પ્રથમ લક્ષ્મીજી નું આગમનઃ
૧૯૭૯માં અમારા ઘરે દીકરીનો જન્મ થયો, અમે એનું નામ વનિતા રાખ્યું. હું અને લિલાવતી બંને નોકરી કરતાં હતાં એટલે વનિતાનું ધ્યાન રાખવા મેં મારી બાને ભારતથી બોલાવી લીધા હતાં. ત્યાર બાદ મને હ્યુસ્ટનમાં નોકરી મળી ગઈ અને અમે હ્યુસ્ટન શહેરમાં ઘર ખરીદ્યું અને ત્યાં સ્થાયી થયાં. જે દિવસે અમે હ્યુસ્ટનના અમારા ઘરે રહેવા આવ્યા તે રાત્રે મને એક ગજબનું સ્વપ્ન આવ્યું. જાણે મારા બાપુજીનો આત્મા અતિ પ્રસન્ન છે અને મને ખૂબ આશીર્વાદ અને બધાઈ આપતા હોય તેવી અનુભૂતિ થઈ.
લક્ષ્મીની ઉપાસના
‘હ્યુસ્ટન નેચરલ ગેસ’ કંપનીમાં મેં એક વર્ષ કામ કર્યું. તેમાં ધંધા(બીઝનેસ) વિષે ઘણું શીખવા મળ્યું. પરંતુ રાજકારણ, હુંસા-તુસ્સી અને ચડસાચડસી વાળા વાતાવરણમાં મને મજા ન આવી એટલે મેં નોકરી બદલાવી. ‘હ્યુસ્ટન લાઈટિંગ એંડ પાવર’ નામની કંપનીમાં એક અશોક ગર્ગ નામના ઈંડિયન મેનેજર હતાં. તેમણે મારો ઈન્ટરવ્યુ લીધો અને મને નોકરી પર રાખી લીધો. મારા આજ બોસ આગળ જતાં મારા પરમ મિત્ર બની ગયાં અને આજે પણ વર્ષો સુધી મૈત્રી ટકાવી રાખી છે.
આ કંપનીના કોમ્પ્યુટર વિભાગમાં મને પ્રોગ્રામર એનેલિસ્ટ તરીકે નોકરી મળી હતી. બધા પ્રોગ્રામર પાસે એટલું બધું કામ હતું કે બીજા ડિપાર્ટમેંટમાંથી કોઈ રિપોર્ટ તૈયાર કરવાનું કહે તો વિનંતીની થપ્પી બનાવીને રોકી રાખવામા આવતી અને બે- ત્રણ વર્ષે જ્યારે ટાઈમ મળે ત્યારે એની ઉપર કામ કરવામાં આવતું. આ પ્રશ્નનો હલ કરવા માટે આઈ.બી.એમ. જેવી તે જમાનાની પ્રતિષ્ઠિત કંપની સાથે મસલત કર્યા પછી તેમણે એક નવો ‘ઈન્ફોર્મેશન સેંટર’ નો કોન્સેપ્ટ આપ્યો અને કહ્યું કે આ ઈન્ફોર્મેશન સેંટરમાં જે વિગતવાર માહિતી હશે તેમાથી દરેક ડિપાર્ટમેંટ પોતાની જરૂરિયાત મુજબ રિપોર્ટ પોતેજ તૈયાર કરી શકશે. આ પ્રોજેકટનું નેતૃત્વ મને સોંપવામાં આવ્યું. ૧૯૮૧ થી ૧૯૮૫ સુધીમાં ઈન્ફોર્મેશન સેંટર અસ્તિત્વમાં આવ્યું. લગભગ ૬૦૦ કર્મચારીઓને રિપોર્ટ લખવાનું સૉફ્ટવેર બનાવીને કેવી રીતે વાપરવાનું તે શિખવાડ્યુ. અને દરેકને રિપોર્ટ લખવા સ્વાવલંબી બનાવ્યા.
૧૯૮૫માં મારા બોસ અને મિત્ર અશોક ગર્ગે આ નોકરીમાંથી રાજીનામું આપ્યું. એમની જગ્યાએ નવા બોસ આવ્યા જે થોડા ઉદ્ધત હતાં. પોલિસી બદલાઈ ગઈ, મોટા કોમ્પ્યુટરને બદલે દરેકનાં ડેસ્ક ઉપર પર્સનલ ડેસ્કટોપ નાના સ્વાવલંબી કોમ્પ્યુટર દરેક કર્મચારીને આપવાનું નક્કી થયું અને પોતાનાં રિપોર્ટ આ કોમ્પ્યુટર કરે એવી ટ્રેનિંગ આપવાની અને એની શરૂઆત કંપનીનાં પ્રેસિડંટથી કરવાની. મને બોસે એની કેબિનમાં બોલાવીને કહ્યું કે કાલે પ્રેસિડંટ અહિયાં બધા ડેસ્કટોપ કોમ્પ્યુટર વિષે માહિતી મેળવવા આવશે, તું તેમને બધા કોમ્પ્યુટર બતાડજે અને એમને જે ગમે તે કોમ્પ્યુટર સેટ કરી આપજે.
બીજે દિવસે પ્રેસિડંટ આવ્યા એટલે મેં તેમને જુદા જુદા ચારથી પાંચ કોમ્પ્યુટર બતાવ્યા, તેમાથી કોમ્પેક કંપનીનું કોમ્પ્યુટર જે શિવવાનાં મશીન જેવુ ઢાંકણા વાળું બનાવ્યું હતું તે તેમને પસંદ પડ્યું એટલે મેં તેમને એ સેટ કરી આપ્યું. બીજે દિવસે મારો બોસ બહારગામથી પાછો આવ્યો તો તેને આ વાતની ખબર પડી અને એ ખૂબ ગુસ્સે થયો. એની ઇચ્છા એવી હતી કે હું પ્રેસિડંટને કોઈ ફેન્સી કોમ્પ્યુટર પધરાવીશ, એણે મને ગુસ્સામાં કહ્યું કે તને માર્કેટિંગ નથી આવડતું! તારામાં સામે વાળી વ્યક્તિને આપણી ઇચ્છા મુજબ નિર્ણય લેવા મજબૂર કરવાની ક્ષમતા નથી.
તે દિવસે મને ખૂબ ખરાબ લાગ્યું. આજ સુધી મને નોકરી પર કોઈએ આવું કહ્યું નહોતું. તે દિવસે હું મારા જૂના બોસ અને મિત્ર અશોક ગર્ગનાં ઘરે ગયો. અમે બંને એ સ્ટ્રોંગ ડ્રિંક લીધું અને એણે મને સમજાવ્યો અને શાંત પાડ્યો.
બીજે દિવસે હું બોસની ઓફિસમાં ગયો અને એમને કહ્યું કે તમારી વાત સાચી છે, મારામાં જે ઉણપ છે તે પૂરી કરવા મને ટ્રેનિંગની જરુર છે. એટલે તમે જ કહો કે મારે કઈ જાતની ટ્રેનિંગ લેવી જોઇએ જેથી હું મારુ કામ નિષ્ઠા પૂર્વક કરી શકું. બોસ ખુશ થઈ ગયો અને એણે મારા માટે ટ્રેનિંગની વ્યવસ્થા કરી આપી. ત્યાર પછી એણે મને કોઈ દિવસ ઠપકો નથી આપ્યો.
આ અરસામાં ‘માર્કેટિંગ એન્ડ કોર્પોરેટ પ્લાનિંગ ડિપાર્ટમેંટ’માંથી કલર પ્રિંટર ખરીદવા માટે અરજી આવી. દરેક પ્રિંટર ૬૫૦૦૦ ડોલરનું હતું, મારા બોસે કહ્યું કે એક પ્રિંટર આપણાં વિભાગમા પણ જોઈએ જેથી એમનાં પ્રિંટરને કંઈ થાય તો આપણને બેકઅપ તરીકે કામ આવે. આમ ત્રણ પ્રિંટર અને તેમની વોરંટી સાથે બધુ મળીને ૨૨૫,૦૦૦ ડોલરની પાવતી પાસ કરવાની હતી. ડાઈરેકટર કહે મારી સહી ફક્ત ૨૦,૦૦૦ ડોલર સુધી જ ચાલે એનાથી ઉપરની રકમ માટે વાઇસ પ્રેસિડંટની સહી જોઈયે અને આ સહી લઈ આવવા માટે મને બકરો બનાવવામાં આવ્યો.
હું તે પાવતી લઈને સાંજે ચાર વાગે વાઇસ પ્રેસિડંટની ઓફિસમાં ગયો. તેમણે મને વિવેકથી આવકાર્યો, અને પુછ્યું કે કેમ આવવાનું થયું? મેં તેમને વાત સમજાવી કે આ પ્રમાણે, આ જરૂરિયાત માટે આટલા કલર પ્રિંટર ખરીદવાનાં છે, અને એના ઉપયોગથી આ પ્રમાણેનો ફાયદો થશે. જ્યારે તેમણે ૨૨૫,૦૦૦ ડોલર ની પાવતી જોઈ ત્યારે તે ખૂબ ચોંકી ગયાં અને મને કહે કે મનસુખ આતો ખૂબ મોંઘા છે. એટલે મેં તેમને હસતાં-હસતાં કહ્યું કે શું સાહેબ તમે પણ, મિલિયન ડોલરનું બજેટ સંભાળતા તમને આ ૨૨૫,૦૦૦ ડોલર પણ વધારે લાગે છે? આ સાંભળી તે પણ હસી પડ્યા અને એ પાવતી પર એમણે મને સહી કરી આપી અને અમે ત્રણ પ્રિંટર વસાવી લીધા.
ફરીથી લક્ષ્મીજી નું આગમન – પ્રીતિનો જન્મઃ
૧૯૮૮માં બીજી પુત્રી પ્રીતિનો જન્મ થયો. પ્રીતિ ખૂબ જ સમજુ, હોંશિયાર અને માયાળુ છે. તેણીએ ફ્લોરીડા સ્ટેટ યુનિવર્સિટિમાંથી પી. એચ. ડી.ની ડિગ્રી મેળવી છે. ૨૦૧૬થી તે વોશિંગ્ટન ડી. સી.માં સેંસસ (વસ્તી ગણતરી વિભાગ)માં કામ કરે છે. અવારનવાર વિડિયો કોલ કે વોટસઅપ પર સુખ દુઃખની વાતો કરી અમને મનોરંજન પૂરું પાડીને અમારા શેષ દાંપત્ય જીવનમાં અનેરો આનંદ પૂરો પાડે છે. એ જ અરસામાં સમાચાર મળ્યા કે મારો ખાસ મિત્ર મહેંદ્ર સંઘવી અમને છોડી સ્વર્ગે સિધાવી ગયો. અંગત મિત્ર ખોવાનું ખૂબ દુઃખ થયું.
નોકરીમાં ઉતારચડાવ
૧૯૮૮માં લીગલ ડિપાર્ટમેંટમાથી વિનંતી આવી કે ઘણા ડૉક્યુમેન્ટસ સ્કેન કરીને કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા ના છે અને તેને ઇંડેક્સ કરીને સહેલાઈથી શોધી શકાય એમ હોય તો અતિ ઉત્તમ. આ પ્રોજેક્ટનું સુકાન મને સોંપવામાં આવ્યુ અને પ્રોજેક્ટને હલ કરવા માટે અમે ‘ઇમેજ પ્રોસેસિંગ’ અને ‘ઓપ્ટિકલ કેરેક્ટર રીડર’ જેવા સૉફ્ટવેર વસાવ્યા અને લીગલ ડિપાર્ટમેંટનાં બધા ડૉક્યુમેન્ટસ સ્કેન કરીને સ્ટોર કરી આપ્યા. પછી એમણે અમને જણાવ્યુ કે તેઓ ન્યુ યોર્કની એક કંપનીમાં છેલ્લા પાંચ વર્ષથી ડૉક્યુમેન્ટ સ્ટોર કરતાં હતાં જેની ફી દર મહિને ૨૫,૦૦૦ ડોલર આપવી પડતી હતી. તો તે ડૉક્યુમેન્ટસ જો આપણી કંપનીમાં આપણાં કોમ્પ્યુટર પર સ્ટોર થઈ શકે તો તે ફી બચી જાય અને વર્ષે ૩૦૦,૦૦૦ ડોલર ની બચત થાય. આ પ્રોજેકટ મારી પાસે આવ્યો. લગભગ ૬ મહિના મહેનત કરીને મેં આ પ્રોજેકટ પૂરો કરી આપ્યો. બધા ખુશ થઈ ગયાં અને મને પ્રોમોશન તથા બોનસ બંને મળ્યા.
૧૯૯૨ માં કંપનીએ સ્ટાફિંગ ૧૨૦૦૦ માથી ૧૦૦૦૦ કરવાનું નક્કી કર્યું. એટલે ૨૦૦૦ કર્મચારીઓ ને છૂટા કરવામાં આવ્યા. તેમાં ભેદભાવ ના થાય એટલા માટે દરેક વિભાગમાંથી જેટલા ને છૂટા કરવાનાં હતાં તેમનું આક્ડાંકીય વિષ્લેષણ કરવાનું કામ મને સોંપવામાં આવ્યું. મેં અને એક સાથીએ મળી ને આ કામ નિષ્ઠા પૂર્વક પૂરું કર્યું જેના માટે અમને બંનેને પુરસ્કાર પણ મળ્યો.
બાની માંદગી
૧૯૯૩ માં મારી બાને ભારતમાંથી માઠા સમાચાર આવ્યા કે તેમનો ભાઈ દેવલોક પામ્યો છે, જેના કારણે મારી બાને હ્રદય રોગનો હુમલો થયો અને તેમને ડાબા અંગે લકવો થઈ ગયો. જેમ-જેમ સમય જતો ગયો તેમ-તેમ તેમનાં જમણા અંગને પણ લકવાએ જકડી લીધું અને મારી બાને ૨૪ કલાક કોઈક ધ્યાન રાખે એવી પરિસ્થિતિ આવી પડી. બે વ્યક્તિ મળી આવી, એક દિવસ દરમ્યાન અને એક રાત્રિ માટે. એમ બે વર્ષ ચાલ્યું, કેટલીયે દવાઓ કરી, હોસ્પિટલમાં દાખલ કર્યા, પણ દિવસે-દિવસે પરિસ્થિતિ વણસતી જતી હતી. હવે તેમને પાર્કિનસન્સ ની બીમારી પણ થઈ ચૂકી હતી. અંતે અમે તેમને ભારત લઈ જવાનું નક્કી કર્યું. ભારતમાં મારી મામી અને તેમના દીકરા જયસુખ અને તેની પત્ની ઉર્મિલાએ મારી બાની સારવાર કરી અને ૧૧ મહિના પછી ૧૯૯૮માં મારી બાએ દેહ ત્યાગ કર્યો. સત્તર વર્ષ અમેરિકામાં અમારી સાથે રહ્યાં પછી ફક્ત દીકરા વહુનો પ્રેમ જ નહિ પણ બબ્બે પૌત્રીઓનાં પ્રેમનું વળતર પામી ગંગાબહેન સ્વર્ગે સિધાવ્યા. મારી સગી માને હું અમેરિકામાં મારી સાથે ૧૭ વર્ષ આનંદ્પૂર્વક રાખી શક્યો અને બાળપણના વિસરાયેલા સ્નેહને પામી શક્યો એ માટે હું મારી પત્ની અને પુત્રીઓનો આભારી છું.
મોટી દીકરીનું માનસ
જિંદગીમાં એક પછી એક એમ વજ્રઘાતો ની હારમાળા સર્જાતી રહી પરંતુ મિત્રોનાં સથવારે અને પ. પુ. પાંડુરંગ આઠવલે પ્રેરિત સ્વાધ્યાયનાં સુવિચારે જિંદગી એક કદમ આગળ ચલાવી શક્યો. આટલા વજ્રઘાતો ઓછા હોય તેમ એક વધુ વજ્રઘાતનો ઉમેરો થયો.
૧૯૯૪માં મારી દીકરી વનિતાને શાળામાં એક છોકરીએ માથામાં ચોપડી મારી તેથી તેણે ભાવનાત્મક સંતુલન ગુમાવ્યું. તેની મનોવૈજ્ઞાનિક ચિકિત્સા શરૂ થઈ, પણ દિવસે-દિવસે તેની પરિસ્થિતિ પણ બગડતી ગઈ. ૧૯૯૭માં એની એવી પરિસ્થિતિ થઈ ગઈ કે એકેય દવા કામ ના કરતાં તેને ‘ઇલેક્ટ્રિક શોક થેરાપી’ આપવી પડી. આંઠ વખત ટ્રિટમેંટ આપ્યા પછી તેની હાલત કાબૂમાં આવી પરંતુ જીવન ભર દવાથી પરિસ્થિતિ પર કાબૂ થઈ શકશે એવું નિદાન થયું. આજે ૪૨ની ઉંમરે તે પોતાની દવાના સહારે પોતાની જાતનું ધ્યાન રાખી શકે છે.
મારી બા અને મારી દીકરી વનિતાનાં હોસ્પિટલના ખર્ચાઓને લીધે મારુ દેવું ખૂબ વધી ગયું હતું. અંતે ૧૯૯૯ માં મારે દેવાળું કાઢવું પડ્યું. આ અનુભવ પછી મેં અને મારી પત્નીએ નક્કી કર્યું કે આવી પરિસ્થિતી ફરી ના સર્જાય તેવી કાળજી અમે રાખશું.
વસંતની ૨૫મી લગ્નતિથિ
મારી શાળાના ઘનિષ્ઠ મિત્ર વસંત શાહની ૨૫મી લગ્નતિથિ ૧૯૯૬માં ફુલરટન, કેલિફોર્નિઆ મનાવી. વસંત અને તેની પત્ની કોકિલાના લગ્ન ઘોડિયામાં થઈ ગયાં હતાં. લંગોટિયા મિત્ર તરીકે મને કાંઈક કહેવા માટે પ્રેરિત કર્યો હતો. તે રાત્રે તેમના સ્નેહી જીવનનું વર્ણન કરતી મેં એક કવિતા લખી હતી તેની બે પંક્તિઓઃ
આંબા ડાળે ટહુકે કોકિલા
વસંત આયો રે, વસંત આયો રે
નોકરીમાંથી રજા
૨૦૦૩ની સાલમાં એક વિચિત્ર ઘટના ઘટી. મારા વિભાગનાં ડિરેકટરે એક મિટિંગ બોલાવી અને મિટિંગમાં રૂમમાં જતાં પહેલા મને કહેવામા આવ્યું કે તમારી નોકરી આજથી રદ્દ કરવામાં આવે છે અને તમારા પગાર નો હિસાબ કિતાબ તમને મિટિંગમાં સમજાવવામાં આવશે. આ મિટિંગ પતાવી હું ઘરે જવા જ્યારે દાદરા ઊતરતો હતો ત્યારે મારા મિત્ર અશોક ગર્ગનો ફોન આવ્યો. અશોક ગર્ગ ઇમ્પોર્ટ-એક્સપોર્ટનાં વ્યવસાયમાં સેટ થઈ ગયાં હતાં. પરંતુ તેમને અચાનક ભારત જવાની જરૂરત ઊભી થઈ. તેમણે મને નોકરી પરથી રજા લેવાનું કહ્યું, એટલે મેં તેમને કહ્યું કે હવે રજા લેવાની જરૂર નથી કારણ કે મારી નોકરી આજ છૂટી ગઈ છે. મારા મિત્ર અશોક ગર્ગે મને તરત નોકરી પર રાખી લીધો. મેં મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી અને તેનો ઉપકાર માન્યો. જ્યારે એક દરવાજો બંધ થઈ જાય છે ત્યારે ઈશ્વર બીજો દરવાજો ખોલી આપે છે, તેનો મને આજે પુરાવો મળી ગયો.
અશોક ગર્ગને ત્યાં લગભગ બે- ત્રણ વર્ષ કામ કર્યા પછી મારી જૂની કંપનીએ મને પાછો નોકરી એ બોલાવ્યો. ત્યાર પછી લગભગ ૧૦ વર્ષ સુધી મેં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કર્યું. મકાન, કાર, ક્રેડિટ કાર્ડ વગેરે ની બધી જ લોન ભરપાઈ કરી દીધી. મારા મિત્ર અશોક ગર્ગની સલાહ અને દોરવણીથી મેં નિવૃત્તિ લેતા પહેલા મારુ જીવન સંપૂર્ણ પણે કર મુક્ત કરી દીધું. એટલે નિવૃત્તિનાં જીવન માં હવે કોઈ ચિંતા નથી.
નિવૃત્તિનું જીવન
૨૦૧૪થી નિવ્રુતિ લીધા પછી અત્યાર સુધી શાંતિ, સંતોષ સાથે જીવન પસાર થયું છે. હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના સંપર્કમાં આવ્યા પછી ગદ્ય, પદ્ય, હાઈકુ, ગઝલનો રસાસ્વાદ માણવા મળ્યો છે. ઘણા સિધ્ધહસ્ત લેખક લેખિકાઓનાં અવનવા પ્રયોગોથી પરિચિત થયો. વિજય શાહ, દેવિકા ધ્રુવ, પ્રવિણા કડકિયા, વિષ્વદીપ બારડ, ઈંદુબેન શાહ, શૈલા મુંશા અને સતીશ પરીખના પ્રોત્સાહનથી લખવાનું શરૂ કર્યું. એ વખતની લખેલ એક કવિતા.
બસ માગ્યા રાખે છે
રામ બની તમે
રામરાજ્ય સ્થાપ્યું
ક્રુષ્ણ બની તમે
ગીતા સંભળાવી
બુધ્ધ બની તમે
નિર્વાણ આપ્યું
મહાવીર બની તમે
અહિંસા સમજાવી
ઈશુ બની તમે
જીવનદાન આપ્યું
મોઝીસ બની તમે
ગુલામી નાબૂદ કરી
પયંગબર બની તમે
ઇમાન આપ્યો
મીરાંબાઈની વાણીમાં
નરસૈયાના ભજનોમાં
ભક્તિની જલક આપી
ગાંધીજીના સત્યાગ્રહે
ભારતને આઝાદી આપી
પ્રભુ, આટ્લું બધું આપ્યું
છતાં માનવી બધું ભૂલી
કેવળ તુચ્છ વસ્તુઓ,
પદાર્થો અને પથરાઓ,
ધાતુઓ, હીરાઓ અને
કાગળના થોકડાઓ
બસ માગ્યા રાખે છે.
વર્ષોથી મુલતવી રાખેલ પ્રવાસની ઈચ્છાઓ હવે પરિપૂર્ણ થતી રહી છે. સિનિયર મિત્રો અને તેમાંય ખાસ કરીને પ્રફુલ ગાંધી, દિલિપ કપાસી, સતિષ પરીખ, પ્રકાશ શાહ, અરવિંદ શાહ અને અન્ય મિત્રો સાથે યુરોપ, અલાસ્કા, હવાઈ, મેક્સિકો, જમૈકા, પનામા, બહામા, ચીન, સિંગાપોર, કેન્યા અને ભારતમાં ખૂબ પ્રવાસ કરવાની તક મળી તે ઈશ્વરની બહુ મોટી દેણ છે. મુંબઈમાં અને ગુજરાતમાં જો રહેવું હોય તો અનેક મિત્રો અને સગાસંબંધીઓના ઘર અને હ્રદય મારા માટે ખુલ્લાં છે.
આવા સુંદર અને સફળ જીવનની શરુઆત કેવી રીતે થઈ? ભારતમાં વિતાવેલ એ સોનેરી પળોને પણ યાદ કર્યા વગર કેમ ચાલે? જે ધરતીએ સંસ્કાર આપ્યા, શિક્ષણ આપ્યુ અને અનેક મિત્રોનો સહકાર આપ્યો
તેની ઝલક હવે જોઈએ.
ક્રમશઃ
