ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

તસવીરમાં જોઈ શકાય છે કે પ્રથમ દૃષ્ટીએ પખાવજનો દેખાવ અગાઉ વર્ણવેલાં ઢોલક, ઢોલકી, માદલ કે ખાસ કરીને મૃદંગ સાથે ખાસ્સો મળતો આવે છે (અમુક જાણકારો પખાવજને મૃદંગનું ઉત્તર ભારતીય સ્વરૂપ કહે છે) . એ બધાં તાલવાદ્યોની જેમ જ પખાવજ પણ સાગ કે અન્ય કોઈ મજબૂત વૃક્ષના થડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. થડના લગભગ બેથી અઢી ફીટ જેટલા ટૂકડાને લઈ, તેને અંદરથી પોલો કરી દેવામાં આવે છે. જો કે કેટલાક કલાકારો માટી વડે બનાવાયેલા પખાવજનો આગ્રહ રાખતા હોય છે. તે પછી બન્ને બાજુના ખુલ્લા છેડા પર બકરા, ઘેટા કે ભેંસના ચામડા વડે તેને મજબૂતીથી સેવી લેવાય છે. સીલાઈ માટે ચામડામાંથી બનાવાયેલા પાતળા પટ્ટા વપરાય છે. અપેક્ષિત બોલ નીપજાવવા માટે બેય બાજુના ચામડાનું ખેંચાણ ચોક્કસ દરજ્જાનું કરવા માટે પખાવજની રચનાના નળાકારની ઉપસેલી બાજુએ લાકડાના નાના કદના ઘન નળાકાર ટૂકડાઓ ગોઠવવામાં આવે છે.

દેખાવે મૃદંગ કે ઢોલ જેવું આ વાદ્ય તેના વાદનથી શી રીતે અલગ પડે તે સવાલ થવો સ્વાભાવિક છે. જાણકારો આ બાબત આસાનીથી સમજી શકે પણ એક સરેરાશ સંગીતપ્રેમી ભાવકને સરળ શબ્દોમાં સમજાવી શકાય કે સરખામણીએ પખાવજનો અવાજ વધુ ઘેરો અને ઊંડાણવાળો હોય છે. આ કારણથી કોઈ ફિલ્મી ગીત સાથે તેનો ઉપયોગ સળંગ થાય તે શક્યતા ઓછી હોય છે. આખા ગીતના કોઈ ચોક્કસ ભાગમાં તે પ્રયોજાતું હોય છે. કાનને શ્રવણથી કેળવતા જવાથી આ તાલવાદ્યના બોલ અલગ તારવી સ્શકાય છે.

પખાવજનો ઉપયોગ મહદઅંશે ધ્રુપદ શૈલીના શાસ્ત્રીય ગાન સાથે તેમ જ કથ્થક અને ઓડીસી જેવી નૃત્ય શૈલી સાથે સંગત કરવા માટે કરાય છે. સુખ્યાત પખાવજવાદક પંડીત ભવાની શંકરને આ તાલવાદ્ય પર જપતાલ વગાડતા સાંભળવાથી તેના બોલનો ખ્યાલ આવશે.

હવે કેટલાંક પખાવજપ્રધાન ફિલ્મી ગીતો માણીએ.

શરૂઆત કરીએ ૧૯૪૯ના વર્ષમાં પરદા પર આવેલી મશહૂર ફિલ્મ મહલનાં બે ગીતો સાથે. તેના સંગીતકાર ખેમચંદ પ્રકાશે એવી ધૂનો સર્જી હતી કે પોણી સદીનાં વ્હાણાં પણ આ ફિલ્મનાં ગીતોની તાજગીમાં કશીય ઝાંખપ લાવી નથી શક્યાં.

પહેલાં સાંભળીએ પખાવજના તાલથી સભર એવું ગીત, ‘એક તીર ચલા દિલ પર લગા’.

એ જ ફિલ્મનું અન્ય ગીત ‘દિલ ને ફીર યાદ કીયા, બેવફા લૌટ કે આ’ માણીએ. આ ગીત સાથે પણ પખાવજનો ઉપયોગ મુખ્ય તાલવાદ્ય તરીકે કરાયો છે.

૧૯૫૬ની ફિલ્મ ન્યુ દિલ્હીનું ગીત ‘મુરલી બૈરન ભયી’ આજે પણ સંગીતની મહેફીલોમાં ગવાતું/સંભળાતું રહે છે, શંકર-જયકિશનના સંગીતથી સજેલા આ ગીતમાં પખાવજના બોલ સ્પષ્ટ સાંભળી શકાય છે,

https://www.youtube.com/watch?v=SlnI7xJL5e0&list=RDSlnI7xJL5e0&start_radio=1

આગળ વધીએ ફિલ્મ નવરંગ (૧૯૫૯)ના ગીત ‘કારી કારી કારી અંધિયારી થી રાત’ તરફ. વસંત દેસાઈના નિર્દેશનમાં બનેલા આ નૃત્યગીતમાં ચોક્કસ સ્થાને પખાવજના તાલનો સંગાથ ખુબ જ ઈષ્ટ લાગે છે. આ ગીતની બાંધણી બહુ વિશિષ્ટ છે. પહેલાં તેમાં શબ્દોનું પઠન છે અને પછી એ જ શબ્દોનું ગાયનરૂપે પુનરાવર્તન થાય છે. આમાં ‘જબ સઘન ગગન પે ગરજ ઉઠી’ શબદાવલી પછી વાદળોના ગરજવાના અવાજની અસર પખાવજવાદન વડે ઉપસાવવામાં આવી છે.

https://www.youtube.com/watch?v=Vw2DLtEcKzQ&list=RDVw2DLtEcKzQ&start_radio=1

૧૯૭૧ના વર્ષમાં રજૂ થયેલી ફિલ્મ પાકીઝાની સાફળતામાં તેનાં ગુલામ મહંમદનાં બનાવેલાં ગીતોનું મોટું પ્રદાન હતું. ઉલ્લેખનીય છે કે કેટલાંક કારણોસર આ ફિલ્મનું નિર્માણ અધવચ્ચે અટકી પડ્યું હતું અને છેક અગીયાર વરસ પછી ચાલુ થયું હતું. જો કે એ સમયગાળામાં ગીતો તો રેકોર્ડ થઈ ગયાં હતાં. છેવટે ફિલ્મ પરદા ઉપર આવી, ત્યારે ખેમચંદ પ્રકાશ તેમના સંગીતની સફળતા જોવા માટે આ દુનિયામાં નહોતા રહ્યા. આ ફિલ્મનું પખાવજપ્રધાન ગીત ‘કૌન ગલી ગયો શ્યામ’ સાંભળીએ.

ફિલ્મ એક નયી પહેલી (૧૯૮૪) માટે ગીતો લક્ષ્મીકાંત-પ્યારેલાલની જોડીએ તૈયાર કર્યાં હતાં. તેના ગાત ‘ઈસ મન કો ઈક ઠેસ લગી’ના વાદ્યવૃંદમાં તાલવાદ્ય તરીકે પખાવજનો ઉપયોગ થયો છે.

હવે પછીનું ગીત ૨૦૦૭ની ફિલ્મ ભૂલભૂલૈયાનું ‘મેરે ઢોલના’ છે. પ્રીતમે સ્વરબદ્ધ કરેલા આ ગીતમાં પખાવજના બોલ સતત ધ્યાન ખેંચતા રહે છે.

૨૦૧૫માં પરદા પર આવેલી ઐતિહાસિક ફિલ્મ બાજીરાવ મસ્તાનીનું એક પખાવજના બોલોની સંગત ધરાવતું ગીત ‘બજને દે ધડક ધડક’ સાંભળીએ. આ ફિલ્મનાં ગીતો તેના દિગ્દર્શક સંજય ભણસાલીએ જ તૈયાર કર્યાં હતાં. પરદા ઉપર અલબત્ત, કલાકારો ઢોલ વગાડતા દેખાડવામાં આવ્યા છે.

આમ તો આ શ્રેણીમાં હિન્દી ફિલ્મી ગીતોનો સમાવેશ કરવાનો ધારો રાખ્યો છે, પણ અપવાદરૂપે એક સંગીતપ્રધાન મરાઠી ફિલ્મ કટ્યાર કલેજિત ઘૂસ લીનું એક ગીત ‘દિલ કી તપીશ’ સાંભળીએ. મૂળ જીતેંદ્ર અભિષેકીએ તૈયાર કરેલી શાસ્ત્રીય ધૂનને ફિલ્મી ગાયકીના ઢાળમાં શંકર-એહસાન-લોયની સંગીતકાર ત્રીપૂટીએ ઢાળી છે. સંગત પૂરાવતા પખાવજના બોલ ખાસ્સા ધ્યાનાકર્ષક બન્યા છે.

આખરમાં સાંભળીએ ફિલ્મ પદ્માવત(૨૦૧૮)નું પ્રખ્યાત એવું ‘ઘૂમર’ નૃત્યગીત. આ ઐતિહાસિક ફિલ્મના દિગ્દર્શક સંજય ભણસાલીએ ફિલ્મના ગીત-સંગીતનો હવાલો પણ પોતે જ સંભાળ્યો હતો.


નોંધ :

૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


સંપર્ક સૂત્રો :

શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com