સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર

લગભગ ૬૦ ઉપરાંત વર્ષ પછી અબ્દુલચાચાના દીકરા ફરીદભાઈનો સંપર્ક થયો, તે પણ ફોન પર. મારું અને ગામનું નામ આપીને મેં પૂછ્યું કે મને ઓળખો છો? જવાબમાં તેમણે કહ્યું. “કેમ ના ઓળખું ? તું વિજુકાકાનો બીજા નંબરનો દીકરો. તને જનોઇ દીધી અને બડવો દોડાવ્યો હતો એ બધું જ મને યાદ છે” આ ઉપરાંત બાળપણના બીજા સ્મરણોની વાત થઈ અને હું એ ૬૦ વર્ષ પહેલાનાં એ દિવસોમાં સરી પડ્યો.
એ સમયે મારી ઉંમર છ સાત વર્ષની. આઝાદી આવ્યાને દશકો પૂરો થવા આવ્યો હતો. છતાં લોકોમાં રાષ્ટ્રીય પર્વો પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણીનો ઉત્સાહ ઓસર્યો ન હતો. તેં દિવસે શાળાઓમાં ધ્વજવંદન થતા અને ત્યાર પછી પ્રભાતફેરી પણ કાઢવામાં આવતી. મારા ગામ ધોlલેરામાં પ્રભાતફેરીના છેલ્લો મુકામ ગામનું પોલીસ સ્ટેશન હતું. ત્યાં કરવામાં આવતા ધ્વજવંદનમાં પોલીસ કર્મચારીઓ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ગામના આગેવાનો પણ જોડાતા.
આઝાદીના આ ઉલ્લાસ છતાં દેશના ભાગલા સમયે સાંભળેલી કોમી રમખાણોની વાતો લોકોના માનસમાં તાજી હતી. બધા ગામડાંઓની જેમ અમારા ગામમાં પણ કોમી સંવાદિતા ભલે જળવાઇ રહી હોય, પરંતુ સદીઓ પુરાણો મુસ્લિમો પ્રત્યેનો પૂર્વગ્રહ તો હાજર જ હતો. આજુબાજુના લોકોની વાત પરથી મુસલમાન એટલે માંસમટન ખાનારા અને દયા વિનાના ક્રુર એવો જ ખ્યાલ હતો. અફવાઓ એવી સાંભળવામાં આવતી કે મોટા શહેરોમાં મુસલમાનો છરો લઈને જ ફરતા હોય છે અને રસ્તા પર પસાર થતા દરેક જણને પૂછે કે હિંદુ કે મુસલમાન? જો જવાબમાં હિંદુ કહેવામાં આવે તો તરત જ છરો મારી દેવામાં આવે છે!
પરંતુ એક દિવસે જ્યારે મારી જાણમાં આવ્યું કે ‘અબ્દુલ’ નામ મુસલમાનનું હોય છે ત્યારે મને તીવ્ર આઘાત લાગ્યો. હું માની જ ન શકું કે મારી શેરીમાં જ રહેતા અબ્દુલચાચા મુસલમાન છે. પછી મોટેરાઓને પૂછતા તેમણે પણ કહ્યું કે ચાચા ખરેખર મુસલમાન છે. પરંતુ મારા માનસમાં ગોઠવવમાં આવેલી મુસલમાનની છબીમાં અબ્દુલચાચા બંધબેસતા ન હતા
ચાચા ધોલેરાની પોસ્ટ ઓફિસમાં ટપાલી હતા. મેં તેમને ક્યારેય પણ ટપાલીના ખાખી યુનિફોર્મ વિના જોયાનું યાદ નથી. ગામમાં તેમનાથી નાના હોય કે મોટા દરેક તેમને ચાચા કહીને જ બોલાવતા. અમારી શેરીમાં જ તેઓ સ્વામિનારાયણ મંદિરનાં એક મકાનમાં ભાડે રહેતા! (આ વાક્યને અંતે આશ્ચર્ય વિરામ એટલા માટે મૂક્યું છે કે મંદિરમસ્જિદના ઝઘડામાં જ ઉછરેલી આજની પેઢી કેવી રીતે માને કે કોઇ મંદિરનું મકાન એક મુસલામાનને ભાડે આપી શકાય?)
ચાચાને બે દીકરા. મોટા દીકરાનું નામ મહમદ અને નાનાનું નામ ફરીદ. આ ઉપરાંત ચાર દીકરીઓ પણ હતી. મહમદભાઈનો ખાસ પરિચય નહિ પણ મારાથી એક વર્ષ આગળ ભણતા ફરીદભાઈનો ખાસ્સો એવો પરિચય. સાથે રમતા અને હોળી ધૂળેટીમાં તો ફરીદભાઈ અમારી શેરીના છોકરાઓના આગેવાન રહેતા. પરંતુ જ્યારે મોજ આવે ત્યારે “ઊઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રેન કહાં તુ સોવત હે” એ કવિતા ગાવા લાગે. તે વખતના તેમના ચહેરા પરના ભાવ આજે પણ મને યાદ છે.
પરંતુ મારે વાત તો કરવી છે અબદુલચાચાની. ચાચાએ સતત બત્રીસ વર્ષ ધોલેરામાં જ ટપાલી તરીકે નોકરી કરી. નોકરી પણ એ રીતે કરી કે ગામના અબાલવૃદ્ધ સૌનાં હૃદયમાં વસી ગયા. સવારે દસ વાગ્યાથી જ ચાચાની કામગીરી શરૂ થાય અને અગિયાર વાગ્યાની બસ ટપાલ લઈને ધંધુકાથી આવે તે પહેલા જ બસ સ્ટેન્ડે પહોંચી ગયા હોય ને બસ આવે ત્યારે બસમાંથી ટપાલનો ભારે થેલો ઉતાર્યા પછી ઊંચકીને પોસ્ટ ઓફિસે પહોંચી જાય. પહોંચ્યા પછી તરત જ ટપાલનાં સોર્ટિંગમાં લાગી જાય. બપોરના દોઢબે વાગવાનો સમય થાય ત્યારે આગલા દિવસથી આવેલી ટપલો એક્ઠી કરીને થેલામાં પેક કરીને અઢી વાગ્યની બસમાં ચડાવી દે. ત્યાર બાદ ટપાલોના સોર્ટિંગનું અધુરું કામ પૂરું કરે ત્યાં તો સમય થાય વિન્ડો ડોલિવરીનો.
જેમણે પણ ધૂમકેતુની ‘પોસ્ટઓફિસ’ વાર્તા વાંચી હશે તેમને ‘ વિન્ડો ડિલવરી’ નો ખ્યાલ હશે જ. અહીં ટપાલ લેવા કોઈ કોચમેન અલીડોસા આવતા નહિ, પરંતુ કદાચ આવ્યા હોત તો તેમની મજાક ન થઈ હોત. ચાચા એમને પ્રેમથી પોસ્ટ ઓફિસની અંદર બોલાવીને કહેતા, “મારું મન કહે છે કે આપની મરિયમ કુશળ છે. તેનો પત્ર આવશે તો હું તરત જ આપના ઘરે આવીને પહોંચાડી દઈશ.”
વિન્ડો ડિલિવરીના સમય પહેલા જ પોસ્ટ ઓફિસે પહોંચી ગયેલા કેટલાક દુકાનદારો કે તેમના ગુમાસ્તાઓ, શાળા અને સરાકારી ઓફિસોના પટાવાળાઓ વગેરે પોસ્ટ ઓફિસની બહાર આવેલા ઓટલા પર અને તેની આજુબાજુ ટોળે વળીને વાતો કરતા કે અંદરોઅંદર મજાક મશ્કરી કરતા. એ સમયે જો અંદર ટકટક કરતું તારનું મશીન કોઈ તાર ઉતારતું હોય તો તારમાસ્તરને ખલેલ પહોંચવાની શકયતા ઊભી થાય. આ સમયે ચાચા ઓફિસની બહાર આવી જાય. તેમને બહાર આવેલા જોતાની સાથે જે શાંતિ પથરાઈ જતી એમાં ચાચા પ્રત્યેનાં સન્માનનો પ્રભાવ જણાઇ આવતો.
વિન્ડો ડિલિવરીનો દોર શરૂ થાય ત્યારે વેપારી પેઢીના માણસો પેઢીના નામો અને ઓફિસોના પટાવાળાઓ ઓફિસના નામો બોલવા લાગે જો તેમની ટપાલ હોય તો ચાચા રાજીપાના ભાવ સાથે છેએએએ..એમ લંબાણથી બોલે અને જો ન તો હોય તો દિલગીરીના ભાવ સાથે નથીઇઇઇ….એમ લંબાવીને જવાબ આપે.
આ પછી જ્યારે ચાચા ગામમાં ટપાલ વહેંચવા નીકળે ત્યારે અમે નિશાળેથી છૂટીને દક્તર(અમે દફ્તરને દક્તર જ કહેતા) ઘરમાં ફેંકીને તરત જ શેરીમાં રમવા નીકળી પડેલા હોઇએ. ચાચાને જોઈને દરેક છોકરો પૂછે ”અમારી ટપાલ છે?” “અમારી ટપાલ છે?” ચાચા દરેકે દરેકને એક સરખો પ્રેમપૂર્વક જવાબ આપે “નથી બાબા”. અમને ટપાલમાં તો કોઇ રસ નહોતો, પરંતુ ચાચા પ્રેમપૂર્વક જે ‘નથી બાબા’ બોલતા એ સાંભળવામાં આનંદ આવતો.
ચાચા કદી કોઈનાં ઘરમાં ટપાલ ફેંકીને જતા ન રહે, પરંતુ તેના નામની બૂમ પાડે અને ઘરમાંથી કોઇ ટપાલ લેવા આવે તો તેના હાથમાં આપે. અને જો ઘેર કોઈ ન હોય તો જ ટપાલ ઘરમાં નાખે.
ટપાલ વહેંચવા નીકળે ત્યારે તેમની એકસરખી ચાલમાં અવરોધ ત્યારે જ આવતો જ્યારે તેઓ રસ્તા પર કોઇ પથ્થર કે ઇંટને જુએ. એ જોતાવેંત જ કોઇને ઠેસ ન વાગે તેવી જગ્યાએ પથ્થર કે ઇંટને બાજુ પર મૂકી દેતા તેમને ગામલોકોએ અનેકવાર જોયા છે. એ જ રીતે ગામની બજારમાં નીકળે ત્યારે કોઇ વેપારી તેમને કહે કે ચાચા આ વસ્તુ મારા ઘરે પહોંચાડી દેશો તો ચાચા જરા પણ આનાકાની વિના તે વસ્તુ લઈને જે તે શેરીમાં ટપાલ વહેંચવા જાય ત્યારે ચીવટપૂર્વક પહોંચાડી આપે.
ચાચાને મેં કોઇની સાથે વાતો કરતા કદી જોયા નથી, પરંતુ તેઓ ગામના અબાલવૃદ્ધ સૌને ઓળખે. એ સમયે વોટ્સેપ ન હતું. આથી કોઇ દીકરીનું નવું નવું સગપણ થયું હોય ત્યારે મૂરતિયા તરફથી સંદેશો પહોચાડવાનું સાધન તો ટપાલનું પરબિડીયું જ હતું. ચાચા કોઇ પરબિડીયા પરના સરનામામાં દીકરીનું નામ જુએ તો તેમને ખ્યાલ આવી જાય કે આ દીકરીનું તાજેતરમાં સગપણ થયું હશે. એ સમય એવો હતો કે જો ઘરની વડીલ વ્યક્તિના દેખતા એ દીકરીને ટપાલ આપે તો દીકરીઓ ખૂબ શરમ અને સંકોચ અનુભવતી. ચાચા આ બાબતનો બરાબર ખ્યાલ રાખીને દીકરી એકલી હોય ત્યારે જ ટપાલ આપે અથવા તેની બહેનપણી કે ભાભીને એ ટપાલ દીકરીને પહોંચાડવા આપે! આજે 70 વર્ષથી ઉપરની ઉંમરની ધોલેરાની કોઇપણ દીકરીને અબ્દુલચાચા વિશે પૂછો તો તેઓ ચાચાને સૌ પ્રથમ આ પ્રકારે જ યાદ કરશે.
અવસાનનો તાર કે અશુભ લખેલો કાગળ કોઇના પર આવ્યો તો ચાચા કદી જે તે વ્યક્તિને ન આપે, પરંતુ પડોશી કે ખાસ સબંધીને આપે અને પછી જે તે પડોશી કે સબંધી મૂળ વ્યક્તિને ઓછામાં ઓછો આઘાત લાગે તે રીતે સમજાવીને આપે. આમ ચાચાને મન ટપાલ એ નિર્જીવ કાગળ ન હતો પણ તેમાં તેમને માણસનો ચહેરો દેખાતો.
ગામના લોકોનો તો ચાચા પ્રત્યેનો આદર હતો જ ઉપરાંત પોસ્ટ ખાતાના ઉપરના અધિકારીઓ સુધી તેમની સુવાસ પહોંચેલી હોવાથી તેઓ પણ ચાચાને આદર આપતા. કોઈ પોસ્ટમાસ્તર બદલી થઈને નવાસવા આવે તો જરૂર જણાયે ચાચા તેમને ખૂબ વિનમ્રપણે માર્ગદર્શન આપતા.
તે વખતમાં દિવાળી ટાણે ટપાલીઓ દુકાને દુકાને અને ઘેરઘેર ફરીને દિવાળીની બોણી ઉઘરાવતા. બહોળો પરિવાર અને ટૂંકો પગાર છતાં અબ્દુલચાચાએ કદી પણ દિવાળીની કે બીજી કોઇ બોણી માટે હાથ લાંબો ન કર્યો.
વર્ષ આવ્યું ૧૯૭૧નું અને ગામલોકોને જાણ થઈ કે ચાચા નિવૃત થાય છે. સામાન્ય રીતે કોઇ ઓફિસનો કોઈ કર્મચારી નિવૃત થાય તો તેના સહકર્મચારીઓ નાનકડો વિદાય સમારંભ યોજીને સન્માનમાં કશીક ભેટ આપીને વિદાયમાન આપે.. પરંતુ અબ્દુલ ચાચાનો પોસ્ટમેન તરીકે નિવૃતિનો સમય થયો ત્યારે એક વેપારીએ ગામની બજારમાં મૂકાયેલા એક કાળા પાટિયા પર આ પ્રમાણે લખ્યું. “અબ્દુલચાચા નિવૃત થાય છે. જેમણે પણ તેમને ભેટ આપવી હોય તે મારી દુકાને રકમ આપીને પહોંચ લઈ લે. આ માટે કોઇનો વ્યક્તિગત સંપર્ક સાધવામાં નહિ આવે.” આમ છતાં ગામના વેપારીઓ નાનામોટા નોકરિયાતો સહિત અનેક લોકોએ પોતાની શક્તિ પ્રમાણે રકમ ક્યારેક તો લાઇનમાં ઊભા રહીને પણ આપી.
ચાચાનો વિદાય સન્માન સમારંભ ગામના સ્થાનકવાસી જૈન સંઘના એક સભાગૃહમાં યોજાયો. ખૂબ મોટી સંખ્યામાં ગામલોકોએ તેમાં હાજરી આપી એટલું જ નહિ અમદાવાદથી ખુદ પોસ્ટમાસ્તર જનરલ પણ હાજર રહ્યા. દૂરના એક અંતરિયાળ ગામના ટપાલીના વિદાય સમારંભમાં જિલ્લાનો પોસ્ટખાતાનો સૌથી વડો અધિકારી હાજરી આપે તે ઘટના પોસ્ટ ખાતાના ઇતિહાસમાં અભૂતપૂર્વ હતી. આના પરથી જ ચાચાની કામગીરી અને લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય. આ સમારંભમાં ગામના નાનામોટા વેપારી આગેવનો, નોકરિયાતો અને વિદ્યાર્થીએ પણ લાગણીસભર પ્રવચન કર્યા. ગામલોકો દ્વારા ઉઘરાવાયેલી ભેટ (તેને થેલી કહેવાતી) પોસ્ટમાસ્તરના હસ્તે ચાચાને અર્પણ કરવામાં આવી. થેલી અર્પણ કરતાની સાથે પોસ્ત માસ્તર જનરલે ચાચાને વંદન સાથે પોતાના વક્તવ્યમાં કહ્યું કે મારા હાથ કાયદાથી બંધાયેલા છે, નહિ તો હું ચાચાને ચોક્કસ એક્ષ્સ્ટેન્શન આપતો.
ચાચા પોતાના કામ અને ધોલેરા ગામ સાથે એટલા ઓતપ્રોત થયેલા કે ગામલોકોને ધોલેરા સિવાય ચાચાનું વતન બીજું હોઇ શકે એવી કલ્પના પણ ન હતી. પરંતુ નિવૃત થયા પછીના થોડા જ સમયમાં જ્યારે ચાચાએ પોતાના વતન જવાની તૈયારી કરી ત્યારે જ ઘણાખરાને જાણ થઈ કે ચાચાનું વતન તો પંચમહાલ જિલ્લાનું ઝાલોદ ગામ છે. ઝાલોદ જવા નીકળ્યા ત્યારે ગામના અનેક લોકો તેમને વળાવવા માટે આવ્યા અને તે સમયે જે લાગણીસભર દૃશ્ય સર્જાયું તે આજે પણ સ્મરણમાં છે.
ઝાલોદમાં અબ્દુલચાચાએ તેમના અવસાન સુધીનો નિવૃતિનો સમય પરિવાર સાથે ખૂબ શાંતિથી પસાર કર્યો. ફરીદભાઇએ કહ્યા મુજબ ચાચાના પરિવારના દીકરાદીકરીઓ, પૌત્રપૌત્રીઓ આજે ખૂબ જ સુખી છે. તેઓ આને તેમના પિતાશ્રી અબદુલચાચાનો પુણ્યપ્રતાપ કહે છે. એ જે પણ કાંઈ હોય, પરંતુ મને બાળપણમાં જે સમજાતું ન હતુ તે સમજાઈ ગયું કે ચાચા માત્ર મુસલમાન જ નહિ પરંતુ સાચા મુસલમાન હતા. કારણ કે ચાચા ખૂબ પ્રમાણિક, નીતિ પરાયણ, કર્તવ્યનિષ્ઠ, સ્વાશ્રયી અને નિર્વ્યસની એવા ખુદના બંદા હતા. જો કે તેમને નમાજ પઢવાની જરૂર ન હતી કારણ કે તેમની કાર્યનિષ્ઠા જ બંદગી હતી. છતાં આ અંગે ફરીદભાઇને પૂછતા તેમણે જણાવ્યું કે ચાચા નમાજ પણ પઢતા, પણ કામના સમયે નહિ પરંતુ રાત્રે બધા જ પ્રહરની નમાજ સાથે પઢતા.
( ચાચાના પૌત્ર ઈબ્રાહીમભાઈ પાસે મેં ચાચાની તસવીરની માંગણી કરી તો તેમણે સત્વરે મોકલી આપી. એ તસવીર ઘણી જૂની છે અને સ્પષ્ટ જોઇ શકાતી નથી. તેથી એ સાથે AIની મદદથી મૂળ તસવીરની સાથે બીજી સ્પષ્ટ જોઇ શકાય તેવી તસવીર પણ મૂકી છે. ઇબ્રાહીમભાઈનો ખૂબ આભાર. સાથે ચાચા વિશેના મારા સ્મરણોની ખરાઇ કરવા બાબતે ફરીદભાઈ અને ધોલેરા ગામના અનેક વડીલોનો આભાર માનું છું.)
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
