પ્રવાસી યુ. ધોળકિયા

સનાતન પરંપરાનું અવલોકન આપણે આ દીર્ઘ લેખમાળા દ્વારા કરી રહ્યાં છીએ. આપણી આ સફરના અંતિમ પડાવ પર આપણે આવી પહોંચ્યાં છીએ.

ગતાંકમાં આપણે વેદમાં સમજાવેલી સૃષ્ટિ સર્જન પ્રક્રિયાનું એક ટુંકું નિર્દેર્શન આપણે કર્યું. હવે આ લેખમાળાના આ અંતિમ લેખમાં આપણે તંત્ર અને પુરાણને આધારે આ પ્રક્રિયાને સમજીએ.

કોઈ વસ્તુનું અસ્તિત્વ ન હતું. સર્વત્ર પરમ શિવમય શૂન્ય હતું.  નિર્વિકારી, નિર્વિચારી શિવ ધ્યાનસ્થ હતા. શિવ હોય ત્યાં આદ્યા શક્તિ ન હોય એવું તો બને જ નહીં. ભગવાન વિષ્ણુની વિનંતિને માન આપી મા શક્તિની પ્રેરણાથી બ્રહ્માજીએ સૃષ્ટિ સર્જનનું કાર્ય સ્વીકાર્યું. આ સમયે આદ્યાશક્તિએ પ્રકૃતિનું રૂપ ધારણ કર્યું અને નર્તન કરીને જગત સૃષ્ટિનો આરંભ કર્યો. ત્યારે શિવે પોતાના દેહને નિશ્ચેતન પુરુષ બનાવીને પોતાનું મહાલિંગાકાર સ્વરૂપ પ્રગટ કરીને આદ્યા શક્તિને સૃષ્ટિ સર્જનનું માધ્યમ પુરું પાડ્યું. શક્તિ પોતાનાં ૧૦ મહાવિદ્યાઓનાં સ્વરૂપમાં વિભાજિત થયાં. એ પછી આ મહાવિદ્યાઓએ કારણ વિશ્વ (Causal World), સૂક્ષ્મ વિશ્વ (Subtle World) અને સ્થૂળ વિશ્વ (Physical World) એમ ત્રણ, લંબવર્તુળાકાર, વિશ્વોનું સર્જન કર્યું.

શિવનાં મહાલિંગાકાર સ્વરૂપ પ્રાગટ્ય સમયે અનેક અણુબોમ્બ જેટલી ગરમી પેદા થઈ. એ ગરમીથી શિવને રક્ષણ આપવા માટે આપણા શાસ્ત્રોએ આપણા જેવાં સામાન્ય લોકો માટે શિવલિંગ પર જળ, ઘી, દૂધનો અભિષેક કરવાનું, ચંદનનો લેપ કરવાનું અને બિલ્વપત્ર, ભસ્મ અને રુદ્રાક્ષ વડે ઠંડક આપવાની વિધિ કરવાનો અધિકાર આપ્યો.

બ્રહ્માંડમાં સર્જન પ્રક્રિયા દરમ્યાન જે ૧૧ ભૌતિક તત્વો પહેલાં બન્યાં તેના પર આદ્યાશક્તિનો અધિકાર છે. બાકીનાં ૧૦૧ તત્વો પર ભગવાન શિવે પોતાનું આધિપત્ય સ્થાપ્યું. તે ઉપરાંત શિવે આ ૧૧૨ પદ્ધતિઓને વિજ્ઞાન ભૈરવ તંત્રમાં સ્થાન આપીને માનવ કલ્યાણાર્થે વિશાળ રાજમાર્ગ તૈયાર કર્યો.

ચૈતન્યમય વિશ્વ  – પ્રથમ વિશ્વ

આદ્યા શક્તિએ લીલા કરીને જે ત્રણ વિશ્વની રચના કરી તેમાંના પ્રથમ, કારણ વિશ્વમાં વિષ્ણુને સ્થાન આપ્યું. વિષ્ણુએ જેમ વેદમાં વર્ણવેલા બલિ અસુર પાસેથી ત્રણ પગલામાં વિશ્વ માપી લીધું હતું તેમ  આદ્યાશક્તિની પ્રેરણાથી વિષ્ણુએ માયાવી સૃષ્ટિની રચના કરી. તેથી દેવી સુક્તમાં કહેવાયું છે કે  विष्णु मायति संस्थिता. આ માયા સૃષ્ટિના અધિપતિ મહાવિદ્યા લલિતા ત્રિપુરા સુંદરી હતાં. પરમ મહા વિષ્ણુએ પોતાના શેષશાયી યોગનિદ્રાભ્રષ્ટ શ્રીપતિ વિષ્ણુ, ભર્ગોદક્ષાયી લક્ષ્મીપતિ વિષ્ણુ અને ક્ષીરોદક્ષાયી વિષ્ણુ એમ ત્રણ ભાગ કર્યા. તેના વડે વિષ્ણુએ દરેક દેહમાં શિવ જેવો આત્મા સ્થાપિત કર્યો. ભગવાન વિષ્ણુએ પોતાના નાભિકમળમાંથી બ્રહ્માજીની ઉત્પતિ કરી અને સજીવ સૃષ્ટિનું નિર્માણ કર્યું.

પુરાણો પ્રમાણે સાતમા પદ્મજા બ્રહ્માની વર્તમાન સૃષ્ટિમાં આપણે જીવી રહ્યાં છીએ. પરંતુ આદિયોગી શિવની આ ચોર્યાસીમી સૃષ્ટિ છે. પરિણામે આપણે ચોર્યાસી લાખ યોનીઓમાં જન્મ જન્માંતર ભટકવું પડે છે. બ્રહ્માજીના આ ત્રણે વિશ્વમાં અત્યારે કાળનું પ્રચલન છે, પરંતુ, તેનાં માપ જુદાં જુદાં છે. ઉદાહરણ તરીકે, પ્રથમ વિશ્વમાં કાળનો માપ નીલ (દશ હજાર અરબની સંખ્યા)-ખર્વ (દસ અબજ), નિખર્વ (દશ સહસ્ત્ર કોટિ – દશ હજાર કરોડ-ની સંખ્યા), છે. જ્યારે બીજા વિશ્વમાં આ વર્ષો અબજ અને કરોડમાં છે. આપણા, ત્રીજા, સ્થૂળ વિશ્વ,માં ફક્ત ચાર યુગોનું પ્રચલન જ હજારો વર્ષમાં છે. ત્રણે ત્રણ વિશ્વમાં ૭ ચક્રો, પ કોષ અને ૭ વ્યાહૃતિનું અસ્તિત્વ છે.

પ્રથમ વિશ્વમાં આનંદ કોષ ક્રિયાશીલ છે. એટલે ત્યાં સદા કાળ અને સાર્વત્રિક આનંદ ફેલાયેલો હોય છે. સમસ્ત વિશ્વમાં ચૌદ લોકમાંથી પ્રથમ વિશ્વ સત્ લોક હોય છે.

વ્યક્તિમય વિશ્વ – સૂક્ષ્મ વિશ્વ

બીજાં વિશ્વમાંથી પ્રથમ વિશ્વમાં જવા માટે જે દ્વાર છે તે સહસ્ત્રાર ચક્ર છે અને તેના દેવતા કાર્તિકેય સુબ્રમણ્યમ છે, અહીંની મહા વિદ્યા મહાકાળી છે અને તેના પુરુષ શિવ તરીકે ત્રિપુરાંતક શિવ છે. આ વિશ્વમાં તે ઉપરાંત મહાવિદ્યાઓ માતંગી, બગલામુખી ષોડશી, છિન્નમસ્તા, ઘુમાવતી, ભુવનેશ્વરી અને તારા છે. અહીના સાત લોકમાંના તપ, જન, મહર અને સ્વર્ગલોક છે. આ લોકમાં જ સૂક્ષ્મ દેહે માનવને પ્રવેશ મળે તો ત્યાં સપ્તર્ષિઓ જેવા ઋષિઓ, વેદમાં વર્ણિત ઈંન્દ્ર, અગ્નિ જેવા દેવો અને મહાત્માઓમાં મહાવતાર બાબા, લાહિરી મહાશય, રામકૃષ્ણ પરમહંસ, સહજાનંદ સ્વામી, સાંઈબાબા, શિવાનન્દ ઈત્યાદિ સૂક્ષ્મ દેહે મળીને  માનવીને પ્રથમ વિશ્વમાં જવાનો માર્ગ બતાવે છે. આ વિશ્વમાં મણિપુર, અમૃત, અક્ષ અને વિશુદ્ધ ચક્ર તથા મનોમય અને વિજ્ઞાનમય કોષનું અસ્તિત્વ હોય છે. સૂક્ષ્મ દેહે સુકર્મ કરીને માનવી આ વિશ્વમાં પ્રવેશ મેળવે અને તેના સંતાનો મરણોત્તર વિધિઓ યોગ્ય રીતે સંપન્ન કરે તો તે ઉપપિતૃલોકમાં પિતૃ તરીકે સ્થાન પ્રાપ્ત કરે છે.

લોકકવિ અવિનાશ વ્યાસના શબ્દોમાં આપણે સામાન્ય માનવીઓ રાખનાં રમકડાં છીએ. તેમ છતાં આપણી જીજીવિષા બહુ જ ઉત્કટ હોય છે. તેથી, આપણે વર્તમાન જન્મમાં અનેક કર્મબંધનોથી અને ઋણાનુબંધોથી બંધાઈ જઈએ છીએ. એક જન્મમાં આ બંધનોના હિસાબ પુરા થતા નથી. તેથી આવાં માનવીઓએ સૂક્ષ્મ દેહે ઉપરોક્ત બીજા વિશ્વમાં નિયત સમય પૂર્ણ થયે ભૂલોક પર પુનર્જન્મ લેવો પડે છે. એ જન્મમાં માનવી જૂનાં બંધનોમાંથી મુક્ત થવાના પ્રયસોમાં નવાં બંધનો બાંધે છે અને આમ સંસારચક્રમાં  અનેકવાર આંટાફેરા કરવા પડે છે.

સ્થૂળ વિશ્વ

સ્થૂળ વિશ્વ કારણ વિશ્વ અને સૂક્ષ્મ વિશ્વ પર આધારિત છે.  આ વિશ્વમાં માનવ, પશુ, પક્ષી, વનસ્પતિ, કીટક અને ભૂમિ નીચે રહેલ ખનીજો આવેલાં છે.  સ્થળ સંકોચને કારણે આપણે આ પંચમહાભૂત પરની ચર્ચા માત્ર માનવોને અનુલક્ષીને જ કરીશું.

આપણા નિયંતા પરમ શિવ છે. તે ચંદ્રમૌલી હોવાથી આપણા પર દૃષ્ટિ રાખવા અને કર્મફળની માપણી કરતા રહેવા તેમણે ૨૭ નક્ષત્રો અને ૯ ગ્રહોની રચના કરી છે. આ વિશ્વમાં માનવ માટે કર્મ કરવું ફરજિયાત છે. વર્તમાન જન્મ દરમ્યાન માનવ જે કર્મ કરે છે તેનાં ફળ રૂપે તેનાં સંચિત અને પ્રારબ્ધ કર્મ બંધાય છે. જ્યાં સુધી માનવી પોતાનાં ઋણાનુબંધ ચૂકવતો નથી તેને સંસારચક્રમાં જન્મ જન્માંતર સુધી ઘુમતાં રહેવાનું છે. આ વિશ્વમાં મૃત્યુ પણ સાર્વત્રિક અનિવાર્યતા છે.

સ્થૂળ વિશ્વમાં ભૂઃ અને ર્ભુવઃ નામની બે વ્યાહૃતિઓનું આધિપત્ય હોય છે. અત્રે મહાવિદ્યાઓ, ત્રિપુરા ભૈરવી અને કામકલા, તેના પુરુષ બટુક ભૈરવ સાથે વિદ્યંમાન છે. માનવ દેહમાં સૂક્ષ્મરૂપે મૂળાધાર, સ્વાધિષ્ઠાન, મણીપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્ત્રાર એમ સાત ચક્રો રહેલાં  છે.  દરેક માનવમાં પહેલાં બે ચક્ર તો જન્મ સાથે જ હોય છે. પરિણામે દરેક માનવી માટે ભુખ, તરસ, શ્વાસોચ્છાશ્વાસ, નિદ્રા અને મૈથુન સ્વાભાવિક છે. આ માટે તેના દેહમાં જીભ, આંખ, કાન, નાક અને ત્વચા એમ પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠી તન્માત્રા વડે જીવવાનું હોય છે. આ વિશ્વમાં અન્નમય કોષ અને પ્રાણમય કોષ સક્રિય હોય છે.

માનવદેહ આખરે મૃત્યુને આધિન થવાનો જ. મૃત્યુ પામ્યા પછી દરેક દેહને, વિવિધ સંસ્કૃતિઓ મુજબ, અગ્નિ અથવા ભૂમિને સમર્પિત કરવામાં આવે છે. જો તેણે સત્કૃત્ય કર્યાં હોય તો તેના આત્મા સાથે તેનો સૂક્ષ્મ દેહ સૂક્ષ્મ લોકમાં જાય છે. આ બીજા વિશ્વમાં તેઓ એક સૂક્ષ્મદેહે પિતૃ દેહ બને છે અને, જો બીજા વિશ્વના મહાત્માઓનો જો અનુગ્રહ થાય તો, બીજો સૂક્ષ્મ દેહ પ્રથમ કારણ વિશ્વમાં પ્રગતિ કરી જઈ શકે છે. પરંતુ જો તેણે અધમ કૃત્યો કર્યાં હોય તો તેને સાત અધોલોકોમાં પ્રેત અથવા અશરીર દેહે ભટકવું પડે છે.

જોકે આપણી ધાર્મિક પરંપરાનો ઉદ્દેશ્ય મોક્ષ પ્રાપ્તિનો છે અને અંતમાં શિવમાં લીન થવાનું હોય છે.

આ માટે આપણે ધર્મનું પાલન કરીને ભક્તિ ભાવનાથી ભોળા શિવની આરાધના કરતાં રહેવું જોઈએ. શિવ તો પાપી મનુષ્યને પણ નિરાશ નથી કરતા અને પોતાનામાં સમાવીને મોક્ષ આપે છે.

+         +        +         +

સનાતન પરંપરાનું સમાપન ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાનાં પ્રસિદ્ધ કાવ્યની પ્રથમ ચાર પંક્તિઓ સાથે કરીએ –

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ
જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું
શૂન્યમાં શબ્દ થઈ વેદ ભાસે.  અખિલ બ્રહ્માંડમાં………..

+         +        +         +

આ લેખમાળાનો વિષય એટલો વ્યાપક છે કે તેમાં જાણ્યેઅજાણ્યે, કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો લેખક હૃદયથી ક્ષમાપ્રાર્થી છે.

+         +        +         +

સંદર્ભઃ

૧) નિત્ય પુજા પ્રકાશ (હિંદી), ગીતા પ્રેસ, ગોરખપુર

૨)  બ્રહ્માં ડ વિજ્ઞાન (હિંદી) – યુટ્યુબ પ્રવક્તાઃ અદ્વૈત

૩) પ્રોજેક્ટ કાલિ  – (અંગ્રેજી) – યુટ્યુબ પ્રવક્તાઃ આદિત્ય


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.


આ લેખમાળાના બધા લેખો “આ ધર્મ સનાતન છે – ભારતની સર્વ સનાતની પરંપરાઓ પર સંક્ષિપ્ત વિવેચન” પર ક્લિક કરવાથી એક સાથે વાંચી શકાય છે / ડાઉનલોડ કરી શકાય છે.