આલેખનઃ રાજુલ કૌશિક

દિવસો, મહિનાઓ, વર્ષો પસાર થયે રાખે છે. મોબાઇલ પર જ તારીખ-વાર જોવાની ટેવ પડી છે એટલે ઘરમાં કેલેન્ડરનું અસ્તિત્વ પણ નામશેષ થવા માંડ્યું છે.

એક સમય હતો જ્યારે અંગત સ્નેહી-સંબંધીઓ અને મિત્રોનાં ટેલિફોન નંબર સૌને યાદ રહેતાં. ‘મોબાઇલ આવ્યા પછી પહેલાંની જેમ હવે ફોનનાં નંબર યાદ નથી રહેતા. જન્મદિને શુભેચ્છા પાઠવવા માટે મોબાઇલમાં રિમાઇન્ડરની સગવડ છે એટલે જન્મદિનની તારીખો નથી યાદ રહેતી’ એવી સ્મૃતિ-વિસ્મૃતિની વાતો પણ થતી રહે છે.

તેમ છતાં એવી અનેક વ્યક્તિઓ છે જે અંગત નથી છતાં ખાસ છે, એમનાં જન્મદિને કે પુણ્યતિથિએ સૌ એમને યાદ કરે જ છે અને અચૂક સ્મરણાંજલિ આપે જ છે. એવો ખાસ દિવસ એટલે કે ૨૧ જુલાઈ અને આવી ખાસ વ્યક્તિઓ એટલે જેમના નામ વગર ગુજરાતી કવિતા અધૂરી કહેવાય એવા કવિ શ્રી ઉમાશંકર જોશી અને ગુજરાતી સુગમ સંગીતની ઇમારતના પાયા જ નહીં આખેઆખી ઇમારત જ કહી શકાય એવા સન્માનીય ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસ.
૨૧ જુલાઈ ૧૯૧૧ના દિવસે શ્રી ઉમાશંકર જોશીનો જન્મ થયો અને એક વર્ષ પછી ૧૯૧૨ની ૨૧મી જુલાઈએ જન્મ થયો શ્રી અવિનાશ વ્યાસનો.

અન્ય માટે કદાચેય આ દિવસ એક સામાન્ય દિવસની જેમ પસાર થઈ ગયો જશે, પરંતુ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સુગમ સંગીતના ચાહકો માટે તો આ દિવસે સુવર્ણ અક્ષરે બે નામ લખાઈ ચૂક્યા હતા.

૨૧ જુલાઈ ૧૯૧૧ અને ૨૧ જુલાઈ ૧૯૧૨ એટલે કે એક વર્ષના અંતરે ગુજરાતની ભૂમિ પર એવી બે વ્યક્તિઓનો જન્મ થયો જે સમયાંતરે વ્યક્તિવિશેષ તરીકે અત્યંત નામના પામ્યા.

આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાના પદો, અખાના છપ્પા, કબીરના દોહા, મીરાંભાઈના ભજનોથી માંડીને આજ સુધી આપણે પણ કેટકેટલાં ગીતો, કાવ્યોને આસવાદ્યા હશે. અનેકવિધ રચનાઓ સાંભળી હશે, માણી હશે, પણ આજે એક વાત નિશ્ચિતપણે કહી શકાય કે શ્રી અવિનાશ વ્યાસે સુગમસંગીતની એક એવી અનોખી રીત આપણને આપી જેનાથી એ આજે પણ એ ચિરસ્મરણીય બની રહ્યા છે.

આવા ચિરસ્મરણીય ગીતકાર-સંગીતકારે એક અનોખું સપનું સેવ્યું હતું.

શ્રી અવિનાશ વ્યાસને અમદાવાદ કે અમદાવાદની નજીક એક એવી સંગીતની સંસ્થા, સંગીતની ઈમારત બનાવવાની ઇચ્છા હતી જ્યાં સંગીતની તમામ સવલતો હોય. જ્યાં ચોવીસ કલાક સંગીત ગુંજતું હોય. સંગીતની તાલીમ અપાતી હોય અને સતત સંગીત વહેતું હોય એવા સાધનાભવનનું સર્જન કરવું. એમણે એવી ઇમારતનો કૉન્સપ્ટ પણ તૈયાર કરાવેલો જેમાં તબલાં અને વચમાં વીણા હોય. અંદર ઑડિટોરિયમ હોય, મ્યુઝિકરૂમ હોય, રિહર્સલ કરવાની સવલત હોય. કોઈ પણ સંગીતકાર કે કવિનું જીવન ધન્ય થઈ જાય એવું સપનું એમણે સેવ્યું હતું. એ સ્વપ્નની ઇમારતનું નામ આપ્યું હતું- ‘નાદબ્રહ્મ’.

સંગીતનું એ સાધનાભવન ‘નાદબ્રહ્મ’- અવિનાશ વ્યાસનું એક એવું સ્વપ્ન હતું જેમાં સાવ અનોખી ઈમારતની રચનાની વાત હતી.

આજે એમના આ સ્વપ્ન ઇમારત- ‘નાદબ્રહ્મ’ની વાત થઈ રહી છે ત્યારે એક રચના યાદ આવે છે જાણે સ્વપ્નદ્રષ્ટા એટલે કે ભવિષ્યની કલ્પના કરનાર એક દ્રષ્ટાની નજરે જે જોયું કે વિચાર્યું એની શાબ્દિક રજૂઆત છે જેમાં નાદબ્રહ્મને -નાદરૂપી પરમતત્વને આ ચારેકોર વેરાયેલા વિવાદ, વિખવાદ, વ્યથાની આંધી દૂર કરવા પ્રગટ થવાની પ્રાર્થના છે.

“હે નાદબ્રહ્મ જાગો….
આજ વિશ્વ વાદ અને વિવાદથી અશાંત છે,
ને સૂનું જગત, દેશ-દેશ પ્રાંત પ્રાંત છે,
વ્યોમ-વ્યોમને બતાડું મધુર બીન વાગો.”

અવિનાશ વ્યાસ કોઈ ભવિષ્યવેત્તા કે નજૂમી નહોતા. એ હતા માત્ર ઋજુ હૃદયના, અત્યંત સંવેદનશીલ વ્યક્તિ. છતાં એમણે જે વાત કે વ્યથા આ રચનામાં વણી છે એ જાણે -અજાણે આજે આપણી નજર સમક્ષ દેખાઈ રહી છે. એમની વ્યથા આજની આપણી કથા બની ગઈ છે. ચોમેર વાદ-વિવાદ અને વિખવાદ વેરાયેલો છે. વિશ્વ આખું અશાંત છે. એકમેકને નાથીને સત્તા આંચકી લેવા યુદ્ધ છેડાય છે અને વિનાશ વેરાય છે.

આવા સમયે આજે આપણે પણ સૌ ખરા ભાવથી આપણી ભાવટ ભાંગવા ઈશ્વર અવતાર ધરે એવી પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી પ્રાર્થનાનો સૂર અવિનાશ વ્યાસની આ રચનામાં પડઘાતો સંભળાય છે.

ફરી કૃષ્ણ તણી બંસરી લઈને આવો,
ફરી એક તાર, એક પ્રાણ સકળમાં જગાવો,
હે આદ્ય ષડજ દેવ, વિશ્વનો વિવાદ ભાંગો,
ગર્જાવો શંખનાદ, ગર્જાવો શંખનાદ,
શમી જાય આ વિખવાદ, ગર્જાવો આ શંખનાદ,
એવો રાગ ગાય જગત પ્રગટે અનુરાગો,
હે નાદબ્રહ્મ જાગો…….

વિશ્વના ખૂણે ખૂણેથી અવાજ ઉઠ્યો છે. એક એવા બુલંદ શંખનાદની જરૂર છે જે ચારેકોર ઉમટેલા કોલાહલને શમાવે, સમસ્ત જગતનું ચેતન જગાવે. આજે બંસરીના એક એવા સૂરની જરૂર છે જેનાથી પ્રાણતત્વના, આપણી ચેતનાના તાર રણઝણી ઉઠે. વિખવાદના સૂરને અનુરાગના, પ્રેમના કોમળ સ્વરમાં પલટાવે.

કોઈ કોમળ, સંવેદનાથી છલોછલ હૃદયની વ્યક્તિ જ્યારે નાદબ્રહ્મને જગાવે ત્યારે તો એ પરમતત્વને જાગવું પડશે ને?

સાંભળ્યું છે કે, ગત વર્ષે પ્રધાનમંત્રીજીએ મનમંદિર ટ્રસ્ટને આપેલી જમીન પર ‘નાદબ્રહ્મ’ આર્ટ સેન્ટર બની રહ્યું છે. આધુનિક સુવિધા ધરાવતા આ આર્ટ સેન્ટરમાં સંગીત, નૃત્યની તાલીમ માટે બારથી વધુ વર્ગખંડ, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે પાંચ પર્ફોર્મિંગ સ્ટુડિયો, એક ઓપન થિયેટર, સુંદર બગીચો, આઉટડોર મ્યુઝિકલ ગાર્ડન, આધુનિક પુસ્તકાલય અને સંગીતના ઇતિહાસને દર્શાવતું મ્યુઝિયમ પણ હશે. નજીકના ભવિષ્યમાં, ‘નાદબ્રહ્મ’ કલાકેન્દ્ર સંગીત ક્ષેત્રની પ્રવૃત્તિઓ માટે વિશેષ કેન્દ્ર તરીકે સેવા આપશે. ભારતીય સંગીત કળાનું તમામ જ્ઞાન આ ઇમારતમાં ઉપલબ્ધ થશે.

આશા રાખીએ કે, આ ‘નાદબ્રહ્મ’ કલાકેન્દ્ર થકી અવિનાશ વ્યાસની કલ્પનાને સાકાર થાય તેમજ વિશ્વ આખાયમાં અનુરાગનો અવાજ ગુંજે..


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.