મૂળ સુરતના પણ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલ શ્રી કિશોર મોદી એક અચ્છા, મોટા ગજાના ગઝલકાર છે. તેમની ગઝલોમાં સરળતા, સાદગી તથા ચિંતનશીલતા વધારે હોય છે. ‘એક લીલી પળ અતીતની’ અને ‘નામ મારું ટહુકાતું જાય છે’ તેમના કાવ્યસંગ્રહો છે.શ્રી હર્ષદેવ માધવના શબ્દોમાં કહીએ તો, “શ્રી કિશોર મોદી મૌનના મિજાજમાં કવિતાને મલકાવતા કવિ છે.” અત્રે તેમની એક વ્યંગ ગઝલ પ્રસ્તુત છે.
:ગઝલ:
કિશોર મોદી
પંડને સમજણ પડે નહિ; દ્રાક્ષ ખાટી છે,
કંઇ કશુંયે આવડે નહિ; દ્રાક્ષ ખાટી છે.
બહેર વિશે કંઇ ગતાગમ નિત પડે નહિવત્,
જાણકારી પૂરી છે નહિ; દ્રાક્ષ ખાટી છે.
કહું ઊલા મિસરો છતાંયે સાની મિસરા લગ
વાત કેમેયે વધે નહિ; દ્રાક્ષ ખાટી છે.
કાફિયાના દોષ વચ્ચે કાફિયાબંધી,
ને રદીફ કંઇપણ કહે નહિ; દ્રાક્ષ ખાટી છે.
હર ગઝલ ઇસ્લા કરીને હું મઠારું છું,
પણ ખુમારીથી ભરે નહિ; દ્રાક્ષ ખાટી છે.
રોજ સોનેટ સાંભળીને બોર થાઉં છું,
ને ગઝલ પાછી ગમે નહિ; દ્રાક્ષ ખાટી છે.
આમ મત્લાથી લખું મક્તા સુધી કિંતુ,
આવડત ઝાઝી મળે નહિ; દ્રાક્ષ ખાટી છે.
શે’ર આમદનો કહું કેવી રીતે કિશોર ?
ફિલબદી ક્યારે ફળે નહિ; દ્રાક્ષ ખાટી છે.
આમદ= અચાનક સ્ફૂરતો શે’ર; ફિલબદી= આપેલ પંક્તિ પર શીઘ્રતાથી કહેવાતી ગઝલ
