જીવનની ખાટી મીઠી
નીલમ હરીશ દોશી
સેજલે કેટલાયે ત્રાગા કરીને સાસુને અંતે વૃધ્ધાશ્રમમાં મોકલ્યે જ છૂટકો કર્યો. શાલિન ઝગડાનો કાયર..ભીરુ..જે કહો તે.. પણ રોજના કલહ,કંકાસથી ત્રાસીને અંતે…મા ત્યાં જ સુખી થશે..એમ મન મનાવી કચવાતે મને, ભારે હ્રદયે માને મૂકી આવ્યો. અલબત્ત ત્યાં તેમને કોઇ અગવડ ન પડે તે ગોઠવણ કરવાનું તે ચૂકયો નહોતો. સેજલની જાણ બહાર વધારે પૈસા ભરીને બાને વધુ સગવડ મળી રહે તેટલું કરી તેણે થોડી રાહત અનુભવી.પોતાની કાયરતા પર પોતાની જાતને તે ધિક્કારતો રહ્યો. પરંતુ પહેલેથી શ્રીમંત પત્ની પાસે તે દબાઇ ગયો હતો. સેજલનું ભલું પૂછવું..તે કંઇ પણ કરી શકવા સમર્થ હતી. હું મરું પણ…!
લાચાર શાલિન બાને કહે તે પહેલા બાએ જ પરિસ્થિતિ સમજી સામેથી જ….
રૂન્ધાયેલ કંઠે શાલિન એક શબ્દ બોલી ન શકયો. શું બોલે તે ? અને આમ મીનાબહેન વૃધ્ધાશ્રમમાં પહોંચી ગયા હતા. પોતાનું ધાર્યું થવાથી સેજલ ખુશખુશાલ હતી. નોકરની વ્યવસ્થા તેણે પહેલેથી જ કરી રાખેલ હતી. પાંચ વરસની જલશ્રીને સ્કૂલેથી લાવવી, જમાડવી,રમાડવી, રસોઇ કરવી વિગેરે માટે એક બહેન રાખી લીધા અને બાકી ઝાડુ,પોતા,કપડા, વાસણ વિગેરે કામ કરવા તેનો જ સોળ વરસનો દીકરો વિનુ આવતો હતો. આમ બધી વ્યવસ્થા ગોઠવાઇ ગઇ હતી.
નહોતી ગોઠવાઇ શકી ફકત નાનકડી જલશ્રી… દાદીમા વિના તેને કયાંય ચેન નહોતું. દાદીમા વાર્તા કરતા, તેને જમાડતા..તેની સાથે રમતા.દાદી પૌત્રી સાથે ફરવા જતા..દાદીમા બગીચામાં હીંચકા ખવડાવતા..આવા વહાલા દાદીમા તેને મૂકીને કેમ..કયાં ચાલ્યા ગયા..તે તેને સમજાતું નહોતું.મમ્મીને પૂછવાથી તે ખીજાતી હતી. અને પપ્પા તો આ વાતનો જવાબ જ નહોતા આપતા.
આજે સેજલને રજા લેવી પડી હતી. કામ કરનાર બેન અને તેનો દીકરો બંને કોઇ લગ્નપ્રસંગે બહારગામ ગયા હતા. અને આઠ દિવસ પછી આવવાના હતા. તાત્કાલિક આટલે દૂર બીજી કોઇ કામવાળી મળે તેમ નહોતું. આઠ દિવસ શું કરીશ ? આટલી બધી રજા કેમ મળશે ? સેજલને સાસુ યાદ આવી ગયા. એ હતા ત્યારે આવી કોઇ ફિકર નહોતી. જલશ્રી પણ ત્યારે કેવી ખુશ રહેતી.પોતે ઘેર આવે એટલે આજે દાદીમા સાથે શું કર્યું, દાદીમા એ કેટલી વાર્તાઓ કરી., કેવા રમ્યા બધું હોંશથી કહેતી રહેતી. હવે તો કોઇ વાત નથી કરતી. પૂછે તો પણ ખાસ કોઇ જવાબ નથી આપતી. તેના ચહેરા પરથી જાણે નૂર ઉડી ગયું છે.
આજે સેજલને આ બધું યાદ આવવા લાગ્યું. એક મિનિટ તો મનમાં વિચાર પણ આવી ગયો કે સાસુને પાછા લઇ આવવા…પણ પોતે જ કાઢયા હતા. હવે કયા મોંએ પાછા લાવવાનું કહે ? અને એકવાર લાવે એટલે પછી જિંદગીભરની ઉપાધિ…સાજા , માન્દા થાય બધું પોતાએ જ કરવું પડે. ના..ના.. ભલે થોડા દિવસ અગવડ પડે..પણ એ ભૂલ તો કરવી જ નથી. બે ચાર દિવસ પોતે રજાની વ્યવસ્થા કરશે. બે ચાર દિવસ રજા લેવાનું શાલિનને કહેશે. બાકી ભૂલેચૂકે હવે ડોશીને પાછી ઘરમાં ઘલાય નહીં.પુત્રી પણ ધીમે ધીમે ટેવાઇ જશે.
તેણે જલદી જલદી કામ પતાવવા માંડયા. જલશ્રીને તૈયાર કરીને સ્કૂલે મોકલવાની હતી. તેણે જલશ્રીનો નાસ્તો તૈયાર કર્યો. પછી તેને ઉઠાડી. બ્રશ કરાવી નવડાવવા લઇ ગઇ. કપડાં કાઢી જલદીથી નવડાવતી હતી. ત્યાં…. ’ મમ્મી, તું આજે અહીં નહીં ઘસતી હોં. “ સુ સુ “ કરવાની જગ્યાએ મને બહું દુ:ખે છે. ‘ સેજલ ચોંકી ઉઠી. ધ્યાનથી જોયું તો આખો ભાગ લાલ..લાલ અને સૂજી ગયેલ…
‘ આ શું થયું બેટા ? ‘ ’ વિનુ મને નવડાવે ત્યારે રોજ ત્યાં જોશથી ઘસે છે. હું રડું તો ખીજાય છે. અને મમ્મીને કહીશ તો બાવા પાસે પકડાવી દેશે એમ કહે છે.’ જલ ડઘાઇ ગઇ. ’ તે તને બેન નથી નવડાવતા ? ’ ના, રોજ વિનુ જ નવડાવે…અને……’ વાત પૂરી કરતાં પહેલાં જ જલશ્રી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.
સેજલ સ્તબ્ધ…તેની આંખો વરસી પડી. તે દિવસે જ તેણે શાલિન પાસે ફરી એકવાર જીદ કરી..સાસુને પાછા ઘેર લાવવાની. ‘ મેં ભૂલ કરી છે અને હું જ તેમની માફી માગીને લઇ આવીશ.’ કહેતી ભીની આંખે સાસુને પાછા લાવવા પોતે ઉપડી ગઇ.
શાલિનને કશું સમજાયું નહીં.
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
