નિસબત
ચંદુ મહેરિયા
સાહિત્ય, સંગીત, નૃત્ય અને કલા બાબતમાં અરસિક ગણાય એવા મોરારજી દેસાઈએ એમના પ્રધાનમંત્રીત્વકાળ(૧૯૭૭-૧૯૭૯)માં એક નૃત્યાંગનાને રાષ્ટ્રપતિ પદની ઓફર કરી હતી! જોકે તેમણે તે કલાને ખાતર સાદર નકારી હતી! આ કોઈ સામાન્ય નૃત્યાંગના નહોતા. ભરતનાટ્યમનાં પ્રતિષ્ઠાપક કલાધરિત્રી અને દક્ષિણ ભારતના શાંતિનિકેતન તરીકે ખ્યાત ટોચની કલા સંસ્થા ‘કલાક્ષેત્ર’ના અધિષ્ઠાત્રી રુક્મિણી દેવી અરુન્ડેલ હતાં. ૧૯૭૭માં તત્કાલીન વડાપ્રધાન મોરારજીભાઈએ તેમને રાષ્ટ્રપતિ પદની ઓફર કરી હતી, પરંતુ રાજકારણીઓ સાથે કલાનો મેળ શક્ય ન હોવાની ભાવનાને કારણે અને રાજકારણી માહોલને વશ વર્તવાની અનિચ્છાને લીધે તેમણે ઓફર નકારી હતી. જો એ શક્ય બન્યું હોત, તો તેઓ કદાચ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની શક્યાં હોત.

રુક્મિણી દેવી અરુન્ડેલનો જન્મ ૨૯મી ફેબ્રુઆરી ૧૯૦૪ના રોજ તમિલનાડુના મદુરાઈમાં થયો હતો. પિતા નીલકંઠ શાસ્ત્રી વ્યવસાયે ઈજનેર હતા અને સંગીતના શોખીન હતા. પુત્રીને પણ પિતાનો સંગીત શોખ બચપણથી જ સ્પર્શી ગયો. રુક્મિણી દેવીનું શાળા શિક્ષણ અલ્પ સમયનું હતું. પરંતુ આંતરિક શક્તિઓ એટલી તેજ હતી કે કલાક્ષેત્રે મહત્વનું યોગદાન કરી શક્યાં. સંસ્કૃતના વિદ્વાન પિતા, થિયોસોફિકલ સોસાયટીની પ્રવૃતિઓમાં સક્રિય હતા. તેમનું કુટુંબ અડ્યારમાં રહેતું હતું તે દરમિયાન થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ એની બેસન્ટ પાસે આવેલા ઓસ્ટ્રેલિયાના કેળવણીકાર ડો.જ્યોર્જ અરુન્ડેલ સાથે, સોળ વરસના રુક્મિણીનો પરિચય થયો. પરિચય પાંગરી, પ્રેમમાં અને લગ્નમાં પરિણમ્યો. રુઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારની દીકરી મોટી ઉંમરના વિધર્મી, વિદેશી યુવક સાથે લગ્ન કરે તે સમાજને સ્વીકાર્ય નહોતું. વિરોધને કારણે તેઓને ઘર છોડી મુંબઈ જતાં રહેવું પડ્યું હતું.
લગ્ન પછી રુક્મિણી દેવીએ થિયોસોફિકલ ફિલસૂફી સમજવા અને પચાવવા માંડી. આ હેતુસર પતિ જ્યોર્જ સાથે યુરોપનો પ્રવાસ કર્યો. આ પ્રવાસ દરમિયાન સોવિયેત નર્તકી આના પાવલોવ સાથે ભેટો થયો હતો. એમની સહાયથી કુલિયો નૉર્ડી પાસેથી એમણે પશ્ચિમી નૃત્યો શીખવાનો આરંભ કર્યો. વિદેશી નહીં ભારતીય નૃત્યોમાં પારંગત થવાની આના પાવલોવાની સલાહ પછી રુક્મિણી દેવીએ ભારતીય નૃત્યો તરફ લક્ષ આપ્યું. જ્યારે તેઓ ભારતીય નૃત્યની તાલીમ લેતાં હતા ત્યારે તે દાસી આટ્ટમ કે સદીરનાચ તરીકે ઓળખાતું હતું. આ નૃત્ય મોટે ભાગે મંદિરોમાં દલિત દેવદાસીઓ કરતી હતી.
લોકસભામાં મુથુલક્ષ્મી રેડ્ડીએ દેવદાસી પ્રથા અને તેમના મંદિરોમાં નૃત્યો પર પ્રતિબંધ મૂકતો ખરડો રજૂ કર્યો ત્યારે તેને ધીકતી વકીલાત છોડી ઈ. કૃષ્ણાઆયરે ટેકો આપ્યો. કલાનિધિ નારાયણ નામના બ્રાહ્મણ મહિલાએ ભરતનાટ્યમનો જાહેર પ્રયોગ કર્યો. બરાબર આ જ સમયે રુક્મિણી દેવી નૃત્યની તાલીમ લેતાં હતાં. ચિદમ્બરમ મંદિરમાં એમનું આરંગેત્રમ યોજાયું હતુ. પતિના સાથ અને પ્રોત્સાહન થકી ૨૮ વરસની મોટી વયે નૃત્ય સાધના આરંભ્યા છતાં તેઓ તેને આત્મસાત કરી શક્યાં હતાં. ૧૯૩૫માં થિયોસોફિકલ સોસાયટીના હીરક મહોત્સવમાં દેવદાસીઓના નાચ તરીકે ઓળખાતું ભરતનાટ્યમ તેમણે રજૂ કર્યું હતુ. એ રીતે તેનું પ્રતિષ્ઠાપન કર્યું. ૧૯૩૬માં રુક્મિણી દેવી અરુન્ડેલે અડ્યાર એકેડેમી ઓફ આર્ટ્સની સ્થાપન કરી હતી. જે કલાક્ષેત્ર તરીકે નામના પામી હતી.
માત્ર ભરતનાટયમના ઉધ્ધારક તરીકે જ એમણે કામ કર્યું. નથી.પરંતુ જીવનનાં ઘણાં ક્ષેત્રોમાં એમનું પ્રદાન છે. ૧૯૩૮માં અરુન્ડેલ દંપતિએ મેડમ મોન્ટેસરીની મુલાકાત લીધી હતી અને તેમને ભારતમાં નોતરી બાળશિક્ષણના ક્ષેત્રે નવી ભોં ભાંગવાનું તાક્યું હતું. ૧૯૩૯માં તેમણે મદ્રાસ( આજના ચેન્નઈ)માં બાળકોની મોન્ટેસરી શાળા સ્થાપી હતી. ૧૯૪૫માં એમના પતિના અવસાન પછી એમણે ” કલાક્ષેત્ર’ ના વિકાસને પ્રાધાન્ય આપ્યું હતું. નિ:સંતાન રુક્મિણી દેવી માટે ‘કલાક્ષેત્ર’ જ એમનું સાચું સંતાન બની રહ્યું.
૧૯૫૨થી સતત બે ટર્મ તેઓ રાજ્યસભાના રાષ્ટ્રપતિ નિયુક્ત કદાચ પ્રથમ મહિલા સભ્ય હતાં. એ સમય દરમિયાન તેમણે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાનો નિષેધ કરતો કાયદો પસાર કરાવ્યો હતો. પ્રાણીઓ પ્રત્યેની કરુણા અને શાકાહારવાદની ઝુંબેશના એ અગ્રણી હતાં. પ્રાણીઓ પરના પ્રયોગો થકી બનાવાતી એલોપથિક. દવાઓ અને એમની કતલથી બનાવાતાં સૌંદર્ય પ્રસાધનો- સાધનો, ફેશનેબલ વસ્ત્રો અને સાપ જેવાં પ્રાણીઓની ચામડીથી બનાવાતી ચીજવસ્તુઓનો તે કદી ઉપયોગ કરતાં નહીં. તેઓ બ્યુટી વિધાઉટી ક્રુઅલ્ટી સંસ્થાના પણ હોદ્દેદાર હતા. એ નાતે તેમણે વિચારો અને આચરણમાં સમાનતા રાખી હતી. ૧૯૬૨માં સ્થપાયેલા એનિમલ વેલ્ફેર બોર્ડના તેઓ સ્થાપક અધ્યક્ષ હતા. રાજ્યસભાના નોમિનેટેડ સભ્ય તરીકેની તેમની મહત્વની કામગીરીમાં તમામ ભારતીયોને મળેલા સમાન મતાધિકારનો વિરોધ અને શિક્ષણના સવાલોને રાજકીય પક્ષોના નીચા અગ્રતાક્રમનો વિરોધ પણ હતાં.
૧૯૫૬માં રુક્મિણી દેવી અરુન્ડેલને પદમ ભૂષણનું નાગરિક સન્માન મળ્યું હતું. ૧૯૫૭માં તેમને સંગીતનાટ્ય અકાદમી એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. મૂંગા પ્રાણીઓની કતલને રોકવાના પ્રયાસો માટે બ્રિટનની સંસ્થાનો ક્વીન વિકટોરિયા એવોર્ડ તેમને ૧૯૫૮માં મળ્યો હતો. વિશ્વભારતી યુનિવર્સિટીએ એમને દેશકોત્તમની અને અમેરિકાની રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીએ એમને ડોકટરેટની માનદ પદવી એનાયત કરી હતી. બનારસ હિન્દુ યુનિવર્સિટીએ ૧૯૮૨માં તેમને ડોકટરેટથી સન્માન્યા હતાં. ૧૯૮૪માં મધ્યપ્રદેશ સરકારે તેમને કાલિદાસ પુરસ્કાર એનાયત કર્યો હતો. દેશની ટોચની નૃત્ય પ્રતિભાઓ મૃણાલિની સારાભાઈ , શુભ લક્ષ્મીખાન, યામિની કૃષ્ણમૂર્તિ અને ઉમારાવના તેઓ ગુરુ હતા.
૨૪મી ફેબ્રુઆરી ૧૯૮૬ના રોજ ચેન્નઈમાં તેમનું નિધન થયું હતું. ભરત નાટ્યમને પુન: પ્રતિષ્ઠ કરનાર રુક્મિણી દેવી અરુન્ડેલના કાર્યની ભરતનાટ્યમની વર્તમાન સ્થિતિ સાથે તુલના કરતાં ચિંતા ઉપજે છે. એક કાળે દેવદાસીઓના નૃત્ય તરીકે ઉપેક્ષિત અને અપ્રતિષ્ઠિત લેખાતું ભારતીય નૃત્ય આજે ઊંચા ઘરાણાની સ્ત્રીઓના શોખની ચીજ બની ગયું છે. જાહેરમંચનું નૃત્ય દીવાનખાનામાં કેદ થઈ ગયું છે. લગ્ન પસંદગીનું અનિવાર્ય અંગ બની ગયું છે. ખોટા દેખાવ અને ગ્લેમરનો ભોગ બની ગયું છે. રુક્મિણી દેવીના જીવતા જીવ જ નૃત્યની આ દશા હતી.
દેવદાસીઓનું ગણાતું નૃત્ય આજે શ્રીમંત પરિવારોનું મનોરંજનનું સાધન બની રહ્યું છે. ત્યારે પુન:પ્રતિષ્ઠ થયેલ ભરતનાટ્યમની , રુક્મિણી દેવીએ ચાહેલી પેલી પ્રતિષ્ઠા સાથેની એની શુધ્ધિ જરૂરી છે. અમીરો અને કથિત ઉચ્ચવર્ણના કેદખાનામાંથી એ બહાર નીકળી જાહેર મંચ પર આવે અને આમ મહિલાઓનું નૃત્ય બની રહે એ જ રુક્મિણી દેવી અરુન્ડેલના જીવનકાર્યોનું સાચું તર્પણ હશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
