પ્રકૃતિની પાંખો
હીત વોરા
આપણે ઘણી વાર કચ્છ અને રાજસ્થાનના સૂકા પ્રદેશોને મરુસ્થળ કહી દેતા હોઈએ છીએ. મરુસ્થળ એટલે એવો પ્રદેશ જ્યાં કોઈ જીવસૃષ્ટિ ટકી શકે નહીં! પરંતુ આ માન્યતા તદ્દન ખોટી છે. રણ એટલે નિર્જીવ ભૂમિ નહીં, પરંતુ એવો પ્રદેશ જ્યાં ઓછા પાણી, આકરી ગરમી અને અનિયમિત વરસાદ વચ્ચે જીવસૃષ્ટિએ ટકી રહેવા માટે અનોખી અનુકૂલનક્ષમતા વિકસાવી છે.
કચ્છનાં પથરાળ ઝાડી-ઝાંખરવાળા પ્રદેશો, ખુલ્લાં ઘાસનાં મેદાનો અને મોસમી જળપ્લાવિત વિસ્તારો અસંખ્ય જીવોને આશ્રય આપે છે. દર શિયાળે દૂરના પ્રદેશોમાંથી અનેક યાયાવર પક્ષીઓ અહીં આવે છે. તેની સાથે જ અહીં એવા વિશિષ્ટ પક્ષીઓ પણ વસે છે, જેમણે સૂકા અને ખુલ્લા પ્રદેશોમાં જીવવા માટે પોતાની આગવી જીવનશૈલી વિકસાવી છે. ઘાસનાં મેદાનો પર ઊડતા ગરુડ અને હેરિયર્સથી માંડીને પથ્થરો વચ્ચે ખોરાક શોધતાં વ્હીટિયર્સ, લાર્ક્સ, કોર્સર્સ અને ફિન્ચ સુધી—દરેક જીવની આ પર્યાવરણમાં પોતાની ભૂમિકા છે.
પક્ષીઓ માત્ર શિયાળામાં આવીને પ્રદેશની સુંદરતા વધારતા મહેમાનો નથી. તેઓ એક જટિલ પર્યાવરણીય જાળનો ભાગ છે. તેઓ જીવાતો, બીજ અને નાના પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પોતે પણ મોટા શિકારી જીવોનો ખોરાક બને છે. આ રીતે તેઓ કુદરતી ખોરાકજાળ અને પર્યાવરણીય સંતુલનનો ભાગ બને છે. ઘાસનાં મેદાનો, ઝાડીવાળા પ્રદેશો, પથરાળ ટેકરીઓ અને જળપ્લાવિત વિસ્તારો એકબીજા સાથે જોડાયેલા છે. આ સમગ્ર પ્રદેશનું સ્વાસ્થ્ય જ તેની જીવસૃષ્ટિના અસ્તિત્વનો આધાર છે.
આવા સૂકા પ્રદેશોમાં જીવન જીવવા માટે અનુકૂલિત થયેલું એક આગવું પક્ષી છે—ટ્રમ્પેટર ફિન્ચ (Bucanetes githagineus).
પહેલી નજરે ટ્રમ્પેટર ફિન્ચ કંઈ ખાસ આકર્ષક પક્ષી ન લાગે. કદમાં તે આશરે ચકલી જેવું નાનું છે અને તેનું રેતાળ ભૂખરું શરીર આસપાસની સૂકી જમીન અને પથ્થરો સાથે એટલું ભળી જાય છે કે તેને શોધવું પણ મુશ્કેલ બને. પરંતુ પ્રજનન ઋતુમાં નરનો દેખાવ સાવ બદલાઈ જાય છે. તેના માથા પર રાખોડી છાંટ, શરીર, પાંખો અને પૂંછડી પર ગુલાબી આભા તથા આકર્ષક નારંગી-લાલ ચાંચ જોવા મળે છે. માદા અને યુવાન પક્ષીઓનો રંગ પ્રમાણમાં વધુ ફિક્કો હોય છે. તેની ટૂંકી, જાડી અને શંકુ આકારની ચાંચ બીજ તોડવા માટે ખાસ અનુકૂલન પામેલી છે.


આ પક્ષી સામાજિક સ્વભાવનું છે. તે સામાન્ય રીતે નાના જૂથોમાં જોવા મળે છે અને કેટલીક વખત મોટાં ઝૂંડ પણ બનાવે છે.
ટ્રમ્પેટર ફિન્ચનું વિતરણ ઉત્તર આફ્રિકાથી મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા થઈને પાકિસ્તાન સુધી વિસ્તરેલું છે. તેની કેટલીક વસ્તીઓ એક જ વિસ્તારમાં રહે છે, જ્યારે કેટલીક ખોરાકની ઉપલબ્ધતા પ્રમાણે એક સ્થળેથી બીજા સ્થળે ભટકતી રહે છે. ભારતમાં તે સામાન્ય પક્ષી નથી, પરંતુ શિયાળા દરમિયાન અનિયમિત રીતે જોવા મળે છે. ગુજરાતમાં તેના મોટાભાગના નોંધાયેલા અવલોકનો કચ્છમાંથી મળ્યા છે. તેથી કચ્છમાં તેનું દર્શન વિશેષ મહત્ત્વ ધરાવે છે.

કચ્છના સૂકા વિસ્તારો અને ગ્રેટ રણ ઑફ કચ્છ (GRK)ની પથરાળ ટેકરીઓમાં પણ ટ્રમ્પેટર ફિન્ચ નિયમિત રીતે શિયાળામાં જોવા મળે છે. છારી ઢંઢ નજીક આવેલી કીરો હિલ અને પંખી બેટ—જેને ‘બર્ડ રોક’ તરીકે પણ ઓળખવામાં આવે છે—આ પક્ષીને જોવા માટેનાં ખાસ રસપ્રદ સ્થળો છે.
પંખી બેટ આસપાસના સપાટ રણપ્રદેશની વચ્ચે ઊભી થયેલી રેતીપથ્થરની એક આગવી રચના છે. શિયાળાની સાંજ પડે ત્યારે અહીં ફિન્ચ અને બન્ટિંગ્સનાં ઝૂંડ એકત્ર થવા લાગે છે. પક્ષીઓ આ ખડક પર બેસે છે, તેની સપાટી પર ફરતાં જોવા મળે છે અને અહીં નોંધાયેલા અવલોકનો મુજબ ખડકનાં ખનિજોથી સમૃદ્ધ ભાગોને ચાંચ વડે સ્પર્શે છે અથવા ચાટે છે. આ વર્તન દ્વારા તેઓ જરૂરી ખનિજો મેળવતા હોઈ શકે છે, જોકે કયા ખનિજો અને તેમનું ચોક્કસ મહત્ત્વ શું છે તે જાણવા વધુ અભ્યાસની જરૂર છે.
સાંજ આગળ વધે તેમ પક્ષીઓ થોડો સમય આસપાસ નજર ફેરવે છે અને સંભવિત જોખમો પ્રત્યે સતર્ક રહે છે. ત્યારબાદ તેઓ નજીકના પાણીના સ્ત્રોત તરફ ઊડે છે, જ્યાંથી પાણી પીને પોતાના રાત્રિના આશ્રયસ્થાન તરફ પ્રયાણ કરે છે. પથ્થરોના ઢગલા જેવું દેખાતું આ સ્થળ હકીકતમાં અનેક પક્ષીઓની દૈનિક જીવનશૈલીનો મહત્ત્વનો ભાગ છે.
આ સમગ્ર વિસ્તારનું મહત્ત્વ માત્ર ટ્રમ્પેટર ફિન્ચ પૂરતું સીમિત નથી. ૨૦૧૨માં પેલ રોક ફિન્ચ (Carpospiza brachydactyla)નો ભારતનો પ્રથમ નોંધાયેલો રેકોર્ડ પણ અહીંથી મળ્યો હતો. આવા વિશિષ્ટ પક્ષીઓની હાજરી, તેમજ શિયાળામાં અહીં આવતાં ફિન્ચ, બન્ટિંગ્સ અને અન્ય રણપ્રદેશીય પક્ષીઓ, આ પથરાળ નિવાસસ્થાનોની પર્યાવરણીય મહત્તા દર્શાવે છે.
પરંતુ એક પ્રશ્ન ઊભો થાય છે—જો આ નિવાસસ્થાનો જ ન રહે તો?
શિયાળામાં કચ્છ આવતું કોઈ યાયાવર પક્ષી ઋતુ પૂરી થતાં પોતાના પ્રજનન ક્ષેત્ર તરફ પાછું ફરે છે. પછીના શિયાળે જ્યારે તે ફરી અહીં આવે, ત્યારે કદાચ તેને પોતાનું જૂનું નિવાસસ્થાન જ ન મળે. જ્યાં પહેલાં ખોરાક શોધતું હતું તે જમીન સમતળ થઈ ગઈ હોય, પથરાળ ટેકરીઓ તોડી નાખવામાં આવી હોય, વનસ્પતિ દૂર થઈ ગઈ હોય અને આખો વિસ્તાર વાડથી ઘેરાઈ ગયો હોય. પક્ષી ઉડીને બીજે જઈ શકે છે, પરંતુ તે બીજું પંખી બેટ કે કીરો હિલ જાતે બનાવી શકતું નથી.
આ જ સ્થળોએ મોટા પાયે સોલાર ઊર્જાના પ્લાન્ટના સર્જનનું વધતું દબાણ ચિંતાનો વિષય છે. અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા અને આબોહવા પરિવર્તન સામે લડવા નવીનીકરણીય ઊર્જા અત્યંત જરૂરી છે. પરંતુ સૌર અને પવન ઊર્જાના પ્રકલ્પો ઊભા કરવાની ઉતાવળમાં વિશાળ કુદરતી ઘાસનાં મેદાનો, ઝાડીવાળા પ્રદેશો અને રણપ્રદેશોને ઘણીવાર ખાલી કે બિનઉપયોગી જમીન સમજીલેવામાં આવે છે. જમીન સમતળ કરવી, વનસ્પતિ દૂર કરવી, વાડબંધી, રસ્તાઓ અને વીજળીની લાઇનો ઊભી કરવી,—આ બધું મળીને નિવાસસ્થાનોના ટુકડા પાડી શકે છે અને વન્યજીવો માટે જરૂરી કુદરતી રચનાઓનો નાશ કરી શકે છે. અને સોલાર પ્લાન્ટની સ્થાપના માટે જમીનનો ખૂબ જ વિશાળ ભાગની જરૂર પડે છે!
અહીં એક વિચિત્ર વિરોધાભાસ જોવા મળે છે. પર્યાવરણ અને પૃથ્વી પરના જીવનનું ભવિષ્ય બચાવવા માટે આપણે નવીનીકરણીય ઊર્જા તરફ આગળ વધી રહ્યા છીએ, પરંતુ જો આ પ્રકલ્પો પર્યાવરણીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ નિવાસસ્થાનોમાં આડેધડ ઊભા કરવામાં આવે, તો તે જ જીવસૃષ્ટિ માટે જોખમ ઊભું કરી શકે છે જેને બચાવવાનો આપણો હેતુ છે. ઉકેલ નવીનીકરણીય ઊર્જાનો વિરોધ કરવાનો નથી, પરંતુ તેનું આયોજન જવાબદારીપૂર્વક કરવાનું છે—સંવેદનશીલ નિવાસસ્થાનોને ટાળીને અને દરેક ખુલ્લી જમીન વિકાસ માટે ઉપલબ્ધ નથી તે સ્વીકારીને.
‘વેરાન જમીન’ શબ્દ ઘણીવાર ભ્રામક સાબિત થાય છે. પથરાળ ટેકરી પર ઊંચાં વૃક્ષો ન હોય, ઘાસનું મેદાન વર્ષના મોટા ભાગના સમયમાં સૂકું દેખાતું હોય કે દૂરથી રણ ખાલી લાગતું હોય, તો તેનો અર્થ એ નથી કે ત્યાં જીવન નથી. આવા વિસ્તારોમાં વિશિષ્ટ વનસ્પતિ, જીવાતો, સરિસૃપો, સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ વસે છે જે કદાચ આવી જગ્યાઓ સિવાય બીજે ક્યાંય જીવન ટકાવી શકતી નથી અને લાંબા ગાળે તેની સંખ્યા પર ખરાબ પ્રભાવ પડે છે અને તેમને વિલુપ્તિ તરફ લઈ જાય છે.
કોઈ પ્રદેશનું મૂલ્ય તે કેટલો લીલો દેખાય છે કે તેમાંથી કેટલી આવક થઈ શકે છે તેના આધારે નક્કી થતું નથી.
ટ્રમ્પેટર ફિન્ચ કદમાં નાનું પક્ષી છે, પરંતુ તેની હાજરી આપણને એક મોટી વાત સમજાવે છે. કચ્છની પથરાળ ટેકરીઓ અને સૂકાં ઘાસનાં મેદાનો ખાલી પડેલી જમીન નથી, જે વિકાસની રાહ જોઈ રહી હોય. આ હજારો વર્ષના પર્યાવરણીય સંબંધોથી ઘડાયેલા જીવંત પ્રદેશો છે. જો આપણે આ નિવાસસ્થાનો ગુમાવીશું, તો માત્ર પક્ષીદર્શન માટેનું એક સ્થળ નહીં, પરંતુ કચ્છના કુદરતી વારસાનો એક અવિભાજ્ય હિસ્સો ગુમાવીશું.
આજે, આ લખાઈ રહ્યું છે ત્યારે, છારી ઢંઢ અને કીરો હિલ નજીકનું આ જ કુદરતી પરિદૃશ્ય બદલાઈ રહ્યું છે. NTPCના ઊર્જા પ્રકલ્પ માટે મોટા વિસ્તારની વાડબંધી કરવામાં આવી છે, જમીન સમતળ કરાઈ રહી છે અને અહેવાલો મુજબ, આ કામગીરી માટે પક્ષીઓના આશ્રયસ્થાન સમાન ‘બર્ડ રોક’ (પંખી બેટ) જેવી રચનાઓ, જ્યાં શિયાળામાં ટ્રમ્પેટર ફિન્ચ અને અન્ય પક્ષીઓનાં ઝૂંડ આશરો લેતાં હતાં, તે પણ નષ્ટ થઈ રહી છે. આ પ્રકલ્પની પર્યાવરણીય અસરો અને તેને અપાયેલી મંજૂરીઓને પડકારતી અરજી હાલમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) સમક્ષ વિચારાધીન છે; સપ્ટેમ્બર૨૦૨૬માં ટ્રિબ્યુનલે અરજી સ્વીકારીને સંબંધિત પક્ષકારોને નોટિસ પાઠવી હતી, પરંતુ કામ અટકાવવાનો વચગાળાનો આદેશ આપ્યો નહોતો. વિકાસ અને નવીનીકરણીય ઊર્જા જરૂરી છે, પરંતુ તેના માટે આવા વિશિષ્ટ કુદરતી નિવાસસ્થાનોનો ભોગ આપવો પડે તે સ્વીકાર્ય નથી.
શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
