ધિક્કારનાં ગીતો

ઇર્ષ્યાને શાનદાર ઢબે વ્યક્ત કરતા એક ગીતની વાત.

દીપક સોલિયા

પુરુષ ગોળગોળ વાત કરે. સ્ત્રીની વાત સીધી ને સટ હોય. વાત કહેતી વખતે સ્ત્રીનું ધ્યાન ‘શું કહેવું છે’ તેના જ પર જ ફોકસ થયેલું હોય, જ્યારે પુરુષના મનમાં વાત કહેતી વખતે ‘શું કહેવું છે?’ તે ઉપરાંત ‘કહેવાથી કેવી અસર પડશે?’ તેનું ગણિત પણ ચાલતું હોવાથી તે બોલવામાં ગોથાં વધુ ખાય. સ્ત્રી દિલથી વાત કરે, પુરુષ દિમાગથી. અભિવ્યક્તિના મામલે સ્ત્રી ખુલ્લી હોય, પુરુષ મીંઢો હોય.

આ ધારણા સાથે સહમત ન થવાની છૂટ, પરંતુ આ ‘પ્રમેય’ સાબિત કરતા એક ગીતની વાત કરીએ. ફિલ્મ ‘કુદરત’ના આ ગીતના શબ્દો તમે જાણો જ છેઃ

હમેં તુમસે પ્યાર કિતના યે હમ નહીં જાનતે
મગર જી નહીં સકતે, તુમ્હારે બિના

ગયા લેખમાં આપણી વાત એ ચાલતી હતી કે એક જ ગીત કિશોર કુમાર ગાય અને અન્ય ગાયક કે ગાયિકા ગાય ત્યારે સામાન્ય રીતે કિશોરવાળું વર્ઝન વધુ લોકપ્રિય બનતું હોય છે. આ ગીત -હમેં તુમસે પ્યાર કિતના-માં પણ એવું જ બન્યું. આ ગીતનું કિશોર કુમારવાળું  વર્ઝન તો સૌએ સાંભળ્યું જ હશે, પરંતુ એ જ મુખડું ધરાવતું પરવીન સુલતાનાએ ગાયેલું ગીત પ્રમાણમાં ઓછું પ્રચલિત બન્યું.

પહેલાં પુરુષ-વર્ઝનવાળા ગીતની વાત કરીએ. એના બે અંતરા આ પ્રમાણે છેઃ

સુના ગમ જુદાઈ કા ઉઠાતે હૈ લોગ
જાને ઝિંદગી કૈસે બિતાતે હૈ લોગ
દિન ભી યહાં તો લગે બરસ કે સમાન
હમેં ઇંતઝાર કિતના યે હમ નહીં જાનતે
મગર જી નહીં સકતે તુમ્હારે બિના…

અને બીજા અંતરાના કેન્દ્રમાં ઇર્ષ્યા છે.

તુમ્હેં કોઈ ઔર દેખે તો જલતા હૈ દિલ
બડી મુશ્કીલોં સે ફિર સંભલતા હૈ દિલ
ક્યા ક્યા જતન કરતે હૈ તુમ્હેં ક્યા પતા
યે દિલ બેકરાર કિતના યે હમ નહીં જાનતે
મગર જી નહીં સકતે તુમ્હારે બિના.

કિશોર કુમારે નરમાશથી, આછી ઉદાસીના સૂર સાથે આ ગીત ગાયું છે. એમણે વિરહ તો ઠીક, ઇર્ષ્યાનો ભાવ પણ કોમળતાથી, રૉમેન્ટિક ઢબે વ્યક્ત કર્યો છે. એ રૉમેન્ટિક અદાયગી એટલી શાનદાર છે કે આજે પણ એ ગીત લોકપ્રિય છે, સાંભળનારને સ્પર્શી શકે છે.

બીજી તરફ પરવીન સુલતાનાએ ગાયેલા વર્ઝનમાં વાત એકદમ ડાયરેક્ટ છે. સ્ત્રી સીધી પોતાની ફરિયાદ વ્યક્ત કરે છે. પુરુષવાળા વર્ઝનમાં દુનિયાની વાત આવે છેઃ સુના ગમ જુદાઈ કા ઉઠાતે હૈ લોગ, જાને ઝિંદગી કૈસે બિતાતે હૈ લોગ… સ્ત્રીનો મિજાજ એવો છે કે લોકો પડે ખાડામાં… મારી ફરિયાદ તારી (પ્રેમી) સામે છે. અને ફરિયાદ આ છેઃ તને નથી ખબર, તને નથી કદર.

મને ભલે નથી ખબર કે હું તને કેટલો ચાહું છું (હમેં તુમસે પ્યાર કિતના યે હમ નહીં જાનતે), પણ મને એટલી તો ખબર છે કે તારા વિના હું જીવી નહીં શકું (મગર જી નહીં સકતે તુમ્હારે બિના). આ વાત હું જાણું છું, પણ તું નથી જાણતો. તારા વિના હું મરી જઈશ એ વાત તને નથી સમજાતી. તું જાડી ચામડીનો છે. તું ભૂલકણો છે. તને મારી પરવા નથી. મારા પ્રેમનું મૂલ્ય તને સમજાયું નથી. આ બધી વાત ઓછામાં ઓછા અને સાદામાં સાદા શબ્દોમાં પહેલા અંતરામાં આ રીતે વ્યક્ત થઈ છેઃ

મૈં તો સદા કી તુમ્હારી દીવાની
ભૂલ ગયે સૈયાં પ્રીત પુરાની
કદર ન જાની, કદર ન જાની

પછી બીજા અંતરમાં ઇર્ષ્યાની ‘ભૌતિક’ અનુભૂતિની વાત આવે છે.

કોઈ જો ડારે તુમપે નયનવા
દેખા ના જાએ મોસે સજનવા
જલે મોરા મનવા, જલે મોરા મનવા

આ જ વાત કિશોર કુમાર પણ ગાય છેઃ તુમ્હે કોઈ ઔર દેખે તો જલતા હૈ દિલ… પણ એના કરતાં પરવીન સુલતાના જ્યારે ગાય છે કે જલે મોરા મનવા… જલે મોરા મનવા… ત્યારે તેમાં દહનની ઉષ્ણતા ઘણી વધુ તીવ્ર રીતે અનુભવાય છે.

ફિલ્મમાં પરવીન સુલતાનાવાળું વર્ઝન રજૂ થાય છે ત્યારે સિચ્યુએશન એવી છે કે આગલા ભવમાં મૃત્યુ પામી ચૂકેલાં બે પ્રેમીપંખીડાં બીજા જન્મમાં ફરી મળે છે ત્યારે સ્ત્રીને ગયા ભવની યાદ આવી રહી છે, એ જૂની પ્રીત નથી ભૂલી, પણ પુરુષ આગલો ભવ ભૂલી ચૂક્યો છે અને એ તો એકદમ ભોળા ભાવે નવા ભવમાં નવી સ્ત્રી સાથે પરણવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

અને એ વખતે સ્ટેજ પર એક ગાયિકા (અભિનેત્રી અરુણા ઇરાની, ગાયિકા પરવીન સુલતાના) આ ગીત ગાય છે અને ઑડિયન્સમાં જૂના ભવના પ્રેમી (રાજેશ ખન્ના)ને નવા ભવની પ્રેમિકા (પ્રિયા રાજવંશ) પાસે બેઠેલો જોઈને જૂના ભવની પ્રેમિકા (હેમા માલિની) એટલી બધી બેચેની અનુભવે છે કે ગીત પૂરું થાય એ પહેલાં જ તે હોલ છોડીને જતી રહે છે. શું કામ? જલે મોરા મનવા… જલે મોરા મનવા… હું નથી જોઈ શકતી તને અન્ય સ્ત્રીની સાથે.

મૂળ આસામના અને પટિયાલા ઘરાનાનાં પરવીન સુલતાના શાસ્ત્રીય ગાયકીનું ભારતનું એક રત્ન છે. સ્વર દ્વારા ભાવની અભિવ્યક્તિમાં તે આ ગીતમાં બરાબર ખીલ્યાં છે. ક્યારેક સમય મળ્યે આ બન્ને ગીત એક પછી એક તરત સાંભળશો તો તમને (લેખના આરંભે નોંધ્યું છે તેમ) લાગશે કે પુરુષની અભિવ્યક્તિ ગોળગોળ જ્યારે સ્ત્રીની વાત સીધી ને સટ હોય છે. અને ખાસ તો, જલનની અભિવ્યક્તિમાં પુરુષ કરતાં સ્ત્રી, કિશોર કુમાર કરતાં પરવીન સુલતાના ઘણાં આગળ છે. કિશોર કુમાર જલનની વાત કરે છે ત્યારે રૉમેન્ટિક લાગે છે, જ્યારે પરવીન સુલતાના જલનની વાત કરે છે ત્યારે એવું લાગે જાણે જલન નામની લાગણી એક સૂરનું રૂપ ધારણ કરીને વ્યક્ત થઈ રહી છે.

ખાતરી ન થતી હોય તો એક જ રસ્તો છેઃ સાંભળી લો.


(ક્રમશઃ)


શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com