ફિર દેખો યારોં
બીરેન કોઠારી
લાલ, પીળા જેવા ચમકતાં રંગોનાં કપડાં પહેરેલાં બાળકો કેટલાં સુંદર દેખાય છે! બાળકોને પહેરવાનાં વસ્ત્રોનાં રંગ આમ પણ ચમકદાર અને આકર્ષક હોય છે. બાળકો ઝડપભેર મોટાં થઈ રહ્યાં છે અને તેમના માટે નવાં કપડાંની જરૂર પડતી હોય છે. અત્યારના ‘ફાસ્ટ ફેશન’ના યુગમાં તેમાં અનેકગણું વૈવિધ્ય જોવા મળી રહ્યું છે. પણ આવાં ચમકદાર રંગોવાળાં વસ્ત્રો બાળકના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન કરી શકે છે.
પહેલાં તો આ નુકસાન શી રીતે થાય છે એની વાત. બાળકોનાં ચમકદાર વસ્ત્રોમાં સીસાનું વધુ પડતું પ્રમાણ મળી આવ્યું, જે ૧૦૦ પી.પી.એમ. (પાર્ટ્સ પર મિલીઅન)થી પણ વધુ હતું. ખાસ કરીને લાલ અને પીળા રંગનાં વસ્ત્રોમાં સીસું વધુ હોય છે. બાળકોને પોતાનાં વસ્ત્રો મોંમાં નાખવાની આદત હોય છે. આથી સીસું તેમના શરીરમાં સહેલાઈથી પ્રવેશી શકે છે. વધુમાં આ વસ્ત્રોને ધોવાથી પણ સીસું અન્ય વસ્ત્રોમાં કે પાણીમાં પ્રસરી શકે છે, જે વધુ ખતરનાક બની શકે છે. સીસું એક ભારે ધાતુ છે અને તે સંપર્કમાં આવે તો કોઈ પણ વ્યક્તિને ભારે નુકસાન કરે છે. એમાંય બાળકના શારિરીક અને માનસિક વિકાસને, ખાસ કરીને તેમના ચેતાતંત્રને તે કાયમી નુકસાન કરે છે.

આ સંશોધન કોણે અને શી રીતે કર્યું એ જાણવું પણ અગત્યનું છે. અમેરિકાની મરીઅન યુનિવર્સિટીની કેમિસ્ટ્રીની પ્રયોગશાળાની એક સંશોધન ટીમ દ્વારા આ સંશોધન હાથ ધરાયું હતું. આ ટીમનાં વડા કમીલા ડીવર્સની દીકરીના શરીરમાં સીસાનું પ્રમાણ વધુ જણાયું, જે રમકડાંની સપાટી પરથી આવેલું. આજે તો યુ.એસ.કન્ઝ્યુમર પ્રોડક્ટ સેફ્ટી કમિશન બાળકો દ્વારા ઊપયોગમાં લેવાતી વિવિધ ચીજોમાં સીસાની અધિકતમ માત્રા ૧૦૦ પી.પી.એમ. નિર્ધારીત કરવામાં આવી છે. સંશોધકોએ જોયું કે મોટા ભાગનાં માવતરો આ સમસ્યાથી અજાણ છે. આથી આ ટીમે બાળકો દ્વારા ઊપયોગમાં લેવાતી વિવિધ ચીજોમાં સીસાનું પ્રમાણ ચકાસવાનું શરૂ કર્યું. આ ચકાસણીમાં માલૂમ પડ્યું કે બાળકોનાં વસ્ત્રોમાં સીસું કેવળ ઝીપર, બટન કે પટ્ટાના બકલ વગેરેમાં તો ખરું જ, પણ સીધેસીધું કપડાંમાં જ હોય છે. ઘણાં વસ્ત્રઉત્પાદકો કપડાંનાં રંગ લાંબો સમય સુધી ચમકદાર અને ટકાઉ રહે એ માટે તેમાં લેડ એસિટેટનો ઊપયોગ કરે છે. આ પદ્ધતિ સસ્તી પડે છે અને રંગની ચમક બરકરાર રાખવામાં મદદરૂપ બની રહે છે.
ટીમે અગિયાર રંગીન શર્ટ તપાસ્યાં. આ શર્ટને અલગ અલગ રીટેલર પાસેથી ખરીદવામાં આવેલાં, જેમાં ફાસ્ટ ફેશનની તેમજ ડિસ્કાઉન્ટવાળી બ્રાન્ડનો સમાવેશ થતો હતો. એટલે કે કોઈ એક સ્થળેથી કોઈ એક જ બ્રાન્ડને બદલે વિવિધ સ્થળેથી વિવિધ પ્રકારનાં શર્ટ હોય એનું ધ્યાન રખાયેલું. આ તમામ શર્ટમાં, વિના અપવાદે સીસાનું પ્રમાણ ૧૦૦ પી.પી.એમ.થી વધુ મળી આવ્યું. એમાંય સૌથી વધુ સીસું લાલ અને પીળા રંગનાં શર્ટમાં જોવા મળ્યું. આનો સીધો અર્થ એ થયો કે ચમકદાર રંગવાળાં વસ્ત્રો બાળકો માટે વધુ જોખમી બની શકે છે.
આ સંશોધકોએ પોતાના સંશોધનના બીજા તબક્કામાં એ ચકાસ્યું કે બાળકો આ વસ્ત્રોને મોંમાં નાખે કે ચાવે તો કેટલું સીસું તેમના શરીરમાં પ્રવેશી શકે. નિષ્કર્ષ એવો નીકળ્યો કે આ પ્રમાણ ‘એફ.ડી.એ.’ (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) દ્વારા નિર્ધારીત કરાયેલી સલામત મર્યાદા કરતાં અનેકગણું વધારે છે.
હવે આપણા ભારત દેશની વાત કરીએ તો ‘બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ’ (બી.આઈ.એસ.) દ્વારા સીસાની મહત્તમ મર્યાદા ૯૦ પી.પી.એમ.ની નિર્ધારીત કરવામાં આવી છે. એટલે કે અમેરિકામાં જે મહત્તમ મર્યાદા છે એનાથી પણ ઓછી. આ મર્યાદાના અમલ બાબતે શી સ્થિતિ છે?
વિવિધ અભ્યાસોમાં જણાયું છે કે ભારતમાં કોઈ પણ વયની વ્યક્તિ સીસાના સંપર્કમાં આવે એ શક્યતા વધુ છે. સ્વાભાવિકપણે જ બાળકો આમાંથી બાકાત ન હોય, અને સીસાની અસર તેમના પર વધુ ઝડપથી થાય. હજી સુધી વિવિધ રમકડાં, આયુર્વેદિક પાઉડર, વાસણો, સૌંદર્ય પ્રસાધનો વગેરેમાં સીસાનું વધુ પ્રમાણ હોવાના અભ્યાસ થતા રહ્યા છે અને તેનું પ્રમાણ વધુ પડતું હોવાનું જણાયું છે.
વિશ્વભરમાં કુલ ૮૦ કરોડ બાળકોના શરીરમાં સીસાનું ઊંચું પ્રમાણ હોવાનું જણાયું છે, એ પૈકી ૨૭.૫ કરોડ બાળકો ભારતમાં છે. એટલે કે ભારતનાં બાળકો પૈકી અડધાંઅડધમાં સીસાનું ઊંચું પ્રમાણ છે. ભારતના કુલ ૩૦ રાજ્યોના લોકોમાં સીસાનું હાનિકારક પ્રમાણ જોવા મળ્યું છે.
મુદ્દાની વાત એ છે કે આવા અભ્યાસ થાય એ આવકાર્ય છે. આવા અભ્યાસનાં પરિણામો કદાચ નીતિ ઘડવામાં ઊપયોગી થતાં હશે એમ માની શકાય. પણ વાત છેવટે અમલીકરણ પર આવીને અટકે છે. કેવળ નીતિ કે કાનૂન ઘડીને અથવા કાનૂનભંગ બદલ આકરી જોગવાઈ ઊભી કરીને ઈતિશ્રી માની લેવું પૂરતું નથી. કેમ કે, સીસાથી થયેલું નુકસાન કોઈ કસૂરવારને સજા કરવાથી કે દંડની રકમ ભરાવવાથી ઓછું થવાનું નથી. તેના અંગેની જાગૃતિ વધુ જરૂરી છે. આ જાગૃતિ ઉત્પાદકના તેમજ ઉપભોક્તા એમ બન્નેના પક્ષે જરૂરી છે. ઉત્પાદકને સીસું નુકસાનકારક છે એની ખબર હોય એ પૂરેપૂરી શક્યતા છે. આ સંજોગોમાં તેના ભાગે વધુ જવાબદારી આવે છે, જે નીતિ અને કાનૂનપાલનથી અમલી બનાવી શકાય. અમલીકરણનું તંત્ર પણ વધુ પ્રામાણિક, અસરકારક અને નીતિવાન હોવું ઘટે. ઉપભોક્તાને ભાગે ખાસ વિકલ્પ હોતા નથી, પણ એ થોડી જાગરૂકતા દાખવે એ અપેક્ષિત છે. બાકી તો આ બાબત એટલી ગંભીર અને જોખમી છે કે એ શી રીતે નિયંત્રીત કરી શકાશે અને હજી વધુ નુકસાન થતું શી રીતે રોકી શકાશે એ વિચાર જ કરવો વ્યર્થ લાગે છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૧-૫– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી
