‘ખૂલી આંખના સપના’ અને ‘સમી સાંજના સપના’ નામના બે ગઝલ સંગ્રહ તથા ‘અધૂરાં સપનાં’ નામની નોવેલની લેખિકા સપના સ્વપ્નલોક સમાન અમેરીકાના કેલિફોર્નિઆમાં એમના પતિ શરીફ સાથે વસે છે.

તેમનો જન્મ મહુવામાં ૧૯૫૩માં થયો હતો. કેમેસ્ટ્રીના સ્નાતક સપનાબેનને નાનપણથી લેખનકાર્યમાં રસ હતો. કલાપીના કાવ્યો એમના હ્રદયમાં સ્પંદનો જગાડી જતા.

૧૯૭૭માં અમેરિકા આવ્યા પછી બેંકમાં જોબ અને ગૃહિણી તરીકેની ફરજોને કારણે વર્ષો સુધી કાગળ કલમ હાથમાં લઈ શક્યા નહી. ૨૦૧૦માં ઉદાસીના વાદળોને વિખેરવા માટે કલમ હાથમાં લીધી અને હ્રદયમાંથી પ્રેમાનંદ ફરી વહેવા લાગ્યો. છાપાઓમાં અને સાહિત્યિક સંસ્થાઓમાં એમની રચનાઓને દાદ મળવા લાગી. સાહિત્યિક ક્ષેત્રે વધુ પ્રવૃત થઈ દેશ-વિદેશના કવિ સંમેલનોમાં પણ તેમણે સક્રિય રસ લીધો. પારિતોષિકો અને પ્રમાણપત્રો દ્વારા તેઓ પ્રોત્સાહિત થતા રહ્યા.

લેખન અને વાંચનને તેઓ પ્રસન્નતાનું ઝરણું અને માનસિક ઉપચાર માને છે. પ્રવાસ એમનો શોખ છે અને તેઓએ લગભગ ૩૨ દેશોનો પ્રવાસ કર્યો છે.  www.kavyadhara.com  બ્લોગ પર એમને વધુ વાંચી શકાશે.

Email: sapana53@hotmail.com


હર જીવન એક કહાની હૈ!

અકબંધ કોઈ કિતાબમાં વર્ષોથી સાચવી રાખેલા સૂકા ગુલાબની જેમ સાચવી રાખેલી આ સ્મૃતિઓ હજુ સુવાસિત છે! જ્યારે કોઈ શાંત જળમાં પથ્થર ફેંકે તો વમળ ઉઠીને કિનારાને અડી જાય છે તેમ મારા શાંત માનસપટ પર વિચારરૂપી પથ્થર ફેંકે તો સ્મૃતિઓ કઠપૂતળી બનીને સામે નાચવા લાગે છે. સ્મૃતિ કષ્ટદાયક પણ હોય અને પ્રેમદાયક પણ હોય! આ સ્મૃતિ આપણને જીવનભર એ રીતે વળગીને રહે છે જે રીતે વૃક્ષને વેલી વીંટળાયેલી રહે છે . જો વૃક્ષથી વેલ જુદી કરવામાં આવે તો મરી જાય! આજ ફરી એકવાર હું અતીતની સફર કરવા જાઉં છું! ચાલો, મારી સાથે ભાવનગરથી લંબાઈને તળાજામાંથી પસાર થઇ માલણ નદીને પાર કરીને બંને બાજુ જટાયુ જેવી નાળિયેરીની હારમાળામાંથી કોઈ કોઈ તપસ્વી જેવો પસાર થતો એ રસ્તો તમને મહુવા સુધી પહોંચાડી દેશે!

મહુવા એટલે સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાય! ત્રણ બાજુ દરિયો અને એક બાજુ રસ્તો! ભવાની જાઓ કે દીવાદાંડી અથવા બંદર! એકજ દરિઓ પણ જુદાં જુદાં રૂપ એના! બંદરમાં એ શાંત ઋષિમુનિ જેવો, જેમાં પડીને અમે ખૂબ નાહ્યાં છીએ! કિનારા આગળ પાણી છીછરાં! અમેરિકાના બીચ જેવો! દીવાદાંડીનો ઉછાંછળો! દીવાદાંડી ત્યાં એટલે જ રાખવામાં આવી હશે. કારણકે ત્યાંનો દરિયો પથરાળ. આજુબાજુ મોટાં મોટાં પથ્થરથી ઘેરાયેલો! એણે પથ્થર સાથે માથાં પછાડીનેઅદભૂત કોતરકામ કર્યું છે, એવું લાગે કે હમણાં પથ્થર ગીત ગાઈ ઉઠશે! ભવાનીમાં મોટાં મોટાં રેતીના ઢગલાં છે!અહીં ભવાનીનું મંદિર છે. અહીં દરિયો ખૂબ ઊંડો છે અને અંદર દલદલ પણ છે.

એકવાર હું, મારી બહેન શીરીન અને મારા કાકાની દીકરી નિલોફર ભવાનીનાં દલદલમાં ઉતરી પડયાં હતાં. શીરીને નીલોફરને તેડેલી હતી. અમે ભવાની ફરવા ગયેલાં. દૂર ફતુમાબેન અને એના ફિઆન્સે પ્રેમગોષ્ઠી કરી રહ્યાં હતાં. અમે હાથ હલાવી હલાવીને એમને બોલાવવાં પ્રયત્ન કરતાં હતાં. બંને પ્રેમમગ્ન હતાં. અંતે અમે બૂમો પાડીવાં લાગ્યાં તો બંને દોડીને આવ્યાં. ફતુમાબેને સાડી પહેરી હતી. તરત એમણે સાડી કાઢીને પથ્થર સાથે વીંટાળીને એક છેડો અમારાં તરફ ફેંક્યો, બીજો પકડી રાખ્યો. સાડી ને પકડીને અમે બહાર નીકળી ગયાં . અમે લગભગ ઢીંચણ સુધી દલદલમાં ખૂંપી ગયાં હતાં. આમ છતાં દરિયો મને ખૂબ વહાલો છે. શરદપૂનમમાં ઘણી રાતો અમે દરિયા કિનારે વિતાવી છે, આખી રાત જાગીને દૂધપૌંઆ ચાંદનીમાં રાખીને રમત પણ રમ્યાં છીએ!

ચાંદ રૂપેરી જાળ બીછાવે
પ્રેમાન્ધ દરિયો મોજા ઉછાળે
બુંદ બુંદ પ્રેમથી ચરણો પખાળે
આંખો મારી પ્રેમ વરસાવે
રહી રહીને મને દરિયો સાંભરે

આજ ના જાણે કેમ મહુવાની નાની ગલીયોમાં મન દોડી દોડીને જાય છે, મને પણ સાથે ઘસડી જાય છે. દાદા ની હવેલીમાં એ ભાગીને પહોંચી જાય છે. ધોબીવાડની સાંકડી શેરીમાં દાદાની ત્રણ માળની હવેલી હતી. મારું બાળપણ આ હવેલીમાં જ વીત્યું. આ નાનકડી શેરીમાં મોટે ભાગે ધોબીઓ રહેતાં હતાં. ઘર માલણ નદીના તટ થી બહું દૂર ના હતું. તેથી નદીમાં પૂર આવે તો પાણી હવેલીના ડેલામાં પણ આવી જતું અને એમાં સાપ માછલી જેવા નાના પાણીમાં રહેતાં જાનવર પણ આવી જતાં. બા કુરાન પડીને આ પાણી ઉતરવાની દુઆ કરતાં .

મારો જ્ન્મ એક મુસલમાન કુટુંબમા મહુવામાં થયેલો. પરિવાર ખૂબ સુખી હતું. જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો નથી. અમે છ બહેનો અને બે ભાઈ હતાં. પપ્પા બ્રીટિશ જમાનામાં મેટ્રિક સુધી ભણ્યા હતા એટલે ઈંગ્લીશ સરસ બોલતા. મમ્મી વિજપડી ગામનાં હતાં એમણે શિક્ષણ લીધું ના હતું, પણ હંમેશા અમને શિક્ષણ માટે પ્રેરણા આપતાં!

હું પહેલા ધોરણમાં હતી ત્યારે ભણવાં જવું મને ના ગમે, કારણકે જેઠા સાહેબ ખૂબ ગુસ્સાવાળા હતા, કાંઈ ના આવડે તો ધડ દઈને થપાટ મારી દે. હું ફક્ત પાંચ કે છ વર્ષની હોઈશ. મારા નાજુક ગાલ પર એમની આંગળીના નિશાન પડી જતા. શાળા ઘરની નજીક હતી. શાળા અને ઘરની વચ્ચે એક ખંડેર હતું. તો હું સ્કૂલે જવાને બદલે ખંડેરમાં બેસી રહેતી અને સ્કૂલ પૂરી થાય એટલે ઘરે આવી જતી! થોડા દિવસ આવું ચાલ્યું, પણ એક દિવસ મારી મોટી બહેન ફતુમા મને જોઈ ગઈ અને મારી ધુલાઈ થઇ. મેં પણ રડતાં રડતાં કહી દીધું કે મને જેઠા સર મારે છે. પપ્પા ધુંઆફુંઆ થતા શાળામા ગયા અને જેઠા સરની ધૂળ કાઢી નાખી. આ પ્રસંગે અમેરિકામાં કિન્ડરગાર્ડનમાં ભણતાં ભૂલકાં યાદ આવી ગયાં. કેટલા પ્રેમથી શિક્ષકો બાળકોને સાચવે છે.

દાદાની હવેલીમાં ત્રેવીશ ઓરડા અને આઠ બાથરૂમ હતા. દાદાને ઓઇલમીલ હતી. ડુંગળીના મેડા પણ ભરતા! દાદાની સાથે મારા કાકા બરાબર જામી ગયા હતા. પણ પપ્પાને આવા કોઈ ધંધામાં રસ ના હતો. એમને ફિલ્મ દુનિયામાં રસ હતો. દાદાની સાથે એમનો ખટરાગ હંમેશા ચાલતો. એક સમય આવ્યો હતો ત્યારે પપ્પા મુંબઈ જતા રહ્યા હતા અને મેહબૂબ સ્ટુડિયોમાં કામ પણ કર્યું હતું. ત્યાં જઈને રેડિયો રિપેરનો કોર્સ પણ કર્યો. ઘરે આવ્યા પછી પપ્પાએ રેડિયાની દુકાન નાખેલી જે મહુવામા ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. પપ્પા મમુભાઈ રેડિયાવાળા તરીકે અને અમે રેડિયાવાળાની દીકરીઓ તરીકે પ્રખ્યાત થઈ ગયાં. દાદા સાથે અણબનાવ થતા એ જ હવેલીના નીચેના માળ પર અમે રહેવા આવી ગયાં

દાદાએ પપ્પાને ખાસ કોઈ વસ્તુ આપી ન હતી. દાદાનો પ્રેમ હંમેશા કાકા પર વધારે હતો. કદાચ દાદાના એ કહ્યાગરા દીકરા હતા. અમે છ બહેનો હતી. એક પછી એક સુવાવડમાંથી પસાર થતી બાને દીકરાની આશા હતી અને છેવટે સાદિકનો જન્મ થયો. એ અમારા માટે ખૂબ ખુશીની વાત હતી. ઘરમાં ભાઈ આવ્યો હતો. અમે બહેનો તો ભાઈને તેડી તેડીને ફરીએ, અને ખૂબ લાડ કરાવીએ. પછી બે વરસમાં બીજો ભાઈ મહેબૂબ પણ આવ્યો. રેડિયાની દુકાનમાં બહુ મોટી આવક ના હતી. કાકા ઓઇલમીલની બધી આવક રાખતા અને ખૂબ જાહોજલાલીથી રહેતા. પપ્પાની વાત યાદ કરતા એક વાત યાદ આવી, પપ્પાને કબૂતરને દાણાં આપવા ખૂબ ગમતા અને હું એમના ખોળામાં ફ્રોક પહેરીને પપ્પાની વાટકીમાંથી મારી નાની નાની મુઠ્ઠીમાં દાણાં લઈને કબૂતરને નાખતી. કદાચ અત્યારે પક્ષી પ્રત્યેનો પ્રેમ એ નાની મુઠ્ઠીમાંથી આવ્યો હશે.

પપ્પા અમને પાર્ટીશનની વાત કરતા. મારું મોસાળ વીજપડી ગામમાં હતું. એ ખૂબ નાનું ખેતી પ્રધાન ગામ હતું. મારા નાના એ ગામના મુખી જેવા હતા. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે બ્રિટિશર્સ , મહમદઅલી ઝીણા અને જવાહરલાલે મળીને ભારતના ભાગલાં પાડવાનું નક્કી થયું. ભારતમાતાની છાતી પર લોહીથી લકીર દોરવામાં આવી! આ ભારત અને આ પાકિસ્તાન! નેતાઓએ જે નિર્ણય લીધો તે લીધો,પણ એ નિર્ણયને લીધે કેટલા લોકોને વતન છોડવું પડ્યું. કેટલા પોતાના વ્હાલાઓથી દૂર થઇ ગયાં! પાર્ટીશન સમયે ટ્રેન ભરીને લાશો ભારતથી પાકિસ્તાન અને પાકિસ્તાનથી ભારત આવતી! મિલિયન્સ લોકો મરી ગયાં . મિલિયન્સ ઘરબાર વગરના થયાં! 75000 વધારે સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવ્યો. નાના નાના બાળકોની લાશો રસ્તા પર રઝળતી મળી આવતી! ન્યુયોર્ક ટાઈમ્સ કહે છે કે આવું ખુનારેજીવાળું પાર્ટીશન ક્યાંય જોયું નથી અને જોવા મળશે નહીં! મારા નાના અને એમના ઘરનાએ ભારત છોડી પાકિસ્તાન જવાનું નક્કી કર્યું. મારી બાના લગ્ન થઇ ગયા હતા, તેથી બા મહુવામાં રહી ગયાં. પપ્પાએ ભારતમાં જ રહેવાનું વિચાર્યું. કેટલા સમય સુધી એ લોકો હિન્દુની જેમ રહ્યાં પોતાની ઓળખ છૂપાવીને ! અત્યારે એવું લાગે છે કે આ ધર્મના વાડા શા માટે? “ના તેરા ખુદા કોઈ ઔર હૈ, ના મેરા ખુદા કોઈ ઔર હૈ , યે જો રાસ્તે હૈ જુદાં જુદાં, યે મામલા કોઈ ઔર હૈ! બેસતાં વર્ષને દિવસે બા નવી સાડી પહેરે અને જાતજાતની મીઠાઈ મંગાવે , અમે આંગણામાં રંગોળી બનાવીએ ,ફટાકડા ફોડીએ અને આનંદમંગળ કરીએ. અડોશપડોશની વહુઓ બાને પગે લાગી આશીર્વાદ લે અને બા બધાને પૈસા આપે! આવો પ્રેમભાવ અમારી વચ્ચે હતો! પણ આ ઝેર ક્યાંથી આવ્યું હશે?

૧૯૬૪ માં પપ્પા અમને પાકિસ્તાન લઈ ગયેલા. બા નાના તથા નાનીને ખૂબ યાદ કરે એટલે પપ્પાએ અમને બધાં ને પાકિસ્તાન લઈ જવાનું નક્કી કર્યુ. દાદાએ ખૂબ વિરોધ કર્યો પણ પપ્પા મક્કમ હતા. અમે દરિયા માર્ગે એક સ્ટીમરમાં ગયાં હતાં. તોફાની દરિયામાં થી પસાર થઈ અમે ત્રણ દિવસની મુસાફરી પછી કરાચી પહોંચ્યા હતાં. રસ્તામાં વીજળી, ધોધમાર વરસાદ પણ પડેલો. જુના જમાનાની એ સ્ટીમર ડૂબતાં ડૂબતાં બચી હતી. મને ત્યાં જરાય પણ ગમતું ના હતું. વતન યાદ આવતું હતું. બે મહિના રહી અમે ભારત પાછાં ફર્યા. મારી એક શિક્ષિકાએ મને મહેણું માર્યુ, “તું પાકિસ્તાની છે, તું તારા દેશમાં જતી રહે!” મને ખૂબ દુઃખ થયું કે મારું વતન ભારત છે મને પાકિસ્તાની કેમ કહી? હું ખૂબ રડી! પ્રિન્સીપાલ પાસે જઈને ફરિયાદ કરી કે ફ્લાણા બહેન મને પાકિસ્તાની કહે છે. પ્રિન્સીપાલે શિક્ષીકાને બોલાવીને ખૂબ ધમકાવ્યાં પછી કદી એમણે મને પાકિસ્તાની કહી નહીં. હું ભારતીય છું અને મને ભારતીય હોવાનો ગર્વ છે.મને બાળપણથી જ વતન પ્રત્યે ખૂબ પ્રેમ! દેશભક્તિના ગીતો ખૂબ ગમે અને હજુ પણ મારા રુંવાડા ઊભા કરી દે છે.

માટી તણી સોડમ ભળી છે શ્વાસમાં,
આવી વતનથી દૂર કારાવાસમાં.

હું આઠમાં ધોરણમાં આવી ત્યારે મને એન્જીનીયર બનવાનો શોખ જાગેલો. તેથી હું જે.પી. હાઈસ્કૂલમાં દાખલ થઇ. સ્કૂલવાળા મને લેવા તૈયાર જ હતા નહિ, કારણકે એ ફક્ત છોકરાઓની સ્કૂલ હતી. તેર થી ચૌદ વર્ષની હોઈશ અને હું સ્કૂલના પ્રિન્સિપાલ સાથે ઝગડી પડી કે મારે ટેકનિકલ માં દાખલ થવું છે, તમે મને ના શા માટે કહો છો? સ્ત્રી પુરુષના સમાન હક માટે એ પહેલું પગથિયું હતું. મારું લોહી ઉકળી આવ્યું. અંતે પ્રિન્સિપાલ માની ગયા. પચાસ છોકરાની વચ્ચે હું એકલી છોકરી. જીદ કરીને હું કલાસમાં આવી તો ગઈ, પણ મને મજા આવતી નહોતી. કારણકે રીસેસમાં હું એકલી પડતી, લેડીઝ વોશરૂમ ના હતું. એટલે બાથરૂમ જવાનો પણ પ્રોબ્લેમ થઈ ગયો. હવે શું કરું? મારા મોટાબહેન ફતુમાબેન ને લઈને પ્રિન્સિપાલની ઓફિસમાં ગઈ અને ફરીથી એમ.એન. સ્કૂલમાં ટ્રાન્સફર લીધી. ત્યારે મને લાગેલું કે ભલે હું કન્યાશાળામાં પાછી આવી ગઈ પણ મેં છોકરાની શાળામા દાખલો તો લીધોને! મારો હક હતો તે મેં લીધો ભલે હું ત્યાંના વાતાવરણને હું અનુકૂળ ના થઇ શકી ને મારું શિક્ષણ પૂરું ના કરી શકી!

એક બંગલા બને ન્યારા!

માધ્યામીક શાળા એમ.એન. હાઈસ્કુલમાં કરી, મેં ૧૯૭૧ માં મેટ્રિક પાસ કર્યુ. કાકા સ્ટેશન રોડ પર રહેવા જતા રહ્યા. હવે બાપાજીએ હવેલી વેચી નાખવાનું નક્કી કર્યું. બાપાજીએ પપ્પાને નૂતનનગરમાં એક જગ્યા અપાવી દીધી જ્યાં પપ્પાએ 299 બંગલો બનાવ્યો.

કૉલેજકાળમાં મારા સપનાએ અર્ધ ખીલેલી કળીની જેમ આંખો ખોલી હતી. સપનાની જિંદગી એટલે સપનામાં વિહરતી સપનામાં મહાલતી સપનામાં જીવતી એક કલ્પનાની દુનિયા!  કૉલેજના પહેલા વર્ષમાં આવી ત્યારે નવા  બંગલામાં રહેવાં ગયાં હતાં, ત્યારે અમે ત્રણ જ બહેનો પપ્પાની સાથે હતી. ત્રણનાં લગ્ન થઇ ગયેલા. પપ્પા અમને ત્રણ ને પૂછીને દરેક વસ્તુની પસંદગી કરે! જેમકે ક્યાં રૂમમાં કઈ લાદી નાખવી, રસોડું કેવું બનાવવું, ડાઇનિંગ ટેબલ કેવો જોઈએ, બગીચામાં ક્યાં ફૂલ નાખવા. ક્યાં ફળ વાવવાં! આ બંગલો એમની જાન બની ગયો હતો. એક સપનું બની ગયો હતો. ત્રણ બેડરૂમ, એક ડ્રોઇંગ રૂમ, ડાઇનિંગ રૂમ, કિચન, વરંડા, હોલવે અને ઉપર અગાશી અને એક સ્ટોર રૂમ!! બસ આ ઘરમાં પપ્પાનો આખો સંસાર સમાઈ ગયો હતો.

સાંજે શેરીની છોકરીઓ સાથે ખો ખો, આંધળીયો પોતલળીઓ રમવું  શેરીની છોકરીઓને ટ્યુશન આપવું,  લાયબ્રેરીમા જઈ પુસ્તકો નો ઢગલો લઇ આવવો પછી ગરમ બપોરમાં પંખા નીચે સૂઈ પુસ્તકો વાંચવાં! આ ઘર દિવસે દિવસે વધારે ને વધારે વહાલું થતું જતું હતું. બગીચો હવે ખૂબ મહેકી ગયો હતો. રાતરાણી, સાચા ગુલાબ અને ચંપો અમારાં બગીચાને મહેકાવા માટે પૂરતાં હતાં. અને જાસુદ, બોગનવેલ અને પારિજાત બગીચાને રંગ આપી રહ્યાં હતાં. નાળિયેરી, કેળાં અને પપૈયા ફળ આપી રહ્યાં હતાં. પપ્પા રોજ સવારે બધાં છોડને પાણી આપે અને પ્રેમથી એને પ્રસારે. એક એક ફૂલ સાથે વાતો કરે. બા પણ પપ્પા પાછળ ફરી પપ્પાને મદદ કરે. સવારના સાત વાગ્યાથી લગભગ નવ વાગ્યાં  સુધી બંને આ કામ કરે. બા મારા એકદમ સાદા ,સીધા અને સરળ સ્વભાવનાં હતાં. બાનો વાન એકદમ ગોરો હતો. એમની દાઢી પર એક છૂંદણું ટંકાવેલું હતું. બા ગુજરાતી સાડલો પહેરતાં. ગુજરાતી હિરોઈન દિના પાઠક જેવા લાગતા! સ્નેહ નીતરતી આંખો એમની ઓળખાણ હતી!

પપ્પાની ઈચ્છા મને ડૉક્ટર બનાવવાની હતી. પહેલાં એફ.વાયથી મેડિકલમાં જવાતું હતું.પણ કમનસીબે એ વરસથી અચાનક પ્રી સાયન્સથી મેડીકલનાં ઍડમીશનનું ચાલું થયું અને મેં પ્રી સાયન્સમાં બહું મહેનત કરેલી નહીં એટલે મેડિકલમાં ના જઈ શકી. પછી નર્સીંગમાં જવું હતું પણ એ જમાનામાં નર્સીંગને બહું સારો પ્રોફેશન ગણવામાં આવતો ન હતો તેથી પપ્પાએ ના જવા દીધી.પછી ભણવામાં રસ ઓછો થઈ ગયો.

જિંદગી ઔર મૌત તો ઉપરવાલેકે હાથમે હૈ!

હું જ્યારે કૉલેજનાં ચોથા વરસમાં હતી ત્યારે મારા જીવનમાં એક હાદસો થઈ ગયો જે હું જીવનના અંત સુધી નહીં ભૂલું. મારી એક મોટી બહેન નજમા પરકોમના છોકરાના પ્રેમમાં હતી. એનું નામ રવિ હતું. રવિ એ કૉલેજનો તોફાની છોકરો હતો. ભણવા ગણવાનું નહીં અને છોકરીઓની લાગણી સાથે રમવાનું! કૉલેજની બહાર ઊભા રહેવું માવા ખાવા અને આવતી જતી યુવતીઓને છેડછાડ કરવી. પણ નજમા પ્રેમમાં અંધ હતી. એને રવિનો અસલી ચહેરો દેખાતો ના હતો. એ બંને વચ્ચે કૈક ખટરાગ થતા નજમાએ એકવાર ઊંઘની ગોળી ખાઈ આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો. તેથી પપ્પા ગભરાઈ ગયા, એમણે કહ્યું,”બેટા,જો રવિ  તારી સાથે લગ્ન કરવા  તૈયાર હોય તો મને વાંધો નથી, સમાજ અને ધર્મની વિરુધ  જઈને તારા લગ્ન રવિ  સાથે કરાવી આપીશ. મારે માટે દીકરીનું જીવન કોઈ સમાજ કે ધર્મ કરતાં વધારે છે. તું  રવિ  સાથે લગ્નની વાત કરી લેજે.” રવિના માબાપ આ પ્રેમસંબંધની વિરુધ હતાં. પપ્પાએ દીકરીની જીદ આગળ નમતું જોખેલું. પણ રવિ ને તો રમત કરવી હતી લગ્ન ક્યાં કરવા હતા?

એ દિવસે મારા કેમેસ્ટ્રીના પ્રેકટીકલ હતાં. ચાર વાગે હું કોલેજથી પાછી ફરતી હતી. મેઘદૂત સિનેમા પાસે પહોંચી તો અમારા પડોશી લાભુબેન એકદમ હાંફળા ફાફળા દોડતાં મારી પાસે આવ્યાં, મને કહે કે જલ્દી ઘરે જા તારાં ઘરમાં કૈંક બની ગયું છે. મારા હાથમાંથી પુસ્તકો પડી ગયા. હું ઘર તરફ ભાગી તો ઘરમાં રોકકળ ચાલું હતી, નજમાએ રવિની હાજરીમાં પોતાના પર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દીધી હતી. એનું અર્ધ બળેલું શરીર મારી સામે હતું. મારી આંખો પટપટાવાનું ભૂલી ગઈ હતી ગળે ડૂમો બાજી ગયો હતો. મારા હાથ પગ ધ્રુજી રહ્યાં હતાં . રવિ સામે જ રસોડામાં ઊભો હતો. મારું શરીર ગુસ્સાથી ધ્રુજી રહ્યું હતું, મારા હાથમાં કોફીનો કપ આવ્યો, મેં જોરથી એ કપ રવિના માથામાં માર્યો. એ ભાગી ગયો. ફરી કદી મહુવામાં નજર ના આવ્યો. એમ્બ્યુલન્સ આવી નજમાને લઈ ગઈ. પપ્પાની આંખોમાં ચોધાર આંસું હતા. નજમા  થોડી વાર માટે હોશમાં આવી. પપ્પા બાજુમા બેઠા હતા. પપ્પાને જોઈને બોલી “પપ્પા મને બચાવી લો, મારે મારો જીવ એ બેવફા માટે નથી આપવો.” પપ્પાએ કહ્યું “બેટા તને જરૂર બચાવી લઈશ.” નજમા  ફરી બોલી “પપ્પા મારા શરીર ઉપર બળવાના ડાઘ તો રહી જશેને?” એ બોલ્યા ” બેટા, તું શું કામ ચિંતા કરે છે, હું તારી પ્લાસ્ટીક સર્જરી કરાવીશ.”નજમા એ પપ્પાનો હાથ પકડી રાખ્યો. ધીરે ધીરે એની આંખો સદા માટે બંધ થઈ ગઈ. નજમા પપ્પાને કરગરતી રહી મને બચાવી લો. પણ પપ્પા એને બચાવી ના શક્યા.

નજમાનું મય્યત ઘરે આવ્યું. બધા મને હાથ પકડીને છેલ્લીવાર નજમાનું મોઢું જોવા માટે આગ્રહ કરતાં હતાં. પણ મેં સુંદર નજમાને જોયેલી, મને બળેલું મોઢું જોવાની હિંમત ના હતી. મારે એને સુંદર રીતે જ યાદ રાખવી હતી. રસોડાની બારીમાંથી મેં જનાજો જતા જોયો. હું નજમાને હજુ સુધી અલવિદા નથી કહી શકી! બા  અને પપ્પા આ ગમ જિંદગીભર ભૂલી ન શક્યાં. હું કોલેજનાં ચોથા વરસની પરીક્ષા ના આપી શકી. મેં ડ્રોપ લઈ લીધો. પછીના વરસે એટલેકે ૧૯૭૫ માં મેં ચોથા વર્ષની પરીક્ષા આપી. ભણવામાં દિલ ચોંટતું ના હતું. તેથી પાસિંગ માર્ક સાથે પાસ થઇ.નજમા ઉર્દુમાં શાયરી લખતી હતી.

देकर हीज़्र मुझे खुद खुदा भी परीशां है हशरमें
क्या होगा गर मर जायेगी एक मासुम बेखता.

મને જુદાઈ આપીને કયામતમાં ખુદ  ખુદા પણ પરેશાન છે,
શું થશે જો એક નિર્દોષ વાંક વિના મરી જશે

નજમાનું મૃત્યુ 299 નો પહેલો આઘાત હતો. આમારું જીવન બદલાઈ ગયું હતું. હવે 299 અમને ખાવા ધાતુ હતું. મારો એક બહુ નજીકનો મિત્ર હતો તેનું નામ અશોક હતું જે રવિનો દોસ્ત પણ હતો. શાંત સ્વભાવનો અશોક રવિ થી બિલકુલ વિપરીત સ્વભાવનો હતો. પણ નજમાના મૃત્યુ પછી પણ એ રવિનો દોસ્ત રહ્યો એટલે મને એના પર ખૂબ ગુસ્સો આવ્યો અને મેં એની સાથે દોસ્તી તોડી નાખી, એને કહ્યું તું જો રવિ સાથે દોસ્તી રાખે તો હું તારી સાથે દોસ્તી ના રાખી શકું કારણકે રવિના શરીરમાંથી મારી બહેનની બળેલી ચામડીની બદબુ આવે છે, તું જો એની સાથે રહે તો મને એ બદબુ તારામાંથી પણ આવશે. અમારી દોસ્તી તૂટી ગઈ. આમ નજમા ની સાથે સાથે એક મિત્ર પણ ખોયો.

પણ સમયનું શું છે? સમય તો વહેતો જ રહેવાનો. જીવનને ઝાટકા આપી આપીને પણ એ ક્યાં થંભે છે? સારો કે ખરાબ સમય હંમેશા પસાર થઇ જતો હોય છે. ખુશી હોય તો સમય ક્યાં પસાર થાય એ ખબર પડતી નથી. અને ખરાબ સમય કાચબાની ગતિથી પણ પસાર થઇ જાય છે.

પપ્પા અમારું ખૂબ ધ્યાન રાખતા. અમને બધા દુઃખોથી બચાવીને રાખતા. પપ્પા એટલે ખૂબ હિમંતવાળુ પાત્ર!! પણ નજમાના મૃત્યુ સમયે પપ્પાને તૂટતા જોયા છે. ક્યારેય ના રડતા પપ્પાની આંખોમાંથી ચોધાર આંસું નીકળતાં જોયાં! નજમાના મૃત્યુ પછી ઉદાસ થતી તો પીકચરમાં લઈ જતા અને જાત જાતના બહાના કરી હસાવતા!! જાત જાતના પુસ્તકો લઇ આવે. અમારી સાથે કેરમ રમે ! માબાપમાં કેટલી સબર હોય છે. પોતાનું દુઃખ છૂપાવીને બાળકોને પોતાના દામનમાં છૂપાવી દે છે. નજમાથી હું નાની એટલેકે પાંચમો નંબર! હવે મારા લગ્નની ચિંતા બા પપ્પા કરવા લાગ્યાં હતાં. અમે શિયા હતા. શિયા મુસલમાનનો એક ફીરકો છે. નજમાની આત્મહત્યાની ખબર ઘરે ઘરે પહોંચી ગયેલી. એટલે શિયામાં મારા લગ્ન થવા મુશ્કેલ હતા. બધાં ઘરમાં વાતો થતી કે મમુભાઈની દીકરીએ હિંદુના છોકરાના પ્રેમમાં આત્મહત્યા કરી. મમુભાઈ દીકરીઓને ખૂબ છૂટ આપે છે. આવી દીકરીને કોણ ઘરમાં લાવે!

પપ્પાએ અમારા માટે સ્ત્રી મેગેઝીન બંધાવેલું. એમાં હું હંમેશા લગ્ન માટેની જાહેરાત જોતી. મને વિચાર આવ્યો કે હું પણ આમાં જાહેરાત આપું તો કેવું! પપ્પાની ઈચ્છા ના હતી. તેમ છતાં મેં મારી મોટી બહેન ફતુમાનુ સરનામું આપી સ્ત્રીમાં જાહેરાત મોકલાવી. જો કોઈને રસ હોય તો ફતુમાના ઘરે પત્ર લખે. લગભગ ત્રણ મહિના સુધી કોઈ જવાબ ના આવ્યો, પણ પછી શરીફનો પત્ર આવ્યો. અમે લોકોએ મળવાનું નક્કી કર્યું. એને ટેલિગ્રામ કર્યો કે એ મને મળવા આવે છે. પણ મને ટેલિગ્રામ મળ્યો નહિ. ૧૨મી જૂન ૧૯૭૬ ના દિવસે સવારે પાંચ વાગે અમારા બંગલાની ડોરબેલ વાગી. પપ્પા એને ઓળખી શક્યા નહીં. શરીફે કહ્યું, “હું બાનુમાને મળવા આવ્યો છું. મેં ટેલીગ્રામ કરેલો શું આપને મળ્યો નથી?” પપ્પાએ ના પાડી. હું લઘરવઘર કપડામાં હતી અને સામે શરીફ ઊભો હતો.ઘરમાં બધાં ઉઠી ગયાં. બા ઉઠીને નાસ્તો બનાવવા લાગ્યાં. હું શાવર લઈને સફેદ સાડી પહેરીને એની સામે તૈયાર થઈને આવી ગઈ. બશીરા બાને મદદ કરવા લાગી. એટલામાં દસ વાગી ગયા અને ટેલિગ્રામવાળો આવ્યો અને ટેલિગ્રામ આપીને કહે બેન કોઈ તમને મળવા આવે છે, બક્ષિસ આપો! અને સર્વ હસી પડ્યાં!

મારા અને શરીફ વચ્ચે પત્ર વહેવાર ચાલતો રહ્યો. શરીફ અમેરિકા જવાનું વિચારતો હતો. અમેરિકા જવું એ મારા માટે કોઈ મોટી વાત ના હતી, કારણકે અમેરિકાને મેં ફક્ત નકશામાં જ જોયેલું અને અમેરિકા જવું એટલે મોટી તક હતી અને તમારું જીવન બદલી નાખશે એવો કોઈ વિચાર મને ના હતો. પણ એ હંમેશા અમેરિકાની ખૂબ સારી સારી વાત કરતો એટલે અમેરિકાનું મહત્વ ધીરે ધીરે મને સમજાવા લાગ્યું. એ વિઝા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. એને ફાર્મ ડી કરેલું. તે જમાનામાં ડોકટર્સ, ફાર્માસીસ્ટ અને નર્સને ગ્રીનકાર્ડ મળી જતું હતું. અંતે એને પણ વિઝા મળી ગઈ. એ ૨ ઓક્ટોબર, ૧૯૭૬ ના દિવસે ફરી મને મળવા મહુવા આવ્યો. એની ઈચ્છા હતી કે જો હું હા પાડું તો સગાઇ કરીને અમેરિકા જવું. એને મારી સાથે લગ્ન કરવા એવું દિલથી નક્કી કરી નાખ્યું હતુ. એ મને મહોબત કરતો હતો. એના પત્રો પરથી સાફ જાહેર થતું હતું. પણ હું નાદાન હતી!

પપ્પા પણ પહેલા શરીફનું ઘર તથા એમના કુટુંબને મળવા માગતા હતા. પિતાના મનમાં કેવી દ્વિધા હોય છે એ એક પિતા જ જાણે છે. દીકરીનું સાસરું કેવું છે. લોકો કેવા છે, ખાનદાન કેવું છે, એ જાણવું એ એક પિતાને માટે ખૂબ મહત્વનું છે શરીફ દસ ઓક્ટોબરે અમેરિકા જવા નીકળી જવાનો હતો, પણ પત્રવહેવાર ચાલુ રાખવાનું વચન આપી અમે છૂટા પડયાં.


ક્રમશઃ