સુશ્રી સપના વિજાપુરાની જિંદગીની સફરનો પહેલો પડાવ આપણે ગતાંકમાં પાર કરી ગયાં.
હવે આગળ ….

નવા જીવનનો આગાઝ!

પપ્પાએ ઇલોલ જવાનું નક્કી કર્યું. એ ૧૯૭૭નો એપ્રિલ મહિનો હતો. પપ્પા અમદાવાદની બસમાં બેસી ગયા. પપ્પા તે સમયે તંદુરસ્ત ના હતા. મને આજે નવાઈ લાગે છે કે પપ્પાએ આટલી લાંબી મુસાફરી શી રીતે કરી હશે! પણ દીકરીની ખાતર બિચારા નીકળી પડ્યા. અમદાવાદથી હિંમતનગરની બસ પકડી. હિંમતનગર પેરેમાઉન્ટ રેસ્ટોરન્ટમાં જમવા ગયા. ત્યાં વાતવાતમાં એક ભાઈને પૂછ્યું કે તમે શરીફને જાણો છો જે અમેરિકા ગયા છે! એ ભાઈ શરીફના સગા જ નીકળ્યા. અને કહ્યું ,”હા ચાલો જાણું છું, તમને એમના ઘરે લઇ જઈશ.” ફરી હિંમતનગરથી ઇલોલની બસમાં બેસી એ લોકો ઇલોલ પહોંચી ગયાં . ઇલોલ સાત હજારની વસ્તીવાળું નાનું ગામ હતું. હવે તો વસ્તી વધી ગઈ છે.એ ભાઈ શરીફને ઘરે લઇ ગયા.

મા ભેંસ દોહતાં હતાં. ગારથી લીપેલું ઘર હતું. શરીફના મોટાભાઈ મંદ બુદ્ધિના હતા. એ બોલ બોલ કરતા હતા. શરીફના બીજા ભાઈ બહારથી આવ્યા તો એમનો એક હાથ ના હતો. જે ઇલેક્ટ્રિક શોક લાગવાથી કાપવો પડ્યો હતો. પપ્પા થોડી વાતો કરીને નીકળી ગયા. ઇલોલ એક ખેતીપ્રધાન ગામ છે. મોટાં ભાગના લોકો ખેડૂત હતાં. જોકે હવે લોકો બહાર નીકળી અને હોટલના ધંધામાં પડી ગયાં છે. પણ પપ્પાને લાગ્યુ કે મને આ વાતાવરણમાં ફાવશે નહિ. એટલે પપ્પાનો જવાબ નેગેટિવ હતો. જેનો અફસોસ શરીફને હજુ પણ છે. પણ શરીફના કહેવા પ્રમાણે મારે બાનુમાને અમેરિકા લઇ જવી છે, ઇલોલ તો હું પોતે નથી રહેવાનો તો બાનુમા શું કામ રહે! અંતે પપ્પા માની ગયા. શરીફના વચેટ ભાઈ યુસુફભાઇ ગાંધીનગર રહેતા હતા. એમને ત્યાં પપ્પા ગયા, અને અમારી સગાઈની વાત કરી. યુસુફભાઇ પણ શોક પામી ગયા. કારણકે શરીફની એક સગાઇ તો થયેલી હતી. પહેલી સગાઇ તોડ્યા વગર બીજી સગાઇ શી રીતે થાય? તો પણ યુસુફભાઇએ પપ્પા પર વિશ્વાસ રાખી સગાઇ કરી દીધી. અમારામાં શરબતનો રિવાજ હતો. એટલે શરબત પી લીધું. સગાઇ થયા પછી ત્રણ અઠવાડિયે શરીફને ખબર પડી. ત્યારે વોટ્સએપ ના હતું. બહુ ફોન પણ થતાં નહિ, એટલે વાયુવેગે સમાચાર મળતાં નહીં.

મારા દાદાની તબિયત લથડવા લાગી હતી. ડોકટરના કહેવા પ્રમાણે બહુ લાંબુ નહીં ખેંચે. દાદાની ઈચ્છા ખરી કે મારા લગ્ન જોઈને જાય. શરીફને પત્ર લખી આવવા કહ્યું. હજુ એ અમેરિકામાં સેટ પણ થયો ના હતો. ફક્ત બે ડોલર પર કલાકની જોબ કરતો હતો એના ગયે હજુ નવ મહિના જ થયાં હતાં અને અમારે એને પાછો ભારત બોલાવવો પડ્યો.એ દેવું કરીને ભારત આવ્યો. મારી પ્રત્યેની મહોબત એને ભારત ખેંચી લાવી! નહીંતર કોને પડી હોય કે આટલે દૂરથી દેવું કરીને ભારત પાછો આવે! એ જુલાઈ 1977 માં પાછો આવ્યો. હું અને પપ્પા એને બોમ્બે લેવા ગયા. એણે મને એરપોર્ટ પર જ ઘડિયાળ પહેરાવી દીધી એ વાત હું કદી નહિ ભૂલું! હજુ એ ઘડિયાળ મારી પાસે છે જોકે ચાલતી નથી . બંને ત્રણ દિવસ બોમ્બેમાં ખૂબ ફર્યા. પિક્ચર જોવા ગયાં! બાંન્દ્રાબીચ ગયાં. ધીરે ધીરે મહોબત પરવાન ચડી રહી હતી. અમારા લગ્ન ઓગષ્ટ 2, 1977 ના દિવસે નક્કી થયા. ફટાફટ કંકોત્રી છપાઈ અને વહેંચાઈ! બોમ્બેથી થોડું શોપિંગ કરી હું અને પપ્પા મહુવા આવી ગયાં.

અંતે જે દિવસની પ્રતીક્ષા હતી એ દિવસ આવી ગયો. શરીફ બપોરે બે વાગે જાન લઈને આવી ગયો. બસમાં પચાસ માણસને લઈને આવ્યો હતો. બાનુમાની સગાઇ કોઈ બીજા ગામમાં થઇ છે એ વાત આખા મહુવાને ખબર પડી ગઈ હતી. એટલે જાન અને વર જોવા અડધું મહુવા ભેગું થઇ ગયું હતું. ઇલોલ ગામનો પહેરવેશ અને ભાષા બંને જુદા હતા. હું પણ લગ્ન પહેલા ઇલોલ ગઈ ના હતી. એમની બોલીમાં મને કાંઈ સમજ પડતી ના હતી. બધાં આવીને કૈંક કહી જતાં પણ હું પ્રશ્નાર્થભરી નજરથી એમને તાકી રહેતી. મારા વચેટ જેઠાણી જે ગાંધીનગરમાં રહેતાં હતાં એ ચોખ્ખું ગુજરાતી બોલતાં હતાં, એ મારા દુભાષિયા બની ગયાં. મને સમજાવતાં કે આ એમ કહેવા માંગે છે. એ લોકોનો પહેરવેશ પણ મહુવાથી બિલકુલ જુદો હતો. જાનને બપોરનું જમણ જમાડી સાંજે અમારાં નિકાહ હતાં. મારું દિલ ખૂબ ખૂબ ધડકતું હતું, કારણકે બિલકુલ અજાણી કોમમાં મારે જવાનું હતું, જેની ભાષા પણ મને આવડતી ના હતી.

સાંજના લાયન્સ ક્લબમાં પપ્પાએ મારું રીસેપ્શન રાખેલું હતું. મૌલવી સાહેબે નિકાહ પણ ત્યાં જ પઢાવ્યા હતા. બીજા દિવસે સવારે નાસ્તો અને બપોરના જમણવાર પછી મને રૂખસત કરવામાં આવી. મારા માટે એ ઘણી અઘરી ઘડી હતી. હું એટલું રડી કે લગભગ બેહોશ થઇ ગઈ! એક તો નજમાની યાદ, બીજું પિયર છોડવાનું દુઃખ અને ત્રીજું એકદમ અજાણ્યા લોકોમાં જવાનું! દિલ ધડકી રહ્યું હતું. પપ્પાની આંખમાં આંસુ આવી ગયાં, કદાચ વિચારતા હશે કે ” કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો.” અને મારા મનમાં ” ડુંગરા જેવો ઉંબરો બેનીએ માંડ કરી ઓળંગ્યો.” “ચલ રી સજની અબ ક્યાં હોતે, કઝરા ના બેહ જાયે રોતે રોતે” ગીત સ્ટીરીઓ પર વાગતું રહ્યું, પગ ભારે થઇ ગયાં હતાં, પપ્પાનું ઘર છોડતાં જીવ તાળવે આવી ગયો હતો. વળી વળીને હું બા, પપ્પા અને ઘરવાળાને જોઈ લેતી હતી. મારો ભાઈ સાદિક ખુરશી પર ચઢીને કુરાન લઈને ઊભો હતો, હું કુરાનનાં સાચા નીચેથી પસાર થઈને ઇલોલ જવા બસમાં બેસી ગઈ.

એક અજાણી વ્યક્તિ અને એક અજાણ્યા ગામની સફર ની શરૂઆત થઇ ગઈ હતી. રાત્રે નવ વાગે અમદાવાદ પહોંચ્યા. ત્યાં પેરામાઉન્ટમાં શરીફે મને જમાડી. ત્યાંથી સીધા અમે ઇલોલ પહોંચ્યા. ઇલોલ પહોંચ્યા ત્યારે રાતના બે વાગ્યા હતા. અમારું ઘર મેં પહેલીવાર જોયું. બહેને રસ્તો રોકી ભાઈ પાસેથી મેખના પૈસા લીધાં, ઘરમાં દાખલ થવા માટે આ એક રિવાજ હતો. રાતે બે વાગે લગભગ ઘણાં લોકો ઘરમાં આવી ગયાં . હું કોઈ એલિયન હોઉં એવી રીતે બધા મને તાકી રહ્યાં હતાં . મારા વચેટ જેઠાણી મને બીજા ફ્લોર ઉપર લઈ ગયાં, ત્યારે બધાં વિખેરાયાં.

નવા જીવનની મહેક!

બીજા દિવસે ઘરે ઘરે મળવા જવાનું હતું. મેં લીલા રંગની સાડી પહેરી હતી. ગામમાં આવી રીતે સાડી પહેરીને કોઈ નીકળતું નહોતું. શરીફે રિક્ષા બોલાવી હતી છતાં ગામના છોકરાનું ટોળું અમારી રિક્ષા ની પાછળ પાછળ દોડતું હતું. વરસાદની ઋતુ હોવાથી સિમેન્ટ અને ડામર વગરના માટીનાં રસ્તા પર કીચડ થઇ ગયેલો અને હું જ્યાં ઉતરતી ત્યાં સાડી ઊંચી લેવી પડતી હતી. મારા સેન્ડલ પણ ગારાથી ખરડાઈ ગયેલા. ઘરે ઘરે ચા પીવી ફરજિયાત હતી. ઘરે આવી ત્યારે શરમને મારી જે ચા પીધેલી એ બધી ઉલ્ટી વાટે બહાર આવી ગઈ. બિચારા મારા સાસુ કહેવાં લાગ્યાં, મારી સુંદર વહુને નજર લાગી ગઈ છે. ખરેખર હું ત્યારે ઘણી સુંદર દેખાતી હતી. કોલેજમાં મને લીના ચંદાવરકર, અને તનુજા કહીને બોલાવતાં. મા એ નજર ઉતારી. મને બહાર જવાની ના કહી. મને હાશ થઇ હતી. કારણકે એ લોકોની ભાષા હું જાણતી ના હતી, અને લોકો સાથે હળવા મળવાનો મને શોખ ના હતો. મા મને ખૂબ ચાહતાં હતાં . તેથી મા હંમેશા મને સંભાળી લેતાં.

ત્રીજા દિવસે શરીફ મને ગાંધીનગર લઇ આવ્યો. ત્રણચાર દિવસ ત્યાં રહ્યાં. પછી અમે હનીમૂન માટે આબુ ફરવાં ગયાં. અમે ત્રણ દિવસ રોકાયાં હતાં. દેલવાડાના ડેરા જોયાં, નખી તળાવ જોયું. ત્યાં જાતજાતના રંગબેરંગી પક્ષીઓ દૂર દૂરથી આવે છે. પક્ષીનો મધૂર અવાજ કાનમાં સંગીત ઘોળી દે! ત્યાંની પર્વતની હારમાળા જોવાનો એક લહાવો લીધો. દૂર દૂર સુધી હરિયાળી છવાયેલી છે. એમાં જો મનગમતો સાથ હોય તો સફર ઔર હસીન થઇ જાય છે. ખાસ કરીને વહેલી સવારે સૂર્યોદય જોવો એક લહાવો છે. ત્યાંની સુંદરતાએ મને મંત્રમુગ્ધ કરી દીધી હતી. એ પછી તો ઘણીવાર અમે આબુ જઈ આવ્યા, હનીમૂનના પ્રેમની જે સુવાસ હૃદયમાં પ્રસરી એ હજુ સુધી બાકી છે. મધૂર મધૂર દિવસો હતાં.

ત્રણ દિવસ પછી અમે ગાંધીનગર આવ્યા. ગાંધીનગર પહોંચતા જ યુસુફભાઇએ સમાચાર આપ્યા કે મારા દાદા જે બીમાર હતા તે ગુજરી ગયા છે. ફક્ત મારા લગ્ન થવાની જ રાહ જોતા હતા. મારા લગ્ન પછી અઠવાડિયામાં ગુજરી ગયા.

અમે મહુવા જવાં રવાનાં થયાં . દાદાની ઝિયારત કરી શરીફ મારા જન્મપત્રક અને મારા લગ્ન સર્ટિફિકેટ બનાવવાની ધમાલમાં પડી ગયો. જેમાં કાકાના મેનેજર મનહરભાઈએ મદદ કરી. આ બધાં પેપરનું મહત્વ હવે મને સમજાઈ છે. શરીફ બે મહિના માટે આવેલો. અમે પેપર્સની ફાઈલ બનાવી હતી. શરીફ અમેરિકા જઈને પછી મારા માટે વિઝા માટે એપ્લાય કરવાનો હતો. શરીફ અમેરિકા જવાનો હતો ત્યારે હું એને બોમ્બે મૂકવા ગઈ. મારું દિલ ખૂબ ઉદાસ થઇ ગયું હતું. બે મહિનામાં શરીફે મને ખૂબ પ્રેમ આપ્યો. એરપોર્ટ પર હું એને વળગીને ખૂબ રડી પડી. એ મને આશ્વાસન આપતો રહ્યો કે જલ્દી બોલાવી લઈશ. અને હું એને ભીડમાં અદ્રશ્ય થતો જોઈ રહી! હું ગાંધીનગર પાછી આવી. એના વગર મને ખૂબ એકલું લાગતું હતું.

ગાંધીનગરમાં રહીને અમદાવાદમાં મેં કી પંચિંગ ના કલાસ ચાલુ કર્યા . અમદાવાદમાં મારે દેવયાની સાથે મુલાકાત થઇ. દેવયાની સુરેન્દ્રની પત્ની. અને સુરેન્દ્ર શરીફનો પાકો મિત્ર. એ બંને અમેરિકામાં અને હું અને દેવયાની બંને વીઝા ની રાહ જોતાં ભારતમાં. અમારે સરસ મેળ પડી ગયેલો. બંને સાથે ક્લાસ કરીએ, ફિલ્મ જોઈએ, ભેળપૂરી ખાઈએ અને અમદાવાદની ગલીઓમાં રખડીએ. થોડા સમય પછી મને ગાંધીનગરના હેન્ડલુમ હાઉસમાં સેલ્સ ગર્લની જોબ મળી ગઈ. ૮૦૦ રૂપિયા મહિને પગાર હતો. મને પહેલેથી પગભર થવું ગમતું. કોઈ પાસે પૈસા માંગવા ના ગમે. પણ ખાવા પીવાના બહું ઠેકાણા પડે નહિ એટલે મારું વજન ઉતરવા લાગ્યું હતું. બા પપ્પા એકવાર કાણોદર ગયેલા ત્યાંથી એ લોકો ગાંધીનગર મને મળવાં આવ્યાં. મને જોઈને બા તો રડી જ પડયાં.એમની મમતા ઉમટી આવી!

શરીફે વિઝા માટે એપ્લાય કરી દીધું હતું. અને લગ્ન પછી નવ મહિને વિઝા કોલ આવ્યો. હું ખુશીથી ઉછળી પડી! લગ્ન સમયે મારી ઉંમર ૨૪વર્ષની હતી. જિંદગી પ્રત્યે હું ગંભીર ના હતી.છોકરમત હતી. અમેરિકાને પણ મેં ગંભીરતાથી લીધું ના હતું. લોકો અમેરિકા જવા માટે પડાપડી કરતાં હતાં. ત્યારે સહેલાઈથી મળેલી તક ને હું સમજી શકતી નહોતી.વિઝા લેવા હું બોમ્બે આવી. બૉંમ્બેમાં માસુમાબેનને ઘરે ઉતરી હતી. વિઝા લઈને હું મહુવા બધાને મળવા ગઈ. બધાથી છેલ્લીવાર વિદાઈ લઇ લીધી. પપ્પાને ભેટીને હું ખૂબ રડી! પપ્પા બોમ્બે સુધી મૂકવા આવેલા. એ મને દૂર સુધી એરપોર્ટ પર અદ્રશ્ય થતી જોઈ રહેલા. એમની આંખોના આંસુ મને દૂરથી પણ દેખાતાં હતાં.


ક્રમશઃ