નયના પટેલ

સુચેતા દેબુનો હાથ પકડી હિથ્રો એરપોર્ટનાં ડિપાર્ચર લાઉંજમાં ઊભી હતી. ચેક-ઈન થઈ ગયું હતું પરંતુ હજુ સિક્યોરિટીમાંથી પસાર થવાનું હતું એટલે દેબાશિષ સુચેતાને અંદર જવા માટે કઈ રીતે કહેવું એ વિમાસણમાં હતો. સુચેતાએ જે રીતે જોરથી એનો હાથ પકડી રાખ્યો હતો એ દેબાશિષને સમજવા માટે પૂરતું હતું. જાણે પરાણે સુચેતા ભારત જતી હોય તેમ વર્તતી જોઈને દેબાશિષ એનો વાંસો પંપાળતો રહ્યો, પછી ખૂબ સલુકાઈથી એના માથે ચૂંબન જેવું કરી આગળ વધવા કહ્યું, “ચલ, હવે હજુ તો અંદર સિક્યોરિટીમાંથી પસાર થતાં વાર લાગશે, ચેતા. જો જે ને ચાર અઠવાડિયા તો આમ પસાર થઈ જશે.” કહી ચપટી વગાડી.

કોરી આંખે પરંતુ આંસુમાં તરબોળ અવાજે સુચેતાએ ભારત જવાની જીદનો પસ્તાવો કરતી હોય તેમ કહ્યું,” મને જો ન ગમે તો જલ્દી જ આવી જઈશ.”

‘તું ત્યાં જા તો ખરી, આટલા વર્ષે જાય છે એટલે ત્યાં જઈને આ તારા વરને ભૂલી જઈશ જો જે ને!

‘મમતાતાઈ અને પાપાજી તને મળવા મટે ચાતકની જેમ રાહ જુએ છે, તને ખબર છે ને? સુચેત અને નંદીની તને મળવા થનગની રહ્યાં છે અને તું આમ છેલ્લી ઘડી એ સાવ ઢીલી થઈ જઈશ તે કેમ ચાલે? યુ.એસ ફ્લાઈટ લઈ જવાની મારી ડ્યુટીનું સ્કેડ્યુઅલ ટાળી શકું એમ નથી; નહીં તો મારી ચેતા સાથે લગ્ન પછી પહેલી વાર ભારત જવાનું મને મન કેટલું છે એ તને કઈ રીતે બતાવું?’

દેબાશિષે શું કહ્યું તે સાંભળ્યું જ ન હોય તેમ પાયલૉટનાં યુનિફોર્મમાં એનો દેબુ કેટલો હેંડસમ અને ડૅશિંગ લાગે છે, એ આંખોમાં ભારોભાર પ્રેમ સાથે જોઈ રહી!

દેબુએ સુચેતાને આરામ મળે એટલા માટે રાતનું જ બુકિંગ કરાવ્યું હતું. પ્લેને સ્થિરતા પકડી પછી સાંજનું જમવાનું રાત્રે બાર વાગ્યે પીરસતી એરહોસ્ટેસોને જોઈને સુચેતાને થયું ‘ રાત્રીનાં બાર વાગ્યે તે કાંઈ ખાવાનો સમય છે?’ વિચારી એણે એરહૉસ્ટેસને જમવાની ના કહી. આંખો બંધ કરી સૂવાની તૈયારી કરી. એની મમ કહેતી કે મધ્યરાત્રીએ રાક્ષસ ખાય મનુષ્ય નહીં, એ યાદ આવતાં એનાથી બંધ આંખોએ મલકી જવાયું.

બા યાદ આવી અને સાથેસાથે આળસ મરડી ઊભો થઈ ગયો ભેંકાર ભૂતકાળ. એ ફરીને એનાં મન પ્રાણ પર સવાર ન થઈ જાય એ વિચારી તરત આંખો ખોલી નાંખી. આજુબાજુ જોયું તો થોડા લોકો સિવાય સૌ સૂવાની તૈયારી કરતાં હતાં. આંખો બંધ જ નથી કરવી ને! એની નજર બાજુમાં બેઠેલા પેસેંજરના હાથમાં પકડેલા હાર્ડડ્રીંક્સનાં ગ્લાસ તરફ ગઈ જેને એ ગોળ ગોળ ઘુમાવતો હતો.. એનાથી એ હિપ્નોટાઈઝ થઈ ગઈ હોય તેમ ફરીને આંખો ઘેરાવા માંડી.

એને યાદ આવ્યો દેબુ સાથેનો પહેલો પરિચય. ત્યારે તો લગ્ન નામના શબ્દથી પણ એ ધ્રૂજી ઉઠતી હતી. વૃદ્ધાશ્રમની એની સહ-સંચાલકની નોકરીએ જીવનની દિશા જ બદલી નાંખી. ઉંમર સાથે આવેલી શારીરિક અક્ષમતાને લીધે મમતા અને અજીત દેશમુખે વૃદ્ધાશ્રમમાં રહેવું પસંદ કર્યું, જ્યાં સુચેતા સહસંચાલકની નોકરી કરતી હતી.

એકની એક દીકરી કામિનીનાં કાર અકસ્માતમાં થયેલા મૃત્યુથી હચમચી ઉઠેલા દેશમુખ દંપતિને સુચેતાએ દીકરી જેવો પ્રેમ આપી જીતી લીધા. અને મમતાતાઈ અને પાપાજીએ એને એનાં દોજખ જેવા જીવનની યાદો પર ચંદનના લેપ જેવો સ્નેહ વરસાવી બહાર કાઢી હતી.

દેબાશિષની અનુમતિથી અને માતા – પિતાનાં હક્કથી મમતાતાઈ અને પાપાજીએ પાંચ વર્ષ પછી ભારત આવેલા જમાઈ દેબાશિષ સાથે સુચેતાને લગ્ન કરવા સમજાવી હતી.

પછી જાણે જિંદગીએ પાસું બદલ્યું.

સુચેતાનાં લગ્ન જીવનનાં પ્રથમ નવ વર્ષની કડવી વખ જેવી જિંદગી પછી મળેલાં સુખનાં ત્રણ વર્ષ એની આગવી મૂડી છે. ભૂતકાળની ભૂતાવળમાંથી જો કોઈએ છોડાવી હોય તો એ માત્ર અને માત્ર દેબુના અઢળક પ્રેમે!

ફરી સુચેતાની આંખો ખુલી ગઈ.

ખુલ્લી આંખમાં પ્લેનનો અંધકાર એનાં જીવનની બીજી મધુરજનીને ખેંચી લાવ્યો. દેબાશિષે એને લગ્ન પહેલાં વચન આપ્યું હતું કે જ્યાં સુધી એ એનાં અંતરનાં ઊંડાણથી શારીરિક સંબંધ માટે તૈયાર ન થાય ત્યાં સુધી એની પર કોઈ પ્રેશર લાવશે નહીં અને સાચ્ચે જ એ માણસ સુચેતાથી એ રાત્રીએ જ નહીં કંઈ કેટલીય રાત્રી સુધી, રોજબરોજની જિંદગીમાં કોઈ પણ જાતની કડવાશ લાવ્યા વગર ખૂબ જ સહજતાથી રહી એની સજ્જનતાને, એના વચનને નિભાવ્યું.

પરંતુ આજે અચાનક સુચેતાને થયું કે ‘અરર…..પોતાનાં કડવા જીવનનાં અનુભવો એટલા તો એના પર હાવી થઈ ગયા હતા કે એને ક્યારેય એવો વિચાર કેમ ન આવ્યો કે દેબુનાં તો કામિની સાથે પ્રેમ-લગ્ન હતાં એને એની પ્રથમ લગ્નની રાત્રીની યાદ આવી જ હશે ને!  પાંચ પાંચ વર્ષનાં એના સહજીવનની કેટલી બધી યાદોથી એ તરબતર હતો, એની પર એ રાત્રે શું વીત્યું હશે?’

ફક્ત એ રાત્રી જ નહીં સવારનાં ઉઠતાંની સાથે શરૂ થતો એનો સંસાર કામિની સાથે કેટલો ઓતપ્રોત હશે એનો તો મને આજ સુધી ક્યારેય વિચાર સુદ્ધાં નથી આવ્યો! કેટલાય મહિનાઓ સુધી મારા બદનસીબ ભૂતકાળનું ભારેખમ પોટલું લઈને મેં ફર્યા કર્યું!

મારા આવતાં પહેલાં કામિની સાથેનો લગ્ન વખતનો ફોટો દેબુએ બેડરૂમમાંથી લિવિંગરૂમનાં એક ખૂણે મૂક્યો હશે ત્યારે એનાં મન પર શું વીત્યું હશે?

કામિની અને દેબુ ક્યારે મળ્યાં હશે, કેવા સંજોગોમાં પ્રેમ થયો હશે, મહારાષ્ટ્રીય બ્રાહ્મણ હોવાનાં ગૌરવથી જીવતાં મમતાતાઈ અને પાપાજીને બંગાળમાં ચમાર જાતિમાં જન્મેલા દેબાશિષ સાથે લગ્ન કરવા દેવા માટે કઈ રીતે કામિનીએ મનાવ્યા હશે?

એક-બે વખત થોડી ઈર્ષ્યાભાવે કામિની સાથેનાં લગ્ન જીવન વિષે પૂછ્યું પણ હતું પરંતુ દેબુએ જવાબ આપ્યો હતો, ‘ત્યારે અમે બન્ને ખૂબ સુખી હતાં અને આજે પણ, ચેતા,  હું તારી સાથે સુખી છું; ખૂબ સુખી છું, જાણે છે કેમ?’ સુચેતાના પ્રતિભાવની રાહ જોયા વગર જ એણે કહ્યું હતું, ‘ કામિનીને થયેલા જીવલેણ અકસ્માતે મને પ્રેમનો અર્થ સમજાવ્યો. શારીરિક બંધનથી પણ ઉપર એક પ્રેમ છે કે જે માત્ર સ્નેહાધીન અંતરમાં સજીવન રહે છે, ચેતા. તે વખતે બધું જ ગૌણ બની જાય.’  એ વાક્ય હમણા જ સુચેતાની સમજમાં ઉતર્યું અને એ યાદ આવતાં જ અર્ધજાગ્રત અવસ્થામાં પણ પોતાની સ્વાર્થી વૃત્તિનાં સ્મરણથી એ શરમથી કોકડું વળી ગઈ.

સુચેતાને યાદ આવ્યું. લગ્ન પછી એક વખત ક્રોકરી ગોઠવતાં ગોઠવતાં ચાઈનાનો ટી સેટ જોયો હતો….આ ક્ષણે ખ્યાલ આવ્યો કે એ બન્નેને ઈગ્લીશ ટી પીવાની ટેવ હશે! રોજ મસાલાવાળી ગુજરાતી ચા બનાવતી વખતે  ક્યારેય પૂછ્યું સુદ્ધાં નહીં કે તને આવી ચા ભાવે છે કે નહીં? બંગાળમાં લોકો કેવી ચા પીએ? કેટલા ઈન્ટરેસ્ટથી એ રોજ ચા પીએ છે. મને સુનિતે છૂટ્ટો મારેલો ચાનો કપ યાદ આવે તો એને કામિની સાથે બેસીને પીધેલી ઈંગ્લીશ ટી યાદ આવતી જ હશે ને!

રુદનથી ભરપૂર એક નિસાસો નીકળી ગયો અને સુચેતાને રહીરહીને પોતાની અસંવેદનાશીલ રોજિંદા વ્યવહારની એક એક વાતો યાદ આવતી ગઈ અને એની આંખો ખૂલી ગઈ- શારીરિક અને નિશ્ચેત બની પડેલી સંવેદનાની આંખો પણ રહી રહીને ચૂઈ પડી.

પોતે કેટલી અવિચારી, સ્વાર્થી, નિષ્ઠુર છે? એને પાછા યુ.કે વળી જવાનો વિચાર આવ્યો અને એના વ્હાલા દેબુની માફી માંગવા માટે એ ઉતાવળી થઈ ગઈ…..

ફરી ભૂતકાળે આક્રમણ કર્યું, સુનિતનાં ગજવામાંથી નીકળેલી ચિઠ્ઠી વાંચી અને પોટલામાં બંધાઈને આવેલો એનો મૃત્યુદેહ યાદ આવે ત્યારે હજુ પણ  સુચેતાને ‘બેભાન થઈ જઈશ’ની લાગણી થાય છે,  તો કાર અકસ્માતમાં મૃત્યુ પામેલી પોતાની પ્રિયતમ પત્નીને જોઈને દેબુને શું થયું હશે એનો વિચાર મને કેમ ક્યારેય ન આવ્યો…અને આજે અત્યારે જ્યારે એ જોજનો દૂર છે ત્યારે રહી રહીને આ બધું યાદ આવે છે તે કેમ કરી વેંઢારું?

ભૂતકાળને પાછળ છોડી એણે દેબાશિષ સાથે સહજીવન તરફ પ્રયાણ આદર્યું હતું.

બ્રિટીશ નાગરિકતા ત્રણ વર્ષે મળી અને સુચેતાને ભારત જવાની અદમ્ય ઈચ્છા થઈ આવી. નાનાભાઈ સુચેત અને એની પત્ની નંદિની, મમતાતાઈ અને પાપાજીને મળવા મન અધીર થઈ બેઠું હતું. બ્રિટીશ એરવેઈઝમાં પાયલોટની જવાબદારી નિભાવતાં દેબાશિષને રજા મળવી મુશ્કેલ હતી એટલે નછૂટકે સુચેતા તૈયાર તો થઈ પરંતુ જેમ જેમ એ દિવસ નજીક આવતો ગયો તેમ તેમ દેબુ વિના ભારત જવાની વાતથી એ બેબાકળી થઈ જવા લાગી. ત્રણ વર્ષમાં તો દેબુ એનાં જીવનનું મધ્યબિંદુ બની ગયો હતો અને …અને છતાં મેં એને કેટ્લો અન્યાય કર્યો!

હવે દેબુ  પાસે જઈને પોતાના આ અસંવેદનશીલ વ્યવહારની માફી માંગી જાણે ફરી લગ્ન જીવન શરૂ કરવું હોય એવી તાલાવેલી જાગી. સુચેતાનું આખું અસ્તિત્વ બોલતું હતું, ‘દેબુ વગર ન જ જીવાય’…….વળતા પ્લેનમાં જ પાછા વળવાનો નિર્ણય કર્યો ત્યાં જ મુંબઈ આવી ગયાની ઘોષણા થઈ. આ તે કેવી મૂંઝવણ? એક તરફ મમતાતાઈ, પાપાજી, સુચેત અને નંદિનીને મળવાની તાલાવેલી અને બીજી તરફ એનાથીય પ્રબળ દેબુ પાસે પાછા જતા રહેવાની ઈચ્છા!

સુચેતા યંત્રવત્ ઇમિગ્રેશનમાંથી પસાર થઈ પોતાનો સામાન કન્વેયર બેલ્ટ પરથી ઉઠાવી મુડમાં આવવા માટે દેબુને ગમતાં ગીતો સાંભળવા માટે ઈયર પ્લગ પહેર્યા અને દેબુનું ખૂબ જ ગમતું ગીત આવતું હતું……..

धीरे-धीरे मचल ऐ दिल-ए-बेकरार, कोई आता है
यूं तड़प के न तड़पा मुझे बार-बार, कोई आता है
धीरे-धीरे मचल ऐ दिल-ए-बेकरार, कोई आता है

उसके दामन की खुशबू हवाओं में है
उसके कदमों की आहट फिजाओं में है
मुझको करने दे, करने दे सोलह श्रृंगार, कोई आता है
धीरे-धीरे मचल ऐ दिल-ए-बेकरार, कोई आता है

શ્રૄંગાર શબ્દ સાંભળી એની નજર અનાયાસે બાજુમાં ઍડ્વર્ટાઇઝમેન્ટનાં ગ્લાસ ઉપર પડતાં એના પ્રતિબિંબ ઉપર પડી, અરેરે, જો તો દેબુ જુએ તો તરત મને વ્યવસ્થિત તૈયાર થવા જરૂર કહે. વળી બહાર લેવા આવેલા સુચેત અને નંદિની પણ મને આવી સાવ લઘરવઘર જુએ તો કેવું લાગે વિચારી, ટ્રોલીને બાજુ પર લઈ એ પર્સમાંથી હેરબ્રશ શોધવા લાગી. ત્યાં તો કોઈ એની પાસે સાવ લગોલગ આવીને ઊભું હોય તેમ લાગ્યું એટલે નજરમાં ગુસ્સા સાથે ઉપર જોયું તો……..

એ માની જ નહી શકી કે એનો દેબુ પાયલોટનાં યુનિફોર્મમાં પ્રેમથી સભર સ્મિત સાથે એની સામે ઊભો હતો.

જેને આખે રસ્તે મન–પ્રાણથી ઝંખ્યો હતો એ સામે જ છે, ક્ષણ માટે તો માની જ શકી નહીં. સ્તબ્ધ ઊભી રહેલી જોઈ દેબાશિષે એને પ્રેમથી હચમચાવી. સાચ્ચે જ દેબુ સામે છે, ભ્રમણા નથીની પ્રતિતી થતાં જ, ક્યાં છે, આજુબાજુ કોણ છે કશાનીય પરવા કર્યા વગર એ દેબાશિષને કોઈ ઝાડને વેલ વળગે તેમ વળગી, એની છાતીમાં મુક્કા મારતી મારતી, આનંદનાં અતિરેકમાં રડી પડી..

ચેતાને સરપ્રાઈઝ આપવા માટે દેબાશિષે એને કહ્યું નહોતુ કે એની ડ્યુટી એ જ પ્લેનમાં હતી જેમાં એની ચેતા ભારત જતી હતી!

એના પ્રાણથીય વ્હાલા દેબુનાં દુઃખને ન સમજ્યાની પીડામાં કે પછી આનંદના અતિરેકમાં સુચેતાને થયું એનું આખું અસ્તિત્વ પીગળી રહ્યું છે……ટીપે….. ટીપે!