દીઠે અડસઠ જાત્ર

દર્શના ધોળકિયા

ભારતના મહાન જ્ઞાનપુરુષ શંકરાચાર્યે મનુષ્યનાં ત્રણ પ્રકારનાં ભાગ્ય ગણાવ્યાં છેઃ

दुर्लभं त्रयमेवैतत् देवानुग्रहहेतुकम् ।
मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः॥

અર્થાત્  મનુષ્યત્વ, મુક્તિ માટેની ઉત્કટ અભિલાષા અને કોઈ મહાત્માનો આશ્રય પ્રાપ્ત થવો – આ ત્રણેય દુષ્પ્રાપ્ય જ છે. અને જ્યાં પણ તે જોવા મળે છે, ત્યાં સમજવું જોઇએ કે એ કેવળ ઈશ્વરની કૃપાના કારણે છે.

મનુષ્યને જ ઇચ્છાઓ જાગતી હોય છે. તેને પૂરી કરવાની આવડત પણ તેનામાં જાગી જતી હોય છે. પણ આ ઇચ્છાઓ સામાન્યત: વાસનાની કોટિએ જ રહી જતી હોય છે. ધનપ્રાપ્તિ, કીર્તિ, દરજ્જો જેવી ભૌતિક ઇચ્છાઓમાં જ અટવાયેલો મનુષ્ય જીવનનું ઊર્ધીકરણ કરવાને માટે ખાસ ઇચ્છુક હોતો નથી. હજારોમાં કોઈ એકાદને જ આવી ઇચ્છા જાગે છે. કોઈક તત્ત્વની શોધ, જેનાથી પોતે છૂટો પડી ગયો છે એ અનંત તત્ત્વની અભીપ્સા માની લઈએ કે જાગે છે ત્યારે પણ આ થઈ રહ્યું છે તેની એવા લોકોને સમજ પડતી નથી. એ સમજ ત્યારે જ પડે છે જ્યારે એ અનંત તત્ત્વને પામીને બેઠેલું કોઈ નીવડેલું વ્યક્તિત્વ આ અભીપ્સુ આત્માનો હાથ પકડીને તેને યોગ્ય માર્ગે દોરે. સદ્‍ભાગ્યનાં આ ત્રણ પગથિયાં છે. ત્રણેયમાં ક્રમ ચઢતો ચઢતો અંતે પરાકાષ્ઠાને પામે છે. મુક્તિ માટેની અભિલાષા ને મહાપુરુષનો સંશ્રય અચાનક જ ઘટી કે છટકી પણ જતો હોય છે. તેને માટે કરવામાં આવત અપ્રયત્નોથી એ હાથ લાગતો નથી હોતો. આથી જ આચાર્ય શંકર જેવી તાર્કિક વ્યક્તિ એમાં એમાં ઈશ્વરનો અનુગ્રહ જુએ છે. આ ઘટનાઓ દેશ-કાળથી પર છે કેમકે વિરાટ સ્વરૂપે સ્વરૂપે ફેલાયેલું ચૈતન્ય ક્યારે, ક્યાંથી પ્રગટે એ કહેવું મુશ્કેલ હોય છે. આ ત્રણેય વસ્તુઓનું સંયોજન થઈ જતું હોય છે. બહારથી એ અચાનક છે પણ આતરિક રીતે જોતાં ધીમે ધીમે એની ભૂમિકા રચાતી જતી હોય છે.

ભારત દેશ અને હિન્દુ ધર્મ આમ તો સતત પરદેશી પ્રજાઓથી સતત દબાયેલા જણાય હે. પણ ભારતની આધ્યાત્મિક ખોજ અટલી તો પ્રબળ ઊણ્ચાઇ  પર રહેલી છે કે કે જગતભરમાં લોકો ભારતીય ચિંતનનાં વૈચારિક ઉંડાણથી આકર્ષાયાં છે. તે માંયે ખાસ કરીને પાશ્ચાત્ય દેશોની મહિલાઓને ભારતીય ચિંતન વધારે આક્ર્ષી ગયું છે. ત્યાં સુધી કે આ મહિલાઓએ પોતાનાં સુખી જીવન ત્યાગીને ભારતને પોતાની સાધનાભૂમિ તેમ જ કર્મભૂમિ તરીક પસંદ કરીને ભારતીય થવામં શાંતિ અને ગૌરવ અનુભવ્યાં છે. સિસ્ટર નિવેદિતા, મેડલીન સ્લેડ, શ્રી માતાજી, એની બેસંન્ટ, સોફિયા વાડિયા વગેરે જેવી મહાન મહિલાઓએ ભારતને ભૂમિ બનાવીને, આત્મકલ્યાણનું માધ્યમ બનાવ્યું. આ સ્ત્રીઓની આ પ્રકારની નિયતિ હતી, જેને આચાર્ય શંકરે ઈશ્વરકૃપા એવું નામ આપ્યું.

આ સૌ મહિલાઓમાં માતાજીનું વ્યક્તિત્વ ઘણી રીતે જુદું પડે તેવું છે. નાનપણથી જ તેમના જીવનની આસપાસ રહસ્યનું આભામંડળ ફેલાયેલું છે. મેડલીન સ્લેડ કે માર્ગરેટ નોબલની જેમ તેમને કોઈ આધ્યાત્મિક બેચેનીમાંથી પસાર થવું પડ્યું નથી. એક પ્રકારની ઊંચાઈ સાથે જ તેમનો જન્મ થયો છે. આમ, તેમની આધ્યાત્મિકતા જન્મજાત છે.

બાલ્ય વયે – મીરા આલ્ફાસ્સા

મીરા આલ્ફાસ્સા તરીકે ઈ.સ. ૧૮૭૮ની ફેબ્રુઆરીની ૨૧ તારીખે જન્મેલાં માતાજીના પિતા ધનવાન બેન્કર હતા. બાલ્યાવસ્થામાં તેમને ખૂબ જ સુખ-સાધનો સાંપડેલાં. પાંચમા વર્ષથી જ તેમનું રહસ્યમય (mystic) વ્યક્તિત્વ જુદું તરી આવતું. તેમને માટે બનાવેલી ખુરશીમાં બેસીને તેઓ ઊંડા ધ્યાનમાં ઊતરી જતાં. તેમની ગંભીરતા તેમની ઉંમરને માટે યોગ્ય નહોતી. આથી તેમનાં બુદ્ધિવાદી માતા અકળાઈને તેમને પૂછતાં, “અરે, તું આવું ભારેખમ મોઢું કરીને કેમ બેસે છે ? શું આખી દુનિયાનો ભાર તારા ઉપર છે ?’ ત્યારે નાની મીરાં કહેતી : ‘હા, આખી દુનિયાનું દુ:ખ મારા પર ઊતરી રહ્યું હોય તેવું મને જણાય છે.’

ચેતનાની આ વિશાળતા મીરાએ બાળપણથી જ અનુભવી. તેમની અંદર રહેલો પ્રજ્ઞાપ્રકાશ જીવનભર તેમને દોરતો રહ્યો. તેઓ નોંધે છે તેમ : “હુ પાંચ વર્ષની હતી પરથી માંડીને પૃથ્વી ઉપરનાં મારાં છેલ્લાં ૮૬ વર્ષ દરમિયાન હું એને હંમેશા જોતી રહી છું. મારું જીવન મેં એ પ્રમાણે ગાળેલું છે, એ મારો માર્ગદર્શક પ્રકાશ રહેલો છે.’

આ વસ્તુ દર્શાવે છે તેમ માતાજીને નાનપણથી જ એક પ્રકારનુ આત્મદર્શન પ્રાપ્ત થયેલું છે. તે માટે તેમને કોઈ ગુરુની જરૂર પડી નથી. આ પ્રકારના દર્શનનો લાભ દુનિયાને કઈ રીતે આપવો તેના આયોજન માટે જ જીવનમાં બે ગુરુજનો, શ્રી થેયાઁ અને મહર્ષ અરવિંદ,નું આગમન થયેલું છે. પણ એક રીતે જોતાં આ બન્ને મહાપુરુષો માતાજીના સમાનધર્મા જ છે. માતાજી એ બન્નેની મદદ લઈને પોતા ઉપર ઉતરી આવેલા દુનિયાના દુઃખોને હળવું કરવાનો જીવનધર્મ બજાવેલો છે. આથી જ જીવનમાં શું કરવું જેથી આત્મકલ્યાણની સાથે સાથે લોકકલ્યાણ થાય એવો પશ્ન માતાજીને જાગ્યો નથી. કોઈક અસાધારણ શક્તિને લઈને તેઓ સિદ્ધ યોગિનીનાં સ્વરૂપમાં પ્રાદુર્ભાવ પામેલાં છે. તેમને સાંપડેલો પ્રકાશ તેમને ક્યાં લઈ જાય છે એ તેમણે તદ્દન તટસ્થ રહીને જોયું છે. જીવનનું કેન્દ્રબિંદુ પહેલેથી જ સુલભ બન્યું છે. એ બિન્દુએ તેમના જીવનપ્રવાહને જ્યાં જ્યાં વહેવડાવ્યો ત્યાં તેઓ વહ્યાં. તેમનું આ વહેવું સૌને માટે કલ્યાણપ્રદ બન્યું. આ ઘટનાને ચમત્કાર પણ કહી શકાય, સિદ્ધિ પણ કહી શકાય. તેમને પોતાને તો આ બધું એટલું સહજ લાગ્યું છે કે તેમણે પોતાના જીવનમાં બનેલી ઘટનાઓને ચમત્કાર તરીકે જોઈ પણ નથી, અને ઘટાવી પણ નથી. માત્ર અનાયાસે જે મળ્યું તેનો તેમણે પૂરો ઉપયોગ કરી લીધો છે.

માતાજીના આ વિશિષ્ટ ગુણલક્ષણોએ કરીને તેમનાં મિત્રવર્તુળે તેમનું નાં ‘સ્ફિંક્સ’ પાડેલું. આ ગ્રીક શબ્દનો અર્થ થાય છે રહાસ્યમયી રમણી તેમના વ્યક્તિતવં કંઇક એવું હતું જેનાથી સૌ કોઈ તેમના તરફ આકર્ષાતું હતું છતાં તેમને પામી શકતું નહોતું. ચાર વર્ષની બાળકી મીરા ધ્યાન ધરતી !  અનેક પ્રકારનાં તેજોવર્તુળનાં દર્શન કરતી. નિદ્રાવસ્થામાં અનેક ગુરુઓ પાસેથી માર્ગદર્શન પામતી ! ધ્યાનમાં એક વાર હિંદુ ધર્મના અવતાર શ્રીકૃષ્ણનાં દર્શન પણ કરેલાં. જોકે એ સમયે બાળકી મીરા એમના વિશે કશું જાણતી નહોતી. પાછળથી તેમની એ શોધ પુરી થયેલી. તેમને થયેલાં દર્શન સ્થળકાળથી પર હતાં કેમકે સમગ્ર માનવજાતનું કલ્યાણ એ જ એમનું ધ્યેય હતું. સ્થળ-કાળ-ચેતના પ્રત્યેની તેમની આ નિરપેક્ષતાએ કરીને એ જ વૃક્ષો સાથે,પ્રાણીચેતના સાથે ને અંતે મહાન ગુરુઓની ચેતના સાથે અદ્વૈત સાધ્યું.આ પરતી જણાય છે તેમ લોકકલ્યાણ જ તેમનો હેતુ નહોતો, પદાર્થમાત્રની ચેતના સાથે એકતા અનુભવવાની એમની મહેચ્છાએ તેમને પદાર્થમાત્રનાં કલ્યાણી બનાવ્યાં.  પથ્થરમાં પણ પ્રાણતત્ત્વ રહેલું છે એવો સિદ્ધાંત જૈન ધર્મે તો પતીતિ સાથે આપેલો જ છે. એ સિદ્ધાંત પર માતાજીએ અનેક પ્રયોગો કર્યા.

જપાનમાં માતાજીને ચેરીના વૃક્ષ સાથે અદ્વૈત અનુભવાયું.  એ ચેરીના વૃક્ષની નીચે ધ્યાનમાં બેઠેલાં માતાજીએ પોતાનો અનુભવ નોંધતાં જણાવ્યુંઃ મેં જોયું કે વૃક્ષના પુષ્પ સાથે હું એકરૂપ બની રહી છું, પછી એ પુષ્પોની એકરૂપતાએ કારણે દ્વારા હું બધાં યે ચેરીનાં પુષ્પો સાથે એકરૂપ બનવા લાગી છું.  અને પછી એક નીલરંગની શક્તિના પ્રવાહની પાછળ ચાલતાં ચાલતાં હું ચેતનામાં જેમ જેમ વધુ ઊંડે ઊતરતી ગઈ તેમ તેમ એકાએક ચેરી વૃક્ષ બની ગઈ… મનુષ્યના અને વૃક્ષના શરીર વચ્ચે શો ભેદ છે? વાસ્તવમાં કશો જ નહીં. બંગેની પાછળ ધબકી રહેલી ચેતના એક જ છે.’

વૃક્ષ પછી એક બિલાડી ઉપર પણ માતાજીએ તેની ચેતનાને અકાવાનો પ્રયોગ કરેલો. તેઓ આ અંગે નોંધે છે : ‘હું એક પ્રકારનો પ્રયોગ કરવા સારુ બિલાડીઓમાં રસ લેતી હતી. એને જો તમારે કહેવું હોય તો, એક પ્રકારની ઊલટી દિશામાંનો જન્માંતર કહી શકાય. એટલે કે મારે એ જોવું હતું કે પ્રાણીઓ જો તેમના હવે પછીના જન્મમાં માનવદેહમાં પ્રવેશવા માટે તૈયાર હોય તો એમનો પ્રાણી તરીકેનો છેલ્લો જન્મ હતો કે કેમ ! મારો પ્રયોગ સંપૂર્ણપણે સફળ થયેલો. મારી પાસે તદ્દન ખાતરીલાયક એવા ત્રણ દાખલાઓ બનેલા જેમાં તે પ્રાણીઓનો ચૈત્ય પુરુષ એટલા પ્રમાણમાં વિકસિત થયેલો હતો કે જેથી તેઓ માનવદેહમાં પ્રવેશી શકે.’

આ જ રીતે આગળ જઈને માતાજીએ ઇચ્છ્યું કે માનવીની ચેતનાનો વિકાસ થાય તો છેવટે મનુષ્ય-યોનિમાંથી પણ મુક્તિ મળે. મનુષ્ય-યોનિમાંથી મુક્તિ એટલે મૂળ સ્વરૂપ સાથેનું જોડાણ. માતાજી જેના માટે મથ્યાં તે તત્ત્વ આ હતું. આ પ્રકારની વાતો આજે પણ દરેકને ગ્રાહ્ય બને તેવી, સ્વાભાવિક રીતે જ ન હોય. એટલા માટે માતાજીએ પોતાનું દેખીતું સ્વરૂપ એક કલ્યાણની કામના કરતી સ્ત્રીનું, માતૃભાવે સૌને અનુકૂળ આવે એવું પથ્ય બનાવતી વ્યક્તિ તરીકેનું જ રાખ્યું. તેમને સમજયા હતા માત્ર મહર્ષિ અરવિંદ, જેમનાં દર્શન માતાજીએ બાલ્યાવસ્થામાં સ્વપ્નપ્રદેશમાં કરેલાં.

મહર્ષિ અરવિંદ સુધી પહોંચતાં પહેલાં સક્રિય આધ્યાત્મિકતા સિદ્ધ કરવા માટે માતાજીએ ગુહ્ય વિદ્યાનો પ્રદેશ ખેડ્યો. શરીરને, મનને મજબૂત કરવા માટે તેમણે સત્તાવીશ વર્ષની ઉમરે, ઈ.સ. ૧૯૦૫માં અલ્જેરિયામાં આવેલા ત્લેમએમ નગરમાં ગુહ્ય વિદ્યાના વિખ્યાત તજજ્ઞ એમ. થેયાઁ પાસે એ વિદ્યા શીખવા પ્રયાણ કર્યું. માતાજીના સ્વભાવ મુજબ આ વિદ્યામાં પણ ઊંડે સુધી જઈને તેમણે પ્રભુત્વ મેળવ્યું. શરીરમાંથી બહાર નીકળવું, દૂરથી વસ્તુઓને હલાવવી વગેરે જેવી બાબતો તેમને કરતાં આવડતી. પણ આ વિદ્યા તેમને માટે કંઈ પ્રદર્શનનો મુદ્દો નહોતી. તેમના ગુરુ શ્રી થેયાઁ તથા માતાજી પોતે પણ જાણતાં હતાં તેમ, આ પ્રકારનું જ્ઞાન માતાજીનું અંતિમ લક્ષ્ય નહોતું. તેમના ગુરુ ને ગુરુપત્નીને મતે એમની સાધનાની અંતિમ સિદ્ધિએ પહોંચાડવા માટે કોઈ બીજા ગુરુ તેમની રાહ જોતા હતા. ખુદ માતાજીને પણ ઈ.સ. ૧૯૦૭માં એવું જણાયેલું કે પોતે આ જગતમાં એક ઊર્ધ્વ પ્રકાશને નીચે લઈ આવવાને માટે અવતરેલાં છે.

જીવનની મહત્તમ સિદ્ધિ ચેતનાનું ઊર્ધ્વીકરણ કરવામાં રહેલી છે, ચમત્કાર કરવામાં નહિ એ વાતની ભેદરેખાને બરોબર પામી ચૂકેલાં માતાજીએ પોતાને મળેલી સિદ્ધિઓનું પણ અતિકમણ કર્યું અને નોંધ્યું : “… આપણે જેમ જેમ સત્યની નજીક જતાં જઈએ છીએ તેમ આપણને સર્વ પ્રકારના છળપ્રપંચ સામે, દંભ અને અસત્ય સામે રક્ષણ મળી આવે છે… અને એ રીતે જેને સાચી ગુહ્ય શક્તિ મળી આવેલી હોય છે તેને સાથે સાથે પોતાના આંતર સત્યના બળમાંથી દરેક રીતનાં જાદુ, કાળાં કે ઘોળા કે કોઈ પણ રંગના જાદુ નિર્મૂળ કરી દેવાની શક્તિ, એં સત્યનું માત્ર એક બિંદુ અડતાંવેત જ મળી આવે છે.’

માતાજીમાં રહેલી ગુહ્ય શક્તિનો તેમણે કોઈ ભેદભરમ જેવો, લોકોને આકર્ષતો ઉપયોગ ન કર્યો તેના મૂળમાં તેમનામાં રહેલી સત્યની શોધ ભણી આગળ ધપવાની અભીપ્સા હતી. સિદ્ધિ ને અધ્યાત્મ વચ્ચે આ પ્રકારની પરખ કરવાની શક્તિ યથાર્થ રૂપની આધ્યાત્મિક ચેતના ધરાવતી વ્યક્તિઓમાં જ હોય છે. આ પરખને કારણે જ માતાજીમાં રહેલો ચેતનાપ્રવાહ મહર્ષિ અરવિંદના ચેતનાપ્રવાહ સાથે સમન્વિત થઈ શક્યો. એમના ગુરુ શ્રી થેયાઁએ તેમનામાં પ્રેરેલી સમજ પણ તેમાં મોટા પ્રમાણમાં કારણભૂત બની. |

અધ્યાત્મજીવનમાં ઉત્તરોત્તર ઊંડાં ઊતરતાં માતાજીએ સંસાર વ્યવહાર ને અનરર્થ શોખોને પણ પોતાના જીવનમાં એક ઘટના તરીકે પ્રવેશ આપ્યો. ઓગણીસ વર્ષની વયે એન. મોરિસ્સે સાથે તેમનું લગ્ન થયું. પુત્ર આન્‍્દ્રેનો જન્મ પણ થયો. ઈ.સ. ૧૯૧૦ની આસપાસ મોરિસ્સે તેઓ છૂટાં પડ્યાં  ને ફાન્સના જાણીતા અધ્યાત્મયાત્રી શ્રી પોલ રિશાર સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. બાળપણથી જ ચિત્ર, સંગીત – એ બે કલાઓમાં તેમને ખૂબ રસ હતો. આ બંનેમાં પારંગત બનીને રમતગમતના ક્ષેત્રમાં પણ રસ લીધો. આઠ વર્ષની ઉંમરે જ ટેનિસ પણ શીખેલાં ને સારા સારા ખેલાડીઓ સાથે રમેલાં. પણ જેમ ગુહ્ય વિદ્યા એ તેમનું અંતિમ લક્ષ્ય નહોતું તેમ આ બધું પણ તેમના માટે પ્રકીર્ણ બની રહ્યું. બીજો જ કોઈ અવાજ તેમને સંભળાઈ રહ્યો હતો.

તેમની ચેતના સતત એક પ્રકારનું આરોહણ અનુભવતી હતી. જે તેમની ઉંમરના પ્રમાણમાં ઘણું વધારે ઊંચું હતું. જોવાનું એ છે કે તેમને થતા વિવિધ અનુભવો તેમનામાં વિસ્મય જગવતા નહોતા પણ તેમને રાહ જોવાનું જ માત્ર યાદ કરાવતા હતા. તેઓએ નોંધ્યું છે : અગિયાર અને તેર વર્ષની વચ્ચે મને અનેક ચૈતસિક અને આધ્યાત્મિક અનુભૂતિઓ થતી રહેલી અને તેમાં મને જણાયેલું કે પ્રભુનું અસ્તિત્વ છે જ એટલું જ નહિ પણ મનુષ્ય પ્રભુને મળી શકે તેમ છે, ચેતનામાં અને ક્રિયામાં તેમને પૂર્ણ રીતે પ્રગટ કરી શકે છે, પૃથ્વી ઉપર એક દિવ્ય જીવનમાં તેમનો આવિર્ભાવ આપી શકે છે. મારું શરીર નિદ્રામાં હોય તે વખતે કેટલાક ગુરુઓ મને આ વસ્તુ સમજાવતા  હતા તથા તેને સિદ્ધ કરવા માટેની વ્યવહારુ સાધના પણ શીખવતા હતા. એમાંના કેટલાકને તો મારે પછીથી સ્થૂળ ભૂમિકા ઉપર મળવાનું પણ બન્યું હતું. પછીથી આગળ જતાં, આંતરિક તેમ જ બાહ્ય વિકાસ થતો ગયો તેમ તેમ, આ ગુરૂઓમાંના એક ગુરુ સાથે મારો આધ્યાત્મિક તથા ચૈતસિક સંબંધ વધુ ને વધુ સ્પષ્ટ બનવા લાગ્યા અને અર્થસભર બની રહ્યો…’


ક્રમશઃ


ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.