(૧) તું ભરતી ને હું ઓટ – મુકેશ જોશી

 તું ભરતી ને હું ઓટ
મને ગમે ભીતર વળવું તું બહાર મૂકે છે દોટ.

 આલિંગનનો લઇ હરખ તું ઠેઠ કિનારે જાય
મારી બુમે લહેરો પાછી ઘરમાં આવી ન્હાય 
તું ઉછળે તો લાગે જાણે ઊર્મિનો વરઘોડો
મારે કારણ ઉદાસીઓને મળે આશરો થોડો
જળના ઘરમાં રહીએ ક્યાં છે ઝળઝળિયાંની ખોટ .. તું ભરતી ને હું ઓટ

શીત ચાંદની નર્તન કરતી કેવળ તારા રાગે
મારે કારણ દરિયા જેવો દરિયો માંદો લાગે
તારી પાસે જોશ જવાની જાદુ જલસા મંતર
મારી પાસે જોવા જેવું કેવળ મારું અંતર.
મારે મંદી તારા ભાયગમાં પણ કાળી ચોટ .. તું ભરતી ને હું ઓટ


(૨) કાગળ છું – ભગવતીકુમાર શર્મા 

વાંચીને હવે તું શું કરશે ? ચૂંથાઈ. ગયેલો કાગળ છું;
વંચાયો હતો ક્યારેક; હવે વિસરાઈ ગયેલો કાગળ છું;

શંકા ન પડે તે માટે હું ચીરાઈ ગયેલો કાગળ છું;
છાતીમાં વસેલો છું તોયે ખોવાઈ ગયેલો કાગળ છું.

ઝાકળની સાથે સ્પર્ધામાં હર રાત ટપકતાં આંસુઓ;
ખુશ્બૂ તો ગઈ ઊડી; હું હવે ચેહરાઈ ગયેલો કાગળ છું.

આ રણની સફર એકલવાયા કરવાનું બહુ કપરું નીવડ્યું;
મૃગજળનો ભરોસો રાખીને ભીંજાઈ ગયેલો કાગળ છું.

અક્ષર તૂટ્યા, શબ્દો રૂઠ્યા, કાના-માતરથી વૈર પડ્યું;
ખૂણે ખૂણેથી ફાટીને વિખરાઈ ગયેલો કાગળ છું.

પારેવાની પાંખેય નહીં; પંખી કેરી ચાંચેય નહીં,
આંસુભીની આંખેય નહીં; ફેંકાઈ ગયેલો કાગળ છું.

કાસદ જેવો કાસદ પણ જો ખૂટલ નીવડે તો શું કરવું ?
ખોટે સરનામે પહોંચીને મૂંઝાઈ ગયેલો કાગળ છું.