હવે મારી વાત ઓગણીસો ત્રાણુની સાલમાં એક વર્ષ ગાયનેક ફેલોશીપનું પુરું થયું. જોગાનુજોગ નોર્થ હ્યુસ્ટન હોસ્પિટલના એક મેક્ષિકન એનેસ્થેસ્યોલોજીસ્ટના વર્ક વિસા પુરા થયા અને મને તેની જ્ગ્યા મળી ગઈ. અમે બન્ને એક જ હોસ્પિટલમાં કામે લાગી ગયા. અમારા બન્નેના કોલ જુદા જુદા દિવસે હોવાથી બે ગાડીની જરૂર, મારા માટે ટૉયોટા કરોલા ગાડી લીધી. અમારી વાર્ષિક આવક ૬ આંકડાની થઈ. મીસોરીસીટી (Missouri City,TX)માં ૬૦૦૦ સ્કેવર ફુટનું ૪ બેડ રુમનું ઘર ચણાવ્યું. ચી.પારૂલના જન્મદિવસે હિન્દુ રિવાજ મુજબ શુભ ચોઘડીયામાં કળશ મુક્યો. મને અને મારી દીકરીઓને ગમતું ફર્નીચર વસાવી લીધુ.
મને યાદ આવ્યું; બાના અવસાન બાદ બાપુજી આવેલ ત્યારે સવાલ કરેલ, “ભાઈ, અહીં ભારત જેવા ગાદલા ના મળે?” અમે low rise platform bed, futon mattress & pillows લાવીને એમનો બેડરૂમ તૈયાર કરી રાખ્યો.
પારૂલની ઇન્ટરનલ મેડિસિન બોર્ડની પરિક્ષા ઓગસ્ટ મહિનામાં, બે મહિના તેણી મારે ત્યાં રહે જેથી ઉપર તેના રૂમમાં શાંતિથી વાંચી શકે, મારા જોબના કારણે હું અંજલીની સંભાળ ન લઈ શકુ, તેથી માટે અમારા મિત્રના બહેન સ્મિતા ભારતથી ઇમીગ્રેશન વિસા સાથે આવેલ, તેમને ડોલર કમાવાની જરૂર હતી જેથી જલ્દી પોતાનું ઘર લઈ શકે. અમે તેમને બેબી સીટર તરીકે રાખી લીધા. હું સ્મિતાબહેનને સવારના સાત વાગ્યામાં અમારા ઘેર લાવીને તુરત હોસ્પિટલ જવા નીકળું. ઉતાવળમાં એક દિવસ ગાડીમાં ગેસ ઓછો હતો, હોસ્પિટલ ૨૫ માઈલ દુર, મનમાં વિચાર આવ્યો-કશો વાંધો નહીં, હોસ્પિટલ પહોંચી જવાશે, ઘેર આવતા ગેસ લઈશ. હોસ્પિટલનું કામ પતાવી બે વાગે નીકળી, હોસ્પિટલની નજીકના ગેસ સ્ટેશન પર પર્સ સાથે ગેસ ભરતી’તી ત્યારે કોણ જાણે ક્યાંથી એક આફ્રો-અમેરિકન છોકરી આવી, “મેમ, (can you shaw me where is North Houston Hospital?), મને નોર્થ હ્યુસ્ટન હોસ્પિટલનો રસ્તો બતાવશો? હું જવાબ આપતી હતી ત્યાં અચાનક તેનો બોય-ફ્રેન્ડ આવ્યો, મારી પર્સ ખેંચી ભાગ્યો, તેની પાછળ છોકરી પણ ભાગીને ગાડીમાં પલાયન થઇ ગયાં! મે બુમ મારી (thief! Thief! They snached my purse & ran away) ચોર, ચોર, મારું પર્સ ખેંચી ભાગ્યો, કોઈ દોડો, પકડો, કોઈએ સાંભળ્યું નહી, કોઇ ગાડી ઊભી ન રહી!!
મારી ગાડીમાં ગેસ નહીં, મારી પાસે પૈસા નહીં. હુ સ્ટોરમાં અંદર ગઈ, એક દેશીભાઈ બેઠેલા હતા, ખુશ થઈ, ભાઈ મારું પર્સ ચોરાઇ ગયું, બારીમાંથી તમે જોયું છે, મને ૫ ડોલરનો ઊધાર ગેસ આપો, હું નોર્થ હ્યુસ્ટન હોસ્પિટલમાં ડોકટર છું, આવતી કાલે પૈસા આપી દઈશ, દેશીભાઈનો જવાબ; “હું માલીક નથી, નોકરી કરુ છું. મારાથી કોઇને ઉધાર ગેસ ન આપી શકાય.” હું ગાડી પાસે આવી, મારી આંખમાં આંસુ આવી ગયા. મને જોઇને એક આધેડ ઉમરના આફ્રો-અમેરિકન બહેન મારી પાસે આવ્યા; (do not worry fill up your tank and never come again to this gas station) ચિંતા નહીં કર ગેસ ભરી લે અને કોઈ દિવસ આ ગેસ સ્ટેશન પર ગેસ લેવા આવીશ નહી, આ એરિયા તારા જેવી સ્ત્રી માટે નથી. મેં તેનો આભાર માનીને એડ્રેસ માગ્યું જેથી હું તેને ચેક મોકલાવી શકુ. “પહેલા ગેસ ભરવાનું શરું કર, હું એડ્રેસ આપું છું” કહીને બીજા પંપ પર પોતાની ગાડીમાં ગેસ ભરવા લાગી. મેં ગેસ ભરી ઉપર જોયું તો, તે બહેન એડ્રેસ આપ્યા વગર જતા રહ્યા વગર. બીજો અનુભવ દેશીનો !
અજાણી અને આફ્રો અમેરિકન બહેને મદદ કરી, આપણે ભારતીઓ જેને કલ્લુ કહીને વખોડીએ તેણે જ મને મદદ કરી. મારી માન્યતા પ્રમાણે કદી કોઈના માટે અભિપ્રાય બાંધવા નહી, પ્રભુએ સૌને સરખા ઘડ્યા છે, રૂપ-રંગથી માણસની ઓળખ નહીં કરવી જોઇએ. ઘેર પહોંચીને સૌથી પહેલા ક્રેડીટ કાર્ડની ઓફિસમાં ફોન કરી જણાવ્યું ને કાર્ડ બંધ કરાવ્યું. સાંજે મારા પતિને અને પારૂલને વાત કરી, પારૂલે સલાહ આપી “મમ્મી, કોઈ દિવસ પર્સ ખભે લટકાવી ગેસ નહી લેવાનો, પૈસા/કાર્ડ કાઢી પેંટના ખીસામાં મુકી દેવાના, ગાડી લોક કરી ગાડીની ચાવી બીજા ખીસામાં મુકીને ગેસ લેવાનો. ડ્રાઇવિંગ લાયસન્સ પર્સ સાથે ગયું. લાઈસન્સ વગર ગાડી ચલાવાય નહી. સવારે અમે બન્ને સાથે હોસ્પિટલ ગયા. વહેલા નીકળી ડીપીએસની ઓફિસે ગયા, ઓફિસરને વાત કરી સોસિયલ સિક્યોરિટી નંબર આપ્યો, તુરત કોમ્યુટર પર જોયું ફોટો પાડ્યો, નવું લાઈસન્સ મળી ગયુ! ઓફિસરનો આભાર માન્યો. અમેરિકાની કાર્ય વ્યવસ્થાને ધન્યવાદ! બે દિવસ પછી હોસ્પિટલની લોબીમાંથી મારું લાઈસન્સ હોસ્પિટલ કર્મચારીને મળ્યું. ચોરને લાઈસન્સની જરૂર ન હોય, ફક્ત પૈસા અને ક્રેડિટ કાર્ડની જ જરૂર હોય!
પારૂલની બોર્ડની પરિક્ષા ઓગસ્ટ મહિનામાં પુરી થઈ. ચિરાગે હ્યુસ્ટનના ટી આઇ પ્લાન્ટમાં બદલી કરાવી. પારૂલે હોસ્પિટાલીસ્ટની નોકરી માટે અરજી કરેલ તેનો ઇન્ટરવ્યુ ઓસ્ટિનની હોસ્પિટલમાં આવ્યો, ત્યાં નોકરી મળી ગઈ. હ્યુસ્ટનનો ટી આઈ પ્લાન્ટ બંધ થતા ચિરાગ એના માતા-પિતા પાસે ઓસ્ટિન આવ્યો. અંજલી ત્રણ મહિનાની હતી, પારૂલ અંજલીની અડધું પીધેલ દુધની બોટલ રેફરીજેટરમાં મુકે તેનો સરલાબહેનને વાંધો, એઠું દુધ મુકે છે! ઠાકોરજીનું દુધ અભડાય છે, જમવા બેસે ત્યારે પારૂલ શાક દાળ પોતાની હાથે લે તેનો પણ તેમને વાંધો, બધુ એઠું કરે છે. પારૂલ મનમાં વિચારે કે આ તો રોજનું થયું.
એક દિવસ મને વાત કરી “મમ્મી બધા ધર્મમાં નિર્દોષ બાળકોને ભગવાન સ્વરૂપ માનવામાં આવે છે તે સાચી વાત?”
“હા બેટા સાચી વાત, કેમ આ પુછે છે?
“તો પછી અંજલીનું અડધું પીધેલ દુધની બોટલ રેફરીજેટરમાં બીજા દુધ સાથે મુકુ તો દુધ અભડાય?”
“ના, એવું કોઇ ધર્મમાં લખ્યુ હોય તે મારી જાણમાં નથી.”
પારૂલનો પણ પગાર ૬ આંકડાનો થયો કે તુરત જ ચિરાગે ઓસ્ટિનમાં ત્રણ બેડરૂમનું ઘર લીધું ચિરાગ હવે આખો દિવસ ઘેર કોમપ્યુટર પર શેર બજારનું કામ કરે જે કોલેજમાં હતો ત્યારથી કરતો હતો, જોકે નોકરી માટેના પ્રયત્નો તો ચાલુ જ હતા.
પારૂલની હોસ્પિટાલીસ્ટની નોકરી ૧૨ કલાકની; અંજલીને સવારના ૭ વાગે પ્રાયવેટ ડે કેરમાં મુકે, સાંજે ૩ વાગે ચિરાગનું શેર બજાર પુરું થાય ત્યાર પછી અંજલીને ઘેર લાવે. અંજલી ડે કેરમાં રહેવાથી અવાર નવાર માંદી પડે, પારૂલનો મને ફોન આવે; “મમ્મી હમણા જ ઓસ્ટિન આવવા નીકળ, અંજલી માંદી છે” હું અડધી રાત હોય તો પણ જવા નીકળું, સવાર થતા ઓસ્ટિન પહોંચી જાઉ, જેથી પારૂલ કામ પર જઈ શકે.
સરલાબહેન એક દિવસની પણ રજા ન લે, તેમની સેવા-પૂજા અટકી પડે! શું થાય? જેવી લેણ દેણ!.
નોર્થ હ્યુસ્ટન હોસ્પિટલ પ્રાઈવેટ ડોકટરોના હસ્તક આવી, એનેસ્થેસ્યા ગ્રુપ પ્રેકટીસ બદલાણી, સર્જનનો ઇરાદો પગારદાર નર્સ પ્રેકટીશનરથી જ ચલાવવાનો જેથી કંટ્રોલ તેમના હસ્તક રહે. રમેશના સારા નશીબે મેમોરિયલ હોસ્પિટલના એનેસ્થેસ્યોલોજીસ્ટ ગ્રુપમાં નોકરી મળી ગઈ. મારે લોકમ જ કરવું હતું જેથી હું ગમે ત્યારે દોહિત્રીને રાખવા જઈ શકુ. મે બે ત્રણ લોકમ એજન્સીમાં અરજી કરી. અરજી સાથે બધા સર્ટિફિકેટ તથા ડોકટરના સારા કામ કર્યાના પ્રમાણપત્રો પણ મોકલ્યા. લોકમ-વર્ક માટે હ્યુસ્ટનના આજુબાજુના ગામમાં જવાનું થતું; ૫૦-૭૦ માઈલ વન વે ડ્રાઇવિંગ થઈ જતું. એક હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જનના દર્દીને સ્પાઇનલ એનેસ્થેસીયા આપેલ, પગની એડીના હાડકાની સર્જરી હતી. દર્દીને તંદ્રાની દવા આપેલ જેથી હાડકાની સર્જરીમાં વપરાતી હથોડી વગેરે સાધનોના અવાજથી ગભરાય નહીં; આ સર્જન, નર્સ અને આસિસ્ટન્ટ ડૉકટર સાથે ડર્ટી જોક્સ કરવા માટૅ મશહૂર હતો, એણે એક જોક્સ કર્યો જે હું અહીં લખી નહીં શકુ. બીજા દિવસે મેં એજન્સીને ફોન કરી જણાવ્યું; મારે અહીં કામ નથી કરવું, કારણ આપ્યું હોસ્પિટલ ઘણી દુર છે. કોન્ટ્રેક્ટ કરેલ તેથી બીજા એનેસ્થેસ્યોલોજીસ્ટ ન મળે ત્યાં સુધી મારે કામ કરવું પડે. મારા નશીબે બે દિવસમાં એજન્સીને બીજા ડોકટર મળી ગયા. મને એજન્સી મારફત ઓસ્ટિનથી પચાસ માઈલ દુરની હોસ્પિટલમાં એક મહિનાનું કામ મળ્યું. જાણી પારૂલ ખુશ થઈ “મમ્મી તું મારે ત્યાં રહેજે એજન્સી તને માઇલેજના પૈસા આપશે, સરસ મને અંજલી સાથે રહેવા મળશે ૧૫ મહિનાની ચાલતી બોલતી થયેલ. એક દિવસ ઓપરેશન રૂમની લોબીના ડબલ ડૉર જે પારદર્શક કાચના હોય છે, હું અંદર આવવા ઊભી હતી ત્યાં ડૉર અચાનક ખુલ્યું અને મારા માથા સાથે જોરથી ભટકાયું; હું ભીંતના ટેકે બેઉ હાથ માથા પર રાખી ઊભી રહી, તુરત જ સ્ટ્રેચર સાથે ડોકટર આવ્યા, મને પુછ્યું “(Indu Did you pass out), (no I am having headache) ના, મને માથામાં દુઃખે છે. મને સ્ટ્રેચરમાં એક્ષરે અને સી ટી સ્કેન માટૅ લઈ ગયા. અમેરિકામાં પ્રોટોકોલ પ્રમાણે માથામાં ઈજા થયેલ બધા દર્દીના એક્ષરે/સી ટી સ્કેન અનિવાર્ય. મારો એક્ષરે અને સી ટી સ્કેન નોરમલ હતા.
હું ઓસ્ટિન પારૂલને ત્યાં હતી ત્યારે શીતલ અને વિપુલ ફરવા માટે આવ્યા. શનિવારે અમે બધા હિલ કંટ્રી ફરવા ગયા, ત્યાં પારૂલને ચકર આવ્યા, અમે તુરત ઘેર આવ્યા. પ્રેગનન્સી ટેસ્ટ પોઝીટીવ હતો. સોમવારે ડોકટરને બતાવવા ગયા, ડોકટરે તપાસ કરી પારૂલ સગર્ભા છે. બીજી વખત નાનીમા થઈશ તેનો મને આનંદ થયો. ચિરાગે તેના મમ્મીને જણાવ્યું; સરલાબહેનનો જવાબ “આટલું જલ્દી બીજું બાળક!”. ૪ મહિને અલ્ટ્રાસાઉંડમાં ખબર પડી પારૂલને દીકરો છે.સમાચાર જાણી સરલાબહેન ખુશ થયા! ચિરાગના કાકા-કાકી ન્યુજર્સીથી પારૂલની પ્રસુતી વખતે ઓસ્ટિન આવ્યા, પારૂલને રોજ સુંઠ કરી આપતા. પારૂલ ના પાડે તો વઢે પાડે, “સવાશેર સુંઠ ખાવી જ જોઇએ જેથી કમરનો દુઃખાવો ના થાય અને છોકરો મજબુત થાય. દીકરાનું નામ ચિરાગે દરેક ગ્રાંડ પેરેન્ટ્સના નામના પહેલા અક્ષર; અનિલ ભાઈનો એ, રમેશનો ર, ઇન્દુનો આઇ અને સરલાનો સ જોડીને એરિસ(ARIS) પાડ્યું, કેટલો સુંદર વિચાર!
ચિરાગના પ્રયત્ન સફળ થયા, તેને હ્યુસ્ટનમાં મોરગન સ્ટૅનલી બ્રોકરેજ ફર્મમાં કામ મળી ગયું.
પારૂલ-ચિરાગ તેમના બન્ને બાળકો સાથે અઠવાડિયું અમારે ત્યાં રહ્યા. સુગરલેંડમાં અમારા ઘરની નજીક ઘર લીધું, સારું ચોઘડિયું જોઇને ત્યા રહેવા ગયા. પારૂલે ઇન્ટરનલ મેડિસિન ગ્રુપ પ્રેકટિસ ત્રણ પાર્ટનર સાથે શરૂ કરી. અંજલીને નર્સરી સ્કુલ માં દાખલ કરી. એરિસ માટે એક ગુજરાતી બહેનને સોમવારથી શુક્રવાર રાખ્યા. નર્સરી સ્કુલમાં લંચ પછી ફરજીયાત એક કલાક નેપ ટાઈમ હોય, અંજલીને ઊંઘ આવે નહીં બહેન આંખો બંધ કરે અને કોઈ તેનાથી નાના બાળક્નો રડવાનો અવાજ સંભળાય કે તરત ઊભી થાય તે બાળક્ની બાજુમાં બેસે તેના માથા, પીઠ પર વ્હાલથી હાથ ફેરવે અને બાળકને સુવડાવી દે, નાનપણથી અંજલી આટલી પ્રેમાળ. અત્યારે ૨૩ વર્ષની સિવિલ એન્જીનિયર બનીને અમેરીકન નેવી ઓફિસર થઈ છે, તેનો કુટુંબ અને મિત્રો પ્રત્યે એટલો જ પ્રેમ છે.
**
રમેશને એજન્સી મારફત ટેક્ષાસના લરિડો શહેરમાં જનરલ એનેસ્થેસ્યોલોજીસ્ટની નોકરી મળી ગઈ. અમે ડ્રાઇવ કરી હ્યુસ્ટનથી લરિડો પહોંચ્યા. ત્યાં અમારા મુંબઈના મિત્ર હીતેશ પટેલના ઘેર રહ્યા. હીતેશભાઈ બિલ્ડર હતા અને તેમના પત્નિ મનીશા રીયલ એસ્ટેટ એજંટ હતા; તેમણે અમને ભાડાનું બે બેડરૂમનું નાનું ઘર શોધી આપ્યું, અમે એ ઘર એક વર્ષ માટે ભાડે લીધું. હું રમેશને માટે થોડી રસોઇ બનાવી રેફરીજ્રેટરમાં મુકી ડ્રાઇવ કરી હ્યુસ્ટન આવી. રમેશની હોસ્પિટલની વાન તેને લઈ જતી અને કામ પુરું થયા બાદ ઘેર મુકી જતી. નાના ગામમાં જ્યાં ડોકટર બહુ ઓછા હોય ત્યા આવી સગવડનો લાભ મળે, છતા અમેરિકન ડોકટર નાના ગામમાં જવા તૈયાર નથી હોતા! લરિડો શહેર મેક્ષિકોની બોર્ડર પર આવેલ છે અને ત્યાં સ્પેનિશ બોલનારની વસ્તી વધારે છે. પંદર દિવસ બાદ રમેશને લોંગ વિકએન્ડ હતો ત્યારે હીતેશભાઈ તેમના પત્નિ મનીશા અને દીકરા માનવ અને યશ સાથે હ્યુસ્ટન આવ્યા. પહેલી વખત અમારે ત્યાં આવ્યા; મેં ચુરમાના લાડુ દાળ-ભાત બટેટા- રીંગણનું શાક અને વાલ બનાવ્યા. સૌ જમ્યા પછી રમેશે તેઓને અમારું ઘર બતાવ્યું. હીતેશને અમારા ઘરનો પ્લાન ખૂબ ગમી ગયો, “મનીશા આપણે લરિડોમાં આવું ઘર ચણાવીશું?”
“હીતેશ આવી રાઉન્ડ બારીઓ અને આવા પીલર બનાવવા વાળા કારીગર લરિડોમાં મળશે?”
“કારીગરની તું ચિંતા નહી કરીશ હું મેક્ષિકોથી લઈ આવીશ”
ના ભૂલાય, ગોઝારો દિન નવઅગિયાર
ભૂમિએ પડી પળમાં થઇ ભંગાર
ખુદ મરી, લીધા સાથ સેંકડો બેકસુર
હળાહળ કળિયુગ, ભૂલ્યા તુજ બાળ સંસ્કાર
વહાવ અમીઝરા, હટાવ વેરઝેરવિકાર.
“શબ્દ સથવારે” ૨૦૧૦માં શરુ કર્યો
સમાપ્ત
હવે પછી – સહકારની કેડીએ : મનસુખ વાઘેલા
