ગતાંકમાં આપણે સુશ્રી પૂર્વીબેનની આંતરયાત્રા’ની સફરનું હાર્દ ગદ્યમાં વાંચ્યું.
તેમની આ શ્રેણીમાં તેઓ તેમની આ યાત્રા દરમ્યાન સર્જનનું માધુઅમ બનેલ તેમની કવિતાઓ વિશે વિવેચન પણ રજૂ કરતાં રહેવાનાં છે.
આજે તેમની આંતરયાત્રાની પ્રસ્તાવનાનું પદ્ય સ્વરૂપ માણીએ.

મારી આ આંતરયાત્રા કે મારી લાંબી સફર
કોઈ શહેરથી શહેર સુધીની નહોતી,
ન કોઈ પર્વતની ચોટી સુધીની હતી.
એ તો મારી પોતાની અંદર સુધી પહોંચવાની યાત્રા હતી.

ક્યારેક  મન પ્રશ્નોથી ભરાઈ ગયું,
ક્યારેક સ્મૃતિઓના વાદળોમાં સંતાઈ ગઈ
ક્યારેક પીડા ને દુઃખે પગ રોકી લીધા,
તો કયારેક આનંદીત થયેલ મને પાંખો આપી.

આમ હું અનેક રસ્તાઓને  શોધી રહી ત્યારે
એક દિવસ સમજાયું કે,
જે જવાબો હું દુનિયામાં શોધું છું,
તેના બીજ તો મારા અંતરમાં જ વાવેલા છે.

આ આંતરયાત્રામાં
મેં મારા ભયને ઓળખ્યો,
મારી કમજોરીઓને સ્વીકારી,
અને મારી શક્તિને પણ પહેલી વાર સાચે જોઈ.

ધ્યાનની નિઃશબ્દ ક્ષણોમાં,
પ્રાર્થનાના મધુર સ્વરોમાં,
અને એકાંતના શાંત સાથીપણામાં
મને મારી જાતનો પરિચય મળતો ગયો.

હવે સમજાય છે કે
મંજિલ કોઈ દૂરનું સ્થાન નથી,
પણ પોતાના હૃદયમાં વસેલી શાંતિ છે.

અને આ યાત્રા આજે પણ ચાલુ છે—
દરેક શ્વાસ સાથે,
દરેક વિચાર સાથે,
દરેક નવા સૂર્યોદય સાથે.

મારી આંતરયાત્રા—
મારા અંદરના અનંત આકાશ તરફનું એક અવિરત પ્રસ્થાન. 🌿✨


હવે પછીઃ

आज खो गई वोह नदीयाँ की धारा:  સુકાતા વહેણની કથા


© પૂર્વી મોદી મલકાણ – યુ.એસ.એ  purvimalkan@yahoo.com