(૧)  ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા – અમૃત ‘ઘાયલ’

ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા;
કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા.

સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યાં,
જો નીકળ્યાં તો સાથે લઈ જાન નીકળ્યાં.

તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,
મારાં કરમ કે આંસુઓ તોફાન નીકળ્યાં.

એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.


(૨) જીવવાનું એક કારણ નીકળ્યું – કૈલાસ પંડિત

જીવવાનું એક કારણ નીકળ્યું.
ધૂળમાં ઢાંકેલું બચપણ નીકળ્યું.
મેં કફન માનીને લીધું હાથમાં,
એ સુખી માણસનું પહેરણ નીકળ્યું.

તરબતર આંખોય પ્યાસી નીકળી,
રાતરાણીની ઉદાસી નીકળી.
તારલા ઊઘડ્યાં ને મળતા આગિયા,
ચાંદને જોવા અગાસી નીકળી.

એકાદ એવી યાદ તો છોડી જવી હતી,
છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી.
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે,
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી.

ચાંદનીની રાહ એ જોતું નથી,
આંગણું એકાંતને રોતું નથી.
રાત પાસે આગિયા પણ હોય છે,
એકલું અંધારું કાંઈ હોતું નથી.