃ રૂ. ૨૫૦/-

હરેશ ધોળકિયા

ભગવદ્‍ ગીતા કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી. તે મહાભારતનો એક નાનકડો ભાગ છે.

ભારતીય સંસ્કૃતિના બે મહાન ગ્રંથો છે “રામાયણ” અને “મહાભારત.” બંને ભારતીય સંસ્કૃતિના પાયાના મૂલ્યોને સમજાવે છે. મહાભારત વિશાલ ગ્રંથ છે. તેના આશરે એક લાખ શ્લોકો છે. તેમાં કુરુ વંશની કથા છે. કુરુ વંશના બે સંતાન ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્રોની કથા છે. ધૃતરાષ્ટ્રના સો પુત્રો છે, પણ જાણીતો દુર્યોધન છે. પાંડુના પાંચ પુત્રો છે. દુર્યોધન પાંડવોને ગાદી  મળે તે ઈચ્છતો નથી. એટલે તે શરૂઆતમાં પાંડવોને મારી નાખવાના પ્રયાસો કરે છે, પણ પાંડવો બચતા રહે છે. છેવટે તે દગાથી યુધીસ્થીરને જુગારમાં હરાવે છે અને બાર વર્ષ વનમાં મોકલી દે છે. તેરમું વર્ષ તેમને ગુપ્ત વાસમાં રહેવાનું હોય છે. આ બધું કર્યા પછી પણ તે પાંડવોને રાજ્ય આપતો નથી. એટલે રાજ્ય મેળવવા પાંડવો કૌરવો સામે યુદ્ધ જાહેર કરે છે અને બંને વચ્ચે આધાર દિવસનું યુદ્ધ લડાય  છે જેમ પાંડવો અને થોડા બીજા સિવાય લગભગ બધા જ મ્રત્યુ પામે છે.

યુદ્ધની શરૂઆતમાં અર્જુન કૃષ્ણને કહે છે કે તે બંને સેનાઓ પર નજર કરવા માગે છે. એટલે કૃષ્ણ રથને બંને સેનાઓ વચ્ચે ઊભાડે છે. અર્જુન બધા પર નજર ફેંકે છે. ત્યારે તેને સામી સેનામાં ભીષ્મ, દ્રોણ વગેરે વડીલો અને મિત્રો દેખાય છે અને તે  ઢીલો થઇ  જાય છે અને કૃષ્ણને કહે છે કે તે આ બધાને મારીને રાજ કરવા માગતો નથી. એમ કહી તે પોતાના હાથમાંના ધનુષ્ય-બાણ નીચે મૂકી દે છ અને “ નહિ લડું” કહી બેસી જાય છે. ત્યારે કૃષ્ણ અર્જુનને તેની ફરજનું ભાન કરાવવા અને સત્ય સમજાવવા જે ઉપદેશ આપે છે, તે આ ગીતા. કૃષ્ણ ભગવાન મનાય છે, માટે તેઓ જે બોલે છે તેને “ ભગવાન ઉવાચ” કહ્યું છે. તે સાતસો શ્લોકોમાં અર્જુનને  ઉપદેશ આપે છે અને તેની ફરજનું  ભાન કરાવે છે. અર્જુન  તેમની  વાત સમજે છે અને હવે  તે લડવા તૈયાર થાય છે.

આ સાતસો શ્લોકોમાં જે ઉપદેશ આપ્યો છે, તે ભારતીય તત્વજ્ઞાનનો  સાર છે. ભારતીય તત્વજ્ઞાન એટલે “ઉપનિષદો.” તેમાં જ સમગ્ર જ્ઞાન છે. પણતે સમજવા ખૂબ કઠિન છે. એટલે વ્યાસે તેમને આ ગીતાના માધ્યમથી સરળ કરી સમજાવવાનો પ્રયાસ કર્યો છે. ગીતાને એટલે જ ઉપનિષદનો સાર કહેવાય છે.

સમગ્ર ગીતાને અઢાર  અધ્યાયમાં વહેંચી નાખી છે. દરેક અધ્યાયમાં વિવિધ મુદ્દાને સમજાવ્યા છે. મહાભારતમાં તો બધા અધ્યાયોને છેડે “ભીષ્મ  પર્વ” લખેલ છે, પણ સમય જતા ગીતા પોતે જ એક સ્વતંત્ર ગ્રંથ બની ગયો અને તેના દરેક અધ્યાયને સ્વતંત્ર નામ આપવામાં આવ્યા.

ગીતા એક અદ્‍ભૂત ગ્રંથ છે. તેનું તત્વજ્ઞાન ખૂબ ઊંડું છે. તેમાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગને સમજાવ્યા છે. આ ઉપદેશ એટલો તો સરળ અને વ્યવહારુ રીતે મૂક્યો છે કે બધાને સમજાઈ જાય. આ ઉપદેશ સનાતન સત્ય પર આધારિત છે. એટલે આજે પાંચ હજાર વર્ષ પછી પણ તે એટલો જ ઉપયોગી છે અને આજે તેને મૅનેજમૅન્ટમાં પણ ઉપયોગમાં લેવાય છે.

ગીતા મુખ્યત્વે મનુષ્યમાં રહેલ ચેતનાની વાત કરે છે. શરીર ભલે મર્ત્ય છે, નાશવંત છે, પણ તેમાં રહેલ આત્મા અમર છે. જો વ્યક્તિ આ આત્માને ઓળખી લે, તો તે પણ આ અમરત્વનો અનુભવ કરી શકે. પણ સામાન્ય સંદર્ભમાં મનુષ્યે સ્વસ્થ કેમ રહેવું અને પરમ ચેતનાને કેમ જાણવી તેના પર જ વાત કરી છે. તેને કૃષ્ણ-અર્જુનના સંવાદ દ્વારા કહી છે. એક વાર જો ગીતાના તત્વજ્ઞાનને સમજી શકાય, તો વ્યક્તિનું સમગ્ર જીવન સ્વસ્થ રહે અને તે આનંદથી જીવી શકે. અને આ બંને બધાને જોઈએ છીએ, એટલે ગીતા સમગ્ર જગત માટે ઉપયોગી રહી છે અને આજે પણ છે. તે માત્ર ધર્મ ગ્રંથ ન રહેતા જીવન ગ્રંથ બની ગયો છે અને સમગ્ર જગતના જિજ્ઞાસુઓ તેનો અભ્યાસ કરે છે અને તેના તત્વજ્ઞાનનો લાભ લે છે.

આ સંદર્ભમાં અહીં પણ ગીતાને એ જ રીતે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ, યુવાનો અને વૃદ્ધો—બધાને સમજાય તેવી ભાષામાં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો છે.


હરેશ ધોળકિયા : ન્યુ મિન્ટ  રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ ( ૩૭૦૦૦૧) | ઈ-મેલ : dholakiahc@gmail.com