જીના શેઠ

પ્રાસ્તાવિક :

વિશ્વના ઇતિહાસમાં એક સીમાચિહ્ન રૂપ ગણાય એવું કુદરત અને જીવન વિશેનું તત્ત્વજ્ઞાન ભારતે આપ્યું છે. સાથે ભારતીય સંસ્કૃતિએ જીવનને સ્પર્શતા દરેક વિષય ઉપર વિશદ છણાવટ કરતાં ગ્રંથો અને શાસ્ત્રો પણ આપ્યાં છે. જેમ કે યો ગ, આયુર્વેદ, જ્યોતિષ, સૌંદર્યશાસ્ત્ર, કામશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, નાટયશાસ્ત્ર વગેરે. જેમાં ‘નાટયશાસ્ત્ર’ કે જેને નાટયકલા સંબંધી પ્રાચીનતમ ગ્રંથ માનવામાં આવે છે. તેના રચયિતા હતા ભરતમુનિ. તેમણે નાટ્યશાસ્ત્રમાં નાટક અને તેનાં વિવિધ પાસાં, નટ, અભિનય, નાટ્યગૃહવિધાન અને નવરસ અંગે વિગતે ચર્ચા કરી છે. જે આજે પણ નાટક અને સિનેમાની કથાઓનું મૂળ છે.

“રંગભૂમિ’ અથવા ‘રંગ’ શબ્દ આપણા દેશમાં લોકસમાજનું રંજન કરવાના પ્રકારો માટે ઘણા પ્રાચીનકાળથી વપરાયો છે. ગીત, વાઘ, નૃત્ય, નાટય આદિ કલાઓના પ્રયોગનાં સ્થળો તેમ જ વ્યાયામ આદિનાં સ્થળો માટે “રંગ” શબ્દ વ્યવહારમાં વપરાતો હતો.

પૂર્વપરંપરા – ઇતિહાસ અને પુરાવાઓ

જગતભરના સાહિત્યમાં નાટકે મહત્ત્વનું સ્થાન ધારણ કર્યું છે. સાહિત્યની સર્વ કૃતિઓમાં કાવ્યને શિખરસ્થાન આપવામાં આવ્યું છે અને કાવ્યમાં પણ નાટકને ઉત્તમ માનવામાં આવ્યું છે, માટે જ કહેવાયું છે કે “काव्येषु नाटकम् रम्यम्”- કાવ્યમાં નાટકની કલા રમ્ય છે અથવા “नाटकान्त कवित्वम् – કવિત્વ પ્રમાણે નાટક રચી જાણે તે જ સાચો કવિ એમ પણ કહેવાયું છે.

કાલિદાસ

સંસ્કૃતમાં પણ નાટકને બહુ ઊંચું સ્થાન મળ્યું છે. તેમાં ભારવી, સસાર દંડી, કાલિદાસ, શૂદ્રક જેવા નાટયકારોનાં નામ આદરથી લેવાય છે તો ભવભૂતિ, બાણ, શૂદ્રક જેવા લેખકોએ પોતાના નાટકોમાં નવી-નવી વાતો મૂકી છે. એવી જ રીતે ગ્રીક ટ્રેજડીસમાં “ઇડિપસ’ અને ‘ઈલેક્ટ્રા’ જેવાં પ્રયોગશીલ નાટકો થયાં તો શેક્સપિયરે ‘હેમલેટ’ અને ‘ઓથેલો’ની કથા કહી અને ઇબ્સન અને શૉ એ પણ પોતપોતાનાં નાટકો દ્રારા પોતાના સમાજના મહત્વના પ્રશ્રો રજૂ કર્યા, અને લોકમાનસને ઘડયું.

ઇબ્સન

નાટક એ બ્રહ્માએ સર્જલો પાંચમો વેદ છે અને કવિ કાલિદાસે તેને ચાક્ષુષ યજ્ઞ કહ્યો છે. સતી પાર્વતી આગળ ભગવાન શિવે પોતે શિવવિન્દકનો પાઠ સાત્વિક અભિનયથી વીતરાગ બની ભજવેલો અને નટરાજ બનેલા. સ્વર્ગમાં પણ નાટકો ભજવાતાં અને ઇન્દ્ર સમા દેવ એને આશ્રય આપતા એમ પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં થયેલા ઉલ્લેખ અનુસાર જાણવા મળે છે. તો રાજા-મહારાજાઓના યુગમાં પણ નાટયકલાને આશ્રય મળી રહેતો.

જ્યોર્જ બનાર્ડ શૉ

સોલંકીયુગના સિદ્ધરાજ જયસિંહના સમયમાં પણ નાટકો ભજવાયેલાં અને રાજા સિદ્ધરાજ વેશપલટો કરી નાટક જોવા જતા એવા નિર્દેશો સાંપડે છે. તો ગુજરાતમાં અણહિલપુરમાં અને બીજે
નાટકો લખાતાં અને ભજવાતાં એની પણ માહિતી મળી આવે છે. વસ્તુપાળની આજ્ઞાથી શત્રુંજય પર – ઋપભદેવ ઉત્સવ પ્રસંગે ‘કરુણા વજયુધ’ નાટક ભજવાયું હતું. આમ, સોલંકીથી વાઘેલાવંશ સુધીના સમયમાં રચાયેલાં કે ભજવાયેલાં નાટકો કે નાટચકૃતિઓના ઉલ્લેખો મળી આવે છે.

જૈન સાહિત્ય

૧૧મી સદીથી અનેક જૈન લેખકો તત્કાલીન ભદ્રવર્ગની ભાષા સંસ્કૃતમાં રચનાઓ કરતા. આ પ્રવાહ લગભગ ૧૮મી સદી સુધી જીવંત રહ્યો. હેમચંદ્રચાર્યના શિષ્ય રામચંદ્ર-ગુણચંદ્રે “નાટય દર્પણ’માં નાટકની વ્યાખ્યા કરી છે કે ‘પ્રેક્ષકોનાં હૃદયને નચાવે તે નાટક.’ રામચંદ્રનાં તો આવાં ૧૧ નાટકો પણ જાણીતાં છે. અનેક જૈન મુનિઓ લોકભાષા ‘જૂની ગુજરાતી’માં પણ લખતા. જૈન સૂરિઓની રાસ અને રાસઉની પ્રણાલી સુવિખ્યાત છે તો બીજી બાજુ ૧૪મી સદીમાં ગુજરાતી લોકનાટય સ્વરૂપે ભવાઈના વેશો પણ ભજવાતા.

ગુજરાતની અસ્મિતા – ગ્રામ્ય નાટ્યમાં

ભવાઈ

ભવાઈ એ ગુજરાતનું એક પરંપરાગત લોકનાટ્ય સ્વરૂપ છે. ભવ એટલે વિશ્વ અને આઈ એટલે માતા. ભવાઈમાં મા અંબાની ભક્તિને કેન્દ્રમાં રાખી નાટક ભજવવામાં આવે છે. ભવાઈના જુદા-જુદા વેશ હોય છે અને તે પ્રત્યેકમાં જુદા-જુદા વિષયો રજૂ થાય છે. ભવાઈ કરનારા કલાકારો નાયક અને ભોજક કોમમાંથી આવે છે અને ‘તરગાળા’ તરીકે ઓળખાય છે. જીવનને જોવાની અને તેમાં રહેલી નિર્બળતાને હાસ્યાસ્પદ રીતે રજૂ કરવાની આવડત તો આ ભવાયાઓને ગળયથૂથીમાંથી વરી છે. એક રાતના પાંચ-છ વેશ ભજવાય. ‘રાત થોડીને વેશ ઝાઝા’ એ કહેવતનું મૂળ અહીં છે.

અસાઈત ઠાકર

ભવાઈ અથવા વેશો તખવા માટે “અસાઇત’ની પ્રતિભાને સન્‍માનથી જોવામાં આવે છે. અસાઇત જૈનેતર કવિઓમાં જૂનામાં જૂનો ગણાય છે. એમણે ‘હંસાઊલી’ નામે લાંબું અને એતિહાસિક કાવ્ય રચ્યું છે. અસાઇતના નામે ૩૬૦ વેશો રચ્યાની વાત પણ વારંવાર સાંભળવામાં આવે છે.

ટૂંકમાં ગુજરાતમાં નાટ્ચકલાનો ઇતિહાસ આમ તો પુરાણાકાળમાં લઈ જાય છે તેમ છતાં અસાઇત ઠાકર રંગભૂમિની પદ્ધતિસરની શરૂઆત લગભગ પોણા

બસો વર્ષ પૂર્વે થયેલી એમ કહી શકાય. અંગ્રેજોના આવ્યા પછી અને પારસીઓના પ્રારંભિક પ્રયાસોને લીધે આપણે ત્યાં રંગભૂમિએ વ્યવસાવિક સ્વરૂપ ધારણ કર્યું જેથી મનોરંજન અને વિવિધ કલાસ્વરૂપોને માણવાનો અવસર સૌ કોઈને પ્રાપ્ત થયો.

નાટ્યગૃહનો વિકાસ

જગતમાં નાટકનો ઉદ્દભવ ધર્મ નિમિત્તે થયો છે અને ત્યારે યજ્ઞવેદીઓ જ નાટ્યશાળાનું પ્રાચીન સ્વરૂપ હતી. યજ્ઞ સમયે નાટકોનો અભિનય રજૂ થતો હતો. ‘હરિવંશ-પુરાણ’ની પ્રદ્યુમ્ન વિવાહની વાર્તામાં વાસુદેવ શ્રીકૃષ્ણે અશ્વમેધ યજ્ઞ કરેલો તેનો ઉલ્લેખ છે અને આ પ્રસંગે ભદ્ર નામના નટ દ્વારા એ સમયે હાજર રહેલા ઋપિમૂનિઓ સામે અદ્ભુત નાટ્યપ્રદર્શન કર્યું હતું અને એથી પુરસ્કારરૂપે તેને અવકાશમાં વિચરણ કરવાનું વરદાન આપવામાં આવ્યું હતું.  પિતામહ બ્રહ્માના આદેશથી મહાન સ્થપતિ વિશ્વકર્માએ બધાં લક્ષણોથી યુક્ત નાટ્યશાળાનું નિર્માણ કર્યું હતું. તેમાં મોટો નાટ્યમંડપ દેવતાઓ માટે, ‘મધ્યમ’ રાજા તથા શ્રેષ્ઠીઓ માટે અને ‘કનિષ્ઠ’ બાકીની પ્રજા માટે નક્કી કરવામાં આવ્યો હતો.

પારસી નાટકમંડળીના સભ્યો

પછીના કાળમાં નાટકની ભજવણીનું સ્થળ મોટા ભાગે રાજમહેલની સંગીતશાળા રહેતું. પ્રેક્ષકોમાં વચ્ચે સિંહાસન પ૨ મહારાજા, આજુબાજુ રાજકુટુંબના સભ્યો, પદાધિકારીઓ, સાહિત્યકારો, વિદ્વાનો તથા ખાસ આમંત્રિત પ્રજાજનો બેસતા. કેટલીક વાર નાટકો મંદિરોમાં તથા જાહેર પટાંગણોમાં પણ ભજવવામાં આવતાં. તો કેટલીક વખત જ્ઞાતિઓના વાડામાં કે મોટા કુટુંબીઓના વાડામાં પણ આવા પ્રયોગો થતા. કેટલીક વખત નાટ્યસંસ્થાઓ ખુલ્લી જમીનમાં ખાડો ખોદી પતરાંની વાડ કરી કાચું નાટ્યગૃહ ઊભું કરીને એમાં નાટકો ભજવતી. આથી એ ‘ખાડાનો ખેલ’ કે ‘ખાડાવાળી રંગભૂમિ’ તરીકે પણ ઓળખાતી.
આમ દરેક સમયે પ્રજાએ પોતપોતાની રીતે રસ્તાઓ કાઢીને નાટક અને રંગભૂમિને પોતાના જીવનમાં સ્થાન આપ્યું જ છે. પાછળથી નાટકોની દેશવ્યાપી રજૂઆત અને પ્રચાર વધતાં નાટ્યશાળા (થિયેટર)ના નિર્માણ માટે પણ રસ જાગ્યો, જેના પ્રતાપે ઘણાં થિયેટરો બંધાયાં.

રચના અને રજૂઆત

જૂની રંગભૂમિનાં નાટકોમાં એક રંગમંચની પ્રથા હતી. નાટકની શરૂઆત પહેલાં ત્રણ ઘંટડીઓ વાગતી. પહેલી ઘંટડી વાગે એટલે કલાકારો તખ્તા પર આવે, પડદાની પૂજા થાય. બીજી ઘંટડીએ બધા જ  કલાકારો તેમજ નેપથ્યના કલાકારોને પ્રયોગની શરૂઆત બાબતે સાવધ થવાનું સૂચન થાય પછી ત્રીજી ઘંટડી વગાડાય તે પૂર્વે પ્રેક્ષકો પ્રેક્ષકગૃહમાં સ્થાપન થઈ ગયા હોય અને પડદો ઊંચકાય તે પહેલાં બંદૂકના ધડાકા જેવો ધડાકો થતો. એક લોખંડની નળીમાં પોટાશ ભરી તેને એક સળિયા દ્વારા દબાણ આપીને ધડાકો કરવામાં આવતો. આ ધડાકો રંગમંચ પર કોઈ પણ અનિચ્છનીય તત્ત્વ હોય તો તેને દૂર કરવાનું પ્રતીક હતું. પછી પૌરાણિક ચિત્રોથી શોભતો પડદો ઊંચકાતો. નાટક શરૂ થવાની આ નિશાની હતી.

તખ્તાની સામે મધ્યસ્થળે હાર્મોનિયમ, તબલાં અને સારંગીવાળા પ્રેક્ષકો તરફ પીઠ કરીને બેઠા હોય. તેમના સંગીતના સૂરો સાથે સૂત્રધાર (દિગ્દર્શક), બાળાઓ અને અન્ય કલાકારો દ્વારા મંગલાચરણથી શુભ શરૂઆત કરવામાં આવતી. આમ બધાં સાથે મળીને જ્યારે સમૂહ પ્રાર્થનાગીત જેવી સ્તુતિ ગાતાં ત્યારે એક જુદા જ પ્રકારની એનર્જી ઉત્પન્ન થતી. જે સામૂહિક ચેતનાને જાગ્રત કરી એક પવિત્ર વાતાવરણ ખડું કરવામાં મદદ કરતી, સંસ્કૃત નાટકોની જેમ મરાઠી તેમ જ ગુજરાતી રંગભૂમિએ આ જ પરંપરા જાળવી રાખી તો બીજી બાજુ માતાજીના ચોકમાં ભજવાતી ભવાઈમાં પણ પ્રારંભ પ્રાર્થના અને પૂજાથી જ થતો.
મંગલાચરણ એટલે ઈશ્વરની, ઇષ્ટદેવની કે ગણપતિની સ્તુતિ. મંગલ આચરણ પરથી શબ્દ થયો તે મંગલાચરણ. જેમાં તખ્તા પર મંગલ આચરણ શરૂ કરવાનો હેતુ એ જ કે આ તખ્તો મંગલકારી વસ્તુઓનું આચરણ કરી લોકોનું મનોરંજન કરવાનો શુભ હેતુ રાખે છે. અમંગલ આચરણને તખ્તા ઉપર એ સમયે કોઈ અવકાશ ન હતો.

દરેક નાટક માટે આવી સ્તુતિની અલગ રચના કરવામાં આવતી, જેની બંદિશ શાસ્ત્રીય રાગ આધારિત રહેતી. આવા થોડાંક સ્તુતિ-પદ્યો પ્રસ્તુત છે જેમાં મંગલાચરણના શુભ ભાવોનો સંકેત છે.

શ્રી ગિરિજાસૂત પૂરણદ્યામ પથમ સ્મરણ પ્રભુ પુનિતદ્યામ
વિઘ્ન હરણ, ગુણનાથ શરણ
રિદ્ધિ સિદ્ધિ આપ ચરણ
સફળ સુયશ દાતા –
ગુણનિધિ જ્ઞાતા –
કોટી કોટી કરું પ્રણામ
શ્રી ગિરિજા સૂત પૂરણદ્યામ

નાટક : ‘વડીલોના વાંકે’

લેખક : પ્રભુલાલ દ્વિવેદી
શ્રી દેશી નાટક સમાજ

પ્રભો પૂર્ણ અવતારને વંદન વારંવાર
લલિત ત્રિભંગી આપ લલિતકલાઓનો સાર
ગોવર્ધન ગોપાલ હે – ગીતાના ગાનારા
કરે વિનંતી  ભારતી – ધરો ફરી અવતાર

નાટક : ‘માયા ને મમતા’

લેખક : મનસ્વી પ્રાંતિવાળા
શ્રી દેશી નાટક સમાજ

આ રીતે દરેક નાટકમાં નાટકની કથાવસ્તુ પ્રમાણે નાટ્યકાર તેના મંગલાચરણમાં એ પરમશક્તિને યાદ કરી મંગલકામના કરતો જોવામાં આવતો. જે મંગલમયભાવ સમગ્ર નાટ્યપ્રયોગ દરમિયાન નાટક કરવાવાળા તથા નાટક જોવાવાળા સૌ કોઈના મનોમસ્તિષ્કમાં કાયમ રહેતો. આવા મંગલ અને શુભભાવો સાથે સૌ કોઈ તખ્તાનો મોભો, મરતબો અને માન પણ જાળવતા.

તખ્તાનો મોભો

રંગભૂમિના તખ્તાનો મોભો પણ કેવો હતો ? ચાલુ નાટકે બૂટ-ચંપલ પહેરીને તમે ત્યાં જઈ ન શકો. નાટક પૂરતો બીડી, શરાબનો પ્રવેશ આવે એ ભલે બાકી તખ્તા ઉપર તમે તમારી આદત મુજબ એવું કાંઈ કરી ન શકો. મેકઅપ કરી તૈયાર થઈ જેવા કલાકારો તખ્તા ઉપર આવે કે તરત જ મુખ્ય પડદાને સંપૂર્ણ પૂજ્યભાવે નમન કરવાનું, રંગદેવતાનું ધ્યાન ધરવાનું અને પછી જ અન્ય ક્રિયામાં પ્રવૃત્ત થવાનું. જે-જે શહેરમાં સંસ્થા નાટક ભજવવા જાય તેની પ્રથમ રાત્રિએ તખ્તાને સમુદ્રના પાણીથી સાફ કરી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવામાં આવતી. અગરબત્તીના ધૂપ અને શ્રીફળથી ડ્રોપ પડદાનું પૂજન થતું. હવે માનો તો આ પરંપરા છે, ભક્તિ છે ને ન માનો તો કિયાકાંડ કે વિધિવિધાન છે. આખરે બધું માણસની ભાવના પર આધાર રાખે છે, પણ આ પરંપરાને લીધે નાટકની પવિત્રતા જળવાતી.

વિશ્વરંગભૂમિના સંદર્ભમાં આજે પણ ભારતીય કાવ્યનાટ્યપરંપરાને આદરથી જોવામાં આવે છે. એ એના માંગલ્યપૂર્ણ જીવનદર્શનને કારણે જ. જીવનદ્રશન એટલે જીવન તરફ જોવાનો દૃષ્ટિકોણ  અને આનંદતો એ વાતનો છે કે આ જીવનદર્શન વ્યવહારમાં પણ આવ્યું. તેથી જ આજે પણ કેટલાય અભિનેતાઓ કે કલાકર્મીઓ સ્ટેજ પર જતાં એને વંદન કરે છે. રમતવીરો પણ મેદાનમાં જતાં પહેલાં તેની માટીને નમન કરીને તેનું ઋણ સ્વીકાર કરતા જોવા મળે છે. તો જૂના જમાનાની વ્યાસાયિક પેઢીઓ પર પણ કેટલાક વણલખ્યા નિયમો પળાતા, મેં, તમે અને આપણે જોયા હશે, કારણ ભારતીય સંસ્કૃતિએ ક્યારે પણ બાહ્ય પ્રવૃત્તિને મહત્ત્વ નથી આપ્યું. આંતર જગત, આંતરિક વિકાસ અને આંતરિક સમૃદ્ધિ જે એનું લક્ષ્ય રહ્યું છે, ક્ષેત્ર ભલે ગમે તે હોય.


ક્રમશઃ


હવે પછી – નાન્દી : દુનિયાનું દર્પણ

સુશ્રી જીનાબેન શેઠનો સંપર્ક આ વિજાણુ સરનામે થઈ શકે છેઃ jeenavsheth@gmail.com