બાલ્યકાળ
મારો જન્મ જામવંથલી ગામમાં ભાદરવા વદ બારસ (૨૩ સપ્ટેંબર ૧૯૪૬)ને સોમવારે રાત્રે ૧૦ વાગે ઘરમાં જ થયો હતો. પિતા હરિલાલ અને માતા ગંગાબેન. જામવંથલી, જામનગરથી અંદાજે ૩૫ થી ૪૦ કિલોમીટર દૂર આવેલું એક નાનકડું ગામડું છે. મારા જન્મસમયે તો જામવંથલી પાયાની સગવડ વગરનું ગામડું હતું, કુવેથી પાણી સિંચીને બેડાં ભરીને લાવવાનું, શૌચક્રિયા માટે વહેલા સવારે ઊઠીને દૂર ગામના પાદરે જવાનું, એવું હતું જામવંથલી. ગામમાં દસ બાય બારની એક નાનકડી ઓરડીમાં અમે દાદા-દાદી, બા-બાપુજી, બે કાકા અને હું રહેતાં. દાદાનો દરજી કામનો ધંધો, પણ નાના ગામમાં એટલું કામ મળે નહિ એટલે આજુબાજુના બીજા ગામોમાં કે જામનગર શહેરમાં શેઠિયાઓને ત્યાં રોજે કપડાં સીવવા જતાં. ત્રણ – ચાર દિવસના રોજિયામાં અઠવાડિયાનું કામ નીકળી જતું, બે ટંક જમવાનો મેળ પડી જતો અને ઉપરથી રોજની આવક. મહિનો માંડ પચ્ચીસ રૂપિયામાં પૂરો થતો.
અધૂરામાં ભગવાનને હજી અમારી ગરીબીની કસોટી વધુ કરવી હશે. તેમ ઘરની સુત્રધાર અને ખમતિધર વ્યક્તિ એટલે કે મારા દાદા બીમાર પડ્યા. એમને લકવો થઈ ગયો અને આખું ડાબું શરીર ખોટું પડી ગયું. દાદાની તબિયતને લીધે મારા બાપુજી કાયમ મૂંઝવણમાં રહેતા કે આવક કેવી રીતે વધારવી. હું બે વર્ષનો થયો ત્યારે મારા નાના ભાઈનો જ્ન્મ થયો. અમારા ઘરમાં જ કુળદેવીની સ્થાપના હતી માટે ત્યાં મારી બાએ દીવો કરી મારા બાળ-મોવાળાં ઉતાર્યા. તે દિવસે મારી બાએ સરસ રસોઈ બનાવી અને અમારા ગામના બ્રાહ્મણ લક્ષ્મીશંકર દયાશંકર અદાને જમવાનું નિમંત્રણ આપ્યું. ભોજન પત્યા બાદ લક્ષ્મીશંકર અદાના ખોળામાં મને મૂકી મારી બાએ એમને મારું ભવિષ્ય જોવાનું કહ્યું. લક્ષ્મીશંકર અદાએ મારી હથેળી જોઈ, જન્મ સમય, તિથિ, તારીખ અને જન્મ દિવસ જેવી માહિતીઓ પૂછી જન્માક્ષરના ચોકઠામાં અમુક ગણતરીઓ કરીને પછી કહ્યું કે આ બાળક તો કુળદીપક છે અને તે તમારું આખું કુટુંબ તારશે, તમને ગરીબી માંથી બહાર કાઢશે અને લાખો રૂપિયા કમાશે. મહિને માંડ પચ્ચીસ રૂપિયામાં ગુજરાન ચલાવતા મારા બા અને બાપુજી આ સાંભળી ખૂબ ખુશ થઈ ગયાં. પણ લક્ષ્મીશંકર અદાએ કહ્યું કે એ શક્ય ત્યારે જ બનશે કે જ્યારે તમે આ બાળકને જેટલું ભણવું હોય એટલું ભણાવશો. તે દિવસે મારા બા-બાપુજીએ નક્કી કર્યું કે મને ખૂબ ભણાવશે અને હોંશિયાર બનાવશે. તેમની બધી જ આશાઓ હવે મારા ભવિષ્ય સાથે જોડાઈ ગઈ.. અમે જ્યારે મુંબઈ જવાના હતાં ત્યારે મારી બા મને લક્ષ્મીશંકર અદાને ત્યાં પગે લગાડવા માટે અને આશીર્વાદ લેવા લઈ ગઈ હતી. લક્ષ્મીશંકર અદાએ મારા માથે હાથ ફેરવી મને કહ્યું કે તારા ઘરમાં સાક્ષાત કુળદેવી નો વાસ છે, તેને પગે લાગ, તારી બધી મનોકામના પૂર્ણ થશે. અને કહ્યું કે જીવનભર યાદ રાખજે બેટા કે સરસ્વતી માંની ઉપાસના કરીશ તો લક્ષ્મીદેવી તારા પર આપોઆપ પ્રસન્ન થશે. ત્યારે તેમનું ક્થન હું બહુ સમજ્યો નહોતો, પરંતુ આગળ જતાં તે શબ્દોમાં રહેલ ગૂઢાર્થ સમજાયો અને જીવન ની બધી જ મહત્વકાંક્ષાઓના સ્વપ્નને સિદ્ધ કરવામાટે સરસ્વતીની આરાધનામાં લગાડી દીધું. માતાજીએ હમેંશ મારી મનોકામનાઓ પૂર્ણ કરી છે અને એના દર્શનનો લાભ મને પાવાગઢ, ચોટીલા, અને વૈષ્ણોદેવીની યાત્રામાં પણ થયો છે. પાછલી જિંદગીમાં અમેરિકામાં માતાજીની ચોકી કે જાગરણમાં ભાગ લેવાનો મોકો મળ્યો છે અને ભજન દ્વારા ભક્તિનો અનેરો આનંદ અનુભવી શક્યો છું.
મુંબઈની સફર
જ્યારે હું ચાર વર્ષનો થયો ત્યારે મારા બાપુજી અમને મુંબઈ લઈ આવ્યા. મુંબઈની એક ચાલીમાં ૧૦ રૂપિયામાં એક નાનકડી ઓરડી ભાડે રાખી હતી. સમય જતા બાપુજીએ બંને કાકાઓ અને દાદા-દાદી ને પણ અમારી સાથે રહેવા બોલાવી લીધા હતાં. મુંબઈમાં પણ બાપુજી રોજે કપડાં સીવવા જતાં અને રાત્રે વખત રહેતા ઘરે કપડાં સીવવાનું કામ કરતાં. ખૂબ મહેનત કરતાં. રોજ રવિવારે સવારે ઘરે જલેબી, ફાફડા, ગાંઠિયા, પપૈયાનો સંભારો, અને તળેલા મરચાં લઈ આવતા, અને અમે બધા બેસીને ચાની સાથે સાથે ફાફડા જલેબીની રંગત માણતા. હું એક થી દસ લખતાં વાંચતાં શીખ્યો અને હું પાંચ છ વર્ષ નો થયો ત્યાં સુધીમાં તો મને એકડે એકથી લઈને વીસ સુધીના બધા પાડા મોઢે કરાવી નાખ્યા હતાં. રાતે ગોદડું પાથરીને રસ્તા પર સૂઈ જતાં અને સવારે ટ્રામ આવે ત્યારે ઊઠી જતાં. પરેલ, દાદર સુધી બસમાં અને આગળ ટ્રેનમાં મુસાફરી થતી.
ત્યાં અચાનક અમારા જીવનમાં એક અકલ્પનીય ઘટના બની ગઈ જેને લીધે અમે ખૂબ દુખી થઈ ગયાં. મારો નાનો ભાઈ શીતળામાં ગુજરી ગયો અને મારા બા-બાપુજી ને શોકમાં ગરકાવ કરી ગયો. એ સમયમાં મુંબઇમાં ખૂબ હુલ્લડો થયાં હતાં અને એ હુલ્લડોમાં મારા બીજા કાકા મૃત્યુ પામ્યા. મારા સંવેદનશીલ બાપુજી માટે આ બધું સહન કરવાનુ બહુ વસમું થઈ પડ્યું.
પિતાનો વિરહ અને માના આશીર્વાદ
સાત વરસનો હું ત્રણ વાગ્યે શાળાએથી પાછો આવ્યો ને બાપાને ઘરની બહાર નીકળતા જોયાં. મારા પિતા હરિભાઈનો ધંધો દરજીનો. સ્વભાવના સાલસ અને સહુ કોઈના કપડાં પ્રેમથી સીવી આપે. વારે તહેવારે કોઈની સગવડ ના હોય તો ઉધારીમાં પણ કપડાં સીવી આપે. વાત ૧૯૫૩- ૫૪ના જમાનાની. મુંબઈ જેવા શહેરમાં પણ લોકો એકબીજાનો વિશ્વાસ કરે. હેત પ્રેમ અને સંબંધને લોકો માન આપે. સગવડે એકબીજાની ઉધારી ચૂકવાય. હરિભાઈ પણ મહિનાના અંતે એક દિવસ ઉઘરાણીનો રાખે. દુકાન એ દિવસે બંધ હોય. ઘરેથી જમી આરામ કરી, નાનકડો મનુ (મારું લાડકવાયુ નામ અને ઘરમાં બધા મને તે નામે જ બોલાવે) શાળાએથી ઘરે આવ્યો અને હરિભાઈ ઉઘરાણીએ નીકળ્યા. નાનકડા મનુના માથે પ્રેમભર્યો હાથ ફેરવતા કહેતા ગયાં “મનિયા આજ તો તારા માટે ખાટી મીઠી ગોળીને નાનકડી રમવાની ગાડી લઈ આવીશ, બહુ દિવસથી જીદ કરતો હતોને!” સાથે સાથે ગંગાબહેન એટલે કે “મનિયાની માને ” કહેતા ગયાં કે રાતે આવતાં મોડું થાશે, ઉઘરાણી માટે ઘણા ઘરાકોને ત્યાં જાવાનું છે માટે તમે જમીને સુઈ જાજો.
સાત વરસના મનુને માથે પિતાનો એ છેલ્લો પ્રેમભર્યો સ્પર્શ હશે એ ક્યાં ખબર હતી. વિધાતાએ શું ધાર્યું હશે તે ક્યાં કોઈને ખબર હોય છે. હરિભાઈ એ દિવસે બપોરે ઘરેથી નિકળ્યા, એ દિવસ અને આજની ઘડી. ક્યાં ગયાં, કોઈને ખબર નથી. બે દિવસ ઘરના લોકોએ બધે શોધખોળ કરી, જાણતા હતાં એટલા ઘરાકોના ઘર ફરી વળ્યા, હોસ્પિટલોમાં કોઈ અકસ્માતનો કેસ આવ્યો છે કે નહિ એની તપાસ કરી, છેવટે થાકીને પોલીસમાં ફરિયાદ નોંધાવી. વરસ સુધી પોલીસ ચોકીએ ધક્કા ખાધા, પણ હરિભાઈનો કોઈ પત્તો ના લાગ્યો. ઘરમાં ગંગાબહેનનું જીવવું મુશ્કેલ થતું ગયું. સાસુ સસરાં દિયર સહુ ગંગાબહેનને જવાબદાર ઠેરવવા માંડ્યા. “તું જ છપ્પરપગી છે, અમારા દીકરાને ભરખી ગઈ એવું લાંછન રોજનું થઈ ગયું” વરસ દહાડો મેણાટોણા સાંભળ્યા બાદ ગંગાબહેને પોતાને પિયર જતા રહેવાનું નક્કી કર્યું. પિયરમાં એક ભાઈ ભાભી હતાં, એમની સ્થિતિ પણ સામાન્ય જ હતી એનો ગંગાબહેનને ખ્યાલ હતો. માતાના દિલે એક કપરો નિર્ણય લીધો.
એક રાતે આઠ વરસના મનુને પાસે બેસાડી પૂછ્યું ” દીકરા, તું ઘરનું વાતાવરણ જુએ છે, રોજના આ કંકાસથી હું થાકી ગઈ છું, ગામડે મામાને ત્યાં જવાનો વિચાર કરૂં છું, ત્યાં તારે મારી સાથે આવવું છે કે અહીં રહી ભણવું છે. દાદા, દાદી કાકાને મારા પર ગુસ્સો છે, તું તો એમનો લાડકો છે. તારા ભવિષ્યનો વિચાર કરી નિર્ણય લેજે.” આઠ વરસના મનુ પર એ નાનકડી ઉંમરે કપરો નિર્ણય લેવાનો વારો આવ્યો. એક તરફ મા અને બીજી તરફ પોતાનું ભવિષ્ય. કાકાએ ખાતરી આપી કે મનુને મારા દીકરાની જેમ રાખીશ અને ગંગાબહેન હું કાંઇ વિચારુ તે પહેલા કાકાના એ વચન ઉપર સંપૂર્ણ વિશ્વાસ મુકીને કકળતે હૈયે ભાઈને ત્યાં જતા રહ્યાં.
ત્રણ ચાર વર્ષ તો મા દીકરાનો સંપર્ક પત્ર વ્યવહારથી જળવાયો, પણ વખત જતાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. કાકીએ મનુને તો દીકરાની જેમ અપનાવી લીધો, પણ મનુ માથી દુર થઈ ગયો. ગંગાબહેનના પત્રો મનુના હાથમાં ન આવતા. ગંગાબહેન ગામમાં લોકોના ઘરે કપડાં વાસણ કરી ભાઈને જે મદદ થાય એ કરતાં, દીકરાના કાગળની રાહ જોતાં. મનુ ભણવામાં હોશિયાર અને કિશોરાવસ્થા, મુંબઈનું જીવન, અને કાકા કાકીના પ્રેમમાં ધીરે ધીરે માની છબી મનથી ક્યારે ઝાંખી થવા માંડી એનો ખ્યાલ પણ ન રહ્યો.
શાળાના મિત્રો
મારા પાંચમાં ધોરણમાં મેં નવી શાળામાં પ્રવેશ કર્યો. શેઠ ગોકુલદાસ તેજપાલ હાઈસ્કૂલ (જી ટી હાઈસ્કૂલ), એને અમે ઘોડાનો તબેલો કહેતા. મારો મેટ્રિક સુધીનો અભ્યાસ આ શાળામાં જ થયો હતો. દરેક વર્ગના છ થી સાત વિભાગો હતાં. એ,બી,સી,ડી,ઈ,એફ,અને જી એમ વિભાગો હતાં અને દરેક વિભાગમાં લગભગ પચાસ જેટલા વિદ્યાર્થીઓ ભણતા, એટલેકે દરેક વર્ગમાં લગભગ ત્રણસોથી સાડા ત્રણસો વિદ્યાર્થી ભણતા. દર વર્ષે એક છોકરો પ્રથમ નંબરે આવતો જેને અમે જે.પી. કહીને બોલાવતા. જે.પી. ભણવામાં ખૂબ જ હોંશિયાર અને સ્વભાવે ખૂબ જ માયાળું હતો. શાળામાં દર વર્ષે એક દિવસ રમત-ગમત નો મેળાવડો થતો અને એ ક્રિકેટના કોઈ મોટા સ્ટેડિયમમાં થતો. રમત-ગમતમાં જીતનારાઓમાં દરેક વર્ગમાંથી સાત લોકોને ઈનામ મળતા. જે.પી. એમાં પણ કાયમ પ્રથમ આવતો. મારો નંબર એકથી સાતમા આવી જતો, ક્યારેક બીજો, તો ક્યારેક ચોથો. પણ એ સાત વિદ્યાર્થીઓ જે દર વર્ષે ઈનામ જીતતા એ બધા અમે આખી જિંદગીના ખાસ મિત્રો બની ગયાં. એકબીજાના ઘરે આવતા-જતાં. જો કોઈના ઘરે હું જમવાના સમયે ગયો હોઉ, તો એમની સાથે મારી પણ એક થાળી પડે. એ બધા મિત્રોમાં એક હતો રવિન્દ્ર પોપટ, જેણે આજે પણ મૈત્રી નિભાવી રાખી છે. મારા એ મિત્રોમાં એક વસંત ભૂરાલાલ શાહ પણ મારો ઘનિષ્ઠ મિત્ર. વસંતના મમ્મી અને તેના ભાભી પણ ઘણા સ્નેહથી મને રાખતા. હું વસંતના ઘરે ચેસ રમવા કે કેરમ રમવા અથવા ગણિતના દાખલા કરવા જતો ત્યારે મને ચા-નાસ્તો કર્યા વગર જવા દેતા નહીં. બીજા મિત્રોમાં એક હતો સુરેશ દાણી. એને અંકગણિતમા સો માંથી સો મળતા. આગળ જતાં એ સુરેશ દાણી સિવિલ એંજિનિયરિંગમા સ્નાતક થયો, પણ પહલેથી એનું સપનું હતું કે મુંબઈ માં એક ઉત્તમ કક્ષાના કોચિંગ વર્ગો ખોલવા, જે એણે પૂરું કર્યું અને આજે પણ મુંબઈમાં તે કોચિંગ વર્ગોના વ્યવસાયમાં એક નિષ્ણાંત છે. એમજ બીજા મિત્રોમાં મહેન્દ્ર સંઘવી, દિલિપ કપાસી, દિલિપ પંડયા અને દિનેશ આશર હતાં. આ બધા મિત્રોએ મારા એકાકી જીવનમાં કાયમ મારો સાથ નિભાવીને મારા જીવનને સાર્થક બનાવ્યું. જિંદગી આખી જે.પી.એ મારી સાથે મૈત્રી નિભાવી. જે. પી. અને મહેંદ્ર સંઘવી બન્ને સિવિલ એંજીનિયર થયા. ભાગીદારીમાં બિલ્ડર તરીકે ધંધો કર્યો અને સફળ થયા.
નવમાં ધોરણમાં ઇન્ડિયન મરચંટ્સ ચેંબર ઓફ કોમર્સ અધિકૄત બુકકિપિંગની પરિક્ષા મેં આપી. ૩૦૦ વિદ્યાર્થીઓમાં મારો બીજો નંબર આવ્યો. પ્રશ્નપત્રમાં દાખલામાં ૨૦૦૦ રૂપિયાની લોન હિસાબમાં ગણવાની હતી. તેમાં જો -૨૦૦૦ ન લખો તો તાળો ન મળે અને તમે ખોટા પડો. મારા બાકીના જીવનમાં પણ મારે ઘણી વખત ઉધારીથી જ શરુઆત કરવી પડી.
દશમાં ધોરણમાં એક જીવદયા મંડળ દ્વારા આયોજીત નિબંધ સ્પર્ધામાં મેં ભાગ લીધો. શાકાહારના ફાયદા અને માંસાહારના ગેરફાયદા વિષે ૧૧ પાનાનો નિબંધ લખ્યો. તેમાં પણ મારો બીજો નંબર આવ્યો. અને મને પુરસ્કાર મળ્યો.
મેટ્રિકમાં એટલે કે એસ એસ સી માં ૬૫ ટકાએ પાસ થયાં પછી કોલેજમાં પ્રવેશ મળવો ખૂબ અઘરો થઈ ગયો હતો. એ વખતની મુંબઈની પ્રખ્યાત કોલેજો જેમકે જયહિંદ અને જેવિયર્સમાં તો ૭૦ ટકાથી ઓછામાં એડમિશન મળવું અશક્ય હતું. મેં આઈ.આઈ.ટી માં પણ ત્યારે કોશિષ કરી હતી પણ નંબર ના લાગ્યો. ત્યારે મારી ગલીમાં રહેતા મારા એક મિત્ર જગદીશ ચોક્સીએ મને સુજાવ આપ્યો કે સાયનમાં એસ.આઈ.ઈ.એસ. (સાઉથ ઈંડિયન એજ્યુકેશન સોસાઈટી) નામની એક નવી જ કોલેજ ખૂલી છે, ત્યાં પ્રવેશ સહેલાઈથી મળી જશે. એટ્લે એસ.આઈ.ઈ.એસ. કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ માં પ્રવેશ લીધો. આજે મારી એ જ કોલેજ મુંબઈની પ્રતિષ્ઠિત કોલેજોમાં ની એક છે. ત્યારે છ માસિકની ફી રૂપિયા ત્રણસો હતી, જે મારી પાસે હતાં નહીં. મને અલગ અલગ જગ્યાએથી સ્કોલરશીપ મળતી હતી તેમાંથી મારી પાસે સો રૂપિયા ભેગા થયા હતાં. બાકીના સો રૂપિયા મારા કાકાએ એમની બચતમાંથી મને આપ્યા અને અમારા સંબંધી રામજી અદાએ મને સો રૂપિયા આપ્યા અને આમ કોલેજમાં મારી બેઠક હું ૩૦૦ રૂપિયા ભરીને સુરક્ષિત કરી શક્યો.
ક્રમશઃ
