દીઠે અડસઠ જાત્ર
દર્શના ધોળકિયા
આ પહેલાં આપણે મેરી ક્યુરીનાં જીવનનાં પ્રારંભ કાળનાં વર્ષોનો પરિચય કર્યો
પોલોનિયમની શોધ કરીને આગળ વધતાં ક્યૂરી દંપતીએ રેડિયમની શોધ આગળ વધારી. સંશોધનમાં લીન થયેલી મેરીની અંતર્મુખી પ્રકૃતિ તેનાં લખાણોમાં દેખાવા લાગી. ઉત્તરોત્તર એનાં લખાણોમાં મૌલિકતા ઘટતી ચાલી, ખાસ કરીને અંગત લખાણોમાં. એનું કારણ એ હતું કે પોતે જેની શોધ માટે મથી રહી હતી તેની વાત પતિ સિવાય એ કોઈ પાસે કરવા માગતી નહોતી.
રેડિયમ શોધ્યા પછી પણ લોકો સમક્ષ એને પ્રગટ કરવામાં બીજાં ચાર વર્ષ પસાર થયાં. પાર વિનાનો પરિશ્રમ કરીને ક્યૂરી દંપતીએ ૧૮૯૮થી ૧૯૦૨નાં વર્ષો પસાર કર્યા. આ પરિશ્રમનું પરિણામ તે ઈ. સ. ૧૯૦૩માં નોબેલ પ્રાઇઝ જેની કિંમત સિત્તેર હજાર ફાન્ક હતી. એટલા માટે જ મેરીને મન તેનું મહત્વ હતું. મળેલા પૈસાથી વિજ્ઞાનની સેવા કેમ કરી શકાય તેનાં સ્વપ્ન જ દંપતીએ સીંચ્યાં.
પત્નીની તટસ્થતાનું પરીક્ષા કરતા હોય એમ પિયરેએ તેમણે પૂછેલું : “આપણે ધારીએ તો પિચબ્લેન્ડને શૂદ્ધ કરવાની કિયા જાહેર કરતા પહેલાં કાર્યપદ્ધતિનો પેટન્ટ મેળવી લઈએ તો આખા જગતમાં રેડિયમની બનાવટ ઉપર આપણે માટે નફો ઠરાવી શકાય.” મેરીએ વિચારે કરીને જે જવાબ આપ્યો એ વૈજ્ઞાનિકને શોભે તેવો હતો. તેણે કહ્યું : “એ અશક્ય છે. વૈજ્ઞાનિક ભાવનાથી મવી વિપરીત છે. જે તત્ત્વ દર્દનિરાકરણના કામમાં આવવાનું હતું એને વેચવાનો મેરી વિચાર સુધ્ધાં કરવા તૈયાર નહોતી. આ ક્ષણે ક્યૂરી દંપતીએ ગરીબી ને શ્રીમંતાઈમાં હંમેશને માટે ગરીબી પર પોતાની પસંદગી ઢોળી દીધી.
મેરીની પાછલી ઉમરમાં અમેરિકા તરફથી તેને રેડિયમની ભેટ મળી તેનું પણ વિજ્ઞાનના ભલા માટે તેણે તાત્કાલિક વસિયતનામું બનાવ્યું, જેથી કરીને તેની પુત્રીઓના હાથમાં પણ આને લગતો કોઈ લાભ ન જાય. આ બાબતમાં મેરી કોઈને વિશે કશું વિચારે તેમ નહોતાં. આઇન્સ્ટાઇને તેમને કીર્તિથી અકલુષિત રહેનારાં કહ્યા તે આ અર્થમાં.
ઘણી વાર મેરીએ પોતાની જાત સાથે પણ પોતાના આ પ્રકારના વિચારો અંગેનું પૃથક્કરણ કર્યું છે. પોતાને પૈસાનો મોહ હતો ? પૈસાથી તેમને કેવા કેવા ફાયદાઓ થાત એ પણ તેમણે વિચાર્યું છે. વાર્ધક્યમાં પણ મેરીનું અડીખમ વ્યક્તિત્વ કોઈ વસ્તુ માટે ઝૂક્યું નથી. પૈસાનું મૂલ્ય જાણતાં હોવા છતાં માદામ ક્યુરીનું લક્ષ્મી પ્રત્યેનું ઉદાસીન વલણ નોંધપાત્ર છે. જો કે એ જોઈને આશ્ચર્ય થતું નથી કેમ કે મેરીએ વિજ્ઞાનની દીક્ષા જ લીધી છે.
દેશસેવા, વિષયની અભ્યાસ દ્વારા સેવાને જ જીવનધર્મ માનતાં મેરી પાસેથી જ આવું મંતવ્ય સાંપડી શકે જે તેમણે જીવનના અંત ભાગમાં પોતાને જ પૂછેલા પ્રશ્નોના ઉત્તરરૂપે નોંધ્યું છે : ‘મારા ઘણા મિત્રો એવો દૃઢ મત ધરાવે છે કે જો પિયરે ક્યૂરી અને મેં અમારા હક્કની રક્ષા કરી હોત તો એક સરસ રેડિયમ ઇન્સ્ટિટ્યૂટ બંધાવવાનાં સાધનો અમને ઉપલબ્ધ થાત; એ મેળવવા માટે અમારે જે વિઘ્નોનો સામનો કરવો પડયો તે સ્થિતિ ન આવત: આજે પણ મારે જે મુશ્કેલીઓ વેઠવી પડે છે તેમાંથી હું બચી જાત. આ મિત્રોના અભિપ્રાયમાં ઘણું વજૂદ છે; તેમ છતાં મારી ખાતરી છે કે અમારો નિર્ણય યથાર્થ હતો.’
આટલું નોંધ્યા પછી પોતાના દષ્ટિકોણ અંગે સ્પષ્ટ થતાં તેઓ બીજા પ્રકારના લોકોના દષ્ટિકોણમાં રહેલી વાસ્તવિક દૃષ્ટિને પણ ન્યાય આપતાં જણાવે છે : “માનવજાતને એવા માણસોની ખરેખર જરૂર છે કે જેઓ વ્યવહારકુશળ હોય, પોતાના કાર્યનો જેઓ પૂરો લાભ ઉઠાવે, અને લોકકલ્યાણનું વિસ્મરણ કર્યા વિના પોતાના હિતનું રક્ષણ કરે. પરંતુ માનવજાતને એવા સ્વપ્નદ્રષ્ટાઓની પણ જરૂર છે કે જેઓને કોઈ નિસ્વાર્થ સેવાકાર્યના વિકાસનું એટલે બધું આકર્ષણ હોય કે પોતાના આર્થિક સ્વાર્થોને માટે ચિંતા કરવાનું એમને માટે અશક્ય બની જાય. આ સ્વપ્નદ્ર્ષ્ટાઓ દ્રવ્યપ્રાપ્તિને ખચિત લાયક નથી હોતા, કારણકે તેમને એવી વૃત્તિ જ નથી હોતી. એમ છતાં, સૂવ્યવસ્થિત સમાજમાં આવા કાર્યકરોને એમનું કાર્ય સાધવા માટે આવશ્યક સાધનો મળી રહેવાં જોઈએ, એમને આર્થિક ચિંતાઓમાંથી મુક્ત રાખવા જોઈએ, અને શોધકામ માટે જીવન અર્પવાને એ લોકો સ્વતંત્ર હોવા જોઈએ.
આ વિચારોમાં મેરીનુ દર્શન એકદમ સ્પષ્ટ અને સુરેખ રીતે વ્યક્ત રીતે થયું છે. તેમના વિચારોમાં ને આચારોમાં સૂસંગતિ જળવાઈ હોવાથી આ મટવ્ય માત્ર એક સારો વિચારે ન બની રહેતાં માનવજાતને માટે એક અનુભવીની આચારનિષ્ઠાનો ઉત્તમ નમૂનો બની રહે છે. જાતે સ્વપ્નદ્રષ્ટા રહી ચૂકેલાં કયૂરી દંપતીને જ આવુંકહેવાનો અધિકાર મળે છે.
પોતે કરેલા કામ માટે, લેવા જોઈતા નિર્ણયો અંગે, લોકો સાથેના સંબંધ અંગે એકદમ સ્પષ્ટ વલણ ધરાવતાં મેરીમાં એક બાજુ લોખંડી ખમીર દેખાય છે, તો બીજી બાજુ પિયરેમાં પોતાની જાતને ઓગાળીને વિરલ દામ્પત્યનો નમૂનો પૂરો પાડતાં મેરીનું કોમળ રૂપ તેમના વ્યક્તિત્વના બીજા આયામને પ્રગટ કરે છે. દામ્પત્ય વિશેનો સંતોષ મેરીએ અનેક વાર વ્યક્ત કર્યો છે. મેરીમાં રહેલું ગૌરવ જો પિયરેએ પિછાન્યું હતું તો પિયરેની મહાનતા મેરી પણ જોઈ શક્યાં હતાં. સાધ્વીજીવન જીવતાં મેરીએ પતિની પસંદગી કરી હતી તેનો વિશિષ્ટ ગુણલક્ષણોએ કરીને. આ અંગે મેરીએ પછીથી નોંધેલું : ‘અમારા લગ્નપ્રસંગે મેં એને વિશે કલ્પના કરેલી એ બધું તો એનામાં હતું જ, પણ એથીયે વિશેષ હતું. એના વિલક્ષણ ગુણો માટેનો મારો ચાહ વધતો ગયો. એ એવા વિરલ અને ઉચ્ચ કોટિના હતા. મિથ્યાભિમાન અને તુચછતાથી એ કેવળ મુક્ત હતા, તેથી ક્યારેક અલૌકિક પુરુષ લાગતા.’
મેરીને દુ:ખ એ વાતનું હતું કે પતિની કદર ફાન્સે જ મોડી કરી. ઈ.સ.૧૯૦૪ના નવેમ્બરમાં યુનિવર્સિટી ઓફ પેરિસમાં બંનેને ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ સંભાળવાનું આવ્યું. પતિની રાહબરીમાં મેરી પણ ફિઝિક્સના પ્રયોગકાર્યનાં વડા નિમાયાં. ત્યારે આ બંનેનું કાયમી ઝૂંપડું રજા લઈ શક્યું !
અનેક પ્રકારના સંઘર્ષો, રેડિયમની શોધથી મળેલી લોકપ્રિયતા, જાહેરજીવનમાં પડવાને લઈને ઊભા થયેલા પ્રશ્નો વચ્ચે ઝઝૂમતાં જ ક્યૂરી ધપતીનું વિરલ દામ્પત્ય ૧૯૦૭માં થયેલા એક માર્ગ અકસ્માતને લઈને અચાનક નંદવાઈ ગયું. પિયરે ક્યૂરી એક ઘોડાગાડી નીચે આવી જવાથી બેતાલીસ વર્ષની વયે, અગિયાર જ વર્ષના લગ્નજીવન પછી મેરીને એકલી પાડીને જતા રહ્યા.
પતિની વિદાય પછી મેરીના જીવનનો ત્રીજો કારમો અધ્યાય શરૂ થયો જે તેણે એકલા પસાર કરવા હતો. દામ્પત્યની મધુર ક્ષણોમાં એક સમયે કોઈને એકલું જીવવાનું આપે તો શું કરવું એ અગે પતિએ પનીને કહેલું કે ‘ગમે ત થાય, આત્મા વિનાના દેહની માફક ચલાવવું પડે, તો પણ માણસે કામ તો ચાલુ રાખવું જ જોઈએ’. પતિની આ આજ્ઞાને વશ થઈને મેરીએ પતિની પાછળ, યુનિવર્સિટીએ આપેલાં પતિનાં સ્થાનને શોભાવ્યું તો ખરું પણ એનો આત્મા જાણે મરીને જીવી રહ્યો હતો.
પતિના મૃત્યુ પછીની મેરીની નોંધપોથીમાં નોંધાયેલી વ્યથા તેમના જીવનની વિચ્છિન્નતાનો પરિચય કરાવે છે. આમ છતાં બાળકીઓના ઉછેર તરફ કે વૃદ્ધ શ્વસુર પ્રત્યેની ફરજમાંથી મેરી જરા પણ ચ્યુત થયાં નહીં એમાં અનેકવાર દેખાતું એમનું મનોબળ જરૂર દેખાય. પણ એ મનોબળમાં પૉલિશ યુવતીની તાકાત નહોતી; બચ્યો હતો માત્ર આવી મળેલી ફરજને બજાવવાનો નેતિક ખ્યાલ. એક પરદેશી માણસે કરેલા પાગલ પ્રેમને વશ થયેલી આ જાજવલ્યમાન નારી, પતિ અને પ્રેમીના મૃત્યુથી જીવનના સાડત્રીસમે વર્ષે ભાંગી પડયા પછી મૃત્યુપર્યત બેઠી થઈએમાં લોખંડી વ્યક્તિત્વ પર એના કોમળ પ્રેમે મેળવેલો વિજય દેખાય છે.
પાછળનાં વર્ષોમાં મેરીએ અનેક વ્યાખ્યાનો આપ્યાં, પુષ્ઠળ પ્રવાસો કર્યા, યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોની સેવા કરી. ૧૯૧૧માં રસાયણરાસ્ત્રનું બીજુંનૉબલ પારિતોષિક પણ તેમને જ મળ્યુ. બબ્બે વાર નૉબલ પ્રાઇઝ જીતનારાં તેઓ પ્રથમ મહિલા વૈજ્ઞાનિક બન્યાં, તેમની આ સિદ્ધિઓને જોઈવે કોઈ તેમને બિરદાવતું ત્યારે એમની સ્વાભાવિક હળવાશમાં તેઓ જે ઉત્તર આપતાં એમાંકૃત્રિમ નમ્રતાનો અભાવ જ હતો પણ જીવનને પારખનારની પારખુ દેષ્ટિનું ગૌરવ તેમાં જર૨ દેખાય છે. તેઓ આવા પ્રસંગે નોંધે છે : “મારા જેવું અસ્વાભાવિક જીવન ગાળવુંએ જરૂરી નથી. હુ ઇચ્છતી હતી માટે, મને શોધખોળનો શોખ હતો તેથી મેં વિજ્ઞાનને સમય સમર્પણ કર્યો છે…’ એમના વિચારોમાં રહેલા સ્વચ્છ જીવનદર્શન પાછળ એમનુ એવું જ સ્વચ્છ જીવન પડેલું છે.
પ્રેમ જેવી ઊર્મિ જો મનુષ્યને વિવશ મનાવી દે તો એને પણ ત્યાજ્ય ગણવી સોઈએ એવું માનતાં મેરી પુત્રી ઈવને લખે છે : ‘આપણે એવા આદર્શમાંથી બળ મેળવવું જાઈએ કે જે આપણને મિથ્યાભિમાની બનાવ્યા વિના આપણી અભિલાષાઓ અને આપણાં સ્વપ્નોને ઉચ્ચ કોટિમાં મૂકી શકે. હું માનું હું કે આપણા જીવનની પ્રેમ જેવી તોફાની ઊર્મિને વશવર્તી બનાવવી એમાં નિરાશાનું મૂળ રહેલું છે.’

પોતાને હંમેશાં છુપાવીને ફરતાં માદામ ક્યૂરીને કોઈ જ્યારે પૂછતું કે ‘આપ જ માદામ ક્યૂરી છો ?’ ત્યારે ઉત્તરમાં સંકોચાઈને તેઓ જણાવતાં : “ના જી, આપની કંઈક ભૂલ થાય છે.” બખ્બે નોબલ પ્રાઈઝનાં વિજેતા, વિખ્યાત વૈજ્ઞાનિકનાં પત્ની, મહાન સન્નારી, અનેક ક્ષેત્રે માન મેળવનાર પ્રથમ મહિલા તરીકેના પરિચયનું ઓઢણું ઓઢીને તેઓ કદી ન ફર્યા. તેનું કારણ હતું તેમણે સ્વીકારેલો આ જીવનમંત્ર : ‘જ્ઞાનમાં આપણે વસ્તુમાં રસ લેવો જોઈએ, મનુષ્યમાં નહીં.’ તેમને મન અગત્યનું હતું કાર્ય. કાર્ય કરનાર નહીં. તેમના સદ્નસીબે તેમને આ મંત્રમાં જ માનતો સાથીદાર પતિ પણ મળ્યો ને કમનસીબે ઝડપથી ઝૂંટવાઈ પણ ગયો. પણ આથી કરીને તેમની માન્યતાઓ જીવનભર અવિચળ રહી. અનેક સંઘર્ષોનો સામનો કરતાં માદામ ક્યૂરીએ સિદ્ધાંતો સમક્ષ બાંધછોડ કરવાનું ક્યારેય પસંદ ન કર્યું. વ્યક્તિ તરીકેનું તેમનું આ મહત્તમ પાસું વૈજ્ઞાનિક કરતાંયે ઊંચું સાબિત થયું.
અનેક શારીરિક મુશ્કેલીઓનો સામનો તેમને કરવો પડ્યો તેનું કારણ રેડિયમનો તેમણે કરેલો સતત સંપર્ક હતો. ૬૭ વર્ષની વયે ૧૯૩૪ની ચોથી જુલાઈએ “કામ ઘણાં છે ને સમય થોડો છે’ કહેતી આ સ્ત્રીએ સમયની પાબંદી સ્વીકારીને એતિમ શ્રાસ લીધા. તેના અવસાનને દિવસે પણ તેમનાં પુત્રી ઈવને મતે મેરી એ તરૂણ કન્યા, મારયા સુલૉદોસ્કીને જ મળતી આવતી હતી. ભારે જહેમતભરી અને આંજી નાખે એવી જાજવલ્યમાન કારકિર્દી પણ તેમને મોટાં કે નાનાં, પવિત્ર કે અપવિત્ર બનાવવામાં ફાવી શકી નહોતી. તેના જીવનના છેલ્લા દિવસે પણ તેઓ તેમના અજ્ઞાત બાલ્યાવસ્થાના દિવસોમાં હતાં એટલાં જ નમ્ર, અડગ, શરમાળ ને સઘળી વસ્તુઓ વિશે જિજ્ઞાસુ હતાં.
“મશહૂર કેવી રીતે થવું એ તેમને આવડતું નહોતું.” આ પ્રકારની અણઆગડતને લઈને જ મેરી મશહૂર વૈજ્ઞાનિક, મશહૂર જીવનસંગિની, મશહૂર મહિલા બની શક્યાં. તેમની આ અણઆવડત જગત્વંદ્ય બની રહે એવી મહાન સાબિત થઈ.
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

દર્શનાબહેનનો ખૂબ સરસ લેખ. મેડમ ક્યૂરી વિશે ઘણું જાણવા હોવા છતાં, આ રજુઆત રસપ્રદ છે.
સરયૂ પરીખ.
LikeLike
મુનિભાઈ મહેતા વડોદરાથી લખે છે –
Superb!!
What a great and inspiring story…….
I had often quoted her while working on a World Bank Project on Hazardous Waste Management program for India…..
“there is nothing to be afraid……Only to be understood”
What a great soul!!!
LikeLike