નિસબત
ચંદુ મહેરિયા
પિતૃસત્તાક સમાજમાં મહિલાને માણસ નહીં વસ્તુ માનવામાં આવે છે. પુરુષો માટે મહિલાઓ જાણે કે છોકરાં જણવાનું મશીન છે. ભારતમાં વસ્તી નિયંત્રણનો બોજ પણ મહિલાઓના માથે થોપી દેવામાં આવ્યો છે. સરકારો પણ પરિવાર નિયોજનના લક્ષ્યાંકો પૂરા કરવાની જવાબદારી મહિલાઓના માથે ઢોળે છે. અસલામત અને ખતરનાક પરિસ્થિતિઓમાં મહિલાઓના શરીરને વસ્તી નિયંત્રણના સાધન તરીકે ઉપયોગ કરીને તેમના પર પરિવાર નિયોજનની સર્જરી કરવામાં આવે છે. ભારતના બંધારણે તો શું સ્ત્રી કે શું પુરુષ સૌને સમાન લેખ્યા છે પરંતુ વાસ્તવિકતા જુદી છે. સ્ત્રીઓની આ હાલતમાં બંધારણીય જોગવાઈઓ અને તેને વશવર્તી અદાલતોના ચુકાદા તેમની સમાનતાનું સમર્થન કરે છે ત્યારે આશ્વસ્ત થવાય છે. સંવિધાન અને કોર્ટો સ્ત્રીઓની પ્રજનન સ્વાયત્તતા સ્થાપિત કરે છે. મહિલાઓને તેમનાં શરીર અને પ્રજનન સંબંધી નિર્ણય, સ્વતંત્રપણે તેમજ કોઈની ય દખલ વિના લેવાનો પૂર્ણ અધિકાર છે. બંધારણના આર્ટિકલ ૨૧થી આ અધિકાર સંરક્ષિત છે.

કર્ણાટક હાઈકોર્ટે એક દુર્લભ કેસમાં મહિલાના સર્વોત્તમ હિતમાં ચુકાદો આપી ફરી એક વાર ન્યાયની આશા જગવી છે. સંપૂર્ણ પરાવલંબી ૨૩ વર્ષીય એક યુવતી ગંભીર માનસિક અને વિકાસાત્મક અક્ષમતાઓ ધરાવે છે. તેમની વય તો ૨૩ની છે પરંતુ બુધ્ધિ અને શરીરની વય માંડ પાંચ વરસની છે. ૭૫ ટકા કાયમી વિકલાંગતા ધરાવે છે. ૧૩ વરસથી ખેંચ અને વાઈની દવા પર નભે છે. સેરેબ્રલ પાલ્સીપીડિત યુવતી ઉમરના પ્રમાણમાં શરીર અને બૌધ્ધિક ક્ષમતાએ અવિકસિત છે. દર મહિને તેને માસિક તો આવે છે. પન તેની સ્વચ્છતાની તેને કોઈ સમજ નથી. તેને કારણે તેના શરીરમાં ચેપ લાગે છે અને આરોગ્ય વિષયક ગંભીર સમસ્યાઓ પેદા થાય છે. તેના માતા-પિતા અને વાલી તેની સંભાળ તો બહુ રાખે છે પરંતુ કેટલીક બાબતો સંભાળવી તેમના માટે પણ બહુ મુશ્કેલ છે.
શારીરિક-માનસિક રીતે અવિકસિત અને અક્ષમ આ યુવતીના ગર્ભાશયને જો સર્જરી દ્વારા કાઢી નાંખવામાં આવે તો, તેને માસિકને કારણે દર મહિને જન્મતી પીડા અને આરોગ્યની સંભાળમાંથી છૂટકારો આપી શકાય. આ માટે તેમણે અદાલતના દરવાજા ખટખટાવ્યા હતા. વ્યક્તિ સ્વયં તેના આરોગ્ય સંબંધી નિર્ણય લેવા સક્ષમ ન હોય ત્યારે માતા, પિતા, વાલી અને તબીબો કોર્ટ સમક્ષ અરજ કરે છે. આવા અક્ષમ વ્યક્તિના સંરક્ષકની ભૂમિકા રાજ્ય અને અદાલતોની છે. તબીબી વિજ્ઞાનનો નિયમ તો દર્દીને સર્જરીના હેતુ, લાભાલાભ અને જોખમ સમજાવી તેની લેખિત સંમતિ મેળવવાનો છે. .પરંતુ દર્દી ખુદ આ માટે અક્ષમ હોય તો તે કામ તેના વાલી-વારસોએ કરવું પડે છે. માનસિક વિકલાંગ મહિલાઓના ગર્ભાશય બળજબરીથી કાઢી નાંખવામાં આવે છે એટલે પણ કડક કાયદાકીય જોગવાઈઓ કરવી પડી છે. RAIGHT OF PERSONS WITH DISABILITIES ACT, 2016ની એક કલમમાં વિકલાંગ વ્યક્તિની સહમતિ વિના તેની પ્રજનન ક્ષમતાને કાયમી અસર કરે તેવી સારવાર કે સર્જરી તેની સહમતિ વિના ન કરવાની જોગવાઈ છે.
બંધારણીય જોગવાઈઓ, કાયદાની કલમો અને વકીલોની દલીલો પરથી હાઈકોર્ટે ટોટલ એબ્ડોમિનલ હિસ્ટેરેક્ટોમી (પેટ ચીરીને ગર્ભાશય કાઢવાની શસ્ત્રક્રિયા) ની મંજૂરી આપી છે. અદાલતે આ માટે બહુ વિષયક નિષ્ણાતોના મેડિકલ બોર્ડની રચના કરી તેમનો અભિપ્રાય મેળવ્યો હતો. જસ્ટિસ સૂરજ ગોવિંદરાજે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે મહિલાના સર્વોત્તમ હિત, લાંબાગાળાના કલ્યાણના રક્ષણ, સલામતી, તેના આરોગ્ય અને ગરિમા માટે આવશ્યક હોઈ આ અનુમતી આપી છે. આ ચુકાદો માત્ર એક વ્યક્તિના હિતનો નથી તે દૂરોગામી અસરો પણ જન્માવશે.
સામાન્ય રીતે માનસિક વિકલાંગ મહિલાઓના ગર્ભાશય નાબૂદીના નહીં પણ તે યૌન હિંસાનો ભોગ બની ગર્ભવતી બની હોય તો ગર્ભપાતના ન્યાયિક વિવાદના કેસો અદાલતો સમક્ષ વધુ આવે છે. ૨૦૨૪માં ગુજરાતની વડી અદાલતે માત્ર ૧૫ વરસની માનસિક વિકલાંગતાગ્રસ્ત આદિવાસી છોકરીને ૨૮ સપ્તાહના ગર્ભપાતની અસાધારણ સંજોગોમાં મંજૂરી આપી હતી. ૨૦૦૯ના સુચિતા શ્રીવાસ્તવ વિરુધ્ધ ચંદીગઢ પ્રશાસનના કેસમાં નજીવી માનસિક વિકલાંગ બળાત્કારપીડિતાએ ગર્ભમાં રહેલા બાળકને રાખવાની પસંદગી કરતાં સર્વોચ્ચ અદાલતે તેની પસંદગી માન્ય રાખી હતી. ૨૦૨૦માં ઓડિસા હાઈકોર્ટે તબીબી જોખમના અહેવાલના આધારે બળાત્કારપીડિતાને ૨૪ અઠવાડિયાના ગર્ભને સમાપ્ત કરવાની મંજૂરી આપી નહોતી. પરંતુ તેની દેખભાળ અને વળતર સુનિશ્ચિત કર્યા હતા. આ ચુકાદાઓ મહિલાઓને શરીર સંબંધી નિર્ણય લેવામાં સ્વતંત્રતા અને સ્વાયત્તતા આપે છે.
ઘણીવાર સમાજના આર્થિક સામાજિક નબળા વર્ગની મહિલાઓના ગર્ભાશય બળજબરીથી કાઢી નાંખવાના બનાવો બને છે. મહારાષ્ટ્રમાં માસિક અને અન્ય તકલીફોને કારણે મહિલાઓને શેરડી કામદાર તરીકે કામે રાખતા નહોતા તેથી આશરે ૧૩,૦૦૦ મહિલાઓના ગર્ભાશયો કાઢી નાંખવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં માસિક સંબંધી શારીરિક તકલીફોના ઈલાજ મટે ગયેલી આદિવાસી મહિલાઓના ગર્ભાશયો કાઢી નાંખવામાં આવ્યા હતા. તેનું કારણ તેઓ મજૂરીમાંથી હવે રજા ન લે તે હતું. મહિલાઓની પરિવાર નિયોજન શસ્ત્રક્રિયામાં પણ તેમની સાથે બળજબરી થાય છે કે અસલામત વાતાવરણમાં સર્જરી થાય છે. આ પ્રકારની સ્થિતિમાં મહિલાને તેના અધિકારો માટે ખબર હોતી નથી અને સરકારી તંત્ર તેમના પર બળજબરીથી નિર્ણયો થોપે છે અને નસબંદીના લક્ષ્યાંકો ઉંચા દર્શાવે છે.
મધ્યપ્રદેશમાં બે વરસ પહેલાં પરણેલું એક શ્રીમંત દંપતિ કોઈ મુદ્દે વિવાદ થતા છૂટું પડ્યું. એકલી રહેતી પત્નીના ગર્ભમાં બાળક હતું.પરંતુ તે ૧૩ મહિનાના ગર્ભનો નિકાલ કરવા માંગતી હતી. પતિ તે માટે સંમત નહોતો. આ બાબતે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે ગર્ભ રાખવા ના રાખવાની સંપૂર્ણ ઈચ્છા મહિલાની છે અને તેમાં પતિની દખલ પણ સ્વીકાર્ય નથી તેમ કઃઈ ગર્ભપાતની મંજૂરી આપી હતી. કલકત્તા હાઈકોર્ટે ૪૯ વરસના પત્ની અને ૫૭ વરસના પતિને આઈવીએફથી બાળક મેળવવાની મંજૂરી આપી હતી. પતિ-પત્નીની વધુ ઉંમર અને પતિની ઉમર તો આઈવીએફથી બાળક મેળવવાની મહત્ત્મ ઉમર ૫૫ વરસને વટાવી ગયાની દલીલ કરીને હોસ્પિટલે મની સારવારનો નન્નો ભણ્યો હતો. પરંતુ વડી અદાલતે મહિલા ગર્ભ ધારણ કરવા શારીરિક રીતે સક્ષમ હોઈ તેને પ્રજનનના અધિકારથી વંચિત રાખી શકાય નહીં તેમ જણાવી મંજૂરી આપી હતી.
બંધારણીય જોગવાઈઓ અને અદાલતોના ઉદાર તથા પ્રગતિશીલ વલણને જરૂર આવકારીએ, વખાણીએ. પરંતુ સમાજનું વલણ તો રૂઢિચૂસ્ત જ છે. માતૃત્વ, પ્રજનન, ગર્ભપાત અને સ્ત્રીના શરીર સંબંધી નિર્ણયોનો અધિકાર કાં તો ઘરના વડીલો કે પતિને જ હોય તેમ સમાજ વર્તે છે. બહુ થોડા લોકો પોતાના અધિકારો માટે અદાલતો પાસે જઈ શકે છે. એટલે પ્રગતિશીલ કાયદાકીય જોગવાઈઓ સાથે સમાજનું પિત્રુસત્તાક માનસ બદલાય તો જ મહિલાઓને તેમના ઉચિત હક મળી શકે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
