પ્રવાસી યુ. ધોળકિયા

વૈદિક ગ્રંથો પ્રમાણે આપણા સપ્તર્ષિઓએ પ્રારંભથી જ પરમ ચૈતન્ય ઈશ્વરને બ્રહ્મ નામ આપ્યું. પછી તેઓ એ વિશ્વમાં જે અનેક બ્રહ્માંડો અને સજીવ સૃષ્ટિ રહે છે તેના પર પણ ગંભીર વિચારણા કરી. આ સમગ્ર પ્રક્રિયાને સરળ શબ્દોમાં નીચે મુજબ સમજાવી શકાય.

૧) બ્રહ્મનો મૂળભૂત ગુણધર્મ જ વિકસવાનો અને સતત સર્જન કરવાનો છે. આ માટે તેણે પ્રથમ ઇચ્છા કરી અને તેને પરિણામે સૃષ્ટિ સર્જનની પ્રક્રિયા શરૂ થઈ. આ કાર્ય પ્રજાપતિ બ્રહ્માને સોંપવામાં આવ્યું.

૨) વેદાંગ પ્રમાણે કપિલ મુનિ આ સર્જન પ્રક્રિયાને પચીસ તત્વોનો આધાર લઈને સમજાવે છે. આ સાંખ્ય પરંપરા મુજબ વિશ્વમાં પ્રથમ પ્રકૃતિ અને પુરુષ તત્વો હતાં. આ બંને તત્વોમાં સત્વ, રજસ અને તમસ એમાં ત્રણ ગુણો શાંત રીતે સમાયેલા હતા. આ ત્રણ ગુણોમાં એકાએક વિક્ષોભ થતાં પ્રકૃતિ જાગૃત થઈ ગઈ, અને પુરુષે નિવૃતિ સ્વીકારી. પ્રકૃતિ તત્વે તે પછીથી મહત, અહંકાર અને મનસનું સર્જન કર્યું. આ પછી અન્ય તત્વોની સહાયથી પંચમહાભૂત સૃષ્ટિનું સર્જન થયું, તેના ભાગ રૂપે માનવ, પશુ, પક્ષી, વનસ્પતિ, કિટકો અને ભૂમિગત ખનીજોનું સર્જન થયું.

૩) દરમ્યાનમાં બ્રહ્મે  જે ઇચ્છા કરી હતી ત્યાં  अ અને उ શબ્દોનું પ્રાગટ્ય થયું. પછીથી વર્ણમાળાના બાકીના સ્વરો અને વ્યંજનો મળીને ૬૪ અક્ષરની વર્ણમાળા બની. આપણી દેવવાણી સંસ્કૃતની બારાક્ષરી તેમાંથી બની.  अ અને उ નો એકીકૃત નાદ ૐ થયો.

૪) ૐકારનાં સ્પન્દનોથી જ આ પ્રક્રિયામાં પાંચ મુખ્ય પ્રાણ – પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન અને છ ઉપપ્રાણો – નાગ, કર્મ, ક્રિકારા, દેવદત, ધનંજય અને વૃકલ – મળીને ૧૧ પ્રાણોનું પ્રાગટ્ય થયું. સાત છંદોએ આ સ્પન્દનોને ગતિ આપી. તેથી બ્રહ્માંડમાં કશું સ્થિર નથી. ભૌતિક જગતની તમામ ચીજો પોતાના કેન્દ્રની આસપાસ તેમ જ અન્ય કેન્દ્રોની આસપાસ લંબવર્તુળાકારે ઘુમી રહી છે. ઉદાહરણ તરીકે આપણી પૃથ્વી અને સૂર્યમાળાના અન્ય ગહો પોતપોતાની ધરી પર અને સૂર્યની આસપાસ સતત ઘુમી રહ્યા છે. પૃથ્વી પોતાની ધરી પર ૨૩ ક. – ૫૬ મી.ના સમયગાળે એક ભ્રમણ કરે છે, અને સાથેસાથે સૂર્ય ફરતાં, લગભગ વર્તુળાકાર કક્ષામાં ૩૬૫ ૧/૪ દિવસના સમયગાળે કક્ષાભ્રમણ કરે છે; પૃથ્વીની ધરી ત્રાંસા ભમરડાની જેમ ૨૫,૮૦૦ વર્ષના સમયગાળે ભ્રમણ કરે છે જેને અયનચલન – Precession of Equinox – કહેવાય છે. આ અયનચલનની પ્રક્રિયાને કારણે યુગપરિવર્તન થાય છે. સૂર્ય આપણી આકાશગંગાના કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરી રહ્યો છે. તેને એક ચક્ર પુરું કરતાં ૨૨૫ મિલિયન વર્ષ (૧ ગાંગેય વર્ષ) લાગે છે.

૫) આ પ્રક્રિયા આગળ ચાલી ત્યારે તેમાંથી ૭ વ્યાહૂતિ – ભૂઃ, ભુવઃ, સ્વઃ, મહર, જન, તપ અને સત્ નામના સાત ઊર્ધ્વલોક થયા. તે સાથે સાત અધોલોક – તલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતળ, મહાતલ અને પાતાળ (નર્ક ) – નું પણ સર્જન થયું. સાથે સાથે અનેક બ્રહ્માંડો, નિહારિકાઓ, તારાઓ, સૂર્યમાળાઓ અને વેદમાં વર્ણવેલ સાત છંદો- ગાયત્રી, ઉષ્ણિ, અનુષ્ટુપ, બૃહતિ, પંક્તિ (વિરાટ),  ત્રિષ્ટુપ અને જગતિ-નાં આદોલનો સાથે કાળ અને મૃત્યુ પણ સર્જાયાં.

૬) બ્રહ્મે જ્યારે માનવજીવી સજીવ સૃષ્ટિ સર્જી તેના પ્રતિરૂપ આત્માને પણ તેમાં પ્રસ્થાપિત કર્યો. બ્રહ્મની માફક આત્મા પણ શાશ્વત છે. સાચું જ કહેવાયું છે કે ‘યથા બ્રહ્માંડે તથા પિંડે.’

૭) માનવ માટે કર્મ કરવું ફરજિયાત બન્યું. કર્મ ફળને પરિણામે તેને જન્મજન્માંતર સુધી સંસારમાં વિવિધ રૂપે, અનેક વાર, જન્મ લેવો આવશ્યક બન્યું. સાથે સાથે સત્કર્મોનો પણ ઉદય થયો હોય તો માનવીને મોક્ષપ્રાપ્તિની પણ તક મળે છે.

આ તબક્કે એ પણ સમજવું આવશ્યક છે કે સમગ્ર વિશ્વમાં કંઈ પણ જડ નથી, બધું ચેતનામય છે. અસંખ્ય પરમાણુની બનેલી આ સૃષ્ટિના દરેક કણમાં અસંખ્ય બ્રહ્માંડો રચવાની શક્તિ રચાયેલી છે.

આપણે અગાઉ અવારનવાર કહી ચૂક્યા છીએ કે આજે આપણે શ્વેત વરાહ કલ્પના વૈવશ્વત મન્વંતરમાં  જીવન વ્યતીત કરી રહ્યાં છીએ. કળિ યુગ હવે સમાપ્ત થઈ ગયો છે અને આપણે હવે ૧૦૦ વર્ષના યુગ સંધિના પડકારો ઝીલી રહ્યાં છીએ.

ઉપરોક્ત સ્રૂષ્ટિ સર્જનની પ્રક્રિયાના સમર્થનમાં અથર્વવેદમાં એમ જાણાવાયું છે કે પરબ્રહ્મે ઇચ્છા કરી પછી સર્વપ્રથમ તેઓએ હિરણ્યગર્ભને પગટ કર્યો, આ હિરણયગર્ભે પ્રજાપતીનું રૂપ ધારણ કરી જડચેતન સૃષ્ટિની સ્થાપના કરી. તેઓ આ લોક – પરલોકમાં વ્યાપ્ત છે. હિરણ્યગર્ભ સનાતન અને અવિનાશી છે.


આ દીર્ઘ લેખમામાળના અંતિમ મણકા તરીકે આપણે તંત્ર અને પુરાણમાં વર્ણવેલ સૃષ્ટિસર્જનની પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીશું.


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.