જુલાઈ એટલે કવિ શ્રી ઉમાશંકર જોશીના જન્મ – જુલાઈ ૨૧, ૧૯૧૧ – નો મહિનો.
આજે તેમની બે કવિતાઃ બંને સોનેટ-
(૧) ગયાં વર્ષો તે તો ખબર ન રહી…
ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં !
ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણહાસે વિરમિયાં !
ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો;
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો !
ઉરે ભારેલો જે પ્રણયભર, ના જંપ ક્ષણ દે.
સ્ફુર્યો કાર્યે કાવ્યે, જગમધુરપો પી પદપદે
રચી સૌહાર્દોનો મધુપટ અવિશ્રાંત વિલસ્યો.
અહો હૈયું ! જેણે જીવતર તણો પંથ જ રસ્યો.
ન કે નાવ્યાં માર્ગે વિષ, વિષમ ઓથાર, અદયા
અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં.
બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા.
તિરસ્કારોમાંયે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા.
પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં –
રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં !
(૨) રહ્યાં વર્ષો તેમાં…
રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું
કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
નથી તારે માટે થઈ જ નિરમી ‘દુષ્ટ’ દુનિયા.
-અહો નાનારંગી અજબ દુનિયા! શે સમજવી?
તને ભોળા ભાવે કરૂં પલટવા, જાઉં પલટી;
અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી!
વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી.-
મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;
નિશાખૂણે હૈયે શશિકિરણનો આસવ ઝમે;
જનોત્કર્ષે-હ્રાસે પરમ ઋતુલીલા અભિરમે.
-બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું:
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.
—ઉમાશંકર જોશી
