દિગ્દર્શન અને સંગીતનું સાયુજ્ય એટલે ભારત એક ખોજનું સંગીત  

(એક સમયે દૂરદર્શન પરથી પ્રસારિત, શ્યામ બેનેગલ દિગ્દર્શીત, જવાહરલાલ નહેરુના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઈન્‍ડિયા’ પર આધારિત ધારાવાહિક ‘ભારત એક ખોજ’ ના સંગીતનો આસ્વાદ આ શ્રેણીમાં કરાવાયો છે. વનરાજ ભાટિયાએ તેનું સંગીત તૈયાર કર્યું હતું.)

બીરેન કોઠારી

‘ભારત એક ખોજ’ના પાંચમા અને છઠ્ઠા હપ્તામાં મહાભારતની કથા છે.

એપિસોડનો પ્રારંભ જ તીજનબાઈનાં ગાયન બોલ દો વૃંદાવન બિહારી લાલ કી જય થી (@ – ૨.૨.૮ થી ૨.૪૯) થાય છે. એ પછી કુંતી અને માદ્રી વચ્ચેના સંવાદો દ્વારા તેઓ મહાભારત કથા (@- ૫.૫૭ થી ૮.૫૧)માં પાંડવોના જન્મની વાત જણાવે છે. એ પછી કૌરવો અને પાંડવો વચ્ચે રમાયેલા દ્યુતના પ્રસંગોનાંદૃશ્યો છે જે પાંડવોના વનવાસમાં પરિણમે છે. અહીંથી (@- ૩૧.૧૭ થી – ૨૮.૩૯) ફરીથી તીજનબાઈ પાંડવોના વનવાસનું વૃતાંત ઉપાડી લે છે, જોકે તેઓ તો બેકગ્રાઉંડમાં જ બતાવાયાં છે. પછી વનવાસ પછી દુર્યોધન એક સોઈના ટોચકાં જેટલી પણ જમીન આપવાના કૃષ્ણના પ્રસ્તાવને ઠુકરાવે છે ત્યાં સુધીની વાત ફરી દૃશ્યસંવાદના ફોર્મેટ દ્વારા આગળ વધે છે. એ તબક્કે તીજનબાઈ હવે મહાભારતનાં યુદ્ધનું વર્ણન કરવા લાગે છે (@-૧૦.૪૦ થી) અને અર્જુન પોતાના હથિયાર કૃષ્ણ આગળ મુકીને યુદ્ધ કરવાની અશક્તિ જાહેર કરે છે ત્યાં (@ -૮.૦) પર આવીને અટકે છે.

હપ્તાના અંતમાં બહુ સંક્ષેપમાં કૃષ્ણ દ્વારા અર્જુનને કહેવાયેલો ગીતા ઉપદેશ આવે છે, જેને પરિણામે અર્જુન યુદ્ધ માટે તૈયાર થાય છે.

પાંચમો હપ્તો અહીં જોઈ શકાશે.

છઠ્ઠા હપ્તાની શરૂઆતમાં કથકલીના માધ્યમથી ભીમે દુર્યોધનની જાંઘ તોડીને એ લોહીથી પોતાના હાથ ધોયા અને દ્રૌપદીના કેશ ધોયા એ દર્શાવાયું છે  (@૨.૨૮થી ૪.૫૮). એ પછી પ્રવકતાના વ્યક્તવ્ય સાથે સાથે ચાલી રહેલ નૃત્ય દ્વારા દર્શાવાયું છે કે ઇતિહાસનાં બૃહદ પરિપ્રેક્ષ્યમાં કુરૂક્ષેત્રનું યુદ્ધ માત્ર બે ભાઈઓ ભાઈઓ વચ્ચેનું જ યુદ્ધ નહીં પણ મધ્ય ભારતામાં ફેલાયેલાં અનેક નાનાં નાનાં રાજ્યોની જગ્યાએ એક નવી, કેન્દ્રીય, શાસન વ્યવસ્થાનો ઉદય થયો. એક રીતે એ નવા યુગની શરૂઆત હતી (@૫.૩૧ થી ૭.૦૦).

એ પછી આખો હપ્તો માહાભારતનાં યુદ્ધેતર પરિણામોની દૃશ્યસંવાદ રજૂઆત છે.

મહાભારત જેવી દીર્ઘ કથાને કેવળ દોઢેક કલાકમાં કહેવાનો મોટો પડકાર શ્યામ બેનેગલે સફળતાપૂર્વક ઝીલ્યો છે. ચૂંટેલા પ્રસંગોની ભજવણી ઊપરાંત પંડવાણી જેવા લોકનૃત્ય તેમજ કથકલી જેવા પરંપરાગત નૃત્યપ્રકારને પ્રયોજીને કથાપ્રવાહને સુંદર રીતે આગળ ધપાવાયો છે.

છઠ્ઠો હપ્તો અહીં જોઈ શકાશે.


Disclaimer:

The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.


ક્રમશઃ


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)