ફિર દેખો યારોં

બીરેન કોઠારી

સંસ્કાર, સંસ્કૃતિ, કળા, ધર્મ જેવી બાબતો રાજકારણીઓ વ્યાખ્યાયિત કરવા માંડે ત્યારે આ વિદ્યાઓની અધોગતિ થઈ એમ કહી શકાય. રાજકારણીઓ ઊપરાંત લાખોની સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા, ‘સંત’ તરીકે ઓળખાતા લોકોનો પણ આમા સમાવેશ થાય. સંસ્કાર, સંસ્કૃતિ અને કળા ખરેખર તો અમૂર્ત બાબત છે, જે પોતાના સમયની અસરોને ઝીલે છે. પણ તેમાં રાજકારણીઓનો પ્રવેશ થાય એટલે પત્યું! સત્તા ટકાવી રાખવાના પોતાના ટૂંકા અને એક માત્ર સ્વાર્થ ખાતર રાજકારણીઓ આ બાબતોને નવેસરથી વ્યાખ્યાયિત કરે છે. મોટા ભાગના લોકો આ ચાલમાં આવી જાય છે, અને તેઓ પણ પોતાની સમજણને કોરાણે મૂકીને રાજકારણીઓ દ્વારા પઢાવાયેલા પાઠ રટવા લાગે છે. હકીકતમાં રાજકારણીઓને મન આ મુદ્દા પોતાની ખુરશી ટકાવી રાખવાના ગતકડાંથી વિશેષ કશું નથી હોતું. આના માટેનું સૌથી હાથવગું માધ્યમ છે શિક્ષણ. દરેક શાસનકાળમાં પાઠ્યપુસ્તકો જુદી જુદી રીતે લખાતાં રહ્યાં છે, જેનો હેતુ પણ જુદો જુદો હોય છે.

આ બાબતનું વરવું, અને વધુ એક ઉદાહરણ જોવા મળ્યું. નેશનલ કાઉ‍ન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્‍ડ ટ્રેનિંગ(એન.સી.ઈ.આર.ટી.)ના નવમા ધોરણના કળા અંગેના પાઠ્યપુસ્તકમાં મોહેં-જો-ડેરોમાંથી મળી આવેલી, ‘નર્તકી’ની જગવિખ્યાત પ્રતિમાનો ઊલ્લેખ છે, સાથે તેની છબિ પણ હોય એ સ્વાભાવિક છે. કાંસાની બનેલી આ અસલ પ્રતિમા દિલ્હીસ્થિત રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સંઘરાયેલી છે. તેનો સમયગાળો ઈ.સ.પૂર્વે ૨૩૦૦થી ઈ. સ. પૂર્વે ૧૭૫૦નો હોવાનું મનાય છે, અને તે સિંધુ સંસ્કૃતિની ઝલક આપતી મહત્ત્વની કળાકૃતિ છે. ૧૯૨૬માં તે મળી આવી હતી. કળાના ઈતિહાસમાં તેના ઊલ્લેખ વિના ઈતિહાસ અધૂરો લેખાય, આથી તે વરસોથી પાઠ્યપુસ્તકમાં સ્થાન પામે છે.

કાઉન્‍સિલના સભ્યોને અચાનક, આ વરસે લાગ્યું કે આ તો નગ્નતા કહેવાય, અને નવમા ધોરણનાં બાળકોને એનાથી દૂર રાખવા જોઈએ. આથી આ પ્રતિમાની છબિના ધડના ભાગને ઘેરો કરીને એવો અસ્પષ્ટ કરી દેવામાં આવ્યો કે એ સપાટ જ જણાય. હા, આ પ્રતિમા એક નગ્ન યુવતીની અવશ્ય છે, અને સૌ કોઈ જાણે છે એમ શિલ્પકળામાં અર્ધનગ્ન કે નગ્ન માનવશરીરનું શિલ્પ હોવું તદ્દન સામાન્ય બાબત છે, કારણ કે શરીરનાં વિવિધ અંગો થકી શિલ્પકળાનાં વિવિધ આયામોને શિલ્પમાં ઊજાગર કરવાની શિલ્પકારને તક મળે છે. આ કોઈ સંશોધન કે અભિપ્રાય નથી, બલકે સર્વસામાન્ય હકીકત, પદ્ધતિ અને પ્રણાલિ છે. આને પગલે ઊહાપોહ થયો એટલે ‘યોગ્ય તપાસ અને કાર્યવાહી’નો આદેશ અપાયો. ‘નિષ્ણાતો’ ના અભિપ્રાય લેવાયા અને એ પછી મૂળ છબિને પાછી મૂકવાનો આદેશ અપાયો. પુસ્તકોનું મુદ્રણ થઈ ગયું છે, આથી હવે તેની ડીજીટલ આવૃત્તિમાં સુધારો પહેલો કરવામાં આવશે અને એ પછી ફેરફાર કરાયેલી આવૃત્તિમાં.

નવમા ધોરણના પાઠયપુસ્તકમાં છપાયેલી ‘નર્તકી’ની મૂર્તિની સુધારેલી છબિ
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

એવું નથી કે સંસ્કારના આવા હુમલા પહેલવહેલા છે. કોઈ પણ બાબતને નગ્નતાનું લેબલ મારવાની ‘સંસ્કારી’  લ્હાયમાં આવા સાંસ્કૃતિક રખેવાળો નગ્નતા અને અશ્લિલતા વચ્ચેનો ભેદ ભૂલી જાય છે. સૌથી મોટી વક્રતા એ છે કે જે પ્રાચીન ભારતીય સંસ્કૃતિની તેઓ દુહાઈ આપીને આમ કરે છે, એ જ પ્રાચીન સંસ્કૃતિની આ ઓળખ અને અભિન્ન હિસ્સો છે. આવા ‘સંસ્કારી’ હુમલા આજકાલના નથી. ‘સભ્ય અને સંસ્કારી’ દેખાવાની હોડમાં મોટે ભાગે લોકો સામાન્ય બુદ્ધિને બાજુએ મૂકી દે છે. એક સમયે ખજૂરાહોનાં શિવમંદીરની બહાર આવેલાં, કળાના ઊત્તમ નમૂના જેવાં ભોગશિલ્પોને નષ્ટ કરી દેવાનો પ્રસ્તાવ કેટલાક ‘સંસ્કારી’ લોકોએ ગાંધીજી સમક્ષ મૂકેલો. ગાંધીજીએ એ બાબતે ખ્યાતનામ ચિત્રકાર, શાંતિનિકેતનના કલાભવનના આચાર્ય અને કળામર્મજ્ઞ નંદલાલ બોઝનો આ બાબતે અભિપ્રાય મેળવવા સૂચવેલું, જે સ્વાભાવિકપણે જ આ શિલ્પોને જાળવવાની તરફેણમાં હતો.

કશી સેન્‍સરશીપ વિનાનાં ઓ.ટી.ટી.(ઓવર ધ ટોપ) માધ્યમો પરથી પ્રસારિત કરાતી વિવિધ ફિલ્મો કે ધારાવાહિકોમાં ગાળ હવે સાવ સામાન્ય તત્ત્વ બની ગયું છે. મહિલાઓનું વિવિધ રીતે થઈ રહેલું ઉત્પીડન અને એ કરનારાઓને મળી રહેલો રાજકીય આશ્રય એટલો ખુલ્લેઆમ અને રોજિંદી ઘટના છે કે એની કશી નવાઈ રહી નથી. જાતીય રીતે વિકૃત લોકોનાં નામોલ્લેખ ધરાવતા એપસ્ટિન ફાઈલ્સ જેવા નામોશીભર્યા દસ્તાવેજમાં દેશના મંત્રીનાં નામ આવે એ સ્વીકૃત છે, પણ આપણી ખરેખરી પ્રાચીન સભ્યતામાં સંસ્કારના આ પૂજારીઓને ‘નગ્નતા’ જણાય છે.

નગ્નતા ખરેખર તો મનની હોય છે, અને જાહેરમાં પોતાની ‘સંસ્કારી’ છબિ ઊપસાવવા માટે તેનું દમન કરવામાં આવે ત્યારે તે આવા માર્ગે બહાર આવતી હોય છે. દુર્ભાગ્યે સંસ્કારિતાના આવા રખેવાળો એવા રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે, જે આવી બાબતો માટે એકધાર્યું, સળંગ, બદનામ વલણ ધરાવે છે. જે દેશમાં પુરવાર થયેલા બળાત્કારીઓની સજા માફ થઈ જાય, તેમનું છડેચોક સ્વાગત થાય, અમુક કિસ્સામાં તો તે પૂજાય ત્યાં શિક્ષણના ક્ષેત્રે પેધેલાં આવાં સરકારી પ્યાદાં નગ્નતાને છાવરવાને નામે આવું હાસ્યાસ્પદ કૃત્ય કરાવે એ વિચિત્ર ન કહેવાય!

જનતા તરીકે આપણા કેવા ખરાબ દિવસો આવી ગયા કહેવાય કે હવે રાજકારણીઓ આપણને સંસ્કારની વ્યાખ્યા આપે, સંસ્કૃતિ કોને કહેવાય એ જણાવે, આપણા રાષ્ટ્રપ્રેમને તેઓ પ્રમાણિત કરે અને કળાનાં ધોરણો પણ તેઓ જ નિર્ધારીત કરે. શિક્ષણની ઘોર ખોદીને અટકે નહીં, પણ તેને છેક સાતમા પાતાળ સુધી લઈ જાય અને સતત નીચે ઊતારતા જાય. આ બધું સાતત્યપૂર્વક, તીવ્રતાપૂર્વક થઈ રહ્યું છે અને આપણે રાજકારણીઓએ વ્યાખ્યાયિત કરી આપેલી શબ્દાવલિઓના નવા અર્થોને હોંશે હોંશે સ્વીકારી રહ્યા છીએ. એટલે વિચારવાનું આપણે છે કે શું આપણે આને જ લાયક છીએ? પેલી જાણીતી ઊક્તિ અનુસાર, ‘આપણે જેને લાયક હોઈએ એવા જ રાજકારણીઓ આપણને મળતા હોય છે.’ સંસ્કાર, સંસ્કૃતિ, ધર્મ કે કળાની, કોઈ પણ રાજકારણી કે રાજકીય પક્ષે કરેલી વ્યાખ્યામાં હોંકારો ભણતાં પહેલાં આ સત્ય યાદ રાખવા જેવું છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૯-૭– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી