ગિરિમા ઘારેખાન

એક નાનકડું ગામ હતું. નામ એનું શાહપુર. આ ગામ એટલું નાનું હતું કે ગામમાં એકપણ નિશાળ જ ન હતી. બાળકોએ ભણવા માટે નજીકના બીજા ગામ સંખેડામાં જવું પડતું. સોનુ અને મોનુ શાહપુરમાં રહેતા હતા. એ લોકો પણ ગામના બીજા થોડાક બાળકોની જેમ સંખેડાની શાળામાં ભણવા જતા હતા. બંને ખાસ ભાઈબંધ એટલે એ લોકો સાથે સાથે જ સંખેડા જાય અને સાથે જ પાછા ફરે. રસ્તામાં ખેતરો આવે અને કૂવા પણ આવે. બંને ભાઈબંધો ખેતરોમાં ઉગેલા લહેરાતા પાકને જોતા જાય, કયો કૂવો ખાલી છે અને કયા કૂવામાં કેટલું પાણી છે એ તપાસતાં જાય અને સાથે સાથે આનંદ કરે. ખાલી કૂવામાં મોં નાખીને પોતાનું નામ બોલે અને અંદરથી પડઘો પડે એ સાંભળવાનું એમને બહુ ગમે.

સોનુ અને મોનુ બંને ભાઈબંધ ખરાં, પણ બંનેના સ્વભાવમાં જમીન આસમાનનો ફેર. સોનુ આશાવાદી, એ ક્યારેય કશી વાતમાં નિરાશ ન થાય.  મોનુ એકદમ નિરાશાવાદી, નાની નાની વાતમાં ‘હવે નહીં થાય’ એમ કહી દે. માથે હાથ દઈને બેસી જાય. સોનુ એને એના આ સ્વભાવ માટે બહુ ટોકે, પણ મોનુ સુધરે નહીં.

એક વખતની વાત છે. ચોમાસાના દિવસો હતાં. સોનુ અને મોનુ નિશાળેથી ઘર તરફ આવતાં હતાં. આકાશ બરાબર ઘેરાયું હતું. સાંજ પડી ગઈ હતી. પહેલા થોડો વરસાદ પણ પડી ગયો હતો. વધારે  વરસાદ પડે એ પહેલા ઘેર પહોંચી જવા માટે એ લોકો દોડવા માંડ્યા. પણ ચીકણી થઇ ગયેલી જમીનમાં બહુ ઝડપથી દોડાતું ન હતું. થોડીક વાર પછી એમને થાક લાગ્યો. એટલે એક કૂવાના થાળા ઉપર થાક ખાવા બેઠા. થોડી વાર બેઠા પછી એમને એ કૂવો કેટલો ઊંડો હશે એ જાણવાની ઇંતેજારી થઇ. કૂવામાં તો અંધારું હતું. એટલે એની ઊંડાઈ જોવા માટે બંને જણાએ શરીર થોડું વધારે અંદર ઝુકાવ્યું. એમ કરતાં થાળાની લીલ બાઝી ગયેલી ભીની સપાટી ઉપરથી એ લોકો લપસ્યા અને સીધા કૂવામાં જઈને પડ્યા. સારું હતું કે વરસાદની ઋતુને લીધે કૂવામાં પાણી હતું એટલે એમને વાગ્યું નહિ.

પણ આવી રીતે અચાનક કૂવામાં પડવાથી મોનુને તો બહુ જ આઘાત લાગ્યો. એણે સોનુને કહી દીધું,  ‘સોનુ, હવે આપણે બચીશું નહીં. સાંજ થઇ ગઈ છે એટલે હવે કોઈ અહીંથી પસાર પણ થશે નહીં અને કોઈ આપણને બહાર નહીં કાઢે.’

પણ સોનુ આશાવાદી હતો. એણે કહ્યું,

‘કદાચ બાજુના ખેતરમાં કોઈ હોય તો આપણી બૂમ સાંભળે પણ ખરા. આપણે પ્રયત્ન ના છોડવો જોઈએ.’

મોનુએ સોનુની વાત માની નહીં. પણ સોનુએ તો ‘બચાઓ, બચાઓ’ ની બૂમો પાડવાની ચાલુ કરી દીધી. સાથે સાથે એણે હાથ પગ પછાડીને તરવાનું પણ ચાલુ રાખ્યું. એને મોનુને કહ્યું, ‘તું તરવાનું તો ચાલુ રાખ. ડૂબી ન જવાય ત્યાં સુધી આપણે પ્રયત્ન તો કરતાં જ રહીશું.’ એણે તો તરવાનું પણ ચાલુ રાખ્યું અને સાથે સાથે બૂમો પણ પાડતો રહ્યો. આમ કરવામાં એ ઘણો થાકી ગયો પણ એણે બૂમો પડવાનું બંધ ન કર્યું.

હવે તો અંધારું થઇ ગયું હતું અને થોડો થોડો વરસાદ પણ ચાલુ થઇ ગયો હતો. એવા સમયે કોઈ ત્યાંથી નીકળે એવી શક્યતા બહુ ઓછી હતી. પણ સોનુએ આશા ન છોડી. એણે હતું કે જે થવાનું હોય એ થશે, પણ હું પ્રયત્ન તો ચાલુ જ રાખીશ. એણે ‘બચાવો બચાવો’ ની બૂમો પડવાનું ચાલુ જ રાખ્યું.

હવે બન્યું એવું કે શાહપુરના બે માણસો – અંબાલાલ અને સોમાભાઈ, એ દિવસે શહેરમાં થોડી ખરીદી કરવા ગયા હતાં. ખરીદી કરવામાં સમયનો ખ્યાલ ન રહ્યો. એટલે એમને પણ પાછા ફરવાનું મોડું થઇ ગયું હતું. વરસાદમાં ફસાઈ ન જવાય એટલે આમ તો એ લોકો બને એટલી ઝડપથી ગાડી ચલાવતાં હતા. પણ થયું એવું કે આ કૂવા પાસે આવીને જ એમની મોટરમાં પંક્ચર પડ્યું. પંક્ચરને જોવા એ લોકો નીચે ઊતર્યા અને ત્યાં જ એમના કાને ‘બચાવો, બચાવો’ એવા શબ્દો પડ્યા. અવાજ એટલો ધીમો હતો કે પહેલાં તો એમને લાગ્યું કે આ એમનો ભ્રમ હશે. પણ ધ્યાનથી સાંભળતા લાગ્યું કે ખરેખર કોઈ મુશ્કેલીમાં છે જ.

અંબાલાલ અને સોમાભાઈએ આજુબાજુ જોયું. કોઈ દેખાયું નહિ. એ લોકોએ પૈડું બદલવાનું ચાલુ કર્યું. ફરીથી પેલો અવાજ સંભળાયો. એટલે એ અવાજને શોધતાં શોધતાં એ લોકો પેલા કૂવા પાસે ગયાં અને અંદર ડોકિયું કર્યું. પોતાના મોબાઈલની લાઈટ ચાલુ કરીને એમણે ધ્યાનથી અંદર જોયું.

‘અરે, આની અંદર તો કોઈ પડી ગયું છે !’ સોમાભાઈએ કહ્યું.

ઉપરથી કોઈનો અવાજ આવતો સાંભળીને સોનુએ એક હાથ એમના તરફ હલાવ્યો. હવે એ પણ બહુ જ થાકી ગયો હતો. અંબાલાલ તરત જ ગાડીમાં રાખેલું દોરડું લઇ આવ્યા અને કૂવામાં ફેંક્યું. ત્યાં સુધીમાં મોનુ તો લગભગ બેભાન જેવો જ થઇ ગયો હતો. સોનુને એને પહેલા ઉપર મોકલ્યો અને પછી પોતે પણ ફેંકેલા દોરડાને લટકીને ઉપર આવી ગયો. મોનુના પેટમાં થોડું પાણી જતું રહ્યું હતું. એ લોકોએ  એને ઊંધો કરીને એ પાણી બહાર કાઢી નાખ્યું. બંને છોકરાઓ અંબાલાલની ગાડીમાં બેસીને ઘેર પહોંચી ગયાં.

બીજે દિવસે મોનુએ સોનુને કહ્યું, ‘આભાર દોસ્ત. તારી વાત માનીને હું તરવાનો પ્રયત્ન કરતો રહ્યો એટલે જ બચી શક્યો. તેં પણ મારી જેમ નિરાશ થઈને જો બૂમો પડવાનું બંધ કરી દીધું હોત તો આપણને કોઈ બચાવવા ના આવત. અને આપણે કૂવામાં ડૂબી જ જાત.’

સોનુએ કીધું, ‘એટલે જ હું હમેશા તને કહેતો હોઉં છું કે નિરાશાવાદી નહીં બનવાનું. પ્રયત્ન કરવાનો તો બંધ ન જ કરાય.’

એ પછી મોનુ પણ સોનુની જેમ પ્રયત્નમાં વિશ્વાસ રાખવાવાળો બની ગયો છે. હવે એ ગમે તેવા મુશ્કેલ સંજોગોમાં નિરાશ થઈને પ્રયત્ન કરવાનું છોડી દેતો નથી.


ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯