ધિક્કારનાં ગીતો
હમેં તુમસે પ્યાર કિતના યે હમ નહીં જાનતે, મગર જી નહીં સકતે તુમ્હારે બિના…
દીપક સોલિયા
નવામાં નવી પેઢીનાં છોકરાંવ પણ કિશોર-રફી-મુકેશ-લતા-આશાનાં ગીતોથી થોડાઘણા તો પરિચિત છે જ, કારણ કે આ કલાકારોએ એટલાં બધાં અને એટલાં યાદગાર ગીતો ગાયાં છે કે એ બધાં ગીતો સાવ જ વિસરાઈ જાય એવો યુગ હજુ ઘણો ઘણો ઘણો દૂર છે.
આ બધાંમાંથી કિશોર કુમાર -અને મુકેશ પણ- એવા ગાયકો હતા જેમણે શાસ્ત્રીય સંગીતની ઝાઝી તાલિમ તો નહોતી લીધી, પરંતુ તેઓ એવી રીતે ગાઈ શકતા જેથી તેમની ગાયકી સીધી લોકોના હૃદયને સ્પર્શી શકે. તેમાં અતિ વિદ્વત્તા, સજ્જતા, શાસ્ત્રીયતાનો ભાર નહોતો. કિશોરના ગીતોમાં ગાવા ઉપરાંત વાત કરવાનો, સંવાદ સાધવાનો ભાવ વધુ પ્રબળ રહેતો. એટલે જ્યારે જ્યારે એવું બન્યું છે કે એક જ ગીત કિશોર કુમારે પણ ગાયું હોય અને અન્ય ગાયક કે ગાયિકાએ પણ ગાયું હોય ત્યારે મોટા ભાગના કિસ્સામાં કિશોરવાળું ગીત પ્રમાણમાં વધુ લોકપ્રિય બન્યું છે. જેમ કે, ફિલ્મ પ્યાર કા મૌસમનું એક ગીત છે, તુમ બિન જાઉં કહાં, કે દુનિયા મેં આકર કુછ ન ફિર ચાહા કભી તૂમ કો ચાહ કે…
મજરૂહ સુલતાનપુરીએ લખેલા આ ગીતના શબ્દો એકદમ સામાન્ય છે (ફટ જાએંગી દીવારેં સુન કે મેરી સદા), પરંતુ આર. ડી. બર્મનનું સંગીત એકદમ કેચી છે, યાદગાર છે. ફિલ્મમાં આ ગીત કિશોરે પણ ગાયું છે અને રફીએ પણ. રફીએ તો બે વાર ગાયું છે. ફિલ્મના હીરો શશી કપૂરને રફીનો અવાજ મળ્યો છે, જ્યારે ફિલ્મમાં શશી કપૂરના પિતાની ભૂમિકા કરનાર ભારત ભૂષણને કિશોરને અવાજ ફાળવાયો છે. બન્ને ગાયકોએ એટલી શાનદાર ઢબે ગાયું છે કે બેમાંથી બહેતર કોણ એ નક્કી કરવું ન કેવળ મુશ્કેલ છે, બલ્કે એ કવાયતમાં પડવા જેવું નથી. હા, બેમાંથી કયા ગાયકે ગાયલું વર્ઝન વધુ લોકપ્રિય-યાદગાર બન્યું એની વાત કરીએ તો ચુકાદો સ્પષ્ટ છેઃ કિશોરવાળું વર્ઝન વધુ ‘ચાલ્યું’. તમે આ ગીત યાદ કરશો તો તમને ગીતના આરંભે યોડેલિંગ (હા હા હા હં હં આ હા હા)વાળું, કિશોર કુમારવાળું વર્ઝન પહેલું યાદ આવશે.
એક આડવાત. કિશોર કુમાર યોડેલિંગ માટે જાણીતા છે. યોડેલિંગ એ ગાયકીનો એવો એક પ્રકાર છે જેમાં ઊંચા અને નીચા સ્વર વચ્ચે ઝડપી આવજા કરવામાં આવે છે. યોડેલિંગના મૂળિયાં સ્વિત્ઝર્લેન્ડની રૂપાળી ખીણોમાં રહેલા છે. ત્યાં વસતા સમુદાયો વચ્ચે પ્રત્યાયન (કમ્યુનિકેશન) માટે અને ત્યાંના ભરવાડો દ્વારા ગાયોનું ધણ એકઠું કરવા માટે યોડેલિંગનો ઉપયોગ થતો. કિશોર કુમારે અનેક ગીતોમાં, જેમ કે ફિલ્મ અંદાઝના ગીત ‘જિંદગી એક સફર હૈ સુહાના’માં યોડેલિંગના સુંદર નમૂના પેશ કર્યા છે.
તો, ‘તુમ બિન જાઉં કહાં’નું કિશોરના યોડેલિંગથી શરૂ થતું અને પછી એકદમ સરળ, લોકભોગ્ય રીતે ગવાયેલું કિશોરવાળું વર્ઝન રફીએ ગાયેલા વર્ઝન કરતાં વધુ લોકો સુધી પહોંચ્યું. અલબત્ત, એનો અર્થ એવો નથી કે કિશોરની ગાયકી વધુ ઊંચી હતી. ના, વાત ફક્ત એટલી જ છે કે કિશોરવાળું વર્ઝન વધુ લોકોને વધુ સમય સુધી યાદ રહ્યું. આવો જ કિસ્સો ફિલ્મ શર્મીલીના ગીત ‘ખીલતે હૈ ગુલ યહાં’નો છે. આ ગીત કિશોરે પણ ગાયું છે અને લતા મંગેશકરે પણ, પરંતુ તમે આંખ બંધ કરીને યાદ કરશો તો લતા કરતાં પહેલાં કિશોરવાળું વર્ઝન તમને યાદ આવે તેની શક્યતા વધુ છે. ફરી એ જ વાત, ગાયકીમાં લતા કરતાં કિશોર ઊંચા હતા એવું નથી, પરંતુ આપણે ફક્ત હકીકત પર જ ફોકસ કરીએ તો લતા કરતાં કિશોરવાળું વર્ઝન વધુ ‘સફળ’ રહ્યું તે સ્વીકારવું પડે. વળી, આ ગીત પૂરતી એક દલીલ એવી પણ થઈ શકે કે આ ગીત પ્યાર માટે આમંત્રણ આપતું ગીત છે અને પ્યારનું આમંત્રણ આપવાનું કામ સામાન્ય રીતે સ્ત્રી કરતાં પુરુષો વધુ કરતાં હોય છે અથવા એમ કહીએ કે પ્યારની પહેલ પુરુષ કરે તે આપણને વધુ સહજ લાગે છે. માટે કદાચ કિશોરવાળું વર્ઝન વધુ ચાલ્યું હોય એવું બને.
આપણે જે ગીતની વાત કરવાની છે એ છે કિશોર તથા અન્ય ગાયકે ગાયેલા એક ત્રીજા ગીતની. એ ગીત છે હમે તુમસે પ્યાર કિતના યે હમ નહીં જાનતે, મગર જી નહીં સકતે તુમ્હારે બિના.
આ ગીત પણ લેખના આરંભે નોંધેલા ગીત – તુમ બિન જાઉં કહાં-ની જેમ મજરૂહે લખેલું અને આર. ડી. બર્મને સંગીતમાં ઢાળેલું અને તેને બે ગાયકોએ ગાયેલું, કિશોર કુમારે અને પરવીન સુલતાનાએ. ગીત પોતે સુપરહિટ છે, પરંતુ બેમાંથી વધુ સુપરહિટ વર્ઝન કયું એનો જવાબ સ્પષ્ટ છેઃ કિશોરવાળું વર્ઝન. આજે પણ કિશોરના ગીતોના પ્રોગ્રામમાં આ ગીત તમને અવારનવાર સંભળાશે. ગીતના શબ્દો અને સંગીત બન્ને એકદમ સરળ છે, સંવાદ સાધનારા છે. એ ગીત સાંભળીએ તો એવું લાગે કે એક પુરુષ શાંતિથી ઊભો ઊભો તેની પ્રેમિકાને કહી રહ્યો છે; પદ્યમાં નહીં, બલ્કે જાણે ગદ્યમાં વાત કરી રહ્યો છે કે હું તને કેટલી ચાહું છું એ તો ખબર નથી, પણ એટલી ખબર છે કે તારી વિના જીવી નહીં શકું.
ખેર, આ ગીતનું કિશોર કુમારવાળું વર્ઝન વધુ લોકપ્રિય બન્યું તેનો કશો જ વિરોધ નથી, પરંતુ એક વાત ભૂલવા જેવી નથી અને ખાસ નોંધવા-સમજવા જેવી છે કે આ ગીતનું વધુ ધારદાર-અણિદાર-શાનદાર વર્ઝન પરવીન સુલતાનાવાળું ફિમેલ વર્ઝન છે. પુરુષ કરતાં સ્ત્રી, કિશોર કરતાં પરવીન વધુ અસરકારક, વધુ હૃદયભેદી રીતે ઇર્ષ્યાનો ભાવ વ્યક્ત કરી શક્યાં છે.
દ્વેષ-ગીતોની આ શ્રેણીમાં આ પ્રેમાળ ગીત –હમેં તુમસે પ્યાર કિતના-ને સમાવવાનું કારણ છે ઇર્ષ્યા. પહેલી નજરે કોમળ જણાતું આ ગીત અસલમાં ફરિયાદનું ગીત છે, જલનનું ગીત છે, જેમાં ગાયિકા રીપિટેડલી કહે છેઃ કદર ન જાની, કદર ન જાની. તને મારી કદર નથી, તને મારી કદર નથી.
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
