લતા હિરાણી
એક નાનકડું વાદળ ! બધા એને છોટુ કહે. આકાશમાં આમતેમ ઊડ્યાં કરે. ડોલતું જાય, નાચતું જાય, કૂદતું જાય ને વરસતુંયે જાય, એટલે પછી શું થાય ? બોલો બોલો, શું થાય ? પાણી ખાલી થઈ જાય ! પછી નાનકડું વાદળ સૂકું વાદળ બની જાય ! સાવ સૂકું સૂકું રૂના પોલ જેવું. એને થાય કે હું પાણીથી છલોછલ થઈ જાઉં તો કેવું સારું ! ધરતી પર વરસું. મારાં પાણીથી છોડ ઊગે. વૃક્ષો વધે. જંગલ લહેરાય. ખેતરમાં અનાજ ઊગે. મને એ બધું જોવાની કેવી મજા આવે ! પણ પાણી લાવવું ક્યાંથી ?
એકવાર એ ફરતું ફરતું પહાડ પર પહોંચ્યું. પહાડના શિખર પર બરફ જ બરફ. એ પહાડના ઢોળાવ સુધી ગયું. ત્યાં જાણે બરફની પાટો જ પાટો ખડકાઈ હતી. એની નીચેથી કૂદતું કૂદતું એક મજાનું ઝરણું વહેતું હતું. વાદળે ઝરણાને જોયું. એને ઝરણું બહુ જ ગમી ગયું. એને થયું હું આ ઝરણા સાથે દોસ્તી કરું. એ મને થોડુંક પાણી આપશે.
એ ઝરણાની નજીક ગયું. ‘એય તારું નામ શું ?’
ઝરણું કંઈ ન બોલ્યું.
વાદળને લાગ્યું કે ગડબડ થઈ છે. એણે શાંતિથી ને પ્રેમથી કહ્યું, ‘હાય, ડિયર…’
હવે ઝરણાંએ એની સામે જોયું.
‘તારું નામ શું છે ? તું મારી સાથે દોસ્તી કરીશ ?’
‘મારું નામ સ્માર્ટ છે.’
‘હાય સ્માર્ટ, તું મારું દોસ્ત બનીશ?’
‘હું તો બધાંનું દોસ્ત છું’ ઝરણું બોલ્યું.
‘એ તો બરાબર પણ આપણે પાક્કા દોસ્ત.’વાદળ બોલ્યું.
ઝરણાએ કહ્યું, ‘ડન. ચાલ હાથ મિલાવ ! પણ એક શરત છે. તારે પછી છુપાઈ નહીં જવાનું. મારી સાથે રહેવું પડશે. રોજ વાતો કરવી પડશે.’
વાદળ કહે, ‘ડન ડિયર’
પછી તો ઝરણું અને વાદળ બંને પાક્કા દોસ્ત બની ગયા. ઝરણું કૂદાકૂદ કરતું નીચે તરફ દોડે. વાદળ પણ એની સાથે દોટ મૂકે. ક્યારેક વાદળ હાંફી જાય તો ઝરણું એને હાથ પકડીને ખેંચી લે. બંને રોજ કેટલી બધી લાંબી લાંબી વાતો કરે. આ બંનેની વાતો આજુબાજુ ઊગેલા ફૂલ વેલ, અને વૃક્ષો સાંભળે. સહુને મજા પડે.
એક દિવસ વાદળે કહ્યું. ‘ઝરણા, મારે તારી પાસેથી કશુંક જોઈએ છે.’
‘બોલ ને શું જોઈએ છે ! આપણે તો પાક્કા દોસ્ત છીએ.’
વાદળ કહે, ‘હું સાવ સૂકું સૂકું છું. તું મને તારું પાણી ન આપે !’
ઝરણું કહે, ‘એમાં શું ? પણ થોડા દિવસ રાહ જો. આટલા પાણીથી તારું કંઈ નહીં વળે. મારી સાથે ચાલ. તને ખૂબ પાણી અપાવીશ.’
વાદળ ખુશ થઈ ગયું. એના પગમાં તાકાત આવી ગઈ. ઝરણું અને વાદળ પર્વત પરથી દોડવા લાગ્યા. દોડતાં દોડતાં નીચે પહોંચ્યા. ત્યાં એક નદી આવી. ઝરણું તો ભફાંગ કરતું કૂદયું નદીમાં. વાદળ મૂંઝાઈ ગયું.

વાદળ બહાવરું બનીને ઝરણાંને શોધવા લાગ્યું. ત્યાં નદીમાંથી અવાજ આવ્યો.
‘જો વાદળ, હું અહીં છું. અહીં કેટલું બધું પાણી છે ! તારે જેટલું જોઈએ એટલું લઈ લે.’
વાદળની આંખમાં આંસુ આવી ગયા. એને વહાલું ઝરણું ક્યાંય દેખાતું નહોતું. ઝરણાંને શોધવા એ તો નદીની સાથે દોડવા માંડ્યુ.
નદી કહે, ‘તું દુખી ન થા. ઝરણું મારામાં ભળી ગયું છે પણ તારે પાણી જોઈએ છે ને, ચાલ મારી સાથે ચાલ.’
એ નદીની સાથે સાથે દોડવા માંડ્યુ. રસ્તામાં ખેતર આવ્યાં, જંગલ આવ્યાં,, શહેર આવ્યાં, ગામડાંઓ આવ્યાં. એમ કરતાં કરતાં એક દિવસ દૂરથી દેખાયો દરિયો. ગરજતો, ઊછળતો દરિયો. મોટાં મોટાં મોજા ઉછળે અને પાણીની તો રેલમછેલ !
‘લઈ લે પાણી તારે જોઈએ એટલું.’ કહેતાં નદી દોડીને દરિયામાં સમાઈ ગઈ.
વાદળ મૂંઝાઈ ગયું, આ શું થાય છે ! ઝરણું નદીમાં ગુમ થઈ ગયું અને નદી દરિયામાં ગુમ થઈ ગઈ. કંઈ નહીં. હવે નિરાશ થયે શું વળે ? હું પાણી ભરી લઉં. એમ વિચારી વાદળે પોતાનામાં ખૂબ પાણી ભરી લીધું.
દરિયાને બાય બાય કહીને એ તો ઊડ્યું. રસ્તામાં ધરતી પર છાંટણા છાંટતું જાય. જીવ, જંતુ, પશુ, પંખી, જંગલ, ઝાડી, માનવ બધાં ખુશ ખુશ થઈ ગયા. ઊડતું ઊડતું વાદળ ફરી પોતાના પહાડ પર પહોંચ્યું. નજર માંડી તો પેલું ઝરણું ઊભું ઊભું હસતું હતું. વાદળને જોઈને ખિલખિલ હસી પડ્યું.
‘ક્યારનું તારી રાહ જાઉં છુ. તું ક્યાં હતું?’
‘અરે તું ક્યાં ગુમ થઈ ગયું હતું?”
‘હું તો અહીં જ છુ.’વાદળ અને ઝરણું ભેટી પડ્યા.

@@
લતા હિરાણી * એક હતી વાર્તા * સ્વયં પ્રકાશન ૨૦૨૧
