માહિતી જંક્શન
વિશાખા મોઠિયા
એક એવા વાજિંત્રની વાત કરવાની છે જેનું સ્થાન રાષ્ટ્રધ્વજમાં પણ રહી ચુક્યું છે. જે આજે પણ રાષ્ટ્રધ્વજની સાથોસાથ પાસપોર્ટ, સીલ – સિક્કા, આર્મી કોટ, સરકારી કચેરીઓ તેમજ તેના ડોક્યુમેન્ટ પર પણ જોવા મળે છે. આ વાદ્ય ~ વાજિંત્ર વગાડનાર સંગીતકારોને કાયદાકીય રક્ષણ પૂરું પાડવામાં આવતું હતું તેમજ શાહી દરબારોની શોભા વધારતું. તો ચાલો જાણીએ, પ્રાચીન વાજિંત્ર એવા હાર્પ વિશે સાથે જાણીશું તેનો પરિચય, ઇતિહાસ, તેની બનાવટ તેમજ વિશેષ બાબતો વિશે.

હાર્પ એ તંતુવાદ્યની શ્રેણીમાં આવતું ત્રિકોણાકાર વાજિંત્ર અથવા તો T શેપ વાજિંત્ર છે. તે પ્રાચીન આયર્લેન્ડનું સત્તાવાર રાષ્ટ્રીય પ્રતીક હતું, જેમ આપણે અશોકસ્તંભ છે એવી રીતે. આજે પણ આયર્લેન્ડનાં પાસપોર્ટ, સરકારી દસ્તાવેજો, ચલણી સિક્કા વગેરેમાં હાર્પનું ચિહ્ન જોવા મળે છે. હાર્પનું મૂળ આઇરિશ નામ clairseach – ક્લારશાખ હતું. સ્કોટલેન્ડમાં તે clarsach – ક્લારશાખ તરીકે ઓળખાતું. હાર્પ એ પોતે ફ્રેન્ચ શબ્દ Harpa પરથી આવેલ છે, જે ત્રિકોણાકાર તંતુવાદ્યને દર્શાવે છે. આ ઉપરાંત તે ગેલિક હાર્પ તરીકે ઓળખાતું. અત્યારનું મોડર્ન જમાનાનું હાર્પ કોન્સર્ટ હાર્પ તરીકે ઓળખાય છે.
હાર્પના ઈતિહાસ વિશે જાણીશું.
હાર્પ કેટલું જૂનું છે એ કહેવું અશક્ય છે. પરંતુ મેસોપોટેમિયા અને ઇજિપ્શિયન સભ્યતામાંથી તેના ૫૦૦૦ વર્ષ જૂના ચિત્રો જોવા મળ્યા હતા. આ ઉપરાંત ૮ મી સદીના ખ્રિસ્તિયન ક્રોસના પથ્થરો પર તેમજ એ સમયની મળેલી હસ્તપ્રતો પર તેના ચિહ્નો જોવા મળ્યા હતા. હાર્પનો અર્થ માત્ર તંતુવાદ્ય એટલે કે લાકડાના કોઈ માળખામાં ચાંદી – પિત્તળ અથવા તો ગટ (પ્રાણીઓનાં સુકાયેલા આંતરડા) તાર ગોઠવેલા હોય એમ થતો હતો. હાર્પની કોઈ ચોક્કસ વ્યાખ્યા કે અર્થ નહોતો આવ્યો. લગભગ મોટા ભાગના દેશોની સંસ્કૃતિ તેમજ માયથોલોજીમાં હાર્પનો અલગ અલગ નામ, સ્વરૂપ ~ આકાર સાથેનો સંદર્ભ જોવા મળે છે. ૧૦ મી સદીમાં યુરોપમાં આવા તંતુવાદ્ય જોવા મળ્યા હતા, પરંતુ તે હાર્પ ઓછા અને ગિટાર વધારે લાગતા હતા.
આયર્લેન્ડ કે જેને મુખ્યરૂપે હાર્પનું ઉત્પત્તિ સ્થાન માનવામાં આવે છે ત્યાં, એનું આગમન અગિયારમી સદીની આસપાસ થયું હોય એવું માનવામાં આવે છે. હાર્પ આયર્લેન્ડની સાથે સાથે સ્કોટલેન્ડમાં પણ હતા. આ ત્રિકોણાકાર તંતુવાદ્યનું નામ એ લોકોની સ્થાનિક ભાષામાં પાડવામાં બહુ બધી ગડમથલ જોવા મળી હતી. જ્યાં સુધી હાર્પનું કોઈ ચોક્કસ નામ અસ્તિત્વમાં નહોતું આવ્યું, ત્યાં સુધી તેના માટે cruit અને crott જેવા નામો સજેસ્ટ કરવામાં આવ્યા હતા, કારણકે આ બંને નામો તંતુવાદ્ય સાથે જોડાયેલા હતા. પરંતુ આ બંને નામોમાંથી એકપણ નામ આ ત્રિકોણાકાર તંતુવાદ્યને ફીટ બેસતું નહોતું, કારણ કે cruit અને crott જેવા નામો ચાર બાજુવાળા ચતુષ્કોણ તંતુવાદ્ય સાથે વધુ સંકળાયેલ હતા. પરંતુ જ્યાં સુધી હાર્પનું કોઈ ચોક્કસ નામ નહોતું આવ્યું, ત્યાં સુધી તે cruit તરીકે ઓળખાતું હતું. ૧૨ મી સદીથી તેને સત્તાવાર રીતે આયર્લેન્ડનું રાષ્ટ્રીય પ્રતીક જાહેર કરવામાં આવ્યું હતું. ૧૩ મી સદીના આયર્લેન્ડના રાષ્ટ્રધ્વજમાં બ્લુ રંગના બેકગ્રાઉન્ડ પર કેન્દ્રસ્થાને ચાંદીના તારવાળું સુવર્ણ હાર્પનું ચિહ્ન રાખવામાં આવ્યું હતું. આ સમયગાળામાં હાર્પ અને તેના સંગીતકારો (harper કે harpist) આયર્લેન્ડના ગેલિક સમાજમાં પ્રમુખસ્થાને હતું.
૧૩ મી સદીમાં આ ત્રિકોણાકાર તંતુવાદ્યનું ફ્રેન્ચ શબ્દ Harpe પરથી Harp – હાર્પ નામ જાહેર કરવામાં આવ્યું. ૧૪ મી સદીમાં, હાર્પ આયર્લેન્ડમાં તેના આઇરિશ નામ Clairseach – ક્લારશાખ તરીકે ઓળખાયું અને સ્કોટલેન્ડમાં Clarsach – ક્લારાશાખ તરીકે ઓળખાયું.
૧૨ મી સદીથી આ ત્રિકોણાકાર તંતુવાદ્યનો સુવર્ણકાળ શરૂ થયો. આયર્લેન્ડમાં વસતા ગેલિક સભ્યસમાજની સંસ્કૃતિમાં હાર્પ અને તેના સંગીતકારો (હાર્પર કે હાર્પિસ્ટ) પ્રમુખસ્થાને હતા. આપણે જેમ હરખના પ્રસંગમાં ઢોલ વાળાને બોલાવીએ તેમ ગેલિક લોકો પણ કોઈપણ પ્રકારની ઉજવણી વખતે હાર્પ વગાડવાવાળાને બોલાવતા. બાળક જન્મ (છઠ્ઠી), લગ્ન પ્રસંગ, યુદ્ધમાં જતી વખતે, યુદ્ધ પછી વિજયરેલી તેમજ ધાર્મિક તહેવારો તેમજ સામાજિકમાં કાર્યક્રમોમાં હાર્પ વગાડવામાં આવતું. કોઈના મૃત્યુ વખતે પણ સાંત્વના આપવા એને લાગતું સંગીત વગાડવામાં આવતું. પ્રસંગને અનુરૂપ પ્રેમ, આનંદ, ઉત્સાહ, ભક્તિ, પ્રેમ, વિરહ વગેરેની ધૂન વગાડીને કલાકારો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતા.
હાર્પ વગાડનારાઓ તારોમાંથી સુરો રેલાવીને શાહી દરબારોની શોભા વધારતા. તેઓ હાર્પ વગાડતા વગાડતા પૌરાણિક કથાઓ – વાર્તાઓ કહેતા, ગીતો તેમજ કર્ણપ્રિય સંગીતની ધૂનો રેલાવતાં. રાજાઓના દરબારમાં આ કલાકારોનું સ્થાન વિદ્વાન કક્ષાનું રહેતું; તેમજ તે બારોટ તરીકે પણ ભૂમિકા ભજવતા. હાર્પર એવા એકમાત્ર સંગીતકારો (કલાકાર) હતા, જેને મનોરંજક તરીકેનો સ્વતંત્ર કાનૂની દરજ્જો મળેલો હતો. કલાકારોના નખને પણ કાયદાકીય સુરક્ષા આપવામાં આવતી; આપણે જેમ વીમો ઉતરાવીએ એમ. નખને સુરક્ષા એટલા માટે આપવામાં આવતા કારણ કે હાર્પના તારો વગાડીને નખો તૂટી જતાં. હાર્પ સંગીતકારો ને કેટલાય વર્ષો સુધી તેને વગાડવાનો અભ્યાસ કરવો પડતો તેમજ તાલીમ લેવી પડતી. હાર્પ કલાકારોને રાજાના દરબારમાં એક પગારદાર કલાકાર તરીકે રાખવામાં આવતા. સન ૧૫૪૧માં જ્યારે હેનરી આઠમો આયર્લેન્ડનો રાજા ઘોષિત થયો ત્યારે તેણે હાર્પ પર તાજ પહેરેલો હોય (crowned harp) એવા સિક્કાઓ બહાર પાડ્યા હતા.
૧૬ મી સદીમાં આયર્લેન્ડ પર બ્રિટીશરો દ્વારા આક્રમણ બાદ ત્યાંની પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. હાર્પ એ આયર્લેન્ડની સંસ્કૃતિનું તેમજ રાજકીય દૃષ્ટિએ સૌથી મહત્ત્વનું પાસું હતું; એક ગૌરવ હતું. દુશ્મન લોકો માટે હાર્પ એ ખતરા સમાન હતું. આથી આયર્લેન્ડ પર કબજો જમાવતાની સાથે જ રાણી એલિઝાબેથ પ્રથમે હાર્પ સંગીતકારોને બંધી બનાવી લીધા હતા અને એ લોકોને ફાંસી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઘણાંખરા હાર્પ પણ સળગાવી દેવામાં આવ્યા હતા. આ બ્રિટીશરો હાર્પ સંસ્કૃતિને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં માગતા હતા; એની ઓળખ નષ્ટ કરવા માંગતા હતા. હાર્પ વગાડવા અને તેના ઉત્પાદન પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જેટલા હાર્પ કલાકારો બચ્યા હતા તેને માટે તો જાણે રોજીરોટી તેમજ આત્મગૌરવ છીનવાઈ ગયું હતું. આથી એ લોકોએ પોતાની કલાને બચાવવા મજબૂરીના માર્યા અન્ય શહેરોમાં સ્થળાંતર કરવું પડ્યું હતું. ત્યાં આ લોકો અલગ અલગ સ્થળે વિચરણ કરીને આ સંગીતકારો હાર્પ વગાડીને પોતાનું ગુજરાન ચલાવતા. ધનિક ઘરોમાં હાર્પ સંગીત શીખવવા જતા. નવી ધૂન – ગીત બનાવીને લોકોનું મનોરંજન કરીને પૈસા કમાતા. આવા કપરા સમયમાં પણ એ વખતના પ્રખ્યાત તેમજ પ્રખર હાર્પ કલાકાર Turlough O’ Carolan એ નવું સંગીત કંપોઝ કરવાનું શરૂ રાખ્યું. હાર્પનો આવો કપરો સમયગાળો લગભગ ૧૬ મી થી ૧૯ મી સદી સુધી ચાલ્યો.
૧૯૬૦થી આ આઇરિશ વીણા – હાર્પનો જાણે પુનર્જન્મ થયો હોય તેમ ફરી પાછું આયર્લેન્ડ માં ઉદ્ભવ્યું. પરંતુ હવેનું આ હાર્પ થોડાંક ફેરફારો સાથે આધુનિક સ્વરૂપમાં હતું. Celtic – કેલ્ટિક હાર્પના સ્થાને આધુનિક જમાનાનું કોન્સર્ટ હાર્પ આવ્યું હતું. હાર્પ સંગીતકારો તેમજ શીખાનારાઓની સંખ્યા પણ દિવસે ને દિવસે વધવા લાગી હતી. આ આધુનિક હાર્પ ફ્રેંચમેન જોન ઈગન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જે હજુ પણ યથાવત છે.
અત્યારે માત્ર ત્રણ પ્રાચીન હાર્પ જ અસ્તિત્વમાં છે, જેને મ્યુઝિયમમાં સાચવવામાં આવેલ છે. આ ત્રણમાં બે સ્કોટલેન્ડના અને એક આયર્લેન્ડનું છે;
ક્વિન મેરી હાર્પ, લેમૌટ હાર્પ અને બ્રાયન બોરું હાર્પ. આયર્લેન્ડનું બ્રાયન બોરું હાર્પ(૧૪ – ૧૫ મી સદીનું) ડબલિનની ટ્રિનિટી કોલેજની લાઇબ્રેરીમાં સાચવવામાં આવ્યું છે.
હાર્પનું વર્ણન
હાર્પ એ ત્રિકોણાકાર તંતુ વાદ્ય છે. દેખાવમાં આડા ત્રિકોણ જેવું લાગે છે. ઊભો ભાગ સ્તંભ જેવો હોય છે. તેની સાથે એક પોલું સાઉન્ડ બોક્સ જોડાયેલું હોય છે જેમાં તાર ~ તંતુ ફીટ કરવામાં આવેલા હોય છે. પ્રાચીન હાર્પમાં ચાંદી – પિત્તળનાં બનેલા તારનો ઉપયોગ કરવામાં આવતો. અત્યારના આધુનિક હાર્પ માં નાયલોન, અન્ય ધાતુ તેમજ અમુકમાં તો એનિમલ ગટ (પ્રાણીઓનાં સુકાયેલા આંતરડા) તારનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારના આધુનિક હાર્પમાં ૪૭ તંતુઓ જોવા મળે છે, જેમાં એ તંતુઓ અમુક સંખ્યામાં A, B, C ગ્રુપમાં વિભાજિત હોય છે અને એ બધાય ગ્રુપ અલગ અલગ રંગોથી રંગવામાં આવેલા હોય છે. સાઉન્ડ બોક્સનો ઉપરનો વળાંકવાળો ભાગ ગરદન તરીકે ઓળખાય છે જ્યારે નીચેનો ભાગ નીચે તરફ સીધો ઢળતો હોય છે. સાઉન્ડ બોક્સના ઉપરના ગરદનવાળા ભાગ પર સાઉન્ડ પીચ બદલવા માટેના લેવર બટન આવેલા હોય છે જેનાથી સાઉન્ડ પીચ એડજેસ્ટ થાય છે – તીવ્ર અને કોમળ. સાઉન્ડ બોક્સની નીચે પેડલ ફીટ કરવામાં આવેલ હોય છે. અત્યારે જે હાર્પ વગાડવામાં આવે છે તે કોન્સર્ટ કે લેવર હાર્પ હોય છે. પ્રાચીન હાર્પ કલાકારો તેના નખોથી વગાડતા જ્યારે અત્યારનું હાર્પ કલાકાર નખ પર કવર (ફિંગર પિક્સ) પહેરીને વગાડે છે.
વિશેષ બાબતો
- હાર્પ આયર્લેન્ડ સિવાય યુરોપ, મેક્સિકો, સ્પેન, આફ્રીકા, બર્મા વગેરે જેવા દેશોમાં પણ પ્રખ્યાત થયું હતું, પરંતુ તેનો દેખાવ અને નામ અલગ હતા.
- ભારતમાં હાર્પ ‘સ્વરમંડળ’ તરીકે ઓળખાય છે. જે હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, સ્વર્ગનાં ગંધર્વો દ્વારા વગાડવામાં આવતું.
- આજે પણ આયર્લેન્ડના રાષ્ટ્રીય પ્રતીક તરીકે હાર્પ યથાવત્ છે. આયર્લેન્ડના સિક્કાઓ, પાસપોર્ટ, સરકારી સીલ, સરકારી દસ્તાવેજો વગેરે પર તેનું ચિહ્ન જોવા મળે છે.
- વર્ષ : ૨૦૧૯ આઇરિશ હાર્પને યુનેસ્કો દ્વારા Intangible Cultural Heritage (અમૂર્ત સાંસ્કૃતિક વારસો)ની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું.
સુશ્રી વિશાખા મોઠિયાનો સંપર્ક vishakhawriter@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
