દીઠે અડસઠ જાત્ર
દર્શના ધોળકિયા
“સઘળી વિખ્યાત વ્યક્તિઓમાં કીર્તિએ જેમને કલુષિત ન કરી હોય એવી વ્યક્તિ મેરી ક્યૂરી એક જ છે.’ આ સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇને તેમના જેવાં જ સમર્થ મહિલા વૈજ્ઞાનિક શ્રીમતી માદામ ક્યૂરી માટે આપેલાં આ મંતવ્યમાં મેરીના વ્યક્તિત્વનું યથાર્થ અર્થઘટન પડેલું છે.
માદામ ક્યૂરીની સાધનાનાં મૂળ તેમણે ભોગવેલા તીવ્ર સંઘર્ષોમાં પડેલાં છે. આ સંઘર્ષ રાજકીય-સામાજિક-ધાર્મિક તેમ જ વ્યક્તિગત – એવા બધા પ્રકારે ખેડાયેલો છે. સંઘર્ષને લઈને જ મેરી જીવનને તટસ્થતાથી પામવામાં સફળ થઈ શક્યાં છે. કીર્તિ પ્રત્યેની તેમની વિરક્તિ પણ કદાચ આવા સંઘર્ષો તરફથી તેમને મળેલી મહાન ભેટ છે.
ઈ.સ. ૧૮૬૭થી ઈ.સ. ૧૯૩૪ સુધીની ૬૭ વર્ષની જીવનયાત્રામાં મેરીએ પોતાને મળેલા જીવનને બરોબર ઓળખ્યું છે, તેનો ઉપયોગ કર્યો છે ને તેની કદર પણ કરી છે. ‘કામ કેટલું કરવાનું છે ને દિવસો કેટલા ઓછા છે’ એવું સતત વિચારતાં મેરી માટે ૬૭ વર્ષનું આયુષ્ય ઘણું ટૂંકું પડયું છે. તેમના જીવનને ઉપર ઉપરથી જોતાં તેમણે પુષ્કળ કામ કર્યું હોવાનું દેખાય, પણ મેરી માટે તો કાળપુરુષનું એ પગલું તેના અંગૂઠાની છાપ જ હોય એવું દેખાય છે.
પોલેન્ડનાં વતની માદામ ક્યૂરી, પૂર્વાશ્રમમાં માન્યા સ્કૉલોદોસ્કી છે. દેશની ભૌગોલિક પરિસ્થિતિ એ મેરીને મળેલો પ્રથમ સંઘર્ષ છે. રશિયા, ઓસ્ટ્રીઆ અને જર્મની જેવા ત્રણ ત્રણ મોટા દેશોનું દબાણ પોલેન્ડે ભોગવવાનું હતું. તેમાંય યહૂદી જાતિમા જન્મવું એ તો જ્યાં મોટો દોષ ગણાય છે; પૉલિશ સંસ્કૃતિનું જ્યાં કોઈ મૂલ્ય નથી હોતું; હોઠ ભીડીને શાળામાં, સમાજમાં પરદેશી શાસનના મહિમાનું ગાણું ફરજિયાતપણે ગાવું પડે છે એવા માહોલની વચ્ચે ગૌરવશીલ બાલિકા માન્યા ગૂંગળાઈ ઊઠે છે. શાળામાં આવતા ખાનગી ઘરશાળાઓના ઇન્સ્પેક્ટરની સામે આ પોલિશ બાળાને પોતાના જ ધર્મની પ્રાર્થના રશિયન ભાષામાં કરવી પડે છે ને એ કારણે જેની આંખો અશ્રુથી ભરાઈ જાય છે એવી માન્યામાં પાછળથી જે પૌરૂષત્વ પ્રગટ્યું છે એ સમજાય એવું છે. પોતાની અસ્મિતા કેમ ટકાવવી, પરદેશી શાસનનો અસ્વીકાર કરીને દેશનું ગૌરવ કેમ વધારવું એવા વિચારો નાનપણથી જ મૈરીના ચિત્તમાં જન્મ્યા છે.
માતા-પિતા ને મોટાં ભાઈ-બહેનોની હૂંફમાં બાળા માન્યાને જીવન ભરપૂર જણાયું છે. નાની પુત્રી હોવાને નાતે, માતાએ પણ તેને ખૂબ પ્રેમ આપ્યો છે. પણ, માતાનું વાત્સલ્ય મેરી માટે ઝાઝું ટક્યું નથી. ક્ષયની દર્દી માતાએ ઝડપથી મેરીના જીવનમાંથી વિદાય લીધી છે. એક સાથે માતા ને મોટી બહેનનાં મૃત્યુને જોઈને મેરીનું જીવન વ્યક્તિ માટે, જાતિ માટે કૂર ભાસ્યું. પરિણામે નાનપણથી જ તેઓ ઘર્મ પ્રત્યે નિરપેક્ષ બની ગયાં. જે દેવળમાં તેઓ જતાં ત્યાં હવે પ્રાર્થના કરતી વખતે છૂપો બળવો જાગતો. અન્યાયભર્યા આઘાતો આપીને જેણે પોતાનું જે કંઈ મધુર ને ઉમદા હતું તેનો વિનાશ કર્યો તે ઈશ્વરની ઉપાસના હવે પ્રેમથી કરવી શક્ય નહોતી. આ પ્રકારની વિચારધારાએ કરીને નાનકડી માન્યા, ઉંમર કરતાં ઘણી વહેલી પ્રૌઢ બની. ઊગતી કિશોરીના મનની આ અવઢવોએ વિકૃત કે નકારાત્મક રૂપ ધારણ ન કર્યું તેની પાછળ મેરીના પિતાનું સંતાનો પ્રત્યેનું અપાર વહાલ ને ભાઈ-બહેનો વચ્ચેની, માતાની ગેરહાજરીમાં વધેલી સંવાદિતા હતી. ગૃહજીવનનાં આ મધુર વાતાવરણને લઈને મેરીમાં પડેલી કોમળતા ઉત્તરોત્તર સમૃદ્ધ બની.
પિતા આર્થિક રીતે સધ્ધર ન હોવાથી બધાં ભાઈ-બહેનો ભણી શકે તેમ નહોતાં. આથી માધ્યમિક શિક્ષણ પૂરું કરીને, મોટાં ભાઈ-બહેનોને ભણાવવાનો મેરીએ સંકલ્પ કર્યો ને બાળકોને ભણાવવાની નોકરી સ્વીકારી. ઇન્ટરવ્યૂ દેવા ગયેલી મેરીનાં પ્રમાણપત્રો જોઈને ચકિત થયેલાં મહિલા અધિકારીએ મેરીની ઉંમર પૂછતાં શરમાયેલી મેરીએ અચકાતાં અચકાતાં “સત્તર” એવું જણાવીને ઝડપથી ઉમેર્યું, ‘ હું તરતમાં અઢારની થઈ જઈશ.’ બહેનને દાક્તર બનાવવાનું સ્વપ્ન સેવતી મેરીની આ ધગશ જ તેને ભવિષ્યની મહાન વૈજ્ઞાનિક બનાવવાના માર્ગ તરફ ઝડપથી મૂક્યે જતી હતી.
તરુણાવસ્થાના ઉંબરે ઊભેલી મેરીને સ્વપ્નો જોવાનો, પ્રેમ કરવાનો, ફરવાનો સમય કે સવાલ જ નહોતો. તે સાત કલાક નોકરી કરતી ને રાત્રે મળતા સમયમાં ભૌતિકશાસ્ત્ર ને ગણિતનો અભ્યાસ કરતી. આજુબાજુની દુનિયા તેને માટે જાણે થંભી ગઈ હતી. અલબત્ત, એનો અર્થ એવો નહોતો કે મેરીમાં માનવસહજ ભાવો જાગ્યા નહોતા. જે બાળકોને તે ભણાવતી ત્યાંના માલિકના મોટા પુત્ર સાથે તેને પ્રેમ થયો. એ છોકરાએ પણ મેરીને પસંદ કરી. પરંતુ, છોકરાના માં-બાપ માટે આ ઘટના એકદમ ઉપેક્ષષણીય હતી કેમ કે મેરી તેમને ઘેર કામ કરતી હતી ! છોકરો પણ માતા-પિતાના નકાર સામે ઝૂકી ગયો. સ્વમાની મેરી માટે આ ઘટના ભારે ગૌરવભંગની હોવા છતાં આર્થિક વિવશતાને લઈને મેરી નોકરી પણ છોડી શક તેમ નહોતી. પહેલાં પરદેશી શાસકોથી, પછી માતાને આંચકી લેનાર ઈશ્વરથી ને પછી પ્રેમીથી તરછોડાયેલી મેરી, જીવન પ્રત્યે હતી એના કરતા ય જ તટસ્થ થઈ ગઈ ને પુરુષો પ્રત્યે સાશંક. પોતાને થયેલા પ્રેમભંગના અનુભવને ભૂલવા મેરીએ કારમી જહેમત ઉઠાવવી પડી. તેમનાં પુત્રી ઈવ ક્યૂરી નોંધે છે તેમ આ વાત એટલી સહેલી નહોતી કેમ કે સ્નેહ અને મહત્વાકાંક્ષા બન્ને સરખાં છે : દેહાંતદંડની સજા પામ્યા છતાં તે મૃત્યુ પામતાં નથી. આ બનાવ પછી ભગ્ન થયેલી મેરીએ પોતાની બહેનને કહ્યું : ‘ભવિષ્યની મારી કોઈ યોજના નથી. છે તો પણ એટલી સાધારણ કે એની ચર્ચા કરવી વ્યર્થ છે. હું જેટલી સારી રીતે મારી જાતને ચલાવી શકીશ એટલી ચલાવીશ; નહિ સાચવી શકું ત્યારે આ સંસારથી વિદાય લઈ લઈશ.’ મેરીમાં જાગેલી નિરાશા સ્વાભાવિક હતી પણ તેને ખબર નહોતી કે ઊજળું ભવિષ્ય અને રોગગ્રસ્ત માનવજાત તેની રાહ જોઈ રહ્યાં હતાં.
મેરીના પ્રયત્નોથી આગળ વધેલી મોટી બહેન પેરિસમાં જ સ્થાયી થતાં તેણે મેરીને પણ પેરિસમાં અભ્યાસ કરવાનું આમંત્રણ આપ્યું. પોતાનો દેશ. વૃદ્ધ થતા જતા પિતા. ઘર-એ બધું છોડીને પેરિસ જવાનું મેરી તરત તો ન સ્વીકારી શકી. પરંતુ, બેનના આગ્રહને વશ થઈને છેવટે તેણે વૉરસો છોડ્યું.

અભ્યાસનિષ્ઠા તો મેરીના લોહીમાં હતી. પેરીસ પહોચીને એ એવી તે કામમાં ડૂબી ગઈ કે જાણે કેફમાં હોય ! પૂર્ણ જીવનની એણે બાંધેલી ઘારણા કોઈ સાધુ કે ધૂની માણસને શોભે એવી હતી. ધીમે ધીમે એણે એકાંતવાસ અનુભવવા માંડ્યો . જે માણસો એને ક્યારેક સામા મળતા એ એને ભીંત જેવા લાગતા. વાર્તાલાપ એના એકાંતમાં ભાગ્યે જ ભંગ પાડતો. રાબ બનાવવાનું રહસ્ય જાણવા કરતા ભૌતિકશાસ્ત્રનાં થોડાંક પાનાં વાંચવામાં મેરીને વધુ રસ ઠતો. અભ્યાસનિષ્ઠાને લઈને ગૃહજીવનથી, જીવનના આરંભે મળેલા વિષાદમય અનુભવોને કારણે ધર્મ અને સંપ્રઘયથી અને વિજ્ઞાનપ્રેમને લઈને લોકેષણાથી મેરી હંમેશાં દૂર રહી. આ દૂરીમાં કોઈ ઉપેશાભાવ નહોતો પણ ગંતવ્ય સ્થાનને પહોંચી વળવાની તાલાવેલી માત્ર હતી. નારી તરીકે જો મેરી અત્યંત સંવેદનશીલ હતી તો વ્યક્તિ તરીકે મક્કમ : લીધેલા નિર્ણયને મજબૂત રીતે પકડી રાખનારી, ઇપ્સિત વસ્તુને પ્રાપ્ત કરવા માટે ગમે તેવા મંથનને સહીને પણ તેને મેળવીને જંપનારી પુરુષાર્થી તરીકે તેનું વ્યક્તિત્વ ધીમે ધીમે ખૂલતું ગયું. પાછળથી મહાન વૈજ્ઞાનિક તરીકે તેને જે ખ્યાતિ મળી એ દિવસો કરતાં મેરીએ ગાળેલા વિદ્યાથીજીવનના દિવસો તેને વધુ પ્રાણવાન, વિત્તવાન લાગેલા. આ દિવસોમાં પોતે અગાઉ ઘયેલા મહાન વૈજ્ઞાનિકોની સાથીદાર હોય એવો ભાવ તેને જાગતો. .
તરૂણાવસ્થામાં થયેલા પેમભંગના અનુભવમાં કઠોર વિદ્યાર્થીજીવન ભળતાં,મેરીનાં પ્રથમ છવ્વીસ વર્ષમાં એક પ્રકારની સખ્તાઈ આવી. મેરીએ સ્વીકારેલું શુષ્ક જીવન આ સખ્તાઈને પોષે તેવું હતું. ઈ.સ. ૧૮૯૪માં મહાન ફ્રેંચ વૈજ્ઞાનિક પિયરૅ ક્યૂરી સાયે થયેલી પથમ મુલાકાતે આ સખ્તાઈમાં પહેલવહેલું છિદ્ર પાડ્યું. સ્વભાવે અત્યંત સંવેદનશીલ ને ભદ્ર એવા શ્રી ક્યૂરીના ગાંભીર્ય અને યૌવને મેરીમાં વિશ્વાસ પ્રેર્યો. અલબત્ત, મેરી આ ગાંભીર્યથી માત્ર પ્રભાવિત જ થઈ, આકર્ષાઈ તો નહી જ. અનેક વાર શ્રી ક્યૂરીએ પોતાનો મેરી પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કર્યો ત્યારે પણ મેરીએ તેમનો એક મિત્ર તરીકે જ સ્વીકાર કર્યો. લગભગ બે વર્ષ પછી ક્યૂરીનો પ્રેમ સફળ થઈ શક્યો. પિયરૅનો સ્વીકાર કરતાં મેરીને વાર લાગી એનાં કારણોમાં એક બાજુ એના કેટલાક સિદ્ધાંતો હતા જે અમુકાંશે સાચા હતા; તો બીજી બાજુ વિદેશી વ્યક્તિ પરનો ધૂંધળો અવિશ્વાસ પણ કદાચ હતો. પિયરૅ આ વાત સમજી શકતા હતા. પણ મેરીની મેધાએ તેમને આકર્ષ્યા. સિદ્ધાંતોનું મૂલ્ય જાણતા શ્રી ક્યૂરીએ સિદ્ધાંતોની અર્થશૂન્યયતા પણ અનુભવી હતી. આથી જ, વિજ્ઞાનને ચાહતા આ મહાન માણસે સામાન્ય પ્રકારના લગ્નનો ઇન્કાર કર્યો હતો. પરંતુ મેરીમાં જોયેલી ચારિત્ર્યનિષ્ઠા ને વિભૂતિમતતવે, તેના માટે મેરીને અનિવાર્ય બનાવી. પિયરૅના સથવારે આ સાધ્વી, મનુષ્ય હોવાના ફાયદાને જોતાં પણ શીખી. પૉલિશ અસ્તિત્વને ત્યજીને તેણે ફેન્ચ બનવાનું હતું જે તેને આકરું ને અકારું પણ લાગેલું. પણ પ્રેમીના પ્રેમ પાછળ આટલું આત્મબલિદાન જરૂરી હતું. આ બંને વૈજ્ઞાનિકોના લગ્નોત્સવમાં ન તો લગ્નમાં અનિવાર્ય એવો શ્વેત પોશાક હતો, સુવર્ણમુદ્રા નહોતી, લગ્નજમણ નહોતું, ધાર્મિક ક્રિઆ નહોતી. હતી માત્ર ભેટ મળેલી બે ચકચકિત સાઇકલો, જેના પર બેસીને આ દંપતી પોતાની મધુરજની માણવાનું હતું !
પિયરેના પ્રવેશથી મેરીના શુષ્ક જીવનમાં ઉષ્મા પ્રગટી, અત્યાર સુધી પુરુષ વૃત્તિથી જીવનની ઘટમાળને જકડીને ફરતી મેરીએ લગ્ન પછી પતિ પ્રત્યે, પતિનાં માતા-પિતા પ્રત્યે ને પછીથી બાળકો પ્રત્યે એક કોમળ નારીને છાજતો વ્યવહાર કર્યો. વિજ્ઞાનના પ્રયોગોથી બરડ બનેલા મેરીના હાથ પુત્રી ઇરીનને પંપાળતી વખતે એક વત્સલ માતાના બની જતાં. ધ્યેય તરફ સતત આગળ ધપ્યે જતી મેરીએ પતિને પોતાના પ્રેમથી એવો તો સંતૃપ્ત કરી દીધો કે પિયરૅને પોતાની પસંદગી હેમેશાં સાર્થક લાગી. લગ્નજીવનની પ્રસન્નતા વૈજ્ઞાનિક મેરીનાં સંશોધનો પર પણ ઊંડી પડી. પિયરૅ એક મહાન વૈજ્ઞાનિક હોવાને નાતે મેરીએ પતિને ગુરુ માનીને વિજ્ઞાનનાં અણઉકલ્યાં રહસ્યોનો પતિની સંનિધિમાં સાક્ષાત્કાર કર્યો, બંનેનું સહજીવન ઉત્તરોત્તર ઉર્ધ્વીકરણ પામતું રહ્યુ જેમાં બંનેનો સરખો હિસ્સો હતો.
પહેલી પ્રસૂતિમાંથી ઊભી થયેલી મેરીએ વિજ્ઞાનના વિષયનું સંશોધન કરવા માટેના વિષયની શોધ ચલાવી. આ ગાળામાં ફ્રેન્ચ વૈજ્ઞાનિક હેન્રી બૅકરેલે યુરેનિયમ નામક ધાતુની વિશિષ્ટ તપાસ કરેલી. તપાસને અંતે આ ધાતુમાંથી નીકળતાં કિરણો વિશે તેમણે નોંધ કરેલી. પાછળથી મેરી જેમને ‘રેડિયો એક્ટિવ’ તરીકે ઓળખાવવાની હતી તેનો આ પ્રારંભ હતો. આ તત્ત્વની શોધ પાછળ ક્યૂરી દંપતીનાં વર્ષો ગયાં. પણ હંમેશની ધૂની ને મંડયા રહેવાનો મંત્ર જાણતી મેરી તો એની પાછળ જાણે ઓગળી જ ગઈ ! એક વાર તેણે નોંધેલું : આપણું જીવન સરળ નથી. પરંતુ તેથી શું ? આપણે મંડ્યા રહેવું જોઈએ અને વિશેષ તો આત્મશ્રદ્ધા કેળવવી જોઈએ. આપણને કોઈક નૈસર્ગિક બક્ષિસ મળી છે, એમ આપણે માનવું જોઈએ અને કોઈ પણ ભોગે આ વસ્તુ સિદ્ધ કરવી જોઈએ.’
મંડી પડવાની આ ધગશ પાસે રેડિયમને છતાં થવું પડયું. પીચ બ્લેન્ડ નામના ખનિજ તત્ત્વમાં છેવટે મેરીને રેડિયમ દેખાયું. આ નવા તત્ત્વમાં બે રાસાયણિક ટુકડાઓ જોડાયેલા હતા. એમાંથી એકને શું નામ આપવું તેની મૂંઝવણમાં પડેલી મેરીના મનમાં અચાનક સુષુપ્ત પડેલી દેશભક્તિ પ્રગટી ઊઠી ! જગતના નકશામાં એના દેશનું નામ ભૂંસી નાખવામાં આવ્યું હતું. આથી આ તત્ત્વને તેણે નામ આપ્યું ‘પોલોનિયમ !’ રશિયા, જર્મની ને ઓસ્ટ્રીઆએ દબાવી દીધેલા પૉલેન્ડને આ દેશપ્રેમી મઢિલાએ બહાર લાવીને પૉલેન્ડનું નામ રોશન કરવાનાં મૂક રહીને સેવેલા સ્વપ્નને અદભુત રીતે સાકાર કર્યું.
ક્રમશઃ
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
