સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
ભારતનાં પ્રાચીન આધ્યાત્મિક સાહિત્યમાં ઉપનિષદોનું આગવું સ્થાન છે. આદિ શંકરાચાર્યે લખેલાં પ્રસ્થાન ત્રયી પરનાં ભાષ્યોમાં ઉપનિષદો મુખ્ય છે. મુગલ બાદશાહ શાહજહાના પુત્ર દારા શિકોહ પર ઉપનિષદોનો એટલો બધો પ્રભાવ પડેલો કે તેમણે કેટલાક ઉપનિષદોનું સંસ્કૃતમાંથી ફારસીમાં ભાષાંતર પણ કરેલું. વિદેશમાં હિંદુ ધર્મનો ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદે પોતાનાં પ્રવચનોમાં મુખ્યત્વે ઉપનિષદોનો આધાર લીધો હતો. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પણ ઉપનિષદોથી પ્રભાવિત હતા. ઓશો રજનીશે ઉપનિષદો પર આપેલાં પ્રવચનો દળદાર પુસ્તક રૂપે પ્રકાશિત થયાં છે. કેટલાક રેશનાલિસ્ટોને પણ ઉપનિષદોથી અંજાયેલા જાણ્યા છે.
જર્મન ફિલોસોફર મેક્સમૂલરે લખ્યું છે, “જો ફિલસૂફીનો હેતુ સુખી મૃત્યુની તૈયારી કરવાનો હોય, તો મને ઉપનિષદોની ફિલસૂફી કરતાં વધુ સારી કોઈ તૈયારીની ખબર નથી.”
ભારતના ભૂ. પૂ. રાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાકૃષણ જેમની ગણના દાર્શનિકમાં થતી, તેમનો મત હતો કે ઉપનિષદો માનવ ભાવનાના ઇતિહાસમાં એક મહાન પ્રકરણનું પ્રતિનિધિત્વ કરે છે અને ત્રણ હજાર વર્ષથી ભારતીય દર્શન, ધર્મ અને જીવન પર પ્રભુત્વ ધરાવે છે. ત્યારબાદની દરેક ચળવળે તેમનાં દાર્શનિક નિવેદનો સાથે સુસંગત હોવાનું દર્શાવવું પડ્યું છે.
ઉપનિષદો પર આટલાં બધાં પ્રશંસાના પુષ્પો વેરાયાં છતાં મારા જેવા સામાન્ય માણસને ઉપનિષદોનું જ્ઞાન સમજી શકાય નહિ તેવું ગહન જ જણાયું છે. ઉપનિષદો પરનાં જુદા જુદા લખાણો ઉપનિષદોના કેન્દ્રવર્તી વિચાર પર પહોંચાડવાને બદલે પ્રશંસાના પરિઘ પર ફર્યા કરતા હોય તેમ વિશેષ જણાયાં છે. આ મર્યાદા ઉપનિષદો કે તેના પરના ભાષ્યોની નહિ પરંતુ મારા જેવા સામાન્ય માણસની છે. જીવનનું કે મૃત્યુનું રહસ્ય ઉપનિષદો પાસે જે કાંઇ હોય, પરંતુ સામાન્ય માણસને આધ્યાત્મિક માર્ગના પ્રવાસીઓ જેને આત્મજ્ઞાન કહે છે તે પામ્યા પછીનાં જીવનનું સ્વરૂપ તો કેટલાક દેહણ (દેશી) સંતો કે ગંગાસતી જેવા ભજનિકો પાસેથી જ જાણવા મળે છે.
ગંગાસતીએ પોતાનાં ભજનો તેમનાં પુત્રવધુ -જે તેમના શિષ્યા પણ ગણાયાં છે - પાનબાઇને સંબોધીને કહ્યાં છે. એમ કહેવાય છે કે તેમણે દરરોજ એક ભજન પાનબાઈને સંભળાવીને કુલ 52 ભજનો રચ્યાં છે. તેમાનાં એક વિશેષ ગમતાં જે ભજનનો મારે ગુલાલ કરવો છે તેના શબ્દો આ પ્રમાણે છે,
‘અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહિ
ને ન રહેવું ભેદવાદીની સાથ રે
કાયમ રહેવું એકાંતમાં
ને માથે સદગુરુનો હાથ રે
તીરથ વ્રત પછી કરવા નહીં
ને ન કરવા સદગુરુના કરમ રે
એવી રે ખટપટ છોડી દેવી
જ્યારે જણાય માંહ્યલાનો મરમ રે
હરિમય જ્યારે આ જગતને જાણ્યું
ત્યારે પ્રપંચથી રહેવું દૂર રે
મોહ સઘળો પછી છોડી દેવો
ને હરિને ભાળવા ભરપૂર રે
મંડપ ને મેળા પછી કરવા નહીં
એ છે અધુરિયાના કામ રે
ગંગાસતી એમ બોલિયા પાનબાઈ
ભાળવા હોય પરિપૂર્ણ રામ રે….અભ્યાસ જાગ્યા પછી..’
અહીં અભ્યાસ જાગવો એટલે આત્મજ્ઞાન થવું એવો અર્થ નીકળે છે. આટલી ઉચ્ચ ભૂમિકાની વાત ના કરીએ તો એક સાચી સમજ ઉભી થવી એમ પણ કહી શકાય. સંગીતની આરાધના કરતા એક તબક્કો એવો આવે છે કે કલાકારને સૂર જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ જ રીતે વ્યક્તિને પોતાની આધ્યાત્મિક વિચારયાત્રામાં એક એવા મર્મની જાણ થાય છે કે પછી તે તમામ બાહ્યાચારો અને કર્મકાંડોથી મુક્ત થઈ જાય છે.
દેખીતી રીતે ગંગાસતીએ જેને આત્મજ્ઞાન લાધ્યું હોય તેને બાહ્યાચારોથી મુક્ત થવા માટે ઉપદેશ આપ્યો હોય તેમ જણાશે. પરંતુ તેમને અભિપ્રેત તો એ છે કે જેને પણ આત્મજ્ઞાન કે મૂળ તત્વ જડી ગયું હોય તે આપોઆપ બાહ્યાચારોથી મુક્ત થઈ જાય છે. તેથી જ ‘અભ્યાસ જાગ્યા પછી ભમવું નહિ” એ પંક્તિમાં નરસિંહ મહેતા કથિત ‘જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ ત્યાં લગી સાધના સર્વ જૂઠી‘ પ્રતિબિંબિત થાય છે. જેનામાં પણ આ પ્રકારે સમજ ઊભી થાય તેણે પછી શાસ્ત્રોના થોથા ઉથલાવવાની કે ઇશ્વરની શોધમાં ઠેરઠેર ભટકવાની જરૂર નથી.
ગંગાસતીએ ભેદવાદીઓથી દૂર રહેવાનું કહ્યું છે. ભેદવાદીઓ એ બીજા કોઇ નહિ પરંતુ નોખી નોખી વાતો કરતા અને નાતજાત કે વર્ણના ભેદ ઊભા કરતા પરંપરાવાદીઓ, પંડિતો અને શાસ્ત્રકર્તાઓ છે. આત્મજ્ઞાનીઓ તો કશામાં ભેદ જોતા જ નથી. અહીં યાદ કરીએ
विद्याविनयसम्पन्ने ब्राह्मणे गवि हस्तिनि ।
शुनि चैव श्वपाके च पण्डिता: समदर्शिन: ॥
ગીતા અધ્યાય 5 શ્લોક 18
આ પ્રમાણે તો સાચો જ્ઞાની કહેવાતી ઊંચી કે નીચી જ્ઞાતિઓમાં ભેદ તો કરતો નથી ઉપરાંત ગાય , હાથી કે કૂતરાને પણ મનુષ્યની સમાન ગણે છે.
ગીતામાં દર્શાવેલાં યોગીઓના લક્ષણોમાંનું એક લક્ષણ ‘જનસમૂહમાં અપ્રીતિ’ છે. અહીં ગંગાસતી પણ ‘એકાંત’માં જ રહેવાની વાત કરે છે.
ઈશાવાસ્ય ઉપનિષદના પહેલા શ્લોક “ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्।“ ને ગંગાસતી સરળ ભાષામાં “સમગ્ર જગતને હરિમય જાણવાનું” કહે છે.
સૌથી મહત્વની વાત તો તેમણે એ કરી છે કે,
“મંડપ ને મેળા પછી કરવા નહીં
એ છે અધુરિયાના કામ રે”
આજે ચોતરફ ધાર્મિક ઉત્સવો, સમૈયાઓ, હોમહવનો, ધાર્મિક વરઘોડાઓ(શોભાયાત્રાઓ) પ્રાણપ્રતિષ્ઠાઓ, ડી જેના ઘોંઘાટો સાથેના સામુહિક સુંદરકાંડો અને હનુમાન ચાલીસાઓએ ઉત્પાત મચાવ્યો છે. શોભયાત્રાઓ તો કોમી તણાવનું નિમિત્ત( ઉદેશ્ય પણ હોઈ શકે )બનતી હોય છે. ગંગાસતી કહે છે કે જ્ઞાની જનો તો ઉપર કહ્યા મુજબની ભીડનું ન તો આયોજન કરે છે કે ન તેમાં ભાગીદાર બને છે. મંડપ ને મેળા કરનારાઓને તો ધર્મના મૂળ તત્વની સમજ જ નથી હોતી. આથી જ ગંગાસતીએ તેમને “અધુરિયા” કહ્યા છે.
આપણે ત્યાં તીર્થયાત્રાને નામે પ્રવાસોનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે ને સતત વધતું જાય છે. યાત્રાસ્થળે પ્રવાસીઓ ગંદકી અને પ્રદૂષણ જ ફેલાવે છે. એ જ રીતે જેનો ન તો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ન પરંપરામાં છે તેવાં વૈભવ લક્ષ્મી, દશામા જેવા નીત નવા વ્રતો નીકળતા જ જાય છે. પરંતુ જેને ભીતરનો મર્મ જણાય અને આત્મજ્ઞાન થાય તેણે ન તો તીર્થ યાત્રાએ જવાની જરૂર છે કે ન કોઇ વ્રતઉપવાસ કરવાની જરૂર છે.
નરસિંહ મહેતાએ તેમનાં પ્રખ્યાત ભજન “વૈષ્ણવજન” માં જે લક્ષણો વર્ણવ્યાં છે. એ માત્ર વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી પૂરતા સીમિતની વાત નથી. કોઈ પણ સજ્જન કે નીતિવાન નાગરિક એ નરસૈયાનો વૈષ્ણવજન છે. એ જ રીતે ગંગાસતીનો ઉપદેશ માત્ર ઇશ્વરના આરાધક કે આધ્યાત્મિક પંથના સાધકને માટે જ નથી પરંતુ કોઇ પણ વ્યક્તિ જે ચાલુ પ્રવાહમાં તણાયા વિના પોતાની જાત સાથે જોડાઇને રહે છે તેની ઓળખ સમાન છે.
ગુરુ વિશે ગંગાસતીએ બહુ મહત્વની વાત કરી છે. અખા ભગતે “ગુરુ થઈ બેઠો હોંશે કરી, કંઠે પાણ (પાણો, પથ્થર ) શકે કેમ તરી?” કહીને ગુરુપ્રથા પર હથોડો લઈને પ્રહાર કર્યો છે. પરંતુ ગંગાસતીએ આ જ વાત હળવાશથી મૂકતા કહી દીધું,
“ન કરવા સદગુરુના કરમ રે
એવી રે ખટપટ છોડી દેવી”
આખા ભજનનો સાર એ છે કે જીવનનો હેતુ જો ઇશ્વર રૂપી સત્ય કે સત્ય રૂપી ઇશ્વર શોધવાનો હોય તો ગંગાસતીનું આ ભજન સાધકને બાહ્ય જગતથી મુક્ત થઈને અંતરાત્મામાં જ પરમાત્માને શોધવાની પ્રેરણા આપે છે. એથી જ તેને લોકોપનિષદ કહેવામાં અતિશયોક્તિ નથી.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
